આજ સુધીમાં મેં અમેરિકાના વિઝા વિશે ૩૦થી વધુ પુસ્તક લખ્યાં છે. ૫૦૦થી વધારે મુંબઈ તેમ જ ભારતનાં અન્ય શહેરોમાં, દુબઈમાં અને અમેરિકા સુધ્ધાંમાં લેક્ચરો આપ્યાં છે.
પ્રતીકાત્મક તસવીર
સુધીરભાઈ, તમે એક ભારતીય ઍડ્વોકેટ તરીકે મુંબઈની કોર્ટોમાં પ્રૅક્ટિસ કરતા હતા. ઘણા મોટા અને અટપટા કેસો તમે લડ્યા છો. અચાનક તમે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા ઉપર સલાહ આપવાનું કયા કારણસર શરૂ કર્યું?
વર્ષ ૧૯૭૯માં બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્રએ એમના ૪૦ ઍડ્વોકેટનું એક ડેલિગેશન રશિયા, ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીઝ તેમ જ લંડન અને રોમમાં મોકલાવ્યું હતું. એમાંના સભ્યોમાં હું પણ એક હતો. અડધી દુનિયા ફરી આવ્યા પછી બીજા વર્ષે મને અમેરિકા જવાનું મન થયું. એવો વિચાર આવ્યો કે જો હું અમેરિકા જાઉં છું તો શા માટે ત્યાંની લીગલ સિસ્ટમ વિશે જાણકારી ન મેળવું? ત્યાંની કોર્ટમાં ન જોઉં? ત્યાં ઍટર્નીઓ, જેમની ઑફિસમાં બસોથી વધુ ઍટર્નીઓ કામ કરતા હોય, એમની ઑફિસમાં ન જોઉં? આમ વિચારીને મેં લગભગ પચીસ-ત્રીસ જુદી જુદી ઍટર્નીની ફર્મને કાગળ લખ્યા અને જણાવ્યું કે હું મુંબઈમાં પ્રૅક્ટિસ કરતો એક ઍડ્વોકેટ છું અને અમેરિકા આવું છું. મારે તમારી કોર્ટ જોવી છે, તમારી ઑફિસો જોવી છે. તમારી લીગલ સિસ્ટમ વિશે જાણવું છે. બધા ઍટર્નીઓએ મને ઉમળકાભેર આવકાર્યો, પણ એક ઍટર્નીની ફર્મને લાગ્યું કે મેં એમને ત્યાં નોકરીની અરજી કરી છે. એમણે જવાબમાં લખ્યું કે ‘નો પોઝિશન અવેલેબલ વિથ અસ.’ મેં એ બધા પત્રોની ફાઇલ બનાવી અને ઇન્ટરવ્યુમાં એ ફાઇલ સાથે લઈ ગયો. કૉન્સ્યુલર ઑફિસરે મને પહેલો સવાલ કર્યો કે ‘તમે અમેરિકા શા માટે જવા ઇચ્છો છો?’ મેં જવાબ આપ્યો કે ફરવા અને તમારે ત્યાંના ઍટર્નીઓને મળવા. ‘તમે એમની અપૉઇન્ટમેન્ટ લીધી છે?’ આ સવાલના જવાબમાં મેં પેલી ફાઇલ તેમને આપી. તેમણે એ ખોલી અને પહેલો કાગળ ‘નો પોઝિશન અવેલેબલ વિથ અસ’ જોયો. ઑફિસરને લાગ્યું કે હું અમેરિકામાં નોકરી કરવા ઇચ્છું છું એટલે તેમણે મારા વિઝા રિજેક્ટ કર્યા. મને એ સમયે સમજ ન પડી કે મારા વિઝા શા માટે નકારવામાં આવ્યા છે? કારણ જાણવા મેં અમેરિકાથી ઇમિગ્રેશનના કાયદાનાં પુસ્તકો મગાવ્યાં. એ વાંચ્યાં, એનો અભ્યાસ કર્યો અને મને મારી ભૂલ જણાઈ.
જ્યારે કોઈ પણ પરદેશી અમેરિકાના ‘બી-૧/બી-૨’ વિઝાની અરજી કરે છે ત્યારે કૉન્સ્યુલર ઑફિસરે ધારી લેવું પડે છે કે એ વિઝાનો અરજદાર બિઝનેસમૅન યા ટૂરિસ્ટ તરીકે પોતાની જાતને દેખાડીને અમેરિકામાં ઘૂસવા ઇચ્છે છે. મને પેલા ઍટર્નીએ જે કાગળ લખ્યો હતો એના પરથી એ ઑફિસરને લાગ્યું કે હું અમેરિકામાં નોકરી કરવા ઇચ્છું છું. આથી એમણે મારા વિઝા નકાર્યા. ત્યાર બાદ મેં ફરીથી અરજી કરી અને મને વિઝા આપવામાં આવ્યા અને આજ સુધીમાં હું લગભગ ૬૦ વખત અમેરિકા જઈ આવ્યો છું. આ પ્રસંગ બન્યા પછી મને એવો વિચાર આવ્યો કે મારા જેવા ભણેલાગણેલા ઍડ્વોકેટને પણ જો અમેરિકાના વિઝા મેળવવા માટે શું લાયકાતો હોવી જોઈએ એની જાણ નહોતી તો સામાન્ય લોકોનું શું? આથી મેં ‘ઇકૉનૉમિક ટાઇમ્સ’માં અમેરિકાના ઇમિગ્રેશન અને વિઝા વિશે લેખો લખવાનું શરૂ કર્યું. એ પત્રના એડિટરે પછી મને સવાલ-જવાબની કૉલમ શરૂ કરવાનો આગ્રહ કર્યો અને બાર વર્ષ સુધી મેં લાગલગાટ ‘ગેન્ગેવ’ કૉલમ હેઠળ ‘ઇકૉનૉમિક ટાઇમ્સ’ના વાચકોને મૂંઝવતા અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી આપી. પછી તો મેં ‘વ્યાપાર’, ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘ચિત્રલેખા’, આમ જુદાં જુદાં અખબારો અને મૅગેઝિનોમાં અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવાનું શરૂ કર્યું. હજી આજે પણ હું દર અઠવાડિયે આઠ અખબારોમાં અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું. પછી મને આ વિષયમાં ખૂબ રસ પડ્યો એટલે છ વર્ષ ‘અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર’ આ વિષયમાં રિસર્ચ કરીને મેં સ્થળાંતરનો એક નવો સિદ્ધાંત ‘ધ થિયરી ઑફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ પ્રસ્થાપિત કર્યો. ‘મુંબઈ યુનિવર્સિટી’એ મને ‘પીએચ.ડી.’ની માનદ ડિગ્રી પણ આપી. આજ સુધીમાં મેં અમેરિકાના વિઝા વિશે ૩૦થી વધુ પુસ્તક લખ્યાં છે. ૫૦૦થી વધારે મુંબઈ તેમ જ ભારતનાં અન્ય શહેરોમાં, દુબઈમાં અને અમેરિકા સુધ્ધાંમાં લેક્ચરો આપ્યાં છે. રોડ-શોનું આયોજન કર્યું છે. ભારતીયોનાં અમેરિકન સપનાં પૂરાં કરવા એમને કાયદાકીય જ્ઞાન આપવું એ હવે મારો જીવનનો મંત્ર બની ચૂક્યો છે.
ADVERTISEMENT
મારા લખેલા લગભગ સાઠથી વધુ અમેરિકાના ઇમિગ્રેશનના વિઝાને લગતા એપિસોડ યુટ્યુબ ઉપર ‘ઇમિગ્રેશન કી દુનિયા’ આ શીર્ષક હેઠળ મૂકવામાં આવ્યા છે. ‘પશા પટેલને વિઝા મળ્યા’ આ બેઅંકી નાટક પણ મેં લખ્યું છે. મિડ-ડેના દરેકેદરેક વાચકને મારી ભલામણ છે કે તેઓ અમેરિકા જવા ઇચ્છતા હોય તો તેમણે કાયદેસર જ જવું જોઈએ. તેઓ કયા વિઝા માટે લાયક છે, એ માટેની શું-શું જરૂરિયાત છે એ જાણકારી તેમણે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર અનુભવી ઍડ્વોકેટ પાસેથી મેળવી લેવી જોઈએ.

