Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સનાતન, સનાતની અને હિન્દુ ધર્મ

સનાતન, સનાતની અને હિન્દુ ધર્મ

Published : 24 September, 2023 03:50 PM | IST | Mumbai
Kana Bantwa

હિન્દુ અને સનાતન સમાનર્થી શબ્દો છે? ખરેખર? સનાતનનો વિરોધ કરનારા ગીતાનો પણ કેમ વિરોધ કરે છે?

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


‘સુધારાવાળા સૌની ગાળો ખાય છે તો પણ સુધારા કરવા મથે છે. આપણી રૂઢિઓમાં સુધારાની તે શી જરૂર છે? સુધારાવાળા કહે છે કે બાળલગ્ન અટકાવવા કાયદો કરવો. બાળલગ્નનો રિવાજ શું ખોટો છે? આપણા બધા રિવાજ બહુ લાભકારક છે. આપણા જેવા ડાહ્યા, આપણા જેવા વિદ્વાન, આપણા જેવા હોશિયાર બીજા કોઈ નથી... તો પછી આપણા રિવાજ ખોટા કઈ રીતે હોઈ શકે? જ્ઞાનની અવધિ આ દેશમાં આવી ગઈ છે પછી સુધારવાની જરૂર શી રહે? સનાતન ધર્મમાંથી આપણી સર્વ અનુપમ રૂઢિઓ ઉદ્ભવી છે... અહા, કેવી ઉદાર રૂઢિઓ. જે રૂઢિઓએ બ્રાહ્મણોને શ્રેષ્ઠ કરીને બીજા સર્વને અધર્મ, અજ્ઞાન, અધિકારરહિત, પરવશ, અનક્ષર કરી નાખ્યા. એ જ રૂઢિઓએ માત્ર ક્ષત્રિયોને યુદ્ધ કરનાર બનાવીને અન્ય જાતિઓને દેશરક્ષણ કરતાં અટકાવી. એ રૂઢિઓએ વૈશ્યને વ્યાપારત્રસ્ત કરીને વિદેશમાં વ્યાપાર માટે દ્રવ્ય નાખતા અટકાવ્યા, સમુદ્રગમન નિષેધ કર્યું. જે રૂઢિઓએ શૂદ્રોને અમુક ધંધા વંશ-પરંપરાગત સોંપીને શૂદ્રોને ધનસંચયમાં નિ:સ્પૃહી કર્યા...’

સનાતન શબ્દ આવે એટલે રમણલાલ નીલકંઠ યાદ આવ્યા વગર ન રહે. તેમણે જ્યારે ભદ્રંભદ્ર લખ્યું ત્યારે ભારતમાં પાશ્ચાત્ય અસરને લીધે સુધારાનો પવન ચાલ્યો હતો અને ભદ્રંભદ્ર (મૂળે તો પગા અમથા કાળા, પછીથી દોલતશંકર અને પછી ભદ્રંભદ્ર) સહિતના સનાતનીઓ આ સુધારાઓની સામે પડ્યા હતા. સભાઓ ભરીને તેઓ સુધારાનો વિરોધ કરતા. બાળલગ્નો, આભડછેટ, જાતિપ્રથા, વિધવા વિવાહ વગેરેમાં જે પુરાતન રૂઢિઓ ચાલતી આવતી હતી એ જ ચાલુ રહેવી જોઈએ, એમાં સુધારા ન થવા જોઈએ એવું તે સનાતનીઓ દૃઢપણે માનતા હતા અને સુધારાઓની વિરુદ્ધમાં ઝુંબેશો ચલાવતા. આવી જ એક સભા મુંબઈના માધવબાગમાં યોજાવાની હતી એમાં ભાગ લેવા કથાનાયક ભદ્રંભદ્ર નીકળ્યા અને પછી જે હાસ્યસભર ઘટનાઓ બની તે રમણભાઈ નીલકંઠે અદ્ભુત રીતે આલેખી છે. ઉપરનો ફકરો માધવબાગની સભામાં થયેલા ભાષણનો છે. સનાતનીઓની માનસિકતા એમાં આબેહૂબ ઝિલાઈ છે.



હમણાં સનાતન મુદ્દે ઉદયનિધિ સ્ટાલિને જે નિવેદનો આપ્યાં એનાથી દેશભરમાં વિરોધનું વાવાઝોડું ઊઠ્યું. આટલા વિરોધ પછી પણ ઉદયનિધિ વારંવાર કહેતા રહે છે કે પોતે જે બયાન આપ્યું છે એના પર અડગ છે અને આવું પોતે વારંવાર કહેતા રહેશે. પોતે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં નથી બોલ્યા, સનાતનની વિરુદ્ધમાં બોલ્યા છે એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું. આપણે એ ચર્ચવા માગીએ છીએ કે હિન્દુ ધર્મ અને સનાતનને ઉદયનિધિ અલગ કેમ કહી રહ્યા છે? વાસ્તવમાં બંને અલગ છે ખરા? સનાતન અને સનાતનીઓ વાસ્તવમાં શું છે?


છેલ્લા થોડા સમયથી હિન્દુ ધર્મને સનાતન હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મ કહેવાનું ચલણ વધ્યું છે. સનાતન શબ્દને હિન્દુનો પર્યાય બનાવી દેવામાં આવ્યો છે. આવું થવા પાછળ એવું કારણ હોઈ શકે કે હિન્દુ શબ્દ ભારતનો નથી, આક્રમણકારોએ આપેલો છે એટલે એની અવેજીમાં સનાતન શબ્દ વાપરવો જોઈએ. અત્યારે ભલે સનાતન એટલે હિન્દુ એવી સમજ ઊભી થવા માંડી હોય, એક સમય હતો જ્યારે સનાતન અને સનાતની શબ્દનો અર્થ રૂઢિચુસ્ત, રિફૉર્મનો વિરોધ કરનાર, જૂની ઘરેડમાં જ રહેવાનું પસંદ કરનાર, રૂઢિઓ-રિવાજોને યોગ્ય જ ગણનાર એવો થતો હતો. આવો જ અર્થ હજી પણ ઘણા, ખાસ કરીને દ્રાવિડિયન મૂળના લોકો કરી રહ્યા છે. અંગ્રેજો ભારતમાં પ્રવેશ્યા અને અંગ્રેજી શિક્ષણ લાવ્યા એની સાથે જ ઓગણીસમી અને વીસમી સદીમાં ભારતમાં સુધારાવાદી આંદોલનો શરૂ થયાં. અગાઉ વિદ્યાપ્રાપ્તિ માત્ર બ્રાહ્મણો માટે જ હતી. અન્ય વર્ગોમાં શિક્ષણ આવ્યું એટલે તેઓ સમાજમાં વ્યાપ્ત રૂઢિઓનો વિરોધ કરવા માંડ્યા અને સુધારા કરવા માટે ઝુંબેશ ચલાવવા માંડ્યા.

આ સમયે ઉચ્ચ જાતિઓ, ખાસ કરીને બ્રાહ્મણોએ સુધારાનો વિરોધ કર્યો અને પોતાનો ધર્મ આદિકાળથી ચાલ્યો આવનાર, સનાતન છે એમ કહીને રૂઢિઓ તથા રિવાજો-કુરિવાજોને સમર્થન આપ્યું એટલે તેમને સનાતની તરીકે ઓળખાવવાનું ચાલુ થયું. સુધારાનો વિરોધ કરનાર પણ પોતાને સનાતની કહેવામાં ગૌરવ અનુભવવા માંડ્યા. એ વખતે સનાતન ધર્મ હિન્દુનો સમાનાર્થી નહોતો. હિન્દુઓમાંનો એક વર્ગ, જે પોતાને ઉચ્ચ માનતો હતો અથવા એવો વર્ગ જે ધાર્મિક રૂઢિઓમાં સુધારા કરવા સામે વિરોધ કરતો હતો એવા અર્થમાં સનાતન શબ્દ પ્રયોજતો હતો. ગોંડલના જ્ઞાની રાજવી ભગવતસિંહજીએ એ પછી તરતના સમયમાં ભગવદ્ગોમંડળ નામે ગુજરાતી જ્ઞાનકોશ બનાવ્યો એમાં સનાતન શબ્દનો અર્થ હિન્દુ ધર્મ એવો આપ્યો નથી. સનાતન એટલે જે છે એ સદા એમ જ રહેવું જોઈએ એમ માનનાર, રૂઢિચુસ્ત, સ્થિતિચુસ્ત એવો અર્થ આપ્યો છે. સનાતનના અન્ય અર્થ દિવ્ય મનુષ્ય, અનાદિ, મૂળ અચળ, જૂનામાં જૂનું, શાશ્વત, અવિનાશી, પરાપૂર્વથી એકસરખું જ ચાલ્યું આવતું વગેરે આપ્યા છે. સનાતન ધર્મનો અર્થ ભગવદ્ગોમંડળમાં પ્રથમથી એ જ પરાપૂર્વથી ચાલ્યો આવતો ધર્મ, પ્રાચીનકાળથી ચાલ્યો આવતો વેદધર્મ એવો આપવામાં આવ્યો છે. સનાતની શબ્દનો અર્થ એમાં પ્રગતિવિરોધી, રૂઢિરક્ષક, સ્થિતિચુસ્ત એવો અને સનાતન ધર્મ પાળનાર એવો અપાયો છે. ભગવતસિંહજીએ ૧૯૪૮માં પ્રથમ વખત ભગવદ્ગોમંડળ બહાર પાડ્યો ત્યારે સનાતન અને સનાતનીના આવા અર્થ થતા હતા.


લેખની શરૂઆતમાં જે ફકરો આપ્યો છે એ ભદ્રંભદ્રમાંથી લેવામાં આવ્યો છે. આજથી સવાસો વર્ષ પહેલાં ૧૯૦૦ની સાલમાં રમણભાઈએ આ હાસ્યકૃતિ લખી હતી. એમાં સનાતનીઓને દંભી, રૂઢિવાદી ગણાવ્યા છે. પુસ્તકના પરિચયમાં લખવામાં આવ્યું છે, ‘ભદ્રંભદ્ર સનાતની, અંધશ્રદ્ધાળુ, જૂનવાણી, પ્રગતિવિરોધી તત્ત્વોની ઠેકડી ઉડાડતી કૃતિ છે.’ સવાસો વર્ષ પહેલાં અને પોણોસો વર્ષ પહેલાં સનાતની, સનાતનનો આવો અર્થ થતો હતો. એ સમયે સનાતનીઓએ ભલભલાને નહોતા છોડ્યા. વેદધર્મની સ્થાપના માટે સર્વોત્કૃષ્ટ કામ કરનાર અને ભારતમાં વેદોની સમજ પાછી લઈ આવવામાં સિંહફાળો આપનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીનો પણ સનાતનીઓએ ભયંકર વિરોધ કર્યો હતો. દયાનંદ સરસ્વતી જાતિપ્રથાનો વિરોધ કરતા હતા એટલે સનાતનીઓને પસંદ નહોતા. મહાત્મા ગાંધીનો પણ સનાતનીઓએ ભરપૂર વિરોધ કર્યો હતો. ગાંધીજીએ દેશમાંથી અસ્પૃશ્યતા નિવારવા માટે આંદોલન ચલાવ્યું ત્યારે સનાતનીઓ ગાંધીજીની સામે પડ્યા હતા. એ સમયે અસ્પૃશ્યતાવિરોધી આંદોલન ચલાવનારાઓ પર સનાતનીઓએ હુમલાઓ કર્યા, કરાવ્યાની ઘટનાઓ પણ બની હતી. સનાતનીઓએ આંબેડકરની સામે પણ ઝુંબેશ ચલાવી હતી. જે કોઈ રૂઢિઓની સામે પડ્યા તે તમામને સનાતનીઓના વિરોધનો ભોગ બનવું પડ્યું.

દક્ષિણમાં સનાતની એટલે બ્રાહ્મણવાદી, જાતિવાદી, રૂઢિચુસ્ત એવો હજી કરવામાં આવે છે. ગુજરાતમાં પણ એવો જ અર્થ અભિપ્રેત છે, પણ ધીમે-ધીમે એ શબ્દ પોતાનો અર્થ બદલી રહ્યો છે. શબ્દોના અર્થ સમય પ્રમાણે બદલાતા રહે છે. ઘણા ગુજરાતી શબ્દોના અર્થ એકાદ સદીના ગાળામાં બદલાઈ ગયા છે. આફ્રિકા જેવા દેશો જ્યાં ગુજરાતીઓ એક-દોઢ સદી પહેલાં જઈને વસ્યા છે તેમણે એ જૂના અર્થ હજી સાચવી રાખ્યા છે, પણ એ વાત ફરી ક્યારેક.

ઉદયનિધિ આ સનાતનીઓની વાત કરી રહ્યા છે એટલે કહે છે કે હું હિન્દુવિરોધી નથી. દક્ષિણ ભારત અને દ્રવિડ મૂળની પ્રજાની વિચારધારાથી આપણે ઘણા અજાણ છીએ. તેઓ ગીતાને પણ જાતિવાદી કહે છે, કારણ કે એમાં ચાર વર્ણ તથા એનાં કર્તવ્યોથી મનુ જેવી જાતિવાદી વ્યવસ્થાનું સમર્થન થયું છે એમ તેમનું માનવું છે. દક્ષિણમાં હિન્દુ ધર્મ અને એની રૂઢિઓ વિરુદ્ધ સદીઓથી બોલાતું આવ્યું છે, બોલાતું રહે છે. ઉદયનિધિ છેલ્લાં ૨૦ વર્ષથી સતત સનાતનવિરોધી નિવેદનો કરતા રહ્યા છે. અત્યારે જ્યારે હિન્દુ સેન્ટિમેન્ટ અલગ ઊંચાઈ પર છે એટલે તેમનું નિવેદન ધ્યાનમાં લેવાયું છે. ઇતિહાસનો કવિન્યાય જુઓ. જે દક્ષિણે હિન્દુ ધર્મને બચાવી રાખ્યો એ જ દક્ષિણમાં હિન્દુ ધર્મ અને એના રિવાજો વિરુદ્ધ ઝુંબેશ પણ સમાંતરે ચાલતી રહી.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 03:50 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK