Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > વીર RTIવાળો

વીર RTIવાળો

07 July, 2024 02:42 PM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

આજે તમને બુધિયાની વાત કરવી છે. બુધિયાની વાત વાંચીને તમારે તમારા જીવનમાં ભટકતો બુધિયો ગોતવાનો છે

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે આડી મીંદડી ઊતરે એટલે ઘણા લોકો એને અપશુકન માને, પરંતુ આપણા સમાજમાં એવા પણ લોકો છે જેમને જોઈને મીંદડી પણ રસ્તો બદલી નાખે છે. એવી જ એક અઘરી આઇટમ એટલે બુધાલાલ ઉર્ફે બુધિયો. બુધિયાની બાને ‘કૌન બનેગા કરોડપતિ’ બહુ ગમતું. બુધિયાના જનમ પહેલાં તેની બાએ એકેએક એપિસોડ રિપીટ ટેલિકાસ્ટમાં જોયા હતા. તેથી બુધિયો નાનપણથી આખા ગામને સવાલો કરી-કરીને મૂંઝવે.


બુધિયામાં જુવાની બેઠી એ સાથે ગામની માઠી બેઠી. બુધિયાએ સમજણના નામે પળોજણને પ્રેમ કર્યો. હોટેલમાં જમતી વખતે ટિશ્યુ ન મળે તો બિલ દેતી વખતે એનો ઇશ્યુ કેમ બનાવવો એ કળા બુધિયા પાસેથી શીખવી પડે. એકવડિયો બાંધો, હોઠ માથે થોરની વાડ કરી હોય એવી બરછટ મૂછો, તમે ન બોલ્યા હોય તોય સાંભળી લ્યે એવા બૂચા કાન, સફેદ પૅન્ટ-શર્ટ પર સદૈવ સિવાઈ ગયેલી કાળી કોટી અને તેના ખિસ્સામાં રહેલી લાલ-લીલી ને બ્લુ બૉલપેન પોખરણમાં અણુધડાકાના અરમાન ધરાવતી હતી.તમે બુધિયાને મંદિરે લઈ જાઓ તો તે પૂજારીની ઘટાટોપ ફાંદ ભાળીને છપ્પનભોગ પર RTI કરે. મહાણે લઈ જાઓ તો વધારે પડતાં લાકડાં બળતાં ભાળીને સ્મશાનના મૅનેજમેન્ટ પર RTI કરે. ટૂંકમાં, બુધિયો એટલે RTIપ્રેમી, RTIભક્ત અને નખશિખ RTIનો બંધાણી. કાયદાના દુરુપયોગથી ગામને ધંધે કેમ લગાડવું એ જ બુધિયાનો મુખ્ય ધંધો. બુધિયાની RTIની ખોતરપટ્ટી એટલી ખતરનાક કે ગામડામાં એકેય તલાટી ન ટકે. સરપંચ બુધિયાને લીધે ગામને બદલે વાડીમાં જ રહે. મામલતદાર બુધિયાના ગામમાં ભૂલથી પણ ન ફરકે. માસ્તરો બુધિયાને નિશાળ તરફ આવતો ભાળીને બારિયુંમાંથી ભાગે.


દી ઊગે ને આથમે પણ બુધિયાની RTIને કોઈ ન પુગે. તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીમાં બુધિયાની એન્ટ્રીથી ૭.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે. વર્ષો પહેલાં બુધિયાને સરકારી નોકરી ન મળી એમાં આખું વહીવટી તંત્ર બુધિયાને મન દુશ્મન થઈ બેઠું. બુધિયાની ઘરવાળી લગનને સોળમે દી પિયર ગઈ તે પાછી જ ન ફરી. લગનના ત્રીજા દિવસે શૉપિંગ ખર્ચનો વિધિવત્ હિસાબ માગ્યો, જેમાં ત્રણ રૂપિયાનો હિસાબ પત્ની આપી ન શકી ને પછી બુધિયાએ મનાલીથી ઠેઠ રાજકોટ સુધી વહુને મેણાં માર્યાં એમાં પેલી બુધિયાના ઘરે જવાને બદલે પોતાના બાપના ઘરે કાયમ માટે ચાલી ગઈ. આ રીતે RTI ચળવળમાં ઘી (અથવા કેરોસીન) હોમાયું અને આખું ગામ દાઝ્યું.

બુધિયાની પત્નીએ બસ-સ્ટૅન્ડમાં છેલ્લી વાર પાણીપૂરી ખાઈને પછી રિહામણે જવાની વાત કરી હતી. બસ, એ દિવસથી બુધિયાને પાણીપૂરી ઝેર થઈ ગઈ. તેણે જિલ્લા કલેક્ટરમાં પહેલી અરજી કરી કે સરકાર સ્ત્રીસશક્તીકરણની વાતું માંડે છે, પરંતુ પાણીપૂરી બૈરાંઓને નબળાં બનાવે છે. જિલ્લામાં કેટલા પાણીપૂરીવાળા છે? એમાં કેટલા પરપ્રાંતીય છે? જિલ્લાની કેટલી બાયું રિસામણે છે? એનો લેખિત જવાબ કરવા વિનંતી અને તાત્કાલિક અસરથી પાણીપૂરી પર પ્રતિબંધ લગાવવા વિનંતી છે.


પત્નીમુક્ત બુધિયો ગામમાં હવે કોઈનાથી ડરે એમ નથી. મતદારયાદીમાં બુધિયાના નામમાં જ લોચો થયો. બુધિયાનો ફોટો યથાવત્ રહ્યો, પરંતુ નામની જગ્યાએ ‘બેનીબેન’ છપાયું. બસ, મામલતદારની નીંદર હરામ કરવા માટે આટલું કાફી હતું. પત્ની જ્યારથી રિસામણે ગઈ છે ત્યારથી બુધાલાલને સ્ત્રીમાત્ર ઝેર થઈ ગઈ. ચૂંટણીનો સર્વે કરનાર શિક્ષકથી માંડીને ચૂંટણી અધિકારી સુધીના તમામનો બુધિયાએ ઊધડો લીધો. ટૂંકમાં, આખું ગામ બુધિયાપીડિત હતું. ગામને સહન કરવા સિવાય છૂટકો જ નહોતો. બુધિયાના ત્રાસને લીધે આશરે બાવીસ જેટલા પરિવારો ગામ છોડીને ચાલ્યા ગયા હતા. બુધિયાના જન્મદિવસે કાળીચૌદશ જેવું વાતાવણ આખા ગામમાં થઈ જતું.

અંતે ગામની પ્રત્યેક વ્યક્તિને નડી-નડીને બુધિયો કંટાળ્યો. ગામની માનતાઓ ફળી. જીવનથી થાકેલા બુધિયાએ ગામના સરપંચ સમેત અગ્રણી પચીસ જણની અંતિમ બેઠક બોલાવી. ત્રણેક મહિનાથી મરણપથારીએ પડેલા બુધિયાએ સરપંચને વિનંતી કરી કે ‘હું આજીવન આખા ગામને નડ્યો છું. તમારા સૌની માફીને હરગિજ લાયક નથી. મારી અંતિમ ઇચ્છા પૂર્ણ કરો.’

સરપંચે કુતૂહલવશ પૂછ્યું, ‘બુધિયા, તારી અંતિમ ઇચ્છા છે શું?’

‘આ મારા દાદાની નિશાની જેવું દેશી દાતરડું મારા વાંહામાં મારીને મને મૃત્યુને દ્વાર પહોંચાડો. મારી અંતિમ ઇચ્છા પૂર્ણ કરો.’ આટલું બોલતાં-બોલતાં તો બુધિયો ચોધાર આંસુડે રડી પડ્યો. ઉપસ્થિત આગેવાનો ગડદે-ગડદે બુધિયાને ગુજરાવી દયે એટલા તેનાથી કંટાળેલા હોવા છતાં સૌએ સંયમ રાખ્યો. મરણપથારીએ પડેલા માણસની અંતિમ ઇચ્છાઓ પૂરી કરવી જ જોઈએ. બુધિયાએ રડતાં-રડતાં હાથ જોડ્યા અને પચ્ચીસેપચ્ચીસ આગેવાન દાતરડું લઈને બુધિયા પર તૂટી પડ્યા. ટાઢે પાણીએ ખહ કાઢ્યાનો સૌને હૈયે હરખ હતો. બુધિયાની અંતિમ ઇચ્છા મુજબ તેની પીઠ પર તમામ લોકોએ આશરે પચ્ચીસેક જેટલા ઘા માર્યા. બુધિયો રામશરણ પામ્યો. આખા ગામે હાશકારો લીધો.

બીજા દિવસે આખું ગામ રાજીખુશીથી બુધિયાની સ્મશાનયાત્રામાં જોડાયું. જાણે મોટું ગ્રહણ પૂરું થતું હોય, સુનામીમાંથી જીવતા નીકળ્યા કે ધરતીકંપ શમ્યો હોય એવી નિરાંત સાથે હજી તો બુધિયાની સ્મશાનયાત્રા સ્મશાનની વાટ પકડે ત્યાં જિલ્લાના પોલીસ અધિકારીની ગાડીએ લાશને રોકીને હવાલદારે લાશ ફરતે જાપ્તો ગોઠવી ખિસ્સામાંથી કાગળ કાઢી ગ્રામજનો વાંચી સંભળાવ્યો, જેમાં બુધિયાએ મૃત્યુના એક અઠવાડિયા પહેલાં જિલ્લા પોલીસવડાને એક પત્ર પાઠવીને લખ્યું હતું કે આ ગામના લોકો મારી દાતરડા દ્વારા હત્યા કરે તો નીચેના પચ્ચીસ જણ પર હત્યાનો ગુનો દાખલ કરજો.

હવાલદારે કફન ખોલાવ્યું. આખા શરીર પર દાતરડાનાં નિશાન ગણ્યાં અને સરપંચ સહિત પચ્ચીસ લોકોની ધરપકડ કરી. મરતાં-મરતાં પણ બુધિયો પચ્ચીસને મારતો ગયો. આવા બુધિયાઓથી સંભાળજો. દાતરડું ઉપાડતાં પહેલાં ચેતજો. મરશે ઈ ને જીવવા જેવા તમે નઈ રયો...

 

(લેખક જાણીતા હાસ્યકલાકાર અને મૂલ્યનિષ્ઠ શિક્ષણપદ્ધતિ સાથે સંકળાયેલા છે.)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 02:42 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK