દુનિયાથી કટ થઈને આંદામાન-નિકોબાર આઇલૅન્ડ પર રહેતા આ આદિવાસીઓને મળવા માટે પહોંચી ગયેલા એક વ્લૉગરને કારણે સેન્ટિનલ આઇલૅન્ડ ફરી
આકાશમાંથી નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ આવો દેખાય છે.
દુનિયાથી કટ થઈને આંદામાન-નિકોબાર આઇલૅન્ડ પર રહેતા આ આદિવાસીઓને મળવા માટે પહોંચી ગયેલા એક વ્લૉગરને કારણે સેન્ટિનલ આઇલૅન્ડ ફરી એક વાર દુનિયાની નજરમાં આવ્યો છે ત્યારે મારીએ લટાર ૬૦ કિલોમીટરમાં ફેલાયેલા અને હજી પણ ૭૦,૦૦૦ વર્ષ જૂની દુનિયામાં જીવતા સેન્ટિનલ આઇલૅન્ડ અને ત્યાંના લોકોના જીવનમાં
વાત છે ૨૦૧૮ના નવેમ્બર મહિનાની.
ADVERTISEMENT
જૉન ઍલન ચાઉ નામનો એક અમેરિકન નક્કી કરે છે કે તે આંદામાન-નિકોબારના નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પર જશે. આ જે આઇલૅન્ડ છે એના પર જગતની સૌથી છેલ્લી એવી જાતિ રહે છે જે ઓછામાં ઓછાં ૮૦૦ વર્ષથી દુનિયામાં કોઈની સાથે સંપર્કમાં નથી. એની પોતાની બોલી છે, એનો પોતાનો વ્યવહાર છે અને એની પોતાની રીતભાત છે. જીઝસ ક્રાઇસ્ટ અને ક્રિશ્ચિયન સંપ્રદાયની વાતોથી જૉન એ હદે અભિભૂત છે કે તેણે નક્કી કર્યું છે કે આ આઇલૅન્ડ પર રહેતા સેન્ટિનલ લોકોને મળીને તે જીઝસનો સંદેશ સંભળાવશે અને તેમને બાઇબલ ભેટ આપશે. આ ગાંડપણ છે, પણ જૉનને લાગે છે કે જીઝસ માટે આ કામ કરવું જ રહ્યું.
૨૬ વર્ષનો જૉન ૧૧ નવેમ્બરે ઇન્ડિયા આવે છે અને ૧૪ નવેમ્બરે સ્થાનિક માછીમારને સેન્ટિનલ લઈ જવા માટે ૨પ,૦૦૦ રૂપિયા આપે છે. નૅચરલી માછીમાર તૈયાર નથી થતો એટલે જૉન તેને પોતાની હદ સુધી લઈ જવા માટે મનાવે છે અને પછી પોતાની સાથે રબરની બોટ લે છે. આ ઉપરાંત પણ જૉન પોતાની સાથે ફુટબૉલ, પાણીમાં પણ કામ કરી શકે એવો વૉટરપ્રૂફ ગો-પ્રો કૅમેરા, ડ્રાય્ડ ફિશ અને જીઝસનો સંદેશ જેમાં છે એ બાઇબલ પણ સાથે લે છે. રાતના સફર શરૂ થાય છે જેથી ઇન્ડિયન કોસ્ટગાર્ડની નજરે પોતે ચડે નહીં અને જૉન સેન્ટિનલ આઇલૅન્ડ પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછીનું વર્ણન જૉને પોતાની ડાયરીમાં લખ્યું હતું. જૉન આ આઇલૅન્ડ પર બે વખત ગયો. બન્ને વખત તેને કડવો અનુભવ થયો અને તે બચીને પાછો આવી ગયો, પણ ત્રીજી વાર ગયા પછી જૉન ક્યારેય પાછો ન આવ્યો. જૉનને સેન્ટિનલ લોકોએ મારી નાખ્યો. જૉનને લઈને જે માછીમાર ગયો હતો તેણે જ પાછા આવીને આંદામાન ઑથોરિટીને આ સમાચાર આપ્યા.
આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થવાનું હતું ૨૪ વર્ષના અમેરિકન મિખાઇલો વિક્ટરોવિચ પોલ્યકોવ સાથે. યુટ્યુબર એવો મિખાઇલો માર્ચના છેલ્લા સપ્તાહમાં ઇન્ડિયા આવ્યો અને ૨૯ માર્ચે તે સેન્ટિનલ આઇલૅન્ડ પર ગયો. નસીબજોગે તેને કોઈ મળ્યું નહીં એટલે તેણે સેન્ટિનલ લોકો માટે નારિયેળ અને ડાયટ કોકનું ટિન આઇલૅન્ડના કિનારે મૂકી દીધું અને પાછો આવી ગયો. જોકે એક માછીમારે સ્થાનિક અધિકારીઓને ઇન્ફર્મેશન આપી દેતાં સોમવારે ૩૧ માર્ચે મિખાઇલોની અરેસ્ટ થઈ અને દુનિયાભરના મીડિયામાં ફરી એક વાર નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ ઝબકી ગયો.
માનવપ્રતિબંધ એવા આંદામાન-નિકોબારના આ આઇલૅન્ડ વિશે જાણવા જેવું છે.
સેન્ટિનલીઓના હાથમાં હથિયાર તરીકે જે તીરકામઠાં હોય છે એની સાઇઝ જોશો તો તમને ખબર પડશે કે આ તીરથી કોઈ બચી ન શકે.
આઇલૅન્ડનું અતથી ઇતિ
ભારત સરકારની યુનિયન ટેરિટરી એવા આંદામાન-નિકોબારમાં કુલ પ૭૨ આઇલૅન્ડ છે. આ તમામ આઇલૅન્ડને નૉર્થ-મિડલ આંદામાન, સાઉથ આંદામાન અને નિકોબાર એમ ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આંદામાન-નિકોબારના પ૭૨ આઇલૅન્ડમાંથી માત્ર ૩૨ આઇલૅન્ડ પર માનવજીવન છે અને આ બત્રીસમાંથી ૧૨ જ આઇલૅન્ડ એવા છે જેના પર ટૂરિસ્ટને જવાની પરમિશન છે. આંદામાન-નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર છે. આ પોર્ટ બ્લેરથી આપણે જેની વાત કરવાની છે એ નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ એક્ઝૅક્ટ પ૦ કિલોમીટર દૂર છે. સેન્ટિનલની વાત કરીએ તો આ આઇલૅન્ડ માત્ર ૬૦ કિલોમીટરના રેડિયસમાં ફેલાયેલો છે, પણ એની બ્યુટી એ છે કે આ આઇલૅન્ડ પર માત્ર ને માત્ર જંગલ છે જેમાં ઓછામાં ઓછી ૪૦૦૦ જાતિનાં વૃક્ષો છે. અહીં રહેતા લોકો આ જ ઝાડ અને ત્યાં થતાં અન્ય ફૂલ-પાન પર પોતાનું જીવન વિતાવે છે એવું માનવામાં આવે છે. અહીં રહેતા લોકોને આપણે નૉર્થ સેન્ટિનલના નામે ઓળખીએ છીએ, પણ કોઈને ખબર નથી કે એ લોકો ખરેખર કઈ જાતિના છે કે પછી ત્યાં કોઈ જાતિવાદ જેવું છે કે નહીં.
મધુમાલા ચટ્ટોપાધ્યાય અને સેન્ટિનલીઓ. મધુમાલા પહેલી એવી મૉડર્ન વ્યક્તિ હતાં જેમની સાથે સેન્ટિનલીઓએ ફ્રેન્ડ્લી વ્યવહાર કર્યો અને તેમની સાથે બેઠા.
એવું અનુમાન લગાવવામાં છે કે તેઓ ૭૦,૦૦૦ વર્ષ પહેલાં ઈસ્ટ આફ્રિકાથી હિજરત કરીને નીકળેલા લોકો છે. આ એ લોકો છે જે એ સમયના મૉડર્ન લોકો ગણાતા હતા. આ પ્રકારના લોકોનો ઉલ્લેખ ઇઝરાયલ રાઇટર, ઇતિહાસકાર યુવલ નોઆ હરારીની બુક ‘સૅપિયન્સ : અ બ્રીફ હિસ્ટરી ઑફ હ્યુમન કાઇન્ડ’માં પણ છે. સૅપિયન્સ તરીકે ઓળખાતા આ લોકોનું જે જૂથ જમીનમાર્ગે આગળ વધ્યું એ બીજાઓ સાથે હળવા-મળવાની બાબતમાં ઍક્ટિવ રહ્યું, પણ જે જૂથ અલગ પડ્યું અને જે આ પ્રકારના જીવન વિનાના આઇલૅન્ડ પર જઈને રહેવા માંડ્યું એ લોકો ધીમે-ધીમે દુનિયાથી કપાઈ ગયા અને એક તબક્કે મોડર્ન ગણાતા આ લોકો આઇસોલેટ થઈ ગયા. એવું માનવામાં આવે છે કે આ એ પ્રજા છે જે આજે પણ પથ્થરયુગમાં જ જીવે છે. એવી પણ ધારણા મૂકવામાં આવે છે કે આ જગતની છેલ્લી એવી જાતિ છે જેને ખેતી વિશે પણ કંઈ ખબર નથી; કારણ કે ખેતીની શોધ ૧૨,૦૦૦ વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે સેન્ટિનલ લોકો તો ૩૦,૦૦૦ વર્ષથી એકલા જ રહે છે!
ખબર પડી પહેલી વાર
આ આઇલૅન્ડનો ઉલ્લેખ અનેક જગ્યાએથી મળે છે, પણ એ બધામાં નવો અને તાજો ઉલ્લેખ જો શોધવા જાઓ તો તમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હિસ્ટરીમાં મળે છે. વાત છે ૧૭૭૧ની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શિપ નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પાસેથી પસાર થયું ત્યારે રાતના સમયે આઇલૅન્ડ પર પ્રકાશ જોવા મળ્યો જે આગ લગાડીને ઊભો કર્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શિપના કૅપ્ટને નક્કી કર્યું કે સવારે આઇલૅન્ડ પર જવું. જોકે વહેલી સવારે આઇલૅન્ડ પરથી યુદ્ધનું એલાન થતું હોય એમ તીરોનો મારો શરૂ થયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શિપ જગ્યા છોડીને આગળ વધી ગયું.
એ પછી સેન્ટિનલનો ઉલ્લેખ આવે છે ૧૮૬૭માં. ઇન્ડિયન મર્ચન્ટ શિપનો આ આઇલૅન્ડ પર ઍક્સિડન્ટ થયો. શિપ પર ૧૦૦ જેટલા પૅસેન્જર હતા. શિપ પર હુમલો થયો એમાંથી ૪૦ જેટલા પૅસેન્જર બચીને મહામુશ્કેલીએ પાછા આવ્યા અને તેમણે આઇલૅન્ડ વિશે બહાર વાત કરી. એ પછી ૧૮૮૦માં બ્રિટિશ ગવર્નમેન્ટનો એક નેવી ઑફિસર પોર્ટમૅન નક્કી કરે છે કે તે નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પર જશે અને ત્યાંના લોકોને સિવિલિયન બનાવશે. પોર્ટમૅન આંદામાન-નિકોબારના અન્ય આદિવાસીઓને લઈને આઇલૅન્ડ પર જાય છે, પણ કલાકમાં જ ખબર પડી જાય છે કે સેન્ટિનલ આઇલૅન્ડના લોકોની બોલી અને અન્ય આદિવાસીઓની બોલીમાં જમીન-આસમાનનો ફરક છે. અન્ય આદિવાસીઓ આ લોકોની ભાષા સમજી જ નથી શકતા. પાછા આવતી વખતે પોર્ટમૅનને આઇલૅન્ડ પર એક મિડલએજ કપલ અને તેમની સાથે ૪ બાળકો મળે છે. પોર્ટમૅન નક્કી કરે છે કે આ ૬ જણને સાથે પોર્ટ બ્લેર લઈ જવા અને તેમને થોડા સમયમાં સિવિલિયન બનાવી પાછા લઈ આવીને અન્ય લોકો સાથે કમ્યુનિકેશન માટે વાપરવા. પોર્ટમૅન એ ૬ જણને કિડનૅપ કરીને પોર્ટ બ્લેર લઈ આવે છે, પણ ૪ જ દિવસમાં કપલનું મોત થાય છે અને પોર્ટમૅન નોટિસ કરે છે કે બહારની દુનિયા સાથે રહેવું આ લોકો માટે અસંભવ છે. પોર્ટમૅન પોતે જ પેલા ૪ છોકરાઓને સામે ચાલીને આઇલૅન્ડ પર છોડી આવે છે.
આઝાદ ભારતનું આઇલૅન્ડ
હિન્દુસ્તાન આઝાદ થયા પછી પણ શરૂઆતનાં વર્ષોમાં આ આઇલૅન્ડનો કૉન્ટૅક્ટ કરવામાં નહોતો આવ્યો. અરે, પોર્ટમૅનના અનુભવ પછી બ્રિટિશરોએ પણ આ આઇલૅન્ડ પર પઝેશન મેળવવાની કોશિશ નહોતી કરી. આઝાદી પછી ભારતે પહેલી વાર ૧૯૬૭માં નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પર રહેતા લોકોનો કૉન્ટૅક્ટ કર્યો, જેની આગેવાની લીધી ભારતીય માનવવિજ્ઞાન સંશાધનના ડિરેક્ટર ત્રિલોકનાથ પંડિતે. પંડિતજીએ ૨૦ લોકોની ટીમ બનાવી અને તે રૂબરૂ આઇલૅન્ડ પર ગયા, પણ કોઈ મળ્યું નહીં. એ પછી તો સમયાંતરે વારંવાર તેમનો સંપર્ક કરવાની કોશિશ થઈ, પણ ક્યારેક સામે હુમલો થયો તો ક્યારેક એ લોકો ગાયબ થઈ જતા. એ પછીના દશકામાં આંદામાન-નિકોબાર આઇલૅન્ડ પર પહેલી વાર ડૉક્યુમેન્ટરી બની જેમાં આ આઇલૅન્ડ પણ દૂરથી શૂટ કરવામાં આવ્યો. નસીબજોગે એ સમયે આઇલૅન્ડના લોકો બહાર આવી ગયા અને ડૉક્યુમેન્ટરીમાં સેન્ટિનલ લોકો આવી ગયા. સેન્ટિનલની આદિવાસી પ્રજા આ રીતે પહેલી વાર દુનિયાની સામે આવી. જોકે ત્યાર પછી તરત જ બીજી તક મળી.
૧૯૯૧ના જાન્યુઆરીમાં પહેલી વાર સેન્ટિનલોએ ફ્રેન્ડ્લી અપ્રોચ દેખાડ્યો. બન્યું એવું કે આ જ સંશાધનનાં મધુમાલા ચટ્ટોપાધ્યાય આઇલૅન્ડ પર ગયાં અને તેમના પર કોઈ હુમલો કરવામાં આવ્યો નહીં. મધુમાલા પાસેથી નારિયેળની ગિફ્ટ પણ લેવામાં આવી અને તેમને સલામતી સાથે રવાના પણ થવા દેવામાં આવ્યાં. મધુમાલા સાથે ત્યાર પછી ત્રિલોકનાથ પંડિત પણ એક વાર ગયા. એ સમયે પણ તેમની સાથે સારો વ્યવહાર થયો, પણ પછી ઠેરના ઠેર. એ પછી જ્યારે પણ સંપર્ક થયો કે અનાયાસ કોઈ ત્યાં પહોંચી ગયું તેના પર હુમલો થવા માંડ્યો. વારંવારના આ અનુભવ પછી ૧૯૯૭માં ભારત સરકારે નક્કી કર્યું કે Eyes On, Hands Off અર્થાત્ આપણે આઇલૅન્ડ પર નજર રાખીશું, તેમને કંઈ જરૂર હશે તો જરૂરિયાત પૂરી કરીશું; પણ દોસ્તી માટે હાથ નહીં લંબાવીએ; તેમની પોતાની જિંદગી છે, તેમને મસ્ત રીતે જીવવા દો; હવે તેમને ડિસ્ટર્બ કરવા નથી.
ભારત સરકારે આ આઇલૅન્ડ પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો.
હુમલાને કારણે ખુશી
ર૦૦૪માં આંદામાન-નિકોબારમાં સુનામી આવી એ સમયે ભારત સરકારે સેન્ટિનલ આઇલૅન્ડના લોકોની હાલત જોવા માટે હેલિકૉપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ કર્યું હતું. કલાકના એ નિરીક્ષણમાં આઇલૅન્ડ પર કોઈ જાતની હલચલ જોવા મળી નહીં એટલે હેલિકૉપ્ટર જમીનની નજીક લાવવામાં આવ્યું અને જેવું એ જમીનની નજીક આવ્યું ત્યાં જ જમીન પરથી સેન્ટિનલ લોકોનાં તીરનો વરસાદ શરૂ થઈ ગયો. પહેલી વાર આ હુમલાએ નિરીક્ષણ માટે ગયેલા લોકોને ખુશી આપી હતી. તેમને થયું હતું કે એ લોકો પણ સલામત છે અને તેમની માનસિકતા પણ અકબંધ છે. જોકે ૨૦૦૬માં એક ઘટના એવી ઘટી કે માત્ર આઇલૅન્ડ જ નહીં, આજુબાજુનો એરિયા પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો.
૨૦૦૬માં ભૂલથી આઇલૅન્ડની નજીક પહોંચી ગયેલા બે માછીમારોને આ જડભરત પ્રજાએ મારી નાખ્યા અને સરકારે નક્કી કર્યું કે માત્ર આઇલૅન્ડ પર જવું જ નહીં, આઇલૅન્ડની આજુબાજુના પાંચ કિલોમીટરના એરિયામાં પણ કોઈએ જવું નહીં અને એ પછી આઇલૅન્ડથી લોકો દૂર રહેવા માંડ્યા. જોકે ૨૦૧૮માં અમેરિકી જૉન ઍલન ચાઉ જીઝસનો સંદેશ સંભળાવવા આઇલૅન્ડ પર ગયો અને તેને આઇલૅન્ડવાસીઓએ મારી નાખ્યો. વાતને ફરી સાત વર્ષ વીતી ગયાં. સેન્ટિનલને લોકો ભૂલી ગયા અને જાગ્યો યુટ્યુબર મિખાઇલો વિક્ટરોવિચ પોલ્યકોવ, જે આઇલૅન્ડ પર ગયો અને નસીબજોગે પાછો આવી ગયો અને આઇલૅન્ડ ફરી એક વાર જગતભરના મીડિયામાં ઝળકી ગયું.
કોણ છે આ પોલ્યકોવ?
આખું નામ તેનું મિખાઇલો વિક્ટરોવિચ પોલ્યકોવ. નામ પરથી એવું જ લાગે કે આ તો રશિયન મહાશય છે; પણ ના, આ મિખાઇલોભાઈ અમેરિકન છે. ૨૪ વર્ષના મિખાઇલો યુટ્યુબર છે. યુટ્યુબ પર પોતાની ચૅનલને પૉપ્યુલર કરવા માટે આ ટ્રાવેલ-વ્લૉગર અળવીતરા પ્રયોગો કર્યા કરે છે. થોડા સમય પહેલાં અમેરિકામાં જ તેની અરેસ્ટ થઈ હતી. કારણ હતું દેશદ્રોહી પ્રવૃત્તિની શંકા. મિખાઇલોએ અમેરિકાના દુશ્મન એવા અફઘાનિસ્તાનના તાલિબાની મુજાહિદ્દીનો સાથે વ્લૉગ બનાવ્યો એટલું જ નહીં, ભાઈ પોતે એમાં ઘાતક હથિયાર અને હૅન્ડગ્રેનેડ સાથે ઊભા પણ રહ્યા અને ફોટોગ્રાફ્સ પડાવીને સોશ્યલ મીડિયા પર એ ફોટો અપલોડ પણ કર્યા.
અજીબગજીબ જગ્યા પર જવું એ મિખાઇલોનો શોખ છે. અગાઉ પણ ભાઈ ઍમૅઝૉનના જંગલમાં ગયા હતા, પણ ત્યાંનો વ્લૉગ બનાવી શક્યા નહીં. નૉર્થ સેન્ટિનલની વાત કરીએ તો આંદામાન-નિકોબાર પહોંચ્યા પછી ભાઈ નૉર્થ સેન્ટિનલ જવા માટે એક માછીમારને પકડી લાવ્યા, પણ પાંચ કિલોમીટરના રેડિયસમાં જવા પર પણ પ્રતિબંધ હોવાને લીધે પેલા માછીમારે જવાની ના પાડી દીધી. મિખાઇલોએ રબરની બોટની અરેન્જમેન્ટ કરી અને પેલાને ઑફિશ્યલ રેન્જ સુધી લઈ જવાનું કહ્યું અને પછી તે એકલો આઇલૅન્ડ પર ગયો. આઇલૅન્ડ પર તેને કોઈ મળ્યું નહીં એટલે આદિવાસીઓને બહાર લાવવા માટે તેણે એક કલાક સુધી જાતજાતના અવાજો અને સિટી મારી-મારીને સંદેશાઓ આપ્યા. એ પછી પણ કોઈ બહાર આવ્યું નહીં એટલે કોકોનટ અને ડાયટ કોકનું ટિન મૂકીને તે ફરી પાછો આવી ગયો, પણ માછીમારે આપી દીધેલી માહિતીના આધારે સોમવારે તેની એરેસ્ટ કરવામાં આવી.
મિખાઇલો પાસે પણ ગો-પ્રો નામનો પાણીમાં પણ કામ કરે એ પ્રકારનો કૅમેરા હતો. એમાંથી આઇલૅન્ડના વિઝ્યુઅલ્સ મળ્યા જે ભારત સરકાર માટે પુરાવા સમાન હતા. ભારત સરકારના ગૃહમંત્રાલયે યુટ્યુબનો સંપર્ક કરીને તાત્કાલિક અસરથી મિખાઇલોની યુટ્યુબ ચૅનલ પર પ્રતિબંધ મુકાવ્યો. જો મિખાઇલો સામે ગુનો પુરવાર થશે કે પ્રતિબંધિત એરિયામાં તેણે પ્રવેશ કર્યો હતો તો તેને ૮ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સજા તેણે ભારતમાં જ કાપવાની રહેશે.
સેન્ટિનલની સાત વાત
આપણે જેને સેન્ટિનલ કહીએ છીએ એ લોકો ખરેખર કઈ જાતિના છે એની કોઈને ખબર નથી.
સેન્ટિનલ લોકો અને આ આઇલૅન્ડ વિશે ભારત સરકારના UPSCના પેપર-વનમાં સોસાયટી અને સોશ્યોલૉજીમાં સવાલો પુછાતા રહે છે. સેન્ટિનલને પ્રશ્નપત્રમાં સામેલ કરતાં પહેલાં આઇલૅન્ડ પર નામનું બોર્ડ મૂકવાનું હતું, જે કામ ૧૯૭૦ના દશકમાં થયું ત્યારે ૪૦ જવાનોની બટૅલ્યન એ પથ્થરનું બોર્ડ ખોદનારા સાથે ગઈ હતી.
સેન્ટિનલ જગતની એકમાત્ર જાતિ છે જે આજે પણ આદિકાળમાં જીવે છે.
માનવામાં આવે છે કે સેન્ટિનલ લોકો હજી પણ ખાવાનું પકાવ્યા વિના જ જમે છે.
સેન્ટિનલ લોકોની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ સામાન્ય લોકો કરતાં ઘણી નીચી હોવાની સંભાવનાને કારણે હવે તેમને સામાન્ય દુનિયામાં લાવવા જોખમી ગણવામાં આવે છે.
સેન્ટિનલ અને સેન્ટિનલ લોકો પર ડૉક્યુમેન્ટરી બનાવવા માટે ૧૫થી વધુ વખત પરમિશન માગવામાં આવી છે, પણ ભારત સરકારે પરમિશન આપી નથી.
આઝાદ ભારતે સેન્ટિનલ સાથે સંપર્ક કરવાનો ૪૦થી વધુ વખત પ્રયાસ કર્યો, જેમાં બે વખત મહિલા ગઈ હતી. બન્ને વખત મહિલાઓ સાથે સારો વ્યવહાર થયો છે એટલે માનવામાં આવે છે કે મહિલાઓ પ્રત્યે તેમની રહેમદિલી હોઈ શકે છે.
જીવનશૈલી વિશે અવઢવ
સેન્ટિનલ લોકોની વસ્તી માટે અનુમાન સિવાય બીજું કંઈ કામ લાગતું નથી. અત્યારે એવું માનવામાં આવે છે કે નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પર ૨૦૦થી ૫૦૦ લોકોની વસ્તી હશે. નિયમિત રીતે આ આઇલૅન્ડના સંપર્કમાં રહેવા માટે થોડા સમય પહેલાં ડ્રોનથી નજર રાખવાનો પ્રયાસ થયો હતો, પણ સેન્ટિનલ લોકોએ ડ્રોન તોડી નાખ્યું એટલે પછી નવો કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો. જોકે ડ્રોન હયાત હતું ત્યાં સુધીમાં સેન્ટિનલ લોકોની કોઈ પ્રાઇવેટ લાઇફ વિશે કશું જોવા નથી મળ્યું તો સાથોસાથ પરિવારવાદની કોઈ અસર પણ જોવા નહોતી મળી. એના આધારે એવું ધારવામાં આવે છે કે સેન્ટિનલ લોકોની સેક્સ-લાઇફ સામાન્ય વ્યક્તિની જેમ દૈનિક કે નિયમિત પ્રક્રિયાવાળી નહીં પણ પ્રાણીઓની જેમ સીઝનલ હોઈ શકે છે.
જીઝસનો સંદેશ લઈને ૨૦૧૮માં નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પર જનારા ક્રિશ્ચિયન મિશનરી જૉન ઍલન ચાઉ, જેની સેન્ટિનલીઓએ હત્યા કરી. હત્યા પહેલાંની આ તેની અંતિમ તસવીર છે. જૉનની પાછળ દેખાતા માછીમારને કારણે જૉનની હત્યા વિશે દુનિયાને જાણ થઈ હતી.
યુટ્યુબર મિખાઇલો વિક્ટરોવિચ પોલ્યકોવ ગયા સોમવારે નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ પર ગયો, પણ સદ્નસીબે આઇલૅન્ડવાસીઓ મળ્યા નહીં એટલે તે જીવતો પાછો આવી ગયો. મિખાઇલોની ભારત સરકારે અરેસ્ટ કરી છે. મિખાઇલો આઇલૅન્ડ છોડતાં પહેલાં ત્યાં ડાયટ કોકનું ટિન મૂકીને આવ્યો.
ભારતીય નૃવંશશાસ્ત્રી ત્રિલોકનાથ પંડિત, જેમના અથાગ પ્રયાસ પછી પણ સેન્ટિનલીઓ સંબંધો બાંધવા માટે તૈયાર ન થતાં પંડિતજીની જ સલાહ પછી ભારત સરકારે નક્કી કર્યું કે આ આઇલૅન્ડ પર જવા પર પ્રતિબંધ મૂકવો.

