અશ્વિની ભટ્ટે લખેલી ‘કમઠાણ’ નવલકથા મૂળભૂત રીતે તેમણે જ લખેલી લઘુનવલકથા એવી ‘કસબ’ અને ‘કરામત’ની જ સીક્વલ હતી
અશ્વિની ભટ્ટ
ચોરીને જ ધર્મ અને ચોરીને જ કર્મ માનતી કમ્યુનિટી પર લખાયેલી ‘કમઠાણ’ નવલકથાથી અશ્વિની ભટ્ટે પ્રૂવ કર્યું હતું કે એ સિદ્ધહસ્ત સ્ક્રીનપ્લે રાઇટર હતા અને એટલે જ પાતળું પોત ધરાવતી વાતને પણ તેમણે ‘કમઠાણ’માં ગજબનાક રસપ્રદ રીતે મૂકી અને વાચકોનાં દિલ જીતી ગયા
‘ઓથાર’, ‘ફાંસલો, ‘આશકા માંડલ’, ‘કટિબંધ’, ‘નીરજા ભાર્ગવ’, ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘આયનો’, ‘અંગાર’, ‘જળકપટ’ અને ‘આખેટ’ જેવી અદ્ભુત નવલકથાઓ આપનારા અશ્વિની ભટ્ટે ખરા અર્થમાં મૌલિક કામ ઓછું કર્યું એવું કહીએ તો ખોટું નહીં કહેવાય પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે તેમણે લખેલી આ એકેક નવલકથામાં જે સ્તરનું કામ કર્યું એ ખરા અર્થમાં કાબિલ-એ-તારીફ હતું. જેમ્સ હેડલી ચેઝ અને ઍલિસ્ટર મૅકલિન જેવા અંગ્રેજી બેસ્ટસેલરનાં પિસ્તાલીસથી વધારે પુસ્તકોના અનુવાદો કરનારા અશ્વિની ભટ્ટના એ અનુવાદ પણ જો તમે વાંચો તો તમને એવું લાગે જ લાગે કે એ અનુવાદ છે જ નહીં! ખુદ ઓરિજિનલ લેખક પણ થાપ ખાઈ જાય એવી હથરોટી તેમની અનુવાદમાં તો સાથોસાથ એવી જ હથરોટી તેમની મૌલિક કૃતિમાં.
૨૦૦૨માં ઇન્ડિયા છોડી કાયમ માટે અમેરિકા સેટલ થઈ ગયેલા અશ્વિની ભટ્ટનો ૨૦૧૨માં દેહાંત થયો. અશ્વિની ભટ્ટ હંમેશાં કહેતા, ‘જો તમને ગમ્યું તો માનવું કે તમારા વાચકને ગમશે પણ આ વાત એવા જ સમયે લાગુ પડે જ્યારે તમને તમારી પસંદગીની સાચી રીતે ખબર પડી ગઈ હોય અને એ ખબર ત્યારે જ પડે જ્યારે તમે તટસ્થભાવ સાથે તમારી પસંદ-નાપસંદને નક્કી કરી શકતા હો.’
અશ્વિની ભટ્ટે લખેલી ‘કમઠાણ’ નવલકથા મૂળભૂત રીતે તેમણે જ લખેલી લઘુનવલકથા એવી ‘કસબ’ અને ‘કરામત’ની જ સીક્વલ હતી અને એ જ પાત્રો સાથે એ આગળ વધતી હતી. કશુંક નવું કરવાના વિચારમાંથી જ અશ્વિનીભાઈના મનમાં ‘કસબ’ નવલકથા આવી, જેમાં એવા કસબની વાત હતી જે ખરા અર્થમાં તો ગુનો કહેવાય. નેવુંના દશકમાં હપ્તાવાર નવલકથાનું ચલણ શિરમોર હતું એવા સમયે અશ્વિનીભાઈ ‘કસબ’ લખી અને એ સળંગ વાર્તારૂપે પ્રકાશિત થઈ. ત્યાર પછી ‘કરામત’ અને છેલ્લે ‘કમઠાણ’ આવી. આ ત્રણમાંથી ‘કમઠાણ’માં વાર્તાનું પોત પ્રમાણમાં પાતળું હતું પણ એમ છતાં અશ્વિનીભાઈની રસાળ શૈલીએ ‘કમઠાણ’ને એક નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધી.
ADVERTISEMENT
ક્યાંથી આવ્યું વાર્તાનું મૂળ? | એક પોલીસ-સ્ટેશનમાંથી. હા, આ સત્ય હકીકત છે. એક રિપોર્ટર પાસેથી અશ્વિની ભટ્ટે સાંભળ્યું કે મધ્ય ગુજરાતની છારા નામની એક કમ્યુનિટી એવી છે જેનું કામ જ ચોરી છે. આ કમ્યુનિટી પોતાનાં બાળકોને નાનપણથી ચોરી જ શીખવે અને ચોરીથી જ ગુજરાન ચલાવે. અશ્વિનીભાઈને નવાઈ લાગી અને તેમણે એ કમ્યુનિટીના લોકોને મળવાનું શરૂ કર્યું. મળતાં-મળતાં ‘કસબ’નો પ્લૉટ તેમના મનમાં આકાર લેતો ગયો અને તેમણે નવલકથાની શરૂઆત કરી. અશ્વિનીભાઈ પહેલાં તો એને નવલકથાનું જ રૂપ આપવા માગતા હતા પણ ગુજરાતી ભાષાના એ સમયના સુપ્રસિદ્ધ સાપ્તાહિકના તંત્રીઓને વિચાર આવ્યો કે આપણે આ વાર્તાનું સીધું પુસ્તક જ દિવાળી અંક સાથે ફ્રી આપીએ અને વિચારને અમલમાં મુકાયો. અશ્વિની ભટ્ટ લેગ-વર્કમાં પાછા પડે કે ઓછા ઊતરે એવા નહીં એની અહીં નોંધ લેવી જ પડે. તેમણે પોતાની નવલકથા માટે સાચા લોકેશન પર જવાનો આગ્રહ હંમેશાં રાખ્યો. પ્રકાશક કે તંત્રી ખર્ચ માટે તૈયાર ન હોય તો ગાંઠના પૈસે પણ તે લોકેશન પર જાય અને લોકેશનની એ ખુશ્બૂ તેમના લખાણમાં રીતસર મઘમઘે. અશ્વિની ભટ્ટ હંમેશાં કહેતા કે જો ખેતી કરવા ખેતરમાં જવું પડે તો લખવા માટે તમારે ફીલ્ડમાં જ જવું પડે. દુબઈની વાત દાહોદમાં બેસી ન થાય અને જો એવું જ કરવું હોય, તમે તમારી કળા પર મુસ્તાક હો તો પછી દાહોદને જ પ્લૉટ બનાવીને ચાલવું જોઈએ.
ટીવી સિરિયલ અને ફિલ્મ |અશ્વિનીભાઈએ લખેલી ‘કટિબંધ’ પરથી સિરિયલ બની તો હવે તેમની ‘કમઠાણ’ પરથી એ જ નામની ફિલ્મ આવી રહી છે. અશ્વિનીભાઈની હયાતીમાં જ તેમની એક અન્ય નવલકથા પરથી હિન્દી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ થયું હતું પણ રાઇટ્સની બાબતમાં મેળ નહીં પડતાં એ પ્રોજેક્ટ પડતો મુકાયો. જોકે એ પછી પણ અશ્વિનીભાઈને કોઈ ફરક નહોતો પડ્યો. એ તો હંમેશાં કહેતા કે ફિલ્મ કે સિરિયલ માટે મેં કશું લખ્યું જ નથી, હું તો મારા વાચકો માટે લખતો. બસ, એ કામ સારી રીતે થયું એટલે મારી જવાબદારી પૂરી થઈ. અશ્વિની ભટ્ટની અન્ય એક નવલકથા પર કામ કરવા સંજય દત્ત પણ તૈયાર થયો હતો. જોકે એમાં એ જ ગાળામાં તેની હેલ્થ બગડતાં અને પછી કૅન્સર ડિટેક્ટ થતાં આખી વાત પડતી મુકાઈ.
સ્ટોરી શૉર્ટકટ
અશ્વિની ભટ્ટની નવલકથા ‘કમઠાણ’માં વાત છે એક એવા ચોરની જે આદતથી નહીં પણ સંજોગોનો માર્યો ચોર બને છે. હંમેશાં પોતાના કામમાં નિષ્ફળતા રહેતાં અને ક્યારેય સક્સેસફુલી મોટો હાથ નહીં મારનારો રઘલો એક રાતે એક એવા અવાવરુ ઘરમાં જાય છે જ્યાં કોઈ રહેતું નથી. ઘરમાં ગયા પછી રઘલો તો પાછો નીકળવાની તૈયારીમાં આવી જાય છે, કારણ કે એ ઘર
બીજા કોઈનું નહીં પણ પોલીસ-ઇન્સ્પેક્ટરનું છે. જોકે રઘલાને તરત યાદ આવે છે કે જો તે ભૂલથી પાછો નીકળી ગયો અને તેની જ્ઞાતિમાં ખબર પડી તો રઘલાનું નાક કપાઈ જશે અને મોટામાં મોટી તકલીફ એ ઊભી થશે કે તેની દીકરી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય. માતાજીનું નામ લઈને રઘલો તેના હાથમાં જે આવે છે એ બધું ચોરી લે છે. એ ઇન્સ્પેક્ટરની વર્દી પણ લઈ
લે છે અને તેને મળેલા મેડલથી માંડીને રિવૉલ્વર સુધ્ધાં લઈ લે છે. ઘર સાફ કરીને રઘલો રવાના થઈ જાય છે પણ હવે તેની પાછળ પોલીસ પડે છે. પોલીસનું તો તેણે નાક કાપી લીધું છે એટલે રઘલાને જીવતો કે મૂઓ ક્યાંથી પણ હાજર કરવાનો આદેશ જાહેર થાય છે. આગળ રઘલો, પાછળ પોલીસ અને વચ્ચે છારા કમ્યુનિટી. અશ્વિની ભટ્ટે કહ્યું હતું, ‘સત્તાનો દોર બદલાય તો કેવી હાલત થાય એ વાત મેં જાણવા અને સમજાવવાની કોશિશ આ નવલકથામાં કરી છે.’

