જો બાળકને કૃમિ થયા હોય તો આખો પરિવાર એ માટેની દવા લઈ લેજો
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૫ની સાલથી દર વર્ષે ભારતમાં નૅશનલ ડીવર્મિંગ ડે મનાવાય છે અને બાળકોને કૃમિ ન થાય એ વિશેની જાગૃતિ ફેલાવવામાં આવે છે. જોકે માત્ર વર્ષનો એક જ દિવસ આ કામ કરવાથી ચાલે એમ નથી. કૃમિની બહુ સામાન્ય જણાતી આ સમસ્યા બાળકોના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે અને જો રોગ બહુ ઊંડો ફેલાઈ જાય તો પરિસ્થિતિ હૅન્ડલ કરવી અઘરી બની જાય છે. સામાન્ય રીતે કરમિયાની દવા દર છ મહિને આપવી જરૂરી છે. એને કારણે વર્ષમાં બીજી વાર ઑગસ્ટ મહિનામાં એક આખું વીક ડીવર્મિંગ વીક તરીકે ઊજવવામાં આવે છે. ભારતના આરોગ્ય ખાતા દ્વારા આ કરમિયા હટાવવાની ઝુંબેશનો નવમો વીક પ્રોગ્રામ શરૂ થશે જેમાં સરકારી અને મિશનરી સ્કૂલોમાં ભણતાં લગભગ ૩૨.૮૧ કરોડ બાળકોને કરમિયા મારવાની દવા પિવડાવવાનો કાર્યક્રમ હાથ ધરાશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઝેશનના અંદાજ મુજબ ભારતમાં કૃમિની સમસ્યાથી પીડાતાં બાળકોની સંખ્યા સૌથી વધુ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એની સંખ્યામાં ઘણો કાબૂ આવ્યો છે, પરંતુ આ રોગ એવો છે કે એક વારની દવામાં જતો નથી. એવું કહેવાય છે કે કૃમિ સામાન્ય બીમારી છે, પણ જો મોં વાટે ખવાતા અન્ન કે પાણીમાં રહેલું વર્મનું ઈંડું શ્વાસનળીમાં જતું રહે તો લોફ્લર સિન્ડ્રૉમ નામની સમસ્યા થઈ શકે જેમાં ન્યુમોનિયા જેવાં જ લક્ષણો હોય છે. ક્યારેક કૃમિ લિવર અને કિડની જેવા અવયવોમાં જઈને પણ ડૅમેજ કરી શકે છે. ૩૫થી વધુ વર્ષોનો અનુભવ ધરાવતા બાળનિષ્ણાત ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આમ તો કૃમિ એ હવે ખૂબ જ સરળતાથી ટ્રીટ થઈ શકે એવો રોગ છે, પરંતુ થોડા સમય પહેલાં એ બહુ મોટી સમસ્યા હતી. પહેલાંના જમાનામાં કૃમિ બાબતે બહુ ઓછી જાગૃતિ હતી. નાનાં બાળકોનું આંતરડું બહુ નાનું હોય અને એવા સમયે ખૂબબધા કૃમિ એકઠા થઈને એનું ગૂંચળા જેવું બનાવી લે તો એ કાઢવા માટે ઑપરેશન પણ કરાવવું પડતું. અમે તો ઘણી વાર એક વ્યક્તિના પેટમાંથી પાંચસો-સાતસો કૃમિ કાઢ્યા છે. જોકે હવે એવું નથી જોવા મળતું. હવે મમ્મીઓ પણ આ બાબતે જાગ્રત છે અને દવાઓ પણ એટલી અસરકારક છે જેથી ડૉક્ટરો માટે પણ કૃમિની દવા કરવાનું સરળ છે.’
વર્મ આવે ક્યાંથી?
બાળકોને કરમિયા કોઈ પણ ઋતુમાં થઈ શકે છે, પરંતુ ચોમાસામાં પાણીજન્ય રોગોની સંભાવના વધુ થઈ જાય છે. આ ઋતુમાં ડાયેરિયા, ડિસેન્ટ્રી, કમળો, ફ્લુ, ટાઇફૉઇડ, શરદી-ખાંસી જેવા રોગ સાથે સૌથી કૉમન સમસ્યા કૃમિની હોય છે એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આઠ-નવ મહિનાના બાળકથી લઈને દસ-બાર વર્ષનાં બાળકોમાં એ કૉમન છે, પરંતુ કોઈ પણ વયના પુખ્તોમાં પણ આ સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જે લોકો કાચું ફૂડ વધુ ખાતા હોય કે બહારનું સ્ટ્રીટ-ફૂડ વધુ ખાતા હોય તેમને આ સમસ્યા થઈ શકે છે. સૅલડ, પાણીપૂરી કે બહારની એવી કોઈ પણ આઇટમ જેમાં ચટણકી વપરાતી હોય એ કૃમિનાં ઈંડાંનું વહન કરતાં હોય એવું બની શકે છે. માટીવાળાં શાકભાજી કે ફળ બરાબર ધોયા વિના જ ખાવાથી એની સપાટી પર રહેલાં ઈંડાં પણ પેટમાં જઈને કરમિયા બને છે. ગમે ત્યાં ફરીને આવ્યા પછી હાથ ધોયા વિના ખાવા બેસી જવાની આદત ધરાવતાં બાળકોને કૃમિ જલદી થઈ જાય.’
કૃમિના પ્રકાર અને લક્ષણ
કૃમિના પણ અલગ-અલગ પ્રકાર હોય છે. રાઉન્ડ વર્મ સફેદ રંગના લાંબા હોય છે જ્યારે થ્રેડ વર્મ પાતળા દોરા જેવા હોય છે. ટેપ વર્મ ચપટા હોય છે. હૂક વર્મ, પિન વર્મ, રિન્ગ વર્મ એમ આકાર મુજબ કૃમિના પ્રકાર અપાયા છે.
પેટમાં ઝીણો દુખાવો થાય, બહુ ભૂખ લાગે, ખાવાનું પૂરતું ખાવા છતાં શરીર પર વજન દેખાય જ નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થયા કરે, પૂંઠે ખંજવાળ આવે, અડધી રાતે પણ પૂંઠ ખંજવાળતું બાળક ઊઠી જાય એ બતાવે છે કે તેના પેટમાં કૃમિ હશે. ઘણી વાર ટૉઇલેટમાં પણ કીડા પડે. જોકે હવેની મમ્મીઓ ઘણી જાગ્રત છે એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘હવે મમ્મીઓ કરમિયા બાબતે ઘણી સભાન છે. બહુ ગળ્યું ખાય, વધુ ખાય, પેટમાં ઝીણા દુખાવાની ફરિયાદ કરે એટલે ડૉક્ટર પાસે લઈ આવે. જોકે હૂક વર્મ હોય તો એનાથી બહુ ઝીણું ઇન્ટર્નલ બ્લીડિંગ થતું હોય છે. એને કારણે બાળકમાં લોહીની કમી થઈ જાય છે. રાઉન્ડ વર્મ અને થ્રેડ વર્મની સંખ્યા જો વધી જાય તો એ ગૂંચળું વળીને આંતરડામાં ભરાઈ રહે છે. જોકે એ પહેલાં જ બાળકને ઝીણો પેટનો દુખાવો થવા માંડે છે એટલે તરત એની ખબર પડી શકે છે. નૉન-વેજ ખાનારાઓમાં ટેપ વર્મ થવાની સંભાવના વધારે હોય છે અને એનાં લક્ષણો પણ અલગ હોય છે.’
સારવાર આખા પરિવારની
પહેલાંની જેમ હવે વર્મ થયા છે કે કેમ એ માટે મળની તપાસ વગેરે કરાવવાની જરૂર નથી એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘હવે આડઅસર વિનાની અસરકારક દવાઓ આવી ગઈ છે એટલે સ્ટૂલની ટેસ્ટ કરાવો અને પછી જ દવા અપાય એવું નથી. પહેલાં મેબેન્ડોઝોલ નામની દવા અપાતી. જે ત્રણ દિવસ સુધી લેવાની હોય. સવાર-સાંજ બે વાર લેવાની હોય. જોકે હવે એક જ ડોઝવાળી અલ્બેન્ડાઝોલ નામની ડ્રગ છે જે એક જ વાર રાતે સૂતાં પહેલાં લેવાની હોય. જે બાળકોના મળમાં કૃમિ દેખાયા હોય અથવા તો પૂંઠે ખંજવાળ અને પેટમાં દુખાવાની સમસ્યા જેવાં લક્ષણો પણ સાથે હોય તેમને આ ડોઝ બે વાર આપવો પડે. બીજો ડોઝ પહેલી વાર દવા લીધાના ૨૧ દિવસ પછી અપાય. આ દવા લીધા પછી લૂઝ મોશન્સ કે એવું કંઈ જ નથી થતું એમ છતાં ઘણી વાર અમે કહીએ કે બીજા દિવસે વહેલી સવારે સ્કૂલ જવાનું ન હોય એવા દિવસે દવા આપો તો સારું. એનાથી મમ્મીઓની ઍન્ગ્ઝાયટી ઓછી રહે છે. બાકી ભાગ્યે જ આ દવાની સાઇડ-ઇફેક્ટરૂપે ઊલટી કે લૂઝ મોશન્સ જોવા મળે. આ દવા ટૅબ્લેટ અને સિરપ બન્ને ફૉર્મમાં આવે છે. ૧૦ મિલીલીટરની બાટલી જ હોય જે બાળકને આપી દેવાની હોય. પુખ્તો માટે ટૅબ્લેટ્સ પણ આવે છે. હૂક વર્મ, રાઉન્ડ વર્મ, થ્રેડ વર્મ, પિન વર્મ એમ બધા માટે આ દવા ચાલે છે, પરંતુ નૉન-વેજને કારણે ટેપ વર્મ થયા હોય તો એ માટેની દવા અલગ હોય છે. બીજી મહત્ત્વની વાત એ યાદ રાખવાની કે જ્યારે ત્રણ-ચાર વર્ષનાં નાનાં બાળકને કૃમિ થયા હોય ત્યારે દવા માત્ર બાળકને જ નહીં આપવાની, આખા પરિવારે દવા લેવી. જો બાળકની સંભાળ માટે આયા રાખી હોય તો તેને પણ આપવી. આમ કરવાથી જો કોઈ પુખ્ત વ્યક્તિ આ ઈંડાંની કૅરિયર હોય તો તેના દ્વારા બાળકના પેટમાં જવાની સંભાવના ઘટી જાય. બાળક દસ-બાર વર્ષનું થાય ત્યાં સુધી દર ૬ મહિને એક વાર આ ડોઝ આપી દો તોય એ કૃમિમુક્ત થઈ જશે. જો પેટમાં હશે તો સાફ થઈ જશે અને નહીં હોય તો દવા કોઈ અસર વિના બહાર નીકળી જશે.’
આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ
ADVERTISEMENT
હાઇજીન ઇઝ બેસ્ટ
કૃમિની દવા તો સહેલી છે, પણ એ બને ત્યાં સુધી પેટમાં જાય જ નહીં એનું ધ્યાન રાખવા માટે સ્વચ્છતા જાળવવી મસ્ટ છે. જમતાં પહેલાં, ટૉઇલેટમાંથી બહાર નીકળીને, રમીને ઘરમાં આવીને એમ દરેક વખતે હાથ ધોવાની આદત કેળવવી જરૂરી છે. રસોઈમાં પણ શાકભાજી ધોવાથી માંડીને કાચા ફૂડનો ઉપયોગ કરતી વખતે સજાગતા રાખવી.

