Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રવીણ સોલંકીએ એક વાર્તા સંભળાવી અને મને થયું કે આ નાટક તો થવું જ જોઈએ

પ્રવીણ સોલંકીએ એક વાર્તા સંભળાવી અને મને થયું કે આ નાટક તો થવું જ જોઈએ

14 November, 2022 05:10 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

વાત સ્પૉન્સરશિપની હતી, પણ એ વાર્તા મને એવી ગમી કે મેં નક્કી કરી લીધું કે સ્પૉન્સરશિપ ન મળે તો પણ આપણે આ નાટક કરવું જ કરવું

પ્રવીણ સોલંકીએ એક વાર્તા સંભળાવી અને મને થયું કે આ નાટક તો થવું જ જોઈએ

જે જીવ્યું એ લખ્યું

પ્રવીણ સોલંકીએ એક વાર્તા સંભળાવી અને મને થયું કે આ નાટક તો થવું જ જોઈએ


મને અને વિપુલને વાર્તા ગમી એટલે પ્રવીણ  સોલંકીએ ચોખવટ કરી કે આ નાટક અગાઉ ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનમાં થઈ ચૂક્યું છે. એમાં લીડ રોલ ધર્મેન્દ્ર ગોહિલે કર્યો હતો. ધર્મેન્દ્ર ગોહિલ પછી એ જ રોલ શર્મન જોશીએ કર્યો હતો. નાટક સુપરહિટ હતું.

દીકરો લંડનથી પાછો આવી ગયો અને હવે તેને પાછા લંડન ભણવા જવું નહોતું. ખેર, તેનું ઍડ્મિશન મીઠીબાઈ કૉલેજમાં ફરીથી કરાવીને મેં મારું ધ્યાન મારા કામ પર આપ્યું. માણસની આ જ ખૂબી છે. તે સ્ટ્રેસ વચ્ચે પણ પોતાના સ્ટેટસને ધ્યાનમાં રાખીને દોડધામ કરતો રહે છે.



અમારું પંચાવનમું નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ ઓપન કર્યું ત્યાં સુધીમાં અમારું પ૩મું નાટક ‘હરખપદૂડી હંસા’ બંધ થઈ ગયું હતું, પણ ‘સખણાં રે’તો સાસુ નહીં’ નાટક સરસ ચાલતું હતું એટલે આમ અમારાં બે નાટકો ‘સખણાં રે’તો સાસુ નહીં’ અને ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ સાથે ચાલતાં હતાં. આ જ દિવસોમાં એક ઘટના એવી ઘટી કે અમે અનાયાસ જ નવા નાટકની દિશામાં ખેંચાઈ ગયા.


બન્યું એમાં એવું કે જાણીતા મૅગેઝિન ‘ચિત્રલેખા’ને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં. આ અવસરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવું એવું ‘ચિત્રલેખા’એ નક્કી કર્યું. ‘ચિત્રલેખા’ સેપિયા ટોનમાં આવતું અને એ સમયથી હું એનો વાચક અને ચાહક. ૬૦મી જન્મજયંતી સમયે ‘ચિત્રલેખા’એ નક્કી કર્યું કે એ એક આખું નાટક સ્પૉન્સર કરે. જવાબદારી કોઈ સંભાળે, પણ એ બનાવવા માટેના ફન્ડથી માંડીને બીજી બધી જરૂરિયાત ‘ચિત્રલેખા’ પૂરી કરે અને એ નાટકમાં પ્રસ્તુતકર્તા તરીકે ‘ચિત્રલેખા’નું નામ આવે. 

આ વાતની જાણ ‘ચિત્રલેખા’ના એ સમયના તંત્રી ભરત ઘેલાણીએ રાઇટર પ્રવીણ સોલંકીને કરી. પ્રવીણભાઈ અને ભરતભાઈ બન્ને બહુ સારા મિત્રો. પ્રવીણભાઈ સાથે કરેલા નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ને લીધે પણ મારે તેમની સાથે વાતો થતી હોય એ સ્વભાવિક છે. આવી જ એક કૅઝ્યુઅલ વાતચીત દરમ્યાન પ્રવીણભાઈએ મને પૂછ્યું, સંજય, આપણે આ નાટક પછી કોઈ નવું નાટક કરી શકીએ?


મેં કહ્યું, ‘તમને તો ખબર જ છે કે અમે નવા નાટક માટે અમે હંમેશાં તૈયાર જ હોઈએ છીએ.’
એટલે તરત જ પ્રવીણભાઈએ મને કહ્યું, ‘એ નાટક ‘ચિત્રલેખા’ સ્પૉન્સર કરવા માગે છે.’ 
મને તો કોઈ બાધ હતો નહીં એટલે મેં કહ્યું, ‘વાંધો નહીં, પણ મારી પાસે કોઈ વાર્તા અત્યારે છે નહીં.’
‘વાર્તા મારી પાસે છે... હું તને સંભળાવું વાર્તા.’

પ્રવીણ ભાઈએ તરત જ મને કહ્યું અને મેં વાર્તા સાંભળી. વાર્તા બહુ સરસ હતી. મને એવી તે મજા પડી કે ન પૂછો વાત. ખરા અર્થમાં એન્ટરટેઇનર અને સ્ટોરીમાંથી નાના-મોટા સૌના માટે બોધ પણ એટલો જ. મેં અમારા ડિરેક્ટર વિપુલ મહેતાને વાત કરીને કહ્યું કે પ્રવીણભાઈ પાસે એક અદ્ભુત સ્ટોરી છે અને ‘ચિત્રલેખા’ સ્પૉન્સર કરવા માગે છે, પણ જો કોઈ સ્પૉન્સરર ન હોય તો પણ આપણે એ નાટક કરવું જ જોઈએ.

વિપુલ અને પ્રવીણભાઈની મીટિંગ થઈ. વિપુલને પણ વાર્તા ગમી અને એ પછી પ્રવીણભાઈએ કહ્યું, ‘આ નાટક અગાઉ ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનમાં થઈ ચૂક્યું છે. એમાં લીડ રોલ ધર્મેન્દ્ર ગોહિલે કર્યો હતો. ધર્મેન્દ્ર ગોહિલ પછી એ જ રોલ શર્મન જોશીએ કર્યો હતો. નાટક સુપરહિટ હતું પણ તમે ચિંતા ન કરો, આપણે આ નાટકને એવી રીતે ચેન્જ કરીશું કે કોઈને અંદાજ સુધ્ધાં નહીં આવે.’

આ બાબતમાં પ્રવીણભાઈની જબરદસ્ત હથરોટી, જે નાટકલાઇનના સૌકોઈ જાણે છે. મૂળ વાર્તા અમને ખૂબ ગમી હતી એ પહેલી વાત અને બીજી વાત, પ્રવીણભાઈ પર અમને પૂરો ભરોસો એટલે અમે નાટક કરવા માટે હા પાડી દીધી. સ્પૉન્સરર ન હોય તો પણ અમે નાટક કરવા તૈયાર હતા. જોકે સદ્ભાગ્યે ‘ચિત્રલેખા’એ હા પાડી; પણ હા, અમે નાટકનું કામ ચાલુ કર્યું ત્યાં સુધી અમને આ બધા વિશે બહુ ખબર નહોતી, કારણે કે તંત્રી ભરત ઘેલાણી અને પ્રવીણ સોલંકી વચ્ચે જ એ બધી વાતો થાય, મારે ડાયરેક્ટ કોઈની સાથે વાત થતી નહીં.

ભરત ઘેલાણીએ પ્રવીણભાઈને તાકીદ કરી હતી કે તમારું જ કોઈ નાટક આવતું હોય તો અમે સ્પૉન્સર કરીએ અને પ્રવીણભાઈએ અમે જે નાટક પર કામ શરૂ કર્યું હતું એનું નામ આપ્યું અને આ રીતે વાતો આગળ વધતી હતી. જોકે સૌથી અગત્યની વાત. એ અરસામાં ‘ચિત્રલેખા’નું બહુ મોટું નામ એટલે સ્વાભાવિક રીતે પ્રોજેક્ટ મોટો બનવો બહુ જરૂરી હતો. 
પ્રોડક્શન હાઉસ સરસ, લેખક સરસ, દિગ્દર્શક નંબર વન. હવે કલાકારો પણ નંબર વન કે અગ્રિમ હરોળના આવે તો ‘ચિત્રલેખા’ નાટક સ્પૉન્સર કરવા તૈયાર થાય. 

અમે એ દિશામાં કામ શરૂ કર્યું અને મુખ્ય ભૂમિકામાં અમે સૌથી પહેલાં જે બે લોકોને લીધા એ હતા પ્રતાપ સચદેવ અને નયન શુકલ. જે રોલ શર્મન જોશી અને ધર્મેન્દ્ર ગોહિલ કરતા હતા એ રોલમાં અમે નયનને લીધો. એ સમયે નયન બહુ નવો ઍક્ટર, પણ જબરદસ્ત પ્રૉમિસિંગ. અમને ખબર હતી કે અમને જે જોઈએ છે એ આ છોકરો ડિલિવર કરી દેખાડશે. મિત્રો, અગાઉ તમને કહ્યું છે એમ અમારા માટે સ્ટાર મહત્ત્વના નથી, પર્ફોર્મર મહત્ત્વના છે. નયને ત્યાર પછી ઘણાં નાટકો કર્યાં અને બે-ત્રણ ગુજરાતી ફિલ્મો પણ કરી. અત્યારે નયન ‘વાગલે કી દુનિયા’ કરે છે.
નયન શુકલ પછી અમારે નયનના ફાધર નક્કી કરવાના હતા, જેના માટે અમે કાસ્ટ કર્યા પ્રતાપ સચદેવને. પ્રતાપ સચદેવ અદભુત ઍક્ટર. તે સ્ટેજ પર આવે ત્યાં જ તેમની કડપ વર્તાવા માંડે. ‘કોડમંત્ર’માં તેમણે બહુ મહત્ત્વનો રોલ કર્યો હતો, જે ઑડિયન્સ ક્યારેય ભૂલી નથી શકવાનું. અગાઉ અમે પ્રતાપ સચદેવને ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકમાં કાસ્ટ કર્યા હતા.

નયનના પપ્પા ફાઇનલ થયા એટલે વાત આવી નયન શુકલની મધર એટલે કે પ્રતાપ સચદેવની વાઇફના રોલ માટે. એના માટે વૈશાલી ત્રિવેદીને કાસ્ટ કરી તો નયનના મોટા ભાઈના રોલમાં અમે કેતન સાગરને લીધો. કેતન સાગર ખૂબ જ સારો ઍક્ટર. જો તે લાઇનમાં ટકી ગયો હોત તો આજે ચોક્કસ મોટો સ્ટાર બની ગયો હોત, પણ તેણે લાઇન ચેન્જ કરી અને હવે તે પોતાના જ્વેલરીના બિઝનેસમાં છે. ‘કે જ્વેલ્સ’ નામની બ્રૅન્ડ પણ તેણે ડેવલપ કરી છે જે બહુ પૉપ્યુલર છે. જોકે એ દિવસોમાં કેતન નાટકો કરતો. આ નાટક પછી તો કેતન સાથે અમે ઘણાં નાટકો કર્યાં અને તેણે ટીવી-સિરિયલ તથા ગુજરાતી ફિલ્મ પણ કરી અને એ પછી તેણે લાઇન ચેન્જ કરી.

કેતનની વાઇફના રોલ માટે અમે દિશા સાવલાને કાસ્ટ કરી. દિશા પણ પ્રૉમિસિંગ ઍક્ટ્રેસ. દિશા સાથે અમે પહેલી વાર કામ કર્યું અને એ પછી થોડાં નાટકો કર્યા બાદ તે હિન્દી સિરિયલ કરવા માંડી. હમણાં જ મેં દિશા સાથે એક ગુજરાતી ફિલ્મ કરી, જેમાં દિશા મારી વાઇફ બની છે. એ ફિલ્મની વધારે વાતો રિલીઝ સમયે. અત્યારે વાત કરીએ અમારા નવા નાટકની. કાસ્ટિંગ હજી બાકી હતું. અમારે નયન શુકલની ગર્લફ્રેન્ડ બને છે તે છોકરી શોધવાની હતી. નયનને જેની સાથે અફેર હતું એ છોકરીના રોલમાં અમે હેતલ દેઢિયાને લીધી તો હેતલની બહેનના રોલમાં અમે પ્રાર્થી ધોળકિયાને કાસ્ટ કરી. આ પ્રાર્થીને તમે મારી ‘ગોટી સોડા’ વેબસિરીઝમાં મારી વાઇફના રોલમાં જોઈ છે. આ વેબસિરીઝની બે સીઝન રિલીઝ થઈ ગઈ અને અત્યારે આ આર્ટિકલ પણ હું એની ત્રીજી સીઝનના શૂટિંગ દરમ્યાન અમદાવાદમાં ફ્લોર પરથી જ લખું છું. ઍનીવે, શૉટ રેડી છે એટલે અત્યારે જઉં છું, પણ નેક્સ્ટ વીક આપણે વાત અહીંથી જ  કન્ટિન્યુ કરીશું.

નવા નાટકમાં મેં પણ એક રોલ કર્યો, પણ એ કરવા પાછળનું કારણ સાવ જુદું જ હતું.

જોક સમ્રાટ

ગુજરાતમાં ઇલેક્શન અનાઉન્સ થઈ ગયું છે ત્યારે અખિલ ગુજરાત મંડપ ડેકોરેશન સમિતિએ નવા ભાવ જાહેર કર્યા છે જે આજથી લાગુ પડશે.
ભાજપ – ૨૦ ટકા ઍડ્વાન્સ
કૉન્ગ્રેસ – જૂના બાકી + ૨૦ ટકા લેટ-ફી + ૧૦૦ ટકા ઍડ્વાન્સ
આપ – ૧૦૦ ટકા ઍડ્વાન્સ + માલસામાનનો વીમો

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2022 05:10 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK