હા રે, આજના સમયમાં કહેવતો ભાગ્યે જ કોઈને યાદ હશે અને જ્વલ્લે જ કોઈ એ કહેવતોનો ઉપયોગ કરતું હશે, પણ આપણે કરી લઈએ. જૂની કહેવત પણ યાદ કરીએ અને એની સાથે નવી કહેવત કેવી હોવી જોઈએ એની પણ વાત કરીએ
શાસ્ત્રો ભુલાયાં એ જોઈને આપણા વડવાઓએ કહેવત બનાવી
જ્યારે આપણા વડવાઓને વેદો-ઉપનિષદો-પુરાણો લોકહૃદય સુધી પૂરાં નથી પહોંચ્યાં એવું લાગ્યું હશે ત્યારે એનાં જ સૂત્રોનો લોકબોલીમાં અર્ક કાઢીને એની કહેવતો અને રૂઢિપ્રયોગો બનાવવામાં આવ્યાં હશે. દરેક વ્યક્તિએ વાણી અને પાણી બન્ને સમજીને વાપરવાં જોઈએ. જૂનો દુહો છે...
કાણાને કાણો નવ કહીએ....
વહમા લાગે વેણ,
ધીરે રહીને પૂછીએ કે
શીદને ગુમાવ્યાં નેણ?
આપણી બાને ‘બાપુજીની બાયડી’ નથી કહેવાતી એ આપણી ભાષાનો વિવેક છે. ગુજરાતી ભાષામાં કેવી અદભુત સમજણ અને સંવેદન ધરબાઈને પડ્યાં છે. મોંઘવારીના કાળઝાળ સમયમાં નવા વિષય પર લખવું હમણાં તો મને પણ પોસાય એમ નથી એટલે જૂની કહેવતને સજીવન કરવા નવા ફૉર્મમાં ફરી લખી રહ્યો છું.
જૂની કહેવત : નાચ ન જાને આંગન ટેઢા
અર્થ : આવડત વગરનો માણસ સદા અન્યના વાંક કાઢ્યા કરે.
નવી કહેવત : નેતા ન જાણે જનતાની પીડા / શિક્ષક ન જાણે લેસનની પીડા / કામવાળી ન આવે તો શું થાય ઘરવાળીની દશા.
મૉરલ ઑફ ધ સ્ટોરી : નાચતાં આવડતું ન હોય તેણે નાચવું જ શું કામ જોઈએ? રાજકોટમાં અમારા એક શાસ્ત્રીય નૃત્ય શીખવતા ગુરુજીએ તેમની જ સુંદર વિદ્યાર્થિની સાથે પ્રેમલગ્ન કરી લીધાં. કોકે તે વિદ્યાર્થિનીને પૂછ્યું કે પંદર વર્ષનો એજ-ડિફરન્સ હોવા છતાં તેં ગુરુજીને પતિ તરીકે કેમ પસંદ કર્યા?
વિદ્યાર્થિનીએ સરસ જવાબ આપ્યો.
‘પંદર વર્ષથી મને નચાવે છે, હવે આખી જિંદગી મારો વારો...’
જૂની કહેવત : ઝાઝી કીડીઓ સાપને તાણે.
અર્થ : નાના માણસો સંગઠિત થાય તો મોટું કાર્ય કરી શકે.
નવી કહેવત : ઝાઝા દીકરા મા-બાપને વૃદ્ધાશ્રમ પહોંચાડે / ઝાઝા વકીલ કેસ બગાડે / ઝાઝું ચૅટિંગ બૅટરી પતાવે.
મૉરલ ઑફ ધ સ્ટોરી : આપણા સમાજને કોમવાદનું કૅન્સર થયું છે. અહીં એક સમાજને દેખાડી દેવા અને પાડી દેવા બીજો સમાજ સંગઠિત થાય છે. એટલે જ તો આખેઆખા સમાજ એના લક્ષથી મિસફાયર થાય છે.
જૂની કહેવત : વાડ થઈને ચીભડાં ગળે.
અર્થ : પોતાના જ પોતાનાને નુકસાન કરે.
નવી કહેવત : માસ્તર પોતાના જ વર્ગનાં ટ્યુશન કરે / પોલીસવાળો દારૂની ભઠ્ઠી કરે / પાઇલટ કદી પોતાના પરિવારને પ્લેનમાં ન બેસાડે / હિમેશ પોતાનાં ગીત સંભળાવવા ફિલ્મ ન બનાવે.
મૉરલ ઑફ ધ સ્ટોરી : આખી વાડીમાં બીજાં ઘણાં શાકભાજી ઊગે, પણ વાડ માત્ર ચીભડાં જ શું કામ ગળે ઈ મને નથી સમજાતું તો શું શેઠો સફરજન ગળે છે? સીમ સરગવા ગળે છે? જોતર જામફળ ગળે છે? કેડી કેળાં ગળે છે? ગાડું ગુલાબ ગળે છે? વાડને સમજાવો કે વાડીમાં ચીભડાં કરતાં પણ સારી અને સ્વાદિષ્ટ વાનગીઓ છે, પણ શું જીવનભર ગધેડા પર સવારી કરનારને ઘોડા પર પણ રોદા લાગે.
જૂની કહેવત : ઉતાવળે આંબા ન પાકે.
અર્થ : કોઈ પણ કાર્યની પૂર્ણ સફળતા માટે ધી૨જ રાખો.
નવી કહેવત : મિસ્ડ-કૉલ કર્યે સંબંધ ન ટકે / કાર્યકર થયા વગર વિધાનસભ્ય ન થવાય / વૉટ્સઍપ વાપર્યા વગર બૅટરી ન ખવાય.
મૉરલ ઑફ ધ સ્ટોરી : એક આંબાવાડીમાં માલિકે કેરી ચોરતા છોકરાને પકડ્યો ને ઘઘલાવ્યો કે હમણાં તારા બાપાને ફરિયાદ કરું છું. છોકરો કહે, તો કરો; મારા બાપા સામેના આંબે જ ચડ્યા છે. હવે આખો ઘાણવો જ દાઝી ગયો હોય ત્યાં ફરિયાદ કોને ક૨વા જવાની?
જૂની કહેવત : સાપ ગયા ને લિસોટા રહ્યા.
અર્થ : દરેક વ્યક્તિ પોતાની છાપ મૂકતી જાય છે.
નવી કહેવત : કૉન્ગ્રેસ ગઈ ને કૌભાંડો રહ્યાં / માસ્તર ગયા ને લેસન રહ્યાં / સાસુ ગઈ ને સાળી રોકાણી / તેજી ગઈ ને શૅર રહ્યા.
મૉ૨લ ઑફ ધ સ્ટોરી : એક ભાઈને સાપ કરડ્યો તોય ઈ ભાઈ હસવા લાગ્યો. સાપ સામે પગ લંબાવ્યો કે લે, હજી ડંખ માર. સાપે બે-ચાર ફેણ મારી, પણ પછી તો સાપને ચક્કરી આવી ગયાં કે અમારાં ઝેર નાબૂદ થઈ ગયાં કે શું? સાપે પૂછ્યું કે ભાઈ, તું ઝેરપ્રૂફ છો? તો ભાઈને એ જવાબ દીધો...
‘ના સાપદાદા, આ પગ જયપુરથી મગાવેલો છે ને પ્લાસ્ટિકનો છે...’
જૂની કહેવત : મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે.
અર્થ : અમુક લોહીના સંસ્કાર વારસામાં જ મળે.
નવી કહેવત : નેતાના છોકરાવને સેટિંગ શીખવવું ન પડે / કૉલેજિયનોને ક્લાસમાંથી ગુટલી મારતાં શીખવવું ન પડે.
મૉ૨લ ઑફ ધ સ્ટોરી : મોર કોઈ દી ઈંડાં મૂકે? ઈંડાં તો ઢેલ મૂકે છે યાર! આવા તો કેટલાય સવાલો હિમાદાદા મને રોજ પૂછ્યા કરે કે જમવાની થાળીનો આકાર ગોળ જ શું કામ ને સ્ત્રીઓના પહેરવેશમાં ખિસ્સાં શા માટે નથી ને ગોળને ગોળ શું કામ કહે, ચોરસ કેમ નહીં?!
લ્યો દ્યો જવાબ, તેવડ હોય તો.

