Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જે વિચારી શકે એ લખી શકે

જે વિચારી શકે એ લખી શકે

13 February, 2023 05:51 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ભગવાને લેખકને કોઈ જુદા મોઢા સાથે મોકલ્યા નથી એવું હું હંમેશાં કહેતો હોઉં છું અને એટલે જ તમારે લેખક બનવું હોય તો બસ લખવાનું શરૂ કરી દો. લખતા જશો એમ-એમ તમારું ઘડતર થતું જશે

આ રહ્યા ‘એક સાંવરિયા, બીજા બાવરિયા’ના ત્રણ લીડ ઍક્ટર.

જે જીવ્યું એ લખ્યું

આ રહ્યા ‘એક સાંવરિયા, બીજા બાવરિયા’ના ત્રણ લીડ ઍક્ટર.


એક વાત હંમેશાં યાદ રાખવી કે જે ચાલી શકે તે નાચી શકે, જે બોલી શકે તે ગાઈ શકે અને જે વિચારી શકે તે લખી શકે. હંમેશાં યાદ રાખજો કે ભગવાન ક્યારેય લેખકને કંઈ જુદા મોઢાવાળા બનાવીને મોકલતો નથી. 

૨૦૧૧ની ૧૨ જૂને અમે નાટક ‘સુખને સેવ કરો દુઃખને ડિલીટ કરો’ ઓપન કર્યું અને બીજા જ દિવસે અમે લાગી ગયા અમારા નવા નાટક ‘એક સાંવરિયો, બીજો બાવરિયો’ના કામ પર. હું અને વિપુલ મહેતા અમારી લેખક-બેલડી મુકેશ જોષી અને હિતેન આનંદપરાને મળવા માટે પહોંચી ગઈ. બન્નેએ કવિતાઓ પુષ્કળ કરી હતી, પણ નાટ્યલેખનની દુનિયામાં તેઓ પહેલી વાર પગ માંડતા હતા. જોકે મારે કહેવું જ રહ્યું કે પહેલા નાટક સમયે પણ બન્નેનો જે કૉન્ફિડન્સ હતો એ અદ્ભુત હતો.મીટિંગમાં અમે અમારા આ નવા નાટકના સ્ક્રીનપ્લેના પ્રોગ્રેસ વિશે ચર્ચા કરી. તમને કહ્યું એમ, એ લોકો માટે આ પહેલું નાટક હતું એટલે પ્રૅક્ટિકલ ગાઇડન્સ તેમને માટે જરૂરી હતું. મળીને અમે સીનનું બંધારણ, સ્ટોરીનો ગ્રાફ, એમાં આવતા ટર્ન-ટ્વિસ્ટ, ડ્રૉપ્સ એ બધા વિશે વાત કરી, તો સાથોસાથ અમે સ્ક્રીનપ્લેની પણ ચર્ચા કરી. મિત્રો, આ જે સ્ક્રીનપ્લે શબ્દ છે એ હકીકતમાં ફિલ્મો પરથી આવેલો શબ્દ છે. એનો સીધો-સાદો અર્થ એટલો થાય કે ફિલ્મ શરૂ થશે એ પછી સ્ક્રીન પર શું-શું ચાલતું હશે એ વાતને પેપર પર લેવી. આ સ્ક્રીનપ્લે શબ્દ નાટકો માટે વાપરી ન શકાય એવું મારું માનવું છે. નાટકમાં તમારે એને સ્ટેજ-પ્લે કહેવો જોઈએ, પણ બધા સ્ક્રીનપ્લે વાપરે છે એટલે આપણે પણ એ જ શબ્દ સાથે વાતને આગળ વધારીએ.


નાટકના સ્ક્રીનપ્લેની વાત કરું તો એક પછી એક સીનમાં શું બનતું જશે એ વાતની સાથોસાથ એ સીનમાં કઈ રીતે વાતની શરૂઆત થશે, કેવી ઘટના ઘટશે, કઈ રીતે આપણે મૂળ મુદ્દા પર આવીશું અને કઈ રીતે આપણે બ્લૅકઆઉટ કરીને ઑડિયન્સને જકડી રાખી આગલા સીન પર જઈશું એ બધી વાતો હોય. આ બધી વાતો બહુ અગત્યની છે, પણ આ બંધારણ બધા લેખકોને આવડતું નથી. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક સાહિત્યનું પોતાનું એક બંધારણ છે. સાહિત્યકાર નવલકથા લખે છે અને આ નવલકથાનું પણ પોતાનું એક બંધારણ છે તો એવી જ રીતે જેકોઈ શૉર્ટ સ્ટોરીઝ લખે છે એ ટૂંકી વાર્તાનું પણ એક બંધારણ છે. કઈ રીતે વાર્તા શરૂ થશે, કઈ રીતે એમાં પાત્રો ઉમેરાતાં જશે, ક્યાં વાર્તા વળાંક લેશે અને ધારો કે હપ્તાવાર વાર્તા છપાવાની હોય તો હપ્તો પૂરો થાય એ પહેલાં કેવો હૂક પૉઇન્ટ આપવો જેનાથી રીડર્સ એક વીક સુધી એ વાર્તાની રાહ જુએ. હા, એ પણ એટલું જ સાચું કે મહિનાઓ અને વર્ષો સુધી ચાલતી નવલકથામાં ફરી પાછું બંધારણ બદલાતું હોય છે. હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ જેવા લેખકો એ બંધારણમાં અવ્વલ હતા અને એટલે જ તેમની વાર્તાના નવા હપ્તાની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા.

કહેવાનો ભાવાર્થ એ કે વાર્તા, નવલકથા, ટૂંકી વાર્તા કે કવિતા જેવું સાહિત્યસર્જન કરનાર સર્જકો પાસે ભાષાવૈભવ અને શબ્દભંડોળ હોય છે એટલે જ તેઓ લેખક બન્યા છે એવું નથી, તેમની પાસે બંધારણની પણ સૂઝ-સમજ હોવી જરૂરી છે. હું તો એટલે સુધી કહીશ કે તમે કોઈને પત્ર લખતા હો તો એમાં પણ તમારે તમારી સૂઝબૂઝ વાપરવી જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિ પત્ર બરાબર માણી શકે. એ જ રીતે જ્યારે નવી દિશામાં સર્જન થતું હોય ત્યારે તમારે એ બંધારણ જાણવું-સમજવું જોઈએ. બંધારણ પરની આ મહારત માત્ર અને માત્ર અનુભવથી આવે. 


અમે જ્યારે મુકેશ-હિતેનને નાટકની ઑફર આપી ત્યારે જ તેમણે અમને પૂછ્યું કે અમને ગાઇડ કરવા માટે વિપુલભાઈ સાથે રહેશેને?

નાટક બાંધવામાં અને નાટકને લોકભોગ્ય બનાવવામાં વિપુલની ખૂબ ઊંડી સમજ છે. વિપુલ પોતે લેખક છે એ તો તમને ખબર જ હશે. ‘ક્યોં કિ... સાસ ભી કભી બહૂ થી’ અને ‘કસૌટી ઝિંદગી કી’ જેવી અનેક સિરિયલો તેણે લખી છે. વિપુલને નાટકનું બંધારણ સિરિયલમાં કામ લાગ્યું તો સાથોસાથ સિરિયલનું બંધારણ તેને રંગભૂમિ પર ઉપયોગી બન્યું. ઍનીવેઝ, મૂળ વાત પર આપણે પાછા આવીએ.

આ પણ વાંચો: ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’નાં રિહર્સલ દરમ્યાન જ નવા નાટકનું કામ ચાલુ

મુકેશ-હિતેનને વિપુલ ગાઇડ કરતો કે આપણે નાટકમાં એવું કશું કરીએ કે પેલું કરીએ જેનાથી કૅરૅક્ટર બને, વાર્તા આગળ વધે. મુકેશ જોષી અને હિતેન આનંદપરા પણ બહુ સારા લેખક-કવિ એટલે એ પણ વાતને તરત જ પકડીને આગળ વધે. મારે અત્યારે એક વાત કહેવી છે, એક વાત હંમેશાં યાદ રાખવી કે જે ચાલી શકે તે નાચી શકે, જે બોલી શકે તે ગાઈ શકે અને જે વિચારી શકે તે લખી શકે. હંમેશાં યાદ રાખજો કે ભગવાન ક્યારેય લેખકને કાંઈ જુદા મોઢાવાળા બનાવીને મોકલતો નથી. આ વાત દરેકેદરેક વ્યક્તિએ મનમાં સ્ટોર કરી રાખવાની જરૂર છે. જો તમને લાગે કે મારે લખવું છે તો લખવા માંડવાનું, ધીરે-ધીરે ફાવટ આવી જશે, જેમ-જેમ આગળ વધતા જશો એમ-એમ વિચારો વિસ્તરતા જશે અને મગજની, શબ્દોની ધાર નીકળતી જશે, જેનો સીધો લાભ તમને જ થશે.

‘એક સાંવરિયો, બીજો બાવરિયો’ નાટકમાં અમને મુકેશ-હિતેનનો ફ્રેશ અપ્રોચ મળ્યો. સરસ સીન આવતા હતા અને ડાયલૉગ્સ પણ સરસ હતા. અમારો નિયમ રહ્યો છે કે જેમ-જેમ સીન લખાતો જાય એમ-એમ નાટક સેટ કરતા જવાનું અને આ જ રીતે નાટક બનતાં હોય છે. અમે ક્યારેય લેખક ઉપર ભારણ નથી લાવતા કે તમારે અમને બાઉન્ડ સ્ક્રિપ્ટ જ આપવાની. ના, અમારો એવો આગ્રહ હોતો જ નથી. ઘણી વાર એવું પણ બને કે સેટ થતા નાટકને જોઈને પણ લેખકને બે નવી વાત સૂઝે, જેને તમે તમારા રાઇટિંગમાં સામેલ કરી શકો. 

‘એક સાંવરિયો, બીજો બાવરિયો’નો પહેલો સીન લખાયો, હું અને વિપુલ એ સીનથી સંતુષ્ટ થયા એટલે અમે તરત લાગ્યા કાસ્ટિંગ પર. કોઈ મોટા નામવાળા કલાકાર જ નાટકમાં હોવા જોઈએ એવું અમે ક્યારેય રાખ્યું નથી એટલે અમે તો જે અવેલેબલ હોય એ કલાકાર સાથે આગળ વધતા ગયા છીએ.

કાસ્ટિંગ સમયે વિપુલે મને લીડ ઍક્ટ્રેસમાં એક છોકરીનું નામ આપ્યું, નમ્રતા પાઠક. વિપુલે કહ્યું કે નમ્રતા બહુ સારી ઍક્ટ્રેસ છે, આપણે તેને લઈએ. હું તો ક્યારેય નમ્રતાને મળ્યો નહોતો, પણ નમ્રતા વિપુલના નિયમિત સંપર્કમાં હતી અને મને વિપુલ પર પૂરો ભરોસો એટલે મેં તરત હા પાડી દીધી અને આમ નમ્રતા પાઠકનું સૌથી પહેલું કાસ્ટિંગ થયું. નાટકના ટાઇટલ પરથી તમને એટલું તો સમજાયું હશે કે નાટકમાં એક છોકરીના બે પતિની વાત છે. એક સાંવરિયો અને બીજો બાવરિયો. સાંવરિયો એટલે કે પહેલા હસબન્ડ તરીકે અમે સૌનિલ દરુને કાસ્ટ કર્યો. સૌનિલે આ નાટક માટે તરત જ હા નહોતી પાડી. તેના મનમાં ઊંડે-ઊંડે ક્યાંક ના હતી એટલે આનાકાની કરતો રહ્યો. બે-ત્રણ વાર મેં પૂછ્યું અને પછી મેં તેને સહેજ ધમકાવ્યો કે અત્યારે તું કંઈ કરતો નથી તો પછી તને નાટક કરવામાં વાંધો શું છે?

સૌનિલ મારી આમન્યા જાળવે. તેણે નાટક માટે હા પાડી એટલે વાત આવી બાવરિયાને શોધવાની. આ બાવરિયાના કૅરૅક્ટરમાં અમે મેહુલ કજારિયાને કાસ્ટ કર્યો. મેહુલે અઢળક હિન્દી સિરિયલો કરી છે એટલે આમ એ ચહેરો જાણીતો. મેહુલે નાટક માટે હા પાડી એટલે મોટો હાશકારો થયો કે ચાલો, ત્રણ લીડ ઍક્ટર ફાઇનલ થઈ ગયા.

નાટકના આ સિવાયનાં કૅરૅક્ટર અને એની બીજી વાતોને બાકી રાખીને લઈએ એક નાનકડો વિરામ, મળીએ હવે આવતા સોમવારે.

જોક સમ્રાટ

આજ રાત સુધી રાહ જોઈએ, કોઈ મળ્યું તો ઠીક. 
બાકી કાલે સવારે કહી દેવાનું, વૅલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2023 05:51 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK