Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > ફિટનેસ વન-ટાઇમ વર્ક નથી, પણ લાઇફ-ટાઇમનું હાર્ડ વર્ક છે

ફિટનેસ વન-ટાઇમ વર્ક નથી, પણ લાઇફ-ટાઇમનું હાર્ડ વર્ક છે

20 September, 2022 02:23 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

નંદા માને છે કે સ્વાસ્થ્ય તમારી જવાબદારી છે અને તમારે એને અનુકૂળ થઈને જ જીવવાનું હોય

નંદા યાદવ ફિટ & ફાઇન

નંદા યાદવ


‘ધ લેટર્સ’, ‘વાય ચીટ ઇન્ડિયા’, ‘મજમા’ જેવી અનેક ફિલ્મો અને ‘જીને ભી દો યારોં’ જેવી સુપરહિટ ટીવી-સિરિયલમાં દેખાયેલી ઍક્ટ્રેસ નંદા યાદવ ફિટનેસને જીવનશૈલીનો હિસ્સો ગણે છે. નંદા માને છે કે સ્વાસ્થ્ય તમારી જવાબદારી છે અને તમારે એને અનુકૂળ થઈને જ જીવવાનું હોય

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com


મારા પિતાજી યોગ ટીચર છે. આ એક જ વાત પરથી તમે સમજી શકતા હશો કે હેલ્થ માટે હું કઈ એજથી જાગૃત હોઈશ. નાનપણથી હું મારા પિતાજીને દિવસમાં બે વખત ૪૫ મિનિટ યોગ કરતા જોતી આવી છું. એને લીધે મારામાં હેલ્થ અને ફિટનેસના સંસ્કારો આપોઆપ જ રોપાયા છે. હું કહીશ કે ફિટનેસ એ કોઈ વન-ટાઇમ વર્ક નથી કે આજે કરી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. ના, ફિટનેસ એ લાઇફ-ટાઇમ વર્ક છે. કહો કે લાઇફ-ટાઇમનું હાર્ડ વર્ક છે. આ શીખ મને મારા ફાધરે આપી છે. બાળપણમાં હું સ્પોર્ટ્સમાં ખૂબ ઍક્ટિવ હતી એટલે નૅચરલી હેલ્થ-કૉન્શ્યસ થઈ જ ગઈ હોઉં. એ સમયે હું બાસ્કેટબૉલ ખૂબ રમતી. હું દરેક પેરન્ટ્સને ફરી-ફરીને એક વાત કરીશ કે તમે તમારાં બાળકોને નાનપણથી જ એકાદ સ્પોર્ટ્સ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવજો જ. તેને વાગી જશે કે બહાર જઈને તે પોતાની તબિયત બગાડશે એવી ફોફી વાતો મનમાં ન રાખતા. જો તમે તેને નાની એજ પર જ સ્પોર્ટ્સ સાથે ઇન્ટ્રોડ્યુસ કરશો તો બનશે એવું કે તમે તેને આગ્રહ નહીં કરો તો પણ તેની હેલ્થ પ્રત્યેની સૂઝબૂઝ વીકસી જશે. પ્લસ તેનું સર્કલ પણ નાનપણથી એવું બનશે જેમને તંદુરસ્ત જીવનશૈલીની આદત હશે. હું ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નહોતી ત્યારથી ફિટ છું અને એમાં હું ક્યારેય કચાશ આવવા પણ નથી દેવાની.


અત્યારે પણ છું સુપરઍક્ટિવ | વીકમાં ત્રણથી ચાર દિવસ હું જિમમાં જઈને વર્કઆઉટ કરું છું. મારા એ જિમ વર્કઆઉટમાં વેઇટ ટ્રેઇનિંગ અને કાર્ડિયો આવી જાય. જિમ વર્કઆઉટ સાથે નિયમિત યોગ અને મેડિટેશન માટે પણ સમય ફાળવું છું. વચ્ચે ફિટનેસ સાથે જોડાયેલાં કોઈ નવાં ફૉર્મ પણ શીખતી રહું. જેમ કે રીસન્ટ્લી જ હું પોલ ડાન્સિંગ શીખી છું. 

તમે જો મારું રૂટીન ચેક કરશો તો જોશો કે હું કોઈ ને કોઈ રીતે સતત ઍક્ટિવ રહું છું. ઘણા લોકો મને પૂછે છે કે ક્યારેય કંટાળો ન આવે કે આરામ કરવાનું મન ન થાય? મારો જવાબ હોય કે જ્યારે ડિસિપ્લિન હોય ત્યારે આવા કંટાળાને તમે પાસે પણ ફરકવા ન દો. સવારે ઊઠીને બ્રશ કરવાનો કંટાળો આવે તો ચાલો આજે રહેવા દઈએ એવું આપણે નથી જ કરતા તો પછી ફિટનેસ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. બીજી વાત એ કે મારા માટે ફિટ બૉડી અને માઇન્ડ એ સૌથી મોટું મોટિવેશન છે. 


ફિટનેસમાં ડાયટ પણ જરૂરી | શરીરને સૂટ થતી વસ્તુઓ ખાઓ એ હેલ્ધી ડાયટની નિશાની છે. ભૂખમરાવાળી ડાયટમાં હું બિલીવ નથી કરતી. બધું જ ખાઓ, પણ માઇન્ડફુલી ખાઓ. જો એવું કરશો તો તમને ક્યારેય ફૅન્સી ડાયટ-પ્લાનની જરૂર નથી. આપણે બધા એક પ્રૉબ્લેમ વચ્ચે ફસાયેલા છીએ.

આપણને શું સૂટ કરશે અને શું નહીં એની આપણને ખબર જ નથી હોતી. થોડા સજાગ રહો તો તમને એની પણ ખબર પડી જાય. મારી વાત કરું તો હું કોઈ પણ વસ્તુ અતિ ન થાય એનું ધ્યાન રાખું છું. ઍક્ટિવ છું એટલે ક્યારેક કંઈક અનહેલ્ધી ખવાઈ પણ જાય તો એ મારા શરીરને લાગશે નહીં એની મને ખાતરી હોય છે. જનરલી પ્રોટીનનું પ્રમાણ મારી ડાયટમાં વધારે હોય છે. પાણી ખૂબ પીઉં છું. મને કોઈ ખાતી જુએ તો તેને નવાઈ લાગતી હોય છે. હું ટ્રાવેલ ખૂબ કરું છું એટલે જાતજાતના એક્સપરિમેન્ટલ ફૂડ ટ્રાય કરતી રહું છું. જોકે મને સાચી શાંતિ તો કઢી-ભાત ખાઉં ત્યારે જ મળતી હોય છે.

આટલું ધ્યાન રાખજો

ફિઝિકલી ઍક્ટિવ રહેવું અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. આપણી જિંદગીમાં સુખ વધે કે દુઃખ, પણ ઓવરઑલ જોશો તો સમજાશે કે આપણે વધુ ને વધુ બેઠાડુ જીવન તરફ વળી રહ્યા છીએ. લાઇફમાંથી જ્યારે મહેનતની બાદબાકી થઈ જાય ત્યારે શરીર પોતાની ક્ષમતાઓ ખોઈ બેસે છે. ઍક્ટિવ રહેવાય એના રસ્તાઓ શોધો. ભલે તમારી પાસે મર્સિડીઝ હોય તો પણ ચાલવાનો સમય તમારે કાઢવો જ પડશે.

ગોલ્ડન વર્ડ્‍સ

લાઇફને માણવી હોય તો સ્વસ્થ રહેવું પડે અને એ માટે કસરત અને યોગ્ય આહાર જ બેસ્ટ રેમિડી છે.

20 September, 2022 02:23 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK