Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૧૯ )

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૧૯ )

Published : 10 November, 2024 02:58 PM | Modified : 10 November, 2024 03:14 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

ઘરે પહોંચીને શિવ પલંગમાં પછડાયો. તેની આંખમાંથી આંસુ સરી ગયાં. આજે શિવને ખૂબ દુઃખ થયું હતું. આટલાં વર્ષોથી જેની સાથે જેન્ડર બાયસ વગરની ગાઢ મિત્રતા હતી, જેનાથી ક્યારેય કશુંય છુપાવ્યું નહોતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘરે પહોંચીને શિવ પલંગમાં પછડાયો. તેની આંખમાંથી આંસુ સરી ગયાં. આજે શિવને ખૂબ દુઃખ થયું હતું. આટલાં વર્ષોથી જેની સાથે જેન્ડર બાયસ વગરની ગાઢ મિત્રતા હતી, જેનાથી ક્યારેય કશુંય છુપાવ્યું નહોતું ને તેણે પણ શિવથી કશું છુપાવ્યું નહોતું એવી તેની બેસ્ટ ફ્રેન્ડ - પોતે જેને દિલ ફાડીને પ્રેમ કરતો હતો એવી શામ્ભવી આજે તેની સાથે જુઠ્ઠું બોલી. એ પણ અનંત માટે! તે અનંતની સાથે હતી એમ છતાં તેણે કહ્યું કે તે તેની ફ્રેન્ડ સાથે ડિનર કરી રહી છે. શિવે વિચાર્યું, તે કહી શકી હોત કે તે અનંત સાથે છે! આજ પહેલાં પણ તેનાં નાનાં-મોટાં ફ્લર્ટિંગ અને ફ્લિંગના કિસ્સાઓ શિવ જાણતો હતો. તેણે કોઈ દિવસ શામ્ભવીને બાંધવાનો, રોકવાનો કે તેના માલિક થવાનો પ્રયાસ નહોતો કર્યો. કદાચ એટલે જ તેમની દોસ્તી પણ આજ સુધી ટકી હતી. શિવે પોતાની જાતને જ પૂછ્યું, ‘અનંત સાથે તેનાં લગ્નની વાત ચાલે છે એમાં તું વિચલિત થઈ ગયો છે?’ તેના મને જવાબ આપવાને બદલે તેને સવાલ પૂછ્યો, ‘અબજોપતિની દીકરી છે. રાજકુમારીની જેમ ઊછરી છે. દોસ્તી સુધી બરાબર છે, પણ જમાઈ તરીકે કમલનાથ ચૌધરી તેની દીકરી માટે આવો ફટિચર પત્રકાર ક્યારેય પસંદ નહીં કરે એની તને ખબર નહોતી?!’ શિવની આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં. ‘જિંદગીમાં પૈસા જ સૌથી મહત્ત્વના છે?’ ફરી પાછો તેના મને જ જવાબ આપ્યો, ‘સૌથી મહત્ત્વના ન હોય તો પણ પૈસા મહત્ત્વના છે.’ પછી તેના મને ફરી પ્રશ્ન કર્યો, ‘શામ્ભવી જે રીતે ઊછરી છે એ લાઇફસ્ટાઇલ આપી શકીશ તું? ક્યાં તેની મિની કૂપર, મર્સિડીઝ, પૉર્શે અને રેન્જરોવર અને ક્યાં તારું ફટફટિયું? દોસ્તીમાં મજા આવે આ બધી; પણ જિંદગીમાં જ્યારે બિલો ચૂકવવાનાં આવે ત્યારે રિયલિટી ચેક થઈ જાય, પ્રેમ હવા થઈ જાય ને પ્રશ્નો શરૂ થઈ જાય.’

શિવની ભીતર જાણે બે માણસો સામસામે દલીલ કરી રહ્યા હતા, ‘પણ હું શામ્ભવી વગર નહીં જીવી શકું.’ તેની ભીતરની એક વ્યક્તિએ કહ્યું. તેની ભીતરનો જ બીજો માણસ હસ્યો, ‘ને શામ્ભવી પૈસા વગર નહીં જીવી શકે.’ આવા બધા વિચારો કરતો, રડતો, દુઃખી થતો શિવ ક્યારે ઊંઘી ગયો એની તેને પોતાને પણ ખબર ન પડી.



બીજા દિવસે સવારે શિવ જાગ્યો ત્યારે સાડાઅગિયાર થઈ ગયા હતા. તેનો ગઈ કાલ રાતનો મૂડ એટલો ખરાબ હતો કે સલિલભાઈએ તેને જગાડવાની કોશિશ ન કરી. શિવ જાગ્યો ત્યારે તેણે જોયું કે મોડી રાત્રે શામ્ભવીના બે ફોન હતા જે મિસ થઈ ગયા... તેને એક વાર ઇચ્છા થઈ કે તે શામ્ભવીને ફોન કરીને ગઈ કાલ રાતની ઘટના વિશે સ્પષ્ટ વાત કરી લે. તે જુઠ્ઠું શું કામ બોલી, તે અનંત સાથે ક્યાં ગઈ હતી એ વિશે મન ખોલીને ચર્ચા થઈ જવી જોઈએ એવું શિવને એક વાર લાગ્યું; પણ પછી તેણે મન વાળી લીધું. શામ્ભવી જ જો વાત કરવા ન માગતી હોય તો પોતે શું કામ ફોન કરવો જોઈએ! ક્યાંક તેનો ઈગો તો ક્યાંક ગઈ કાલ રાતની ઘટનાનું દુઃખ તેને ફોન કરતાં રોકી રહ્યાં હતાં.


શિવે આખો દિવસ શામ્ભવીના ફોન ન ઉપાડ્યા. શામ્ભવી હાર્યા વગર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહી. તેની ઑફિસની લૅન્ડલાઇન પર પણ શામ્ભવીએ ફોન કર્યો, જે રિસીવ કરવાની શિવે ના પાડી દીધી. એ દિવસનો પ્રાઇમટાઇમ શો પતાવીને શિવ સીધો ઘરે ગયો. ફરી એ જ રીતે ખાધા વગર પોતાની રૂમમાં જઈને સૂઈ ગયો.

‘શામ્ભવીના ફોન નથી ઉપાડતો તું?’ સલિલભાઈએ તેની રૂમમાં આવીને પૂછ્યું.


‘હં...’ શિવે કહ્યું.

‘કેમ?’ સલિલભાઈએ પૂછ્યું.

‘એ અમારા બેનો પ્રૉબ્લેમ છે.’
શિવે કહ્યું. તે પડખું ફરી ગયો. વાત પૂરી થઈ હતી.

બીજા દિવસે શિવ મોડો ઊઠ્યો. શિવ નિત્યક્રમમાંથી પરવાર્યો ત્યાં સુધીમાં લંચ-ટાઇમ થઈ ગયો હતો. સલિલભાઈ સાથે તે ટેબલ પર જમવા બેઠો ત્યારે સલિલભાઈના ફોન પર રિંગ વાગી. સલિલભાઈએ ક્ષણવાર શિવની સામે જોઈને પછી ફોન ઉપાડ્યો. કશું જ બોલ્યા વગર તેમણે ફોન શિવના હાથમાં આપી દીધો. હવે વાત કર્યા વગર છૂટકો નહોતો.

શિવ કંઈ બોલે એ પહેલાં શામ્ભવી તૂટી પડી, ‘મારો ફોન નથી ઉપાડતો?’ ગઈ કાલે જુઠ્ઠું બોલવા બદલ ગિલ્ટી ફીલ કરવાને બદલે શામ્ભવીએ ઊલટાનો શિવને ધમકાવ્યો, ‘ક્યાં હતો ગઈ કાલે?’

‘તારે શી પંચાત?’ શિવ ચિડાઈ ગયો. ગઈ કાલ રાતના દુઃખનો હૅન્ગઓવર હજી સાવ ઊતર્યો નહોતો એટલે તેનાથી કહેવાઈ ગયું, ‘એક તો પોતે જુઠ્ઠું બોલે છે ને ઉપરથી મારી સાથે લડે છે?’

‘શિવ!’ શામ્ભવીના અવાજમાં હવે ગિલ્ટ-અપરાધભાવની લાગણી ઊતરી આવી, ‘હું... અનંત સાથે...’

‘ખબર છે મને. મેં તને મદદ કરવાની ના પાડી એટલે તું તેની પાસે દોડી.’ શિવના અવાજમાં ઈર્ષા હતી, અહમ્ ઘવાયાની પીડા અને બાળપણની મિત્રએ કરેલા છળની ફરિયાદ હતી, ‘હું આવ્યો હતો તારા માટે મહત્ત્વની માહિતી લઈને.’ કહીને શિવે છણકો કર્યો, ‘પણ તને મારાથી વધારે ભરોસો પેલા અનંત પર છે.’ કહીને શિવે ઉમેર્યું, ‘છોડ! તે જ કરશે તારી મદદ... તારે મારી જરૂર નથી.’

‘એવું નહીં બોલ.’ શામ્ભવીના અવાજમાં પ્રામાણિક દુઃખ હતું, ‘અનંત મને તેની એક ફ્રેન્ડને મળવા લઈ ગયો હતો. તે લૉયર છે. આપણી મદદ કરશે.’

‘આપણી?’ શિવે વ્યંગમાં પૂછ્યું, ‘આપણે સાથે છીએ? હું, તું ને અનંત? ટૂ-સીટરમાં ત્રણ જણ? જરા ક્રાઉડેડ નહીં થઈ જાય?’

‘શિવ!’ શામ્ભવીએ ફરી એક વાર તેને મનાવવાનો પ્રયાસ કર્યો, ‘હું કંઈ તેના પ્રેમમાં નથી...’ આટલું સાંભળતાં જ શિવને જાણે હાશ થઈ. તેણે જે રીતે શ્વાસ લીધો એનાથી એ નિરાંત અને એ રાહત શામ્ભવી સુધી પહોંચી ગયાં. તે હસી પડી, ‘તું સ્ટુપિડ છે. હું પ્રેમમાં પડું તો સૌથી પહેલાં તને કહું એટલો તને ભરોસો નથી?’

‘તું મારા પ્રેમમાં પડ ને મને જ સૌથી પહેલાં કહે... એ વાતની હું વર્ષોથી રાહ જોઉં છું.’ શિવને કહેવું હતું, પણ તે કંઈ બોલ્યો નહીં. તેણે માત્ર હોંકારો ભણ્યો.

‘જો શિવ! તે છોકરી, લૉયર... રિતુ અગ્રવાલનું કહેવું છે કે આ કેસ ફરી ખોલી શકાય, પણ એ માટે માએ આપણને સહકાર આપવો પડે. પોતે જીવે છે એ વાતની સાબિતી મા સિવાય કોણ આપી શકે? એ પછી હું તેને મળવા ગઈ હતી.’ શામ્ભવીએ કબૂલાત કરી, ‘તારા જ પેલા માધુપુરાવાળા કરિયાણા સ્ટોરના ટેમ્પોમાં બેસીને... તેને ચિઠ્ઠી આપી આવી છું. આઇ ઍમ શ્યૉર તે રિસ્પૉન્સ કરશે.’

‘વૉટ રબિશ? તું ફરી પાછી જેલમાં ગઈ હતી? ટેમ્પોમાં બેસીને?’ માંડ ઠંડું પડેલું શિવનું મગજ ફરી છટક્યું. તેને અશોક જાનીની વાતો યાદ આવી ગઈ. અશોકે ગઈ કાલે કહ્યું હતું, ‘સત્ય બહુ ખતરનાક રોગ છે. એક વાર જાણી લો પછી મનમાં રહેતું નથી ને જીભ પર આવે તો જીવ લઈ લે છે...’ શિવ મનોમન ધ્રૂજી ગયો. શામ્ભવીને કંઈ થાય એ વિચારમાત્ર તેના માટે કોઈ દુઃસ્વપ્ન જેવો હતો.

‘હા, ગઈ હતી... ને સેફ પાછી પણ આવી ગઈ છું.’ શામ્ભવી સહજ હતી, ‘મને વિશ્વાસ છે કે મારી મા મારી ચિઠ્ઠી વાંચ્યા પછી રહી નહીં શકે. તે ચોક્કસ મને મળવાનો પ્રયત્ન કરશે.’

‘પણ એ પહેલાં મારે તને કંઈ કહેવું છે. વેરી ઇમ્પોર્ટન્ટ.’ શિવે કહ્યું, ‘ફોન પર નહીં.’

‘હું તારા ઘરે આવું છું.’ શામ્ભવીએ કહ્યું. શિવ કંઈ જવાબ આપે એ પહેલાં ફોન ડિસકનેક્ટ થઈ ગયો. સલિલભાઈ શિવની સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. બાપ-દીકરો બન્ને ખડખડાટ
હસી પડ્યા.

‘તમે બન્ને નહીં સુધરો.’ સલિલભાઈથી કહેવાઈ ગયું. મોટા ભાગે તો શામ્ભવીએ ઘરની આસપાસથી જ ફોન કર્યો હશે એવી તેને ખબર હતી એટલે તે કોઈ પણ ક્ષણે આવી પહોંચશે એવી તૈયારી સાથે શિવ ઉતાવળે જમવા લાગ્યો.

lll

સોલંકીની ચેમ્બરમાં બેઠેલી રાધાની આંખોમાં પાણી હતાં. સામાન્ય રીતે ક્રૂર અને સ્વાર્થી ગણાતો સોલંકી પણ આજે સહેજ ઢીલો, ઇમોશનલ થઈ ગયો હતો, ‘બેન! હું તમારી વાત સમજું છું. જેલ ટ્રાન્સફર તો થઈ જશે, પણ જ્યાં સુધી હું શામ્ભવીબેનને ઓળખી શક્યો છું ત્યાં સુધી તે તમારો પીછો નહીં છોડે.’ સોલંકીએ ધીમેથી કહ્યું, ‘આમ તો તમારા ઘરની વાત છે, પર્સનલ! પણ તમે રજા આપો તો એક સલાહ આપું?’ રાધાએ ‘હા’માં ડોકું ધુણાવ્યું. સોલંકીએ કહ્યું, ‘તમે તેમને બેસાડીને સાચું કહી દો.’ રાધાની આંખો પહોળી થઈ ગઈ. તે છળી ઊઠી. સોલંકીએ તેને આશ્વાસન આપતા અવાજે કહ્યું, ‘રાધાબેન, આ દોડપકડનો ખેલ બહુ લાંબો નહીં ચાલે. જે દિવસે તેને ખબર પડી જશે એ દિવસે તમે જવાબ આપવાની સ્થિતિમાં, ગુનેગારના પાંજરામાં ઊભાં હશો. અત્યારે તમે સામેથી તેને કહેશો તો કદાચ તે તમારી વાત સમજી શકશે, સ્વીકારી શકશે. આમ તો બહુ સમજદાર છે.’

‘સોલંકીભાઈ! સાચું કહેવા જતાં મારો જ પાલવ બળશે. મારા જ ઘરની વ્યક્તિ...’ તે ચૂપ થઈ ગઈ. થોડીક ક્ષણો સોલંકીની કૅબિનમાં એમ જ મૌન છવાયેલું રહ્યું. રાધા નીચું જોતી પોતાની સાડીના પાલવને આંગળી પર લપેટતી-ઉકેલતી રહી. તેણે ધીમેથી કહ્યું, ‘હું તેને સાચું કહી દઉં એ પછી જો તે ગુનેગારને સજા અપાવવાની જીદ પકડે, મને ઘરે પાછી લઈ જવાનો આગ્રહ રાખે... તો બધું અટવાઈ જાય. આટલાં વર્ષની અમારી તપસ્યા નકામી થઈ જાય. સાહેબે રાજકારણ છોડ્યું ને મેં ઘર! ૧૪ વર્ષના વનવાસ પછી તે છોકરીને કેમ સમજાવું કે હવે કશું જ બદલી શકાય એમ નથી.’ રાધાબહેનની આંખમાંથી એક આંસુ તેમના ગાલ પર સરી પડ્યું, ‘તમે મારી જેલ બદલી નાખો.’ તેણે બે હાથ જોડ્યા.

‘મને શરમમાં નાખો છો બેન! હાથ ના જોડો...’ સોલંકીએ સામા હાથ જોડ્યા, ‘તમે કહેશો એમ કરીશ.’ રાધા ઊભી થઈ. ફરી નમસ્તે કરીને તે સોલંકીની કૅબિનની બહાર નીકળી ગઈ. તે જ્યારે બહાર નીકળી ત્યારે સોલંકીની કૅબિનની બારીએ ઊભી રહીને તેમની વાતચીત સાંભળી રહેલી સોમીની આંખો પણ ભીંજાઈ ગઈ.

રાધા જેવી કૅબિનમાંથી બહાર નીકળીને ચોગાનમાં પહોંચી કે સોમી, રાની, મંજુ અને તસ્લીમા તેને ઘેરી વળી. કશું જ બોલ્યા વગર રાધા આગળ વધીને સોમીને ભેટી. તેનું ડૂસકું છૂટી ગયું. સોમી તેની પીઠ પર હાથ ફેરવતી રહી. આ ચારેય સ્ત્રીઓ રાધાની વેદનાને બરાબર સમજતી હતી. આ જગતમાં એવું કોણ હોય જેને પોતાના ઘરે જવાનું મન ન હોય, પરિવાર સાથે સમય વિતાવવાની ઝંખના ન હોય! અત્યાર સુધી મન મારીને જીવી રહેલી રાધા એક વાર દીકરીને મળી એ પછી તેનું મન પણ ફરી-ફરીને દીકરીને મળવા, તેને વહાલ કરવા ઝંખી રહ્યું હતું. તે જાણતી હતી કે આ ઝંખના કદી પૂરી થવાની નથી...

‘એક વાર તારી છોડીને બોલાવીને તેને હાચેહાચું કહી દે.’ સોમીએ પણ સોલંકી જેવી જ સલાહ આપી, ‘એવડી એ તારી પાછળ-પાછળ ભમરડાની જેમ ફરતી રહેશે... ક્યાં સુધી ભાગીશ?’ હવે રાધાને પણ લાગ્યું કે કંઈ કહ્યા વગર જેલ ટ્રાન્સફર માગીને ભાગી જવાથી શામ્ભવીને આઘાત લાગશે, તે દુઃખી થશે... કદાચ વધુ ઝનૂનથી રાધાને શોધવાનો પ્રયત્ન કરશે. એના કરતાં જે કંઈ બન્યું હતું એ તેને જણાવી દેવામાં આવે તો કદાચ તેને સમજાવવામાં વધુ સરળતા રહેશે. પછી તેના જ મનમાં વિચાર આવ્યો, સત્ય જાણી લીધા પછી જો તે સાચા ગુનેગારને સજા અપાવવાની જીદે ચડી તો?

રાધાએ તેને નહીં મળવાનું તો નક્કી કરી લીધું; પરંતુ એક માનું હૃદય દીકરીને અસમંજસમાં, મૂંઝવણમાં કે પ્રશ્નાર્થચિહન સાથે છોડીને જવાની ના પાડતું હતું. અંતે તેણે જતાં પહેલાં એક વાર દીકરીને મળવાનું નક્કી કરી લીધું. અત્યાર સુધી તેના મનમાં ચાલી રહેલી બધી કશમકશના ઉત્તરો પોતે અહીંથી જાય એ પહેલાં તેને મળી જ જવા જોઈએ એવા નિર્ણય સાથે રાધાએ જેલમાંથી ફોન કરાવ્યો.

શિવના ઘરે પહોંચવા માટે ગાડી ચલાવી રહેલી શામ્ભવીએ એક અજાણ્યો નંબર પોતાના સેલફોનની સ્ક્રીન પર જોયો, ફોન ઉપાડવો કે નહીં એવું એકાદ ક્ષણ માટે વિચાર્યું, પછી તેણે ફોન રિસીવ કર્યો. સામેથી સંભળાયું, ‘આ કૉલ સાબરમતી જેલમાંથી તમને કરવામાં આવ્યો છે. તમે ફોન ઉપાડી શકો છો અથવા ડિસકનેક્ટ કરી શકો છો. સિક્યૉરિટીનાં કારણોસર આ કૉલ રેકૉર્ડ કરવામાં આવી શકે છે.’ શામ્ભવીએ બેબાકળા થઈને ફોન રિસીવ કર્યો, ‘હલો... હલો મા.’

‘કુણ મા? મું તો સોમી બોલું સુ. વકીલનું કંઈ થ્યું?’ સોમીના ફોનને કારણે શામ્ભવીનું મગજ ઝડપથી ચાલવા માંડ્યું. સોમી પાસે પોતાનો નંબર ક્યાંથી આવ્યો ને તે પોતાને ફોન શું કામ કરે? વકીલ વિશે કોઈ ચર્ચા જ નથી થઈ તો પછી સોમી શું કહી રહી હતી! શામ્ભવી ચૂપચાપ સાંભળતી રહી, ‘તેં કીધું’તું કે તું મળવા આવવાની સે. તી ચ્યારે આવવાની સે?’

‘હું?’ શામ્ભવી ગૂંચવાયેલી હતી, પણ તે ઝડપથી સોમીની આ ફોનમાં કહેવાતી વાતનો અર્થ કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, ‘આવીશ.’

‘તી, ચ્યારે?’ સોમીએ પૂછ્યું, ‘અહીં બધોંય તારી રાહ જોવે સે.’ સોમીએ જરાક ભાર દઈને કહ્યું, ‘બધોંય... હમજી કે નહીં...’

‘હા, હા...’ શામ્ભવીએ કહ્યું, ‘કાલે આવીશ...’ કહીને તેણે ઉમેર્યું, ‘તમારા વકીલની વાત થઈ ગઈ છે. તે પણ મારી સાથે આવશે.’ શામ્ભવીને સમજાઈ ગયું કે જેલમાંથી કરવામાં આવતા ફોન રેકૉર્ડ થઈ શકે છે એટલા માટે કદાચ સોમીએ આવી રીતે વાત કરી હશે.

‘હારુ, હારુ...’ સોમીએ કહ્યું, ‘ભગવાન તારું હારું કરસે હોં.’ ફોન મૂકીને શામ્ભવી વિચારવા લાગી. સોમીના આ ફોનનો અર્થ એ હતો કે રાધા તેને મળવા માગે છે... શામ્ભવીને લાગ્યું કે તેનું હૃદય ઊછળીને ગળામાં આવી જશે. તેણે માને લખેલી ચિઠ્ઠીની અસર થઈ હતી. શામ્ભવીએ થોડીક ક્ષણોમાં કંઈકેટલાંય સપનાં જોઈ નાખ્યાં. જે માને પોતે ખોઈ ચૂકી હતી તે મા હવે ફરી એક વાર તેના જીવનમાં પ્રવેશ કરશે એ વિચારમાત્રથી શામ્ભવીને રડવું આવી ગયું. મા વગર વિતાવેલા દિવસોની યાદોથી તેનું મન ઘેરાઈ ગયું.

શામ્ભવી ૧૪ વર્ષની હતી. પહેલી વાર પિરિયડ્સ આવ્યા ત્યારે કોને પૂછવું, કોને કહેવું એની મૂંઝવણમાં તે આખો દિવસ ને આખી રાત પોતાની રૂમમાં ભરાઈને બેસી રહી હતી. મોહિની સાથે તેને તો પહેલેથી જ નહોતું બનતું એટલે તેની સાથે વાત કરવાનો તો સવાલ જ નહોતો. પિતા બે દિવસ માટે દિલ્હી ગયા હતા... તેણે જડીમાસીને બોલાવ્યાં હતાં. અભણ જડીમાસીને જે સમજાયું એવું અને એટલું તેમણે શામ્ભવીને સમજાવ્યું; પરંતુ માની હાજરીની ખોટ એ ક્ષણે શામ્ભવીના હૃદયમાં એટલી ઊંડી ઊતરી ગઈ કે આજે, અત્યારે આ ક્ષણે પણ એ ઘટનાને યાદ કરતાં શામ્ભવીને વધુ રડવું આવ્યું.

તેના દરેક બર્થ-ડે પર, તેના જીવનની કોઈ પણ મહત્ત્વની વાત કે ઘટના હોય ત્યારે તેણે માની ખોટ અનુભવી હતી... પહેલી બે મુલાકાતોમાં તો રાધાબહેને તેને પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે આજે જ્યારે એક દીકરી તરીકે પોતાની માને મળવા જવાનું હતું ત્યારે શામ્ભવીના મનમાં ફરિયાદ, અભાવ, પીડાની સાથે-સાથે મૃત્યુ પામેલી મા જીવે છે એ વાતના આનંદની વિચિત્ર, મિશ્રિત લાગણીઓ હતી.

જેલમાં માને મળવા જતાં પહેલાં પિતાને જણાવવું કે નહીં એ વિશે પણ શામ્ભવી મૂંઝવણમાં પડી ગઈ... પિતાને જણાવે તો તે ના પાડે, પછી ઉપરવટ થઈને જવાય નહીં એ વાતની શામ્ભવીને ખાતરી હતી; સાથે જ પિતાને કહ્યા વગર જાય તો પણ તેમને ખબર તો પડવાની જ હતી.

શિવના ઘરમાં દાખલ થઈ ત્યારે એ મૂંઝવણ શામ્ભવીના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. સલિલભાઈએ દરવાજો ખોલ્યો, પણ શામ્ભવીએ હળવું સ્મિત કર્યું-ન કર્યું ને તે સીધી શિવની રૂમમાં ચાલી ગઈ, ‘શિવ! માનો ફોન આવ્યો છે. તે મને મળવા તૈયાર છે.’

‘વૉટ?’ શિવ ડઘાઈ ગયો, ‘તું હજી એક વાર જેલમાં જવા માગે છે?’

‘ચૉઇસ નથી...’ શામ્ભવીએ સહજતાથી ખભા ઉલાળ્યા, ‘મને ખબર છે કે તું નહીં આવી શકે. મારે એકલા જ જવાનું છે. આઇ નો.’

શિવ કંઈ કહેવા ગયો, ‘શેમ...’ પણ શામ્ભવીએ હાથ ઊંચો કરીને તેને વચ્ચે જ રોકી દીધો. એ પછી શિવ કંઈ બોલ્યો નહીં. શામ્ભવી જે ઇચ્છે છે એ કરીને જ રહેશે એ વાત શિવથી વધુ કોણ જાણતું હતું! મા સુધી પહોંચવાનું આ છોકરીનું ઝનૂન, કંઈ પણ કરી છૂટવાની તેની તૈયારી અને પૂરી બહાદુરીથી સંજોગો સામે લડવાની તેની હિંમતને શિવ ચહેરા પર સ્મિત અને મનમાં આદર સાથે જોતો રહ્યો.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2024 03:14 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK