આજે ‘વાક્ બારસ’ નિમિત્તે વાક્ એટલે કે વાણીના વિવેકની દિશામાં આપણે ક્યાં ગોથું ખાઈ જઈએ છીએ એ વિશે વિચાર કરીએ. વાણીની પ્રભાવકતા વધારવા માટે ઉપયોગી હોય અને વાણીના દોષોને દૂર કરવા માટે પાવરફુલ ગણાય એવી કેટલીક ટિપ્સ પણ જાણીએ
બોલે તો... બોલને સે પહલે સોચને કા
‘બોલવાનું હોય ત્યાં બોલે નહીં અને ન બોલવાનું હોય ત્યાં બોલે, એ માણસ ગણાય તણખલાની તોલે.’ આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ કાવ્યપંક્તિ આજના દિવસના સંદર્ભમાં ખૂબ મનનીય અને ચિંતનીય છે. થોડુંક આત્મચિંતન કરીને આ સવાલ જાતને પૂછવો જોઈએ કે ખરેખર તમે જ્યાં બોલવાનું હોય ત્યાં જ બોલો છો કે જરૂર ન હોય ત્યાં પણ મંડી પડો છો.
વાણીસ્વતંત્રતા અને વાણીવિવેક એક સિક્કાની બે બાજુ સમાન છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો વ્યક્તિત્વ વિકાસનું એક અદ્ભુત પર્વ બની શકે છે દિવાળી. દિવાળીનો પ્રારંભ જ અદ્ભુત એવી વાક્ બારસથી થાય છે (જેને આજે પણ કેટલાક નબીરાઓ ‘વાઘબારસ’ કહીને બોલાવે છે). વાણી, ભાષા, જ્ઞાન અને બૌદ્ધિકતાને ટપારવાની, જાણવાની અને સમજવાની વાતથી દિવાળી શરૂ થાય એ કંઈ અકારણ તો નથી જ. આજે આ જ વિષય પર છણાવટ કરીએ અને એ માટે વાત કરીએ આઉટસ્ટૅન્ડિંગ ન્યુમરોલૉજિસ્ટ-૨૦૨૩ના વિજેતા, મિસ્ટિકલ સાયન્સના અભ્યાસુ અને હોટેલ મૅનેજમેન્ટ કર્યા પછી તાજમાં કામ કરી ચૂકેલા ડૉ. રોહિત ગડકરી સાથે.
ADVERTISEMENT
પ્રકૃતિનો નિયમ
તલવારના ઘા રુઝાય પણ વાણીના ઘા ક્યારેય રુઝાતા નથી એ કહેવતને તમે સતત અનુભવતા હશો. એને સમર્થન આપતાં ડૉ. રોહિત ગડકરી કહે છે, ‘તમે એક વાર જે બોલી ગયા એના પ્રભાવને તમે પાછો વાળી નથી શકતા. સારું કે ખરાબ પણ બોલાઈ ગયું એટલે તમારા પક્ષેથી ગેમ ઓવર થઈ ગઈ અને એટલે જ તમે શું બોલો છો એ મહત્ત્વનું છે. એની સાથે ટોન મહત્ત્વનો છે. એક જ વાત બે ટોનમાં બોલી શકાય. એ જ શબ્દો બોલાયેલા આરોહ-અવરોહને કારણે પ્રભાવ પાડતા હોય છે. ‘આ વસ્તુ આપ મને’ આ ચાર શબ્દને પણ તમે જુદી-જુદી રીતે બોલી શકો છો. પ્રેમથી, ગુસ્સાથી, રિક્વેસ્ટથી, અકળામણથી. સૌથી મહત્ત્વની વાત આખી દુનિયા તમને તમારી વાણી થકી ઓળખે છે. એના જ થકી તમારું મૂલ્યાંકન દુનિયાદારીમાં થતું હોય છે. એટલે એમાં બે જ મહત્ત્વના મુદ્દા કહીશ. એક તો એવું બોલો જે તમને તમારી સાથે કોઈ બોલે તો સાંભળવું ગમે. બીજું, ધીરજ કેળવતાં શીખો. તમે જોશો કે જે લોકો બહુ જ અધીરા હોય છે એ જ મોટા ભાગે બોલવામાં બેફામ થઈ જતા હોય છે. તમારામાં જો ધીરજનો ગુણ કેળવાયેલો હશે તો વાણીના મોટા ભાગના ઉતાવળને કારણે જન્મેલા દોષ દૂર થઈ જશે અને ધીરજનો ગુણ કેળવવા માટે મેડિટેશન કરો. દરરોજ દસ મિનિટ ધ્યાનનો અભ્યાસ કરવાથી ધીમે-ધીમે તાત્કાલિક રીઍક્ટ કરવાની અને મનમાં આવે એ શબ્દો બોલી દેવાની આદત દૂર થશે.’
દરરોજ ‘હમ્’ બીજમંત્રનું મનોમન એક પ્રૉપર વજનદાર ટોનેશન સાથે રટણ કરશો તો પંદર જ દિવસમાં તમને તમારી સ્પીચમાં જોરદાર બદલાવ દેખાશે. માત્ર ભાષાશુદ્ધિ નહીં પણ આત્મવિશ્વાસ પર પણ એની અસર પડતી હોય છે. - ડૉ. રોહિત ગડકરી
કેટલીક સરળ ટિપ્સ
વાણીને લગતા દોષો દૂર કરવા માટે તમે વિશુદ્ધિ ચક્રનું ધ્યાન પણ લગાવી શકો છો. ડૉ. રોહિત કહે છે, ‘દરરોજ ‘હમ્’ બીજમંત્રનું મનોમન એક પ્રૉપર વજનદાર ટોનેશન સાથે રટણ કરશો તો પંદર જ દિવસમાં તમને તમારી સ્પીચમાં જોરદાર બદલાવ દેખાશે. માત્ર ભાષાશુદ્ધિ નહીં પણ આત્મવિશ્વાસ પર પણ એની અસર પડતી હોય છે. સાઉન્ડ ન્યુમરોલૉજી પણ એક બહુ જ જાણીતો પ્રકાર ગણાય છે. એ મુજબ કેટલાંક નામમાં જ પાવર હોય કે તેઓ બોલે એ પહેલાં તેમનું નામ તેમની બીજે બોલતું હોય છે. એક સિમ્પલ દાખલો આપું. ‘અબ સ્ટેજ પર આ રહે હૈં ઇસ સદી કે મહાનાયક અમિત શ્રીવાસ્તવ’ અથવા ‘અબ સ્ટેજ પર આ રહે હૈં ઇસ સદી કે મહાનાયક અમિતાભ બચ્ચન’. કયામાં વધુ એનર્જી ફીલ થાય? કેટલાંક નામ એવાં હોય છે જેને તમે નેગેટિવલી સાઉન્ડ કરી જ ન શકો. જેમ કે ‘રાજ’, ‘આર્યન’. આ નામોને તમે ગમે તેટલા ગુસ્સામાં કે નિરાશામાં બોલવાની કોશિશ કરશો, એ પોતાનો પ્રભાવ છોડીને જ રહેશે. એ નામની ખૂબી છે. વાણીની વાત નીકળી છે ત્યારે બાળકોનાં નામ પાડતી વખતે આ ઉચ્ચારણ અને એના થકી ઉત્પન્ન થતી ઊર્જાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. બીજી વાત જેમની પણ બર્થ ડેટમાં ‘૧’ નંબર ન આવતો હોય તેમને સ્પીચને લગતા, વાણીને લગતા દોષો હોવાની સંભાવના વધારે હોય છે. આવા લોકો દરરોજ સૂર્યને જળ ચડાવે, પિતાને પગે લાગે, પિતા ન હોય તો પિતતૃલ્ય વ્યક્તિને પગે લાગે તો તેમનો સૂર્ય તેજસ્વી થશે અને તેમનામાં બોલવા માટે ખૂટતા આત્મવિશ્વાસને જગાડશે.’
બોલો ‘જી’
હા, કોઈની પણ સાથે વાત કરો ત્યારે તેમને સંબોધન કરતી વખતે નામ સાથે ‘જી’ જોડીને જુઓ. ન્યુમરોલૉજીની દૃષ્ટિએ વાત કરતાં ડૉ. રોહિત કહે છે, ‘બહુ જ પૉઝિટિવ એનર્જી આ શબ્દ સાથે સંકળાયેલી છે અને બહુ જ ઝડપથી આ રીતે શરૂ થતી વાતચીતમાં તમે ઇફેક્ટિવ સાબિત થઈ શકશો.’