મોહિની પર બે ફાયર કર્યા પછી પણ તેનું ચાલ્યું હોત તો તેણે રિવૉલ્વરની બધી જ કાર્ટ્રિજ તેના શરીરમાં ઉતારી દીધી હોત
ઇલસ્ટ્રેશન
‘ચૌધરી રેસિડન્સ’ના ડ્રૉઇંગરૂમમાં લોહીનું એક ખાબોચિયું ભરાયું હતું. બ્લુ શિફોન પહેરીને જમીન પર પડેલી મોહિનીની સાડી લાલ થઈ ગઈ હતી. તેની ખુલ્લી આંખો અને ભયભીત ચહેરો જોઈને શામ્ભવી ડરી ગઈ. તેણે પિતાની નજીક જઈને તેમના બાવડા પર હાથ લપેટી પોતાનું મોઢું કમલનાથની પીઠ પાછળ ઢાંકી દીધું.
મોહિનીની લાશ પાસે બેસીને પદમનાભ મોટા અવાજે રડી રહ્યો હતો, ‘મોહિની... મારી મોહિની... મારા ગુનાની સજા તેને મળી. મોહિની! મને માફ કરી દે...’ સૌ તેની આસપાસ ઊભા હતા. તે રડતો રહ્યો. કમલનાથ પણ થોડીક ક્ષણો સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. રાધા માટે આ અચાનક બની ગયેલી ઘટના જીરવવી અઘરી હતી. તે સોફા પર ફસડાઈ પડી.
ADVERTISEMENT
હાથમાં રિવૉલ્વર પકડીને ઊભેલા ચિત્તુને કદાચ હવે સમજાયું હતું કે તેના હાથે ખૂન થઈ ગયું હતું. પરિણામોની કલ્પના કરી રહેલા ચિત્તુના કપાળ પરથી પરસેવો ટપકવા લાગ્યો.
‘આ શું કર્યું તેં?’ દત્તાત્રેયે પોતાના ભાઈ સામે જોઈને પૂછ્યું. ચિત્તુ હજી આવેશમાં ધ્રૂજતો હતો. મોહિની પર બે ફાયર કર્યા પછી પણ તેનું ચાલ્યું હોત તો તેણે રિવૉલ્વરની બધી જ કાર્ટ્રિજ તેના શરીરમાં ઉતારી દીધી હોત! દત્તાત્રેયની આંખોમાં પાણી આવી ગયાં, ‘માંડ બધું ઠેકાણે પડવાની તૈયારીમાં હતું, તેં ફરી એક વાર બાજી બગાડી નાખી.’
‘જે થાય તે... મને કોઈ ડર નથી.’ ચિત્તુએ કહ્યું, પરંતુ તે ડરી ગયો હતો. તેણે પોતાના ઈગોને સાચવવાનો પૂરો પ્રયાસ કરતાં સૌની સામે જોઈને કહ્યું, ‘આને જ લાયક હતી આ...’ પદમનાભ હવે મોહિનીની છાતી પર માથું મૂકીને રડવા લાગ્યો. ચિત્તુએ કહ્યું, ‘રડે છે શું? આ બાઈએ તારી અને મારી જ નહીં, સૌની જિંદગી બરબાદ કરી. તેને સજા મળવી જ જોઈએ.’ તેણે ઋતુરાજ સામે જોયું, ‘તું પણ બરાબરનો ભાગીદાર છે, મારું ચાલે તો તારું પણ ખૂન કરી નાખું.’ લલિતભાઈએ ગરીબડા થઈને ચિત્તુ સામે હાથ જોડ્યા. ચિત્તુએ નજર ફેરવી લીધી. તેણે કહ્યું, ‘તારી સજા કમલનાથ ચૌધરી નક્કી કરશે.’ તેણે કહ્યું, ‘મને મારા ભાઈ સુધી પહોંચાડવાનું કામ કરીને તું મારી સજામાંથી બચી ગયો...’
‘તેને માફ કરી દો.’ લલિતભાઈએ ફરી હાથ જોડ્યા.
‘તમે તેને લઈને અહીંથી નીકળી જાઓ.’ અત્યાર સુધી સ્તબ્ધ થઈને ઊભેલા કમલનાથે ધીમા પણ સ્થિર અવાજે દત્તાત્રેયને કહ્યું, ‘બાકીનું હું જોઈ લઈશ.’ દત્તાત્રેયથી પણ હાથ જોડાઈ ગયા, ‘મોહિનીએ જાણે-અજાણે ચિત્તુની જિંદગી બરબાદ કરી, તમારો પરિવાર વિખેર્યો... તેના ખૂન માટે ચિત્તુને સજા થાય એ બરાબર નથી.’ કમલનાથની વાત સાંભળીને શામ્ભવી ઉશ્કેરાઈ ગઈ.
‘હું પોલીસને ફોન કરું છું.’ શામ્ભવીએ પિતા સામે જોઈને કહ્યું, ‘ખૂનીને સજા મળવી જ જોઈએ.’
‘તો... તો તને પણ મળવી જોઈએ.’ ઋતુરાજ હજી પોતાની ભૂલ કે ગુનો સ્વીકારવાની મનઃસ્થિતિમાં નહોતો. તેણે કહ્યું, ‘તેં પણ ગોળી ચલાવી હતી... તારા બાપે તને બચાવીને? તારી માએ ભોગવી તારી સજા...’
‘ચૂપ!’ લલિતભાઈએ કહ્યું.
‘પણ એ બધું મોહિનીને લીધે થયું.’ પદમનાભ બોલ્યો, ‘મોટા ભાઈની વાત બરાબર છે. મોહિનીએ જે કર્યું એ ખોટું જ હતું. હું પણ તેને મારા સ્વાર્થ માટે બચાવતો રહ્યો. ભૂલ મારી પણ છે. ચિત્તુને જવા દો. હવે આ વાતને અહીં જ પૂરી કરીએ.’ તેણે ઊભા થઈને કમલનાથ સામે હાથ જોડ્યા, ‘મારા ગુનાની સજા બિચારી મોહિનીને મળી છે. હવે હું પણ મારી સજા ભોગવવા તૈયાર છું. આ ઘર છોડીને જતો રહીશ.’
‘જરૂર નથી.’ કમલનાથે ભાઈના હાથ પકડી લીધા, ‘ખરાબ સમય, ખરાબ સંજોગો અને દુઃખો આપણા માથેથી પસાર થઈ ગયાં છે. કાળી રાત પૂરી થઈ છે. હવે સૌ સાથે મળીને સારી રીતે રહીશું...’ કહીને તેમણે પદમનાભના માથે હાથ ફેરવ્યો, ‘વાંક મારો પણ છે. મારે તને પહેલાં જ રોકી લેવો જોઈતો હતો.’ તેમણે દત્તાત્રેય સામે જોઈને કહ્યું, ‘અમે કોઈ પોલીસ-ફરિયાદ નહીં કરીએ. મોહિનીને હાર્ટ-અટૅક આવ્યો હતો, તેનું મૃત્યુ થયું.’ પછી નીચું જોઈને ઉમેર્યું, ‘તમે તમારા ભાઈને લઈને તરત જ નીકળી જાઓ.’
દત્તાત્રેય બહાર નીકળવા જતો હતો. પછી એક ક્ષણ રોકાઈને તેણે ચિત્તુની સામે જોયું, ‘પેલું રેકૉર્ડર અહીં જ મૂકી દે.’ ચિત્તુએ જરાય દલીલ કે વિરોધ કર્યા વગર ટેબલ પર પડેલું રેકૉર્ડર એમ જ રહેવા દીધું. દત્તાત્રેયે ભાઈની આંખોમાં જોઈને પૂછ્યું, ‘તારી પાસે આની કોઈ કૉપી નથીને?’
‘છે, પણ હું...’ ચિત્તુએ આભારવશ નજરે કમલનાથ સામે જોઈને કહ્યું, ‘નાશ કરી નાખીશ એનો. મારો બદલો પૂરો થયો છે. મને પૈસાની કે બીજી કોઈ જરૂરિયાત નથી. ઘણું છે મારા ભાઈ પાસે.’ તેણે કમલનાથની નજીક આવીને પ્રણામ કરવાનો પ્રયાસ કર્યો, પણ કમલનાથ ખસી ગયા. ચિત્તુએ ત્યાં જ ઊભા રહીને કહ્યું, ‘તમે જે કંઈ ભોગવ્યું એ માટે માફી માગું છું.’ એ પછી ચિત્તુ ધીમેથી રાધાની નજીક આવ્યો. કોઈ અજાણ્યા બળથી ધકેલાયો હોય એમ નીચા નમીને તેણે રાધાના ચરણસ્પર્શ કર્યા, ‘આ ઘરમાં તમારાં પગલાં પડતાં જ બધું બદલાયું. તમે દેવી છો. સમર્પણની, ત્યાગની, બલિદાનની દેવી. પોતાના પરિવાર માટે તમે જે કર્યું એ કદાચ કોઈ ન કરે...’
રાધાથી પણ અનાયાસ ચિત્તુના માથે હાથ મુકાઈ ગયો, ‘શાંત રહેજે. સુખી થા.’ રાધાથી કહેવાઈ ગયું. આંખો લૂછતો ચિત્તુ તેના ભાઈ સાથે બહાર નીકળી ગયો.
કમલનાથ થોડીક ક્ષણો ચૂપ રહ્યા. ચિત્તુની વાત સાંભળીને તેમની આંખોમાં પણ પાણી આવી ગયાં હતાં. થોડું વિચારીને તેમણે લલિતભાઈ સામે જોયું, ‘તમે પણ ઋતુરાજને લઈને નીકળી જાઓ અહીંથી.’ પછી ધીમેથી ઉમેર્યું, ‘હવે પછી તમે કે ઋતુરાજ આ ઘર સાથે, અમારા પરિવાર સાથે કોઈ સંબંધ રાખવાનો પ્રયત્ન નહીં કરતા.’ ઋતુરાજ સામે જોઈને તેમણે કહ્યું, ‘હું જાણું છું કે તારી પાસે ઘણા પુરાવા હશે. તારા પિતા મને ઓળખે છે...’ અત્યાર સુધી કમલનાથનો જે નરમ, નમ્ર અને ઢીલો અવાજ હતો એ અચાનક બદલાઈ ગયો, ‘હું સામાન્ય રીતે કોઈ પણ યુદ્ધમાં પહેલ કરતો નથી, પરંતુ જ્યારે મને કોઈ યુદ્ધ કરવાની ફરજ પાડે ત્યારે એ યુદ્ધ હું જ પૂરું કરું અને જીતું જ... એવી ઘણી ઘટનાઓના તારા પિતા સાક્ષી છે.’ તેમણે લલિતભાઈ સામે જોયું, ‘હું જાણું છું કે તમે તમારા દીકરાને ખૂબ પ્રેમ કરો છો. તેનું ભલું ઇચ્છતા હો તો તેને સમજાવજો.’
‘હા ભાઈ.’ લલિતભાઈ ઝાઝું બોલી ન શક્યા. તેમના દીકરાએ જે કંઈ કર્યું હતું એ પછી લલિતભાઈની આંખી જિંદગીની વફાદારી પર એક ધબ્બો લાગ્યો હતો એ વાત લલિતભાઈ પોતે પણ બરાબર સમજતા હતા. ગમે એટલો બચાવ કરવા છતાં ઋતુરાજ ગુનેગાર હતો એ વાત લલિતભાઈ નકારી શકે એમ નહોતા. દીકરાની અપ્રામાણિકતાનું સત્ય તેમને કોરી ખાતું હતું. તેમણે ધીમેથી કહ્યું, ‘હું તેને વિદેશ મોકલી દઈશ.’ ઋતુરાજ કંઈ બોલવા ગયો, પણ લલિતભાઈએ આંખોથી જ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.
‘જો બેટા!’ કમલનાથે હળવેકથી ઋતુરાજના ખભે હાથ મૂક્યો, ‘તું પણ મારા પાવરને અને મારા મિજાજને જાણે જ છે. તારા પિતાની વફાદારી અને તેમની આ પરિવાર માટેની લાગણીને માન આપીને આજે તને જવા દઉં છું - પહેલી અને છેલ્લી વાર... હવે પછી જો મારે નિર્ણય કરવાનો આવશે તો હું તને માફ ન પણ કરી શકું.’ કમલનાથના અવાજમાં રહેલી તલવારના ધાર જેવી ચેતવણીથી ઋતુરાજ ધ્રૂજી ગયો. અત્યાર સુધી તે જે બેફિકરાઈ અને નફ્ફટાઈથી વર્તી રહ્યો હતો એ હવે નહીં ચાલે એ વાત કમલનાથના અવાજમાં રહેલી તેજ ધારે તેને સમજાવી દીધી.
‘જી અંકલ.’ કહીને ઋતુરાજ પિતાની રાહ જોયા વગર જ લિવિંગરૂમની બહાર નીકળી ગયો.
લલિતભાઈએ ફરી એક વાર હાથ જોડ્યા અને ભરાયેલા ડૂમા સાથે નીચું માથું કરીને તે પણ દીકરાની પાછળ ભાંગેલા પગે બહાર નીકળ્યા.
હવે આ ઓરડામાં ચાર જ જણ હતા : પદમનાભ, કમલનાથ, રાધા અને શામ્ભવી.
તેમની વચ્ચોવચ ફર્શ પર પડેલું મોહિનીનું શબ હતું.
‘મોહિનીને હાર્ટ-અટૅક આવ્યો છે.’ કમલનાથે તેમના ફૅમિલી ડૉક્ટરને ફોન કર્યો, ‘આપ ઝડપથી ઘરે આવી શકો?’ ડૉક્ટરે સામેથી જે જવાબ આપ્યો હશે તે... કમલનાથે સહેજ દૃઢતાથી ઉમેર્યું, ‘એકલા જ આવજો.’ તેમણે શામ્ભવી સામે જોયું, ‘જડીબેનને બોલાવ.’
શામ્ભવીએ ફોન કરીને જડીબહેનને બોલાવ્યાં. સામે પડેલું શબ અને ઘરની પરિસ્થિતિ જોઈને જડીબહેન ક્ષણભર માટે ડઘાઈ ગયાં. તેમણે પહોળી આંખે રાધાબહેન સામે જોયું. રાધાબહેને આંખો નમાવીને તેમને શાંત રહેવાની સૂચના આપી.
કમલનાથે એકદમ સ્વસ્થ અવાજે જડીબહેનને કહ્યું, ‘આ શબને નવડાવી, સરખાં કપડાં પહેરાવીને અંતિમક્રિયાની તૈયારી કરો.’ તેમણે પદમનાભ સામે જોઈને કહ્યું, ‘બે કલાક પછી આપણે જાહેરાત કરીશું કે હાર્ટ-અટૅકથી મોહિનીનું મૃત્યુ થયું છે.’ તેમણે પદમનાભને જ પૂછ્યું, ‘વિલ યુ બી એબલ ટુ હેલ્પ હર?’ તેમણે ધીમેથી ઉમેર્યું, ‘તેની એકલીનું કામ નથી.’
‘મારાથી નહીં થાય ભાઈ.’ પદમનાભ હજી રડી રહ્યો હતો.
‘કરવું તો તારે જ પડશે.’ કમલનાથે જે સૂરમાં કહ્યું એમાં વિનંતી નહીં હુકમ હતો, ‘આપણે ફેલાવેલી ગંદકી તો આપણે જ ધોવી પડે. જડીબેન તારી મદદ કરશે. ઉપર લઈ જાઓ, તેની ફેવરિટ સાડી કે પાનેતર પહેરાવીને મોહિનીને તૈયાર કરો. બે કલાક પછી મીડિયા અને સગાંવહાલાં આવવા લાગશે.’ કહીને તેમણે ઉમેર્યું, ‘ડોન્ટ વેસ્ટ ટાઇમ.’
શામ્ભવી તેમની સામે જોઈ રહી. આવા ભયાનક સંજોગોમાં નિર્ણય લેવાની, સ્વસ્થ રહેવાની તેમની હિંમત અને કુનેહ જોઈને શામ્ભવી ખરેખર પ્રભાવિત થઈ ગઈ. હવે તેને સમજાયું કે જ્યારે ૨૦૧૦ના સપ્ટેમ્બરની રાત્રે ઘરમાં આવી ભયાનક ઘટના બની હશે ત્યારે તેના પિતાએ કઈ રીતે આખી પરિસ્થિતિ સાથે પરિવારને ભેગો રાખવાની, ગોઠવવાની જહેમત કરી હશે. તેણે બન્ને હાથ પોતાના પિતાની આજુબાજુ લપેટીને તેમના ખભા પર માથું મૂક્યું, ‘આઇ લવ યુ બાપુ.’ તેણે કહ્યું. તેની આંખોમાંથી વહેતાં આંસુ કમલનાથના ખભાને ભીંજવતાં રહ્યાં. કમલનાથે કશું બોલ્યા વગર શામ્ભવીના વાળમાં હાથ ફેરવ્યો. પતિ-પત્નીની નજર મળી. બન્નેની આંખોમાં એકબીજા માટે ભારોભાર સ્નેહ અને પ્રશંસા હતાં.
lll
એ પછીના ૧૩ દિવસ ‘ચૌધરી રેસિડન્સ’માં ભયાનક અવરજવર રહી. મોહિનીના મૃત્યુ પર શોક પ્રગટ કરવા આવેલા તેના પિયરપક્ષના લોકો, કમલનાથ ચૌધરીના ઓળખીતા, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટાર્સથી શરૂ કરીને મીડિયાને ઉજાણી થઈ જાય એવા ચહેરા રોજ અમદાવાદ ઍરપોર્ટ પર ઊતરતા રહ્યા. અખિલેશ સોમચંદનો પરિવાર પણ મોંઘાં સફેદ વસ્ત્રો અને બ્રૅન્ડેડ સનગ્લાસિસ પહેરીને શોક પ્રગટ કરવા આવી ગયો. એ દિવસોમાં ‘ચૌધરી રેસિડન્સ’ની બહાર પાપારાઝી અને મીડિયાના કૅમેરા સતત મંડાયેલા રહ્યા.
રાધા ચૌધરી જીવે છે. આટલાં વર્ષ તેમની તબિયતને કારણે વિદેશમાં હતાં. તેમનું મૃત્યુ એ મોટી ગેરસમજ હતી, પરંતુ હવે રાધા ચૌધરી પાછાં આવી ગયાં છે એવા સમાચાર પણ બહુ સમજી-વિચારીને વહેતા મૂકવામાં આવ્યા. કમલનાથે પત્ની સાથે કરાવેલું ફોટોશુટ પણ મીડિયાને મોકલી દેવામાં આવ્યું.
ધીરે-ધીરે બધું થાળે પડ્યું.
શામ્ભવીએ ઑફિસ જવાનું શરૂ કરી દીધું. આ બધા દિવસોમાં રોજ ઘરે આવતો શિવ અને તેને જોઈને શામ્ભવીનો બદલાતો ચહેરો કમલનાથની ચકોર દૃષ્ટિથી બચી શક્યા નહોતા. શરૂઆતમાં શિવ લગભગ અઢારથી ૨૦ કલાક ‘ચૌધરી રેસિડન્સ’માં જ રહેતો. ત્રણ-ચાર દિવસ પછી તે ઑફિસે જતો ને ત્યાંથી સીધો શામ્ભવી પાસે આવી જતો. તે જે રીતે શામ્ભવીને સાચવી રહ્યો હતો, તેની આજુબાજુ રહીને પોતાની હાજરી જણાય નહીં એવી રીતે તેનો ખ્યાલ રાખતો હતો એ જોઈ રહેલા-નોંધી રહેલા કમલનાથને ઘણું સમજાયું હતું, પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી શામ્ભવી વાત ન કરે એ વિશે પૂછપરછ કરીને તેને ગૂંચવવી નથી.
એકાદ-બે વાર રાધાબહેને તેમને પૂછ્યું પણ ખરું, ‘આ શિવ આપણી ઢીંગલીની ખૂબ કાળજી રાખે છે... સાવ સ્કૂલમાં હતાં ત્યારથી આ છોકરો શામ્ભવી માટે હંમેશાં હાજર જ રહ્યો છે.’ કમલનાથ ચૂપ રહીને સાંભળતા રહ્યા, ‘બન્ને વચ્ચે કંઈ છે?’ આટલાં વર્ષો ઘરની બહાર રહેલાં રાધાબહેન પાસે અપડેટ નહોતી... કમલનાથ હસી પડ્યા હતા, ‘જે હશે એ આવશે બહાર...’ તેમણે એ સમયે વાત ટાળી દીધી હતી.
lll
લગભગ એક મહિના પછી એક દિવસ અખિલેશ સોમચંદનો ફોન આવ્યો, ‘નમસ્તે.’
‘હા જી!’ કમલનાથને ન સમજાય એવું નહોતું. એમ છતાં તેમણે પૂરી ધીરજ અને સ્વસ્થતાથી વાત કરી.
‘હવે ઘરમાં શોક પતી ગયો હોય તો છોકરાઓની વાત...’ જે માણસે હજી થોડા દિવસ પહેલાં પોતાના દીકરાને શામ્ભવી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી તેના અવાજમાં હવે મધ ટપકતું હતું. ચૌધરી પરિવારના તમામ પ્રશ્નો હલ થઈ ગયા હતા. અખિલેશને જે ‘સ્કૅન્ડલ્સ’ લાગતા હતા એ તમામ પ્રશ્નોના ઉત્તર હવે મીડિયાને આપી દેવામાં આવ્યા હતા.
‘મને નથી લાગતું કે આ સંબંધ થઈ શકે.’ કમલનાથે વાતને લંબાવવાને બદલે તદ્દન ચોખ્ખા શબ્દોમાં કહી નાખ્યું.
‘એવું કેમ બોલો છો? આપણે તો વાત થઈ હતી.’ અખિલેશને ફાળ પડી.
‘એ પછી તો ઘણુંબધું બની ગયું. પરિસ્થિતિ જ બદલાઈ ગઈને? હવે મારે શામ્ભવીને ફરીથી પૂછવું પડે.’ કમલનાથે પેટછુટ્ટી વાત કરી નાખી, ‘તમારા ઘરમાં જે બન્યું એની જાણ છે મને. તમે આ સંબંધ તોડવા માગતા હતાને? અમારા જેવા પરિવાર સાથે સંબંધ જોડીને સોમચંદ પરિવાર બદનામ થઈ જશે એવો ભય હતો તમને.’
‘ના, ના... કંઈ ગેરસમજ થાય છે. તમને કોણે કહ્યું આ બધું?’ અખિલેશે પૂછ્યું તો ખરું, પણ તેને સમજાઈ ગયું કે તેના જ દીકરાએ જઈને આ ચાડી ખાધી હશે.
‘એ છોડો... પણ મને નથી લાગતું કે શામ્ભવીને હવે આ લગ્નમાં રસ હોય. છતાં હું પૂછી લઈશ...’ કહીને કમલનાથે વાત બદલી, ‘શું લાગે છે? સોનાના ભાવ ઘટશે?’ અખિલેશ પણ સમજી ગયો કે હવે કમલનાથને આગળ વાત નથી કરવી. તેણે પણ આડીઅવળી વાતો કરીને ફોન મૂકી દીધો. તેને અનંત પર ખૂબ દાઝ ચડી, પણ તે કશું કરી શકે એમ નહોતો!
lll
એ સાંજે જ્યારે ડાઇનિંગ ટેબલ પર સૌ ડિનર માટે ભેગા થયા ત્યારે રાધાએ બહુ સહજતાથી વાત કાઢી, ‘હવે તારાં લગનનું નક્કી કરી નાખીએ...’ તેમણે કમલનાથને પૂછ્યું, ‘શું કહો છો તમે?’
‘ના, ના... મને કોઈ ઉતાવળ નથી.’ શામ્ભવીએ વાત ટાળી, ‘મૉમ! તારા હાથની મસાલા ખીચડી એટલે...’
રાધાબહેને તેની વાત વચ્ચે જ કાપી, ‘શું પ્રૉબ્લેમ છે? ભણી લીધું, કમાય છે. તારા બાપુની એકમાત્ર વારસદાર છે તું... સરખી ઉંમરે લગન થાયને તો એકબીજાને બરાબર ઓળખીને દામ્પત્ય ગોઠવાઈ જાય. પછી બહુ મોડી ઉંમરે પરણે તે...’
‘તેણે ક્યાં ઓળખવાનો છે? તે તો બરાબર ઓળખે છે...’ કમલનાથ હસ્યા. શામ્ભવી સહેજ શરમાઈ. પિતા જાણે છે એ વાત શામ્ભવી પણ જાણતી જ હતી. પદમનાભ આશ્ચર્યથી જોઈ રહ્યો. કમલનાથે કહ્યું, ‘ખરેખર તો પેલો આને વધારે સારી રીતે ઓળખે છે.’ તેમણે સ્નેહથી દીકરી સામે જોયું, ‘આવા સૅમ્પલને તે જ સાચવી શકશે.’ તેમણે સીધું જ કહી દીધું, ‘શિવના પપ્પા સાથે વાત કરું? કે પછી શિવ સાથે જ વાત કરું? આજના જમાનાના છોકરાઓનું ભલું પૂછવું.’
શામ્ભવી હસી પડી, ‘તે મહાજુનવાણી છે. તેના પપ્પા સાથે જ વાત કરજો.’ એની સાથે સૌ હસી પડ્યા. રાધાબહેને સંતોષ અને વહાલથી શામ્ભવી સામે જોયું. જિંદગીનું છેલ્લું કામ પણ પૂરું થઈ ગયું હવે!
lll
સાતારાનું ઘર માણસોથી ભરાઈ ગયું. અજિતાનાં તોફાન, આજીની બૂમાબૂમ અને ચિત્તુના લાડથી મંજરી હવે ખરેખર ખુશ રહેવા લાગી હતી.
નિર્મલા હજી ઘરે આવી નહોતી... પણ એક દિવસ પોતે તેને ચોક્કસ પાછી લઈ આવશે એવી ચિત્તુને ખાતરી હતી.
જિંદગી વહેતી રહી. રક્તના સંબંધો ગમે એટલા વિરક્ત થઈને જીવે, પણ અંતે તો રક્તનો રંગ રક્તમાં ભળ્યા વગર રહેતો નથી!
(સમાપ્ત)


