ગોલ્ડન વર્ડ્સ - ખાવાની બાબતમાં શરીરને સાંભળો. ખાવાનો સમય થઈ ગયો છે, પણ ભૂખ નથી લાગી તો પણ જમવા બેસી જવાનો અપ્રોચ બદલો. બૉડીને શાની જરૂર છે એની હિન્ટ એ તમને આપે જ, બસ એને સાંભળો અને એ પછી ખાઓ.
દર્શન દવે
‘બેગુસરાય’, ‘ઘર એક સપના’, ‘દેશબુક’, ‘યારી રખો’થી માંડીને હમણાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘સ્કૂપ’માં પણ દેખાતો અને ‘દૂસરી માં’ સિરિયલમાં પણ જોવા મળતો દર્શન દવે ખાવાનો એટલો શોખીન છે કે સારી વરાઇટી ખાવા માટે પચાસ કિલોમીટર તો મિનિમમ ટ્રાવેલ કરી નાખે અને એ પણ થાક્યા વિના
અમારા ઘરમાં આજે પણ જૂના જમાનાની પિત્તળની મોટી-મોટી કડાઈ, આખો માણસ બેસી જાય એટલી સાઇઝનાં તપેલાં અને એવાં બીજાં ઘણાં વાસણ છે. ચાલીસ-પચાસ લોકોનું ખાવાનું બનાવવા માટે વપરાતાં વાસણો જોઈને કોઈ પણ કહી શકે કે અમારી ફૅમિલીની હિસ્ટરીમાં જ ફૂડ-પ્રેમ જોડાયેલો હશે અને પર્સનલી કહું તો એ સાચું પણ છે.
અમારા ઘરમાં પહેલેથી જ કુકિંગને મહત્ત્વ મળતું હશે અને ખાવાની બાબતમાં ક્યારેય કૉમ્પ્રોમાઇઝ નહીં થતું હોય એવું તેમની વાતો અને આ બધાં યુટેન્સિલ્સ જોઈને મને પણ લાગતું રહ્યું છે. હવે આવીએ મારી વાત પર.
ખાવાની બાબતમાં હું મારા વડીલો જેવો જ છું. જો મને હમણાં કોઈ આવીને કહી દે કે તારે ૬ મહિના સુધી એવો કોઈ પ્રોજેક્ટ નથી કરવાનું જેમાં તારું વેઇટ ગમે એટલું વધારે હોય તો પણ કોઈ ફરક ન પડે તો હું લાઇફનાં બધાં ટેન્શન પડતાં મૂકીને બેફામ ખાતો થઈ જાઉં અને સ્વીટ્સ પર તો રીતસર તૂટી પડું. તમે સમજી જ ગયા હશો કે મીઠાઈઓ મારી મોસ્ટ ફેવરિટ છે. મારા ખાવાના શોખને કારણે મારું વેઇટ તમને ક્યારેય એકસરખું જોવા નહીં મળે એ પણ તમને કહી દઉં. હું તમામ પ્રોજેક્ટમાં જુદી-જુદી સાઇઝમાં જોવા મળતો હોઉં છું. ફરી આવી જઈએ આપણે મીઠાઈની વાત પર. સેટ પર બધાને જ ખબર હોય કે મીઠાઈ હશે તો કાં તો એ સંતાડો અને કાં તો પહેલેથી જ ડબલ મગાવો. હું ક્યારેય સ્વીટ્સથી થાકતો નથી અને એ પણ એટલું જ સાચું કે મને બધી એટલે બધી જ સ્વીટ્સ ભાવે. બસ, એનો ટેસ્ટ ગળ્યો હોવો જોઈએ.
ખાવાનો મને જબરો શોખ છે, કદાચ એટલે જ માત્ર એક આઇટમ ખાવા માટે હું મુંબઈ કે મારા હોમટાઉન જયપુરમાં ૫૦-૬૦ કિલોમીટર ટ્રાવેલ કરવું પડે તો જરા પણ ખચકાતો નથી. બે કલાક આવવાના અને બે કલાક જવાના ખર્ચીને હું બેસ્ટ મિસળ કે બિરયાની માટે ગયો હોઉં એવા સેંકડો દાખલા મારી લાઇફમાં બન્યા છે.
ADVERTISEMENT
રાજસ્થાની ફૂડ છે ફેવરિટ
રાજસ્થાની ફૂડ મારું હંમેશાં ફેવરિટ રહ્યું છે. રાજસ્થાની દાલ-બાટી-ચૂરમું તો યાદ કરું અને મારા મોઢામાં પાણી આવી જાય. ગટ્ટાની સબ્ઝી પણ મારી ઑલટાઇમ ફેવરિટ છે.
હું જ્યારે મુંબઈ શિફ્ટ થયો ત્યારથી જ જાતે ખાવાનું બનાવવાની આદત પાડેલી. મારાં મમ્મી માનતાં કે છોકરાઓને પણ ખાવાનું બનાવતાં આવડવું જોઈએ. દાળ-ભાત-શાક મને ખૂબ સરસ આવડે, પરંતુ, હા, રોટલી બનાવવામાં આજે પણ ગોટાળો થઈ જાય છે. મને આજે પણ યાદ છે કે હું ૯ વર્ષનો હતો ત્યારે મમ્મીને સરપ્રાઇઝ આપવા તે ઘરે નહોતાં ત્યારે મેં
શાક-રોટલી બનાવવાની લાઇફમાં પહેલી ટ્રાય કરી હતી.
રોટલીની તો વાત જ ન કરો, પણ શાક પણ દાઝી ગયેલું. કિચન તો જાણે આખું ખેદાનમેદાન થઈ ગયું હોય એવું થઈ ગયું હતું. મમ્મી જ્યારે પાછાં ઘરે આવ્યાં ત્યારે પહેલાં તો તેમને એમ જ થયું કે ઘરમાં આગ લાગી ગઈ છે, પણ પછી ધુમાડા વચ્ચે મારો અવાજ સાંભળીને તેઓ સમજી ગયાં કે આ મારો કાંડ છે, પણ હા, મારે કહેવું રહ્યું કે તેમણે મને એક શબ્દ પણ કહ્યો નહોતો અને મને સામે બેસાડી, મેં બનાવેલું બધું ખાવાનું ખાધેલું. મારા દીકરાએ પ્રેમથી પહેલી વાર મારા માટે કંઈ બનાવ્યું છે એટલું સમજીને તેમણે ખાધું હતું.
એ સિવાય તો કુકિંગ-બ્લન્ડર ઘણાં કર્યાં છે. ક્યારેક મીઠું વધારે પડી જતું. ક્યારેક વઘાર માટે તેલ મૂક્યું હોય અને ફોન આવી ગયો હોય ત્યારે કડાઈમાં આગ લાગી ગઈ હોય, ક્યારેક ગરમ કડાઈ હાથમાં પકડતાં છટકી ગઈ હોય અને આખા રસોડામાં તેલ રેલાઈ ગયું હોય. કુકિંગ કર્યું છે એટલે કુકિંગને લગતી ભૂલો પણ થઈ છે, પરંતુ એ ભૂલો મારે માટે હૅપી મેમરીઝ જ છે. અત્યારે આ વાત કહેતી વખતે મારે તમને બધાને કહેવું છે કે તમારાં સંતાનો પણ ક્યારેક કાંઈ બનાવવાની ટ્રાય કરે અને એમાં બ્લન્ડર લાગે તો પ્લીઝ એને કંઈ કહેવાને બદલે, તેની ટ્રાયને વધાવજો. જોજો એ પછી, બહુ સારું રિઝલ્ટ મળશે.
મમ્મીની આ વાત શીખવા જેવી
મારા ઘરમાં મારાં મમ્મી હંમેશાં સાત્ત્વિક કુકિંગને મહત્ત્વ આપતાં રહ્યાં છે અને તમે ગમે એટલા ફૂડી હો તો પણ ઘરનું ફૂડ તો તમે સ્વાભાવિક રીતે વધુ ખાવાના. ઓછા મસાલા, ઓછું તેલ અને બૅલૅન્સ ડાયટ મારા ઘરમાં મેઇન્ટેન થઈ જતું હોય છે એટલે બહાર ખાવાનું મને વધુ નુકસાન નથી કરી શકતું.
મારાં મમ્મી મોહનથાળ અને મકાઈનાં ઢોકળાં બહુ સરસ બનાવે છે એ યાદ આવ્યું એટલે વચ્ચે જ તમને કહી દઉં. આજે પણ મમ્મી મને વારતહેવારે મોહનથાળનો મોટો ડબો ભરીને મોલાવે અને હું એના પર મહિનાઓ કાઢી નાખું. હા, પણ નીકળ્યા નથી એ પણ એટલું જ સાચું છે. કારણ કે એ ડબો આવે એટલે મારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં એક જ વરાઇટી હોય, મોહનથાળ. બીજું કંઈ ન હોય તો ચાલે. અરે, ઘણી વાર તો હું અડધી રાતે ઊઠીને પણ મોહનથાળના બેચાર પીસ ખાઈને ફરી સૂઈ જાઉં.


