તેમણે મને પૈસા નહીં મળે એવું કહ્યું ત્યારે મેં તેમને સ્પષ્ટતા સાથે આ વાત સમજાવી હતી અને કહ્યું હતું કે તમારા કરતાં અમને વધારે વળતર મળે એ જોવાની જવાબદારી પણ કૅપ્ટન તરીકે તમારી હોય એવા સમયે તમે પેમેન્ટ નહીં આપવાની વાત કરો એ કેમ ચાલે?
એક માત્ર સરિતા
સારું કામ કરવું નહીં, સૌ પાસેથી સારું કામ લેવું એ કૅપ્ટનની પ્રાથમિક ફરજ છે
‘ઇન્કલાબ’ નાટકની મને ઑફર આવી અને દિગ્દર્શક મને મળવા આવ્યા. તેમણે મને પૈસા નહીં મળે એવું કહ્યું ત્યારે મેં તેમને સ્પષ્ટતા સાથે આ વાત સમજાવી હતી અને કહ્યું હતું કે તમારા કરતાં અમને વધારે વળતર મળે એ જોવાની જવાબદારી પણ કૅપ્ટન તરીકે તમારી હોય એવા સમયે તમે પેમેન્ટ નહીં આપવાની વાત કરો એ કેમ ચાલે?
જો તમે લીડર હો, કૅપ્ટન કે આગેવાન હો તો તમારે તમારા વતી કામ કરનારાઓના પડખે ઊભા રહેવું પડે. તેમને માટે લડવું પડે અને જરૂર પડ્યે તેમને પ્રેમ કરીને પણ આગળ લઈ જવા પડે. સારું પર્ફોર્મ કરવું એ જ નહીં, પણ ટીમના દરેકેદરેક પ્લેયર સારું પર્ફોર્મ કરે એ જોવાની સૌથી મોટી જવાબદારી કૅપ્ટનની છે.
ADVERTISEMENT
‘પૈસે નહીં મિલેંગે...’
આપણે વાત કરતા હતા ડિરેક્ટર્સની, જેમાં મેં તમને કહ્યું કે બધા દિગ્દર્શકો એકબીજાના મિત્ર હોય અને એ મિત્રતા વચ્ચે તેઓ એકબીજાને જોઈતું કાસ્ટિંગ પૂછી લે. આવી જ રીતે અંદરોઅંદર વાતો થતી હશે અને એ વાતોના આધારે કોઈના સૂચનથી એક દિવસ મારી પાસે એક દિગ્દર્શક આવ્યા. તેઓ હિન્દીમાં નાટક કરતા હતા અને એને માટે તેમને ઍક્ટ્રેસની જરૂર હતી. નાટકનું ટાઇટલ ફાઇનલ થઈ ગયું હતું, ટાઇટલ હતું ‘ઇન્કલાબ.’
મને તેમણે નાટક ઑફર કર્યું અને પછી મને વાર્તા કહેવાની શરૂઆત કરી. મેં વાર્તા ધ્યાનથી સાંભળી. નાટક સારું હતું એટલે મેં હામી ભણી. મારા મનમાં એમ કે હવે પૈસા અને પછી રિહર્સલ્સની વાત શરૂ થશે, પણ એને બદલે તેમણે તો પહેલી જ વાત સાવ જુદી જ કરી અને મને ધીમેકથી, આગળ કહ્યા એ શબ્દો કહ્યા,
‘પૈસે નહીં મિલેંગે...’
મેં ધીમેકથી સ્માઇલ કર્યું અને હું તેમની સામે જોતી રહી. પછી મેં ધીમેથી તેમને ફરી પૂછ્યું,
‘ક્યા કહા આપને...’
‘યહી કિ...’ તેમણે પોતાના શબ્દો દોહરાવ્યા, ‘નાટક મેં કામ કરને કે પૈસે નહીં મિલેંગે.’
‘યે બાત તો મેરી ડિક્શનરી મેં આતી હી નહીં હૈ...’
મારી વાત તેમને સમજાઈ ન હોય એવું મને તેમના ચહેરા પરથી લાગ્યું એટલે મેં ધીમેથી મારી વાત વધારે ક્લિયર કરીને તેમને કહ્યું,
‘મારી પોતાની એક ડિક્શનરી છે અને એ ડિક્શનરીમાં ક્યાંય ફ્રીમાં કામ કરવું એવું આવતું જ નથી...’ મેં તેમને બહુ પ્રેમથી સમજાવ્યું, ‘હું એક પ્રોફેશનલ ઍક્ટર છું. મારી બીજી, ત્રીજી કે ચોથી કોઈ ઇન્કમ છે નહીં. હું ઍક્ટિંગ પર જ નભું છું અને મારે એમ જ મારી લાઇફ જીવવી છે. જો હું ફ્રીમાં કામ કરું તો મારું ઘર કેમ ચાલે? મારો, મારા છોકરાઓનો, મારી ફૅમિલીનો ખર્ચ કેમ નીકળે?’
આપણે ત્યાં એક કહેવત છે,
‘ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાએગા ક્યા?’
આ કહેવત મેં એ દિવસે પેલા દિગ્દર્શકને કહી હતી.
‘હું મારા કામમાં ક્યાંય ઓછી ન ઊતરતી હોઉં તો પછી મારી પાસેથી ફ્રીમાં કામની અપેક્ષા જ કેવી રીતે રાખી શકાય. હું સ્ટ્રગલર નથી. હા, મારે કામ શીખવું છે અને દરરોજ એ શીખતા રહેવું છે, પણ એનો અર્થ એવો નથી કે મને કામ આવડતું નથી. હું તમારા કામને વધારે એક સ્ટેપ ઉપર લઈ જતી હોઉં તો પછી મને મારું મહેનતાણું મળવું જ જોઈએ અને એ જ, જે મારો હક છે.’
‘બાત તો આપકી બરાબર હૈ સરિતાજી...’
આ સમયગાળા સુધી મને બહારના મોટા ભાગના લોકો સરિતાના નામે જ બોલાવતા થઈ ગયા હતા. આ જ એ સમયગાળો હતો જે સમયગાળામાં ઇન્દુ કહેનારા લોકો ઘટવા માંડ્યા હતા અને સરિતાનું સંબોધન મારા માટે સહજ થવા માંડ્યું હતું.
આ પણ વાંચો : સરિતા, આ નાટક વિશે તો હું લખીશ જ લખીશ
‘બાત તો આપકી બરાબર હૈ સરિતાજી...’ દિગ્દર્શકે મને નરમાશથી કહ્યું, ‘તમારી જે ફી છે એ અમે લોકો અફૉર્ડ નહીં કરી શકીએ.’
‘તો ન કરવું જોઈએ તમારે નાટક...’
દિગ્દર્શક મારી વાત સાંભળીને રીતસર હેબતાઈ ગયો. અગાઉ તેને આ રીતે ચોખ્ખું, સ્પષ્ટ અને નગ્ન સત્ય કહેનારું કોઈ મળ્યું નહીં હોય, પણ મને એ કહેવામાં જરા પણ ખચકાટ નહોતો થયો. આજે પણ હું માનું છું કે નિઃશુલ્ક કામ કરવાની અને કરાવવાની માનસિકતા બિલકુલ ગેરવાજબી છે. અફકોર્સ હવે તો એવું નહીં થતું હોય અને કાં તો સાવ નાના પાયા પર થતું હશે, પણ જો એ થતું હોય, કોઈની પાસે નિઃશુલ્ક કામ કરાવવામાં આવતું હોય એ ભારોભાર અન્યાય છે. અગર એ માણસ શીખતો પણ હોય, તેને કશું આવડતું ન હોય તો પણ તેને મહેનતાણાના પૈસા તો મળવા જ જોઈએ. કોઈનું મહેનતાણું ન ચૂકવવું એ લક્ષ્મી અને સરસ્વતી બન્નેનું અપમાન છે એવું હું માનું છું અને આ અપમાનનું જે પરિણામ આવે છે એ બહુ ખરાબ હોય છે માટે બહેતર છે કે કોઈ પાસે મફતમાં, ફ્રીમાં કે પછી સારા શબ્દોમાં નિઃશુલ્ક કામ ન કરાવવું, ક્યારેય નહીં.
‘તો ન કરવું જોઈએ તમારે નાટક...’
મારા શબ્દો સાંભળીને પેલો દિગ્દર્શક રીતસર હેબતાઈ ગયો. મેં તેને સમજાવવાનું શરૂ કર્યું કે ‘ભાઈ, આ કોઈ રીત નથી.’
‘તમે થિયેટરવાળાને તે માગશે એ ભાડું આપશો, લાઇટિંગમાં ક્યાંય બાંધછોડ નહીં કરો અને એના પૈસા ચૂકવશો, કૉસ્ચ્યુમનું પેમેન્ટ કરશો અને બીજા બધા ખર્ચા કરશો, પણ ઍક્ટરને પૈસા નહીં આપો? શું કામ...’ હું એકધારી બોલતી જતી હતી, ‘સાહેબ, કલાકારોને એટલા ગરીબ ન બનાવો કે તે પોતાની નજરમાંથી જ ઊતરી જાય. એવો પાંગળો પણ તેને નહીં બનાવો કે તે ફૅમિલી સામે માત્ર તાળીઓ જ પીરસી શકે. તેને પણ ઘર છે, પરિવાર છે, પેટ છે ને બીજાના પેટની જવાબદારીઓ છે.’
એ દિગ્દર્શક મારી સામે જ જોતા રહ્યા.
‘આવું ન ચાલે. કલાકારોથી જ તો નાટકની શરૂઆત થાય છે. જો તમારી પાસે કલાકાર ન હોય તો તમે શું કરશો? થિયેટરમાં તમે કોને સ્ટેજ પર મોકલશો, તમારે સમજવું પડશે અને સમજીને દરેક કલાકારને કંઈક આપવું જ પડશે.’ મેં તો મોઢા પર જ કહી દીધું, ‘તમે તો નાટકના દિગ્દર્શક છો. ધારો કે નાટકના પ્રોડ્યુસર પણ તમારી પાસે આવી શરત મૂકે કે કલાકારને આપણે પૈસા નથી આપવા તો તમારે તેમને પણ ના પાડી દેવી જોઈએ અને નાટક બનાવવાની તૈયારી પણ ન દેખાડવી જોઈએ.’
‘યાદ રાખજો સાહેબ, તમે કૅપ્ટન છો અમારા બધાના. જો તમે તમારી ટીમના હિતમાં, તેમની સાથે ઊભા રહેવા અને તેમના વતી લડવા તૈયાર નહીં થાઓ તો કાલ સવારે જરૂર પડશે ત્યારે તમારા વતી કોણ લડવા જશે?!’
આજે પણ મારી વાત આ જ છે અને મારા શબ્દો હજી પણ આ જ છે.
જો તમે લીડર હો, જો તમે કૅપ્ટન હો, જો તમે આગેવાન હો તો તમારે તમારા વતી કામ કરનારાઓના પડખે ઊભા રહેવું પડે. તેમને માટે લડવું પડે અને જરૂર પડ્યે તેમને પ્રેમ કરીને પણ આગળ લઈ જવા પડે. સારું પર્ફોર્મ કરવું એ એક જ કૅપ્ટનની જવાબદારી નથી, પણ ટીમના દરેકેદરેક પ્લેયર સારું પર્ફોર્મ કરે એ જોવાની કૅપ્ટનની સૌથી મોટી જવાબદારી છે. ટીમ જ્યારે સારું પ્રદર્શન નથી કરતી ત્યારે કૅપ્ટન પહેલાં હારતો હોય છે અને સાહેબ, કૅપ્ટન હારે ત્યારે ટીમ કોઈ કાળે જીતી ન શકે. પછી એ નાટકની ટીમ હોય, સ્પોર્ટ્સની ટીમ હોય કે કોઈ સંસ્થાની ટીમ હોય. અરે, ઘરની ટીમમાં પણ આ જ વાત લાગુ પડે છે.
ભૂલતા નહીં. કૅપ્ટન હો તો તમારે દરેકેદરેકને સાચવતા રહી તેમની પાસે ઉત્તમ કામ લેતા રહેવું એ તમારી પ્રાથમિક ફરજ અને સર્વોચ્ચ જવાબદારી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)