Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૧૮)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૧૮)

Published : 27 October, 2024 12:37 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

‘હવે કેટલાં વર્ષ બાકી છે, જિંદગી તો અહીં જ પૂરી થઈ.’ રાધાએ નિરાશ, ઉદાસ અવાજે કહ્યું. તે છત તરફ જોઈ રહી હતી. બહારની લાઇટનો પ્રકાશ બૅરેકની છત પર પહોંચીને ફેલાઈ જતો હતો.

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


‘શામ્ભવી કંઈક અપસેટ છે આજકાલ?’ માધવીએ પાણી માપવા માંડ્યું.

‘એમ?!’ મોહિનીએ સામે ઢાલ ધરી, ‘તેણે પોતે કહ્યું તમને?’ 



‘તે મને ક્યાંથી કહે?’ માધવીએ સહજ રહેવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘ભાઈ સાથે વાત કરી હતી તેણે! તમારી ફૅમિલીમાં કોઈ મર્ડર થયું હતું એની તપાસ કરવી છે તેને... ઑર મે બી, મેં કદાચ કંઈ ખોટું સાંભળ્યું...’ માધવી હસી, ‘આમ તો દરેક પરિવારમાં કંઈ ને કંઈ રહસ્ય હોય જ, પણ કેટલાંક રહસ્યો પરિવારની અંદર રહે ત્યાં સુધી સેફ હોય છે. ક્યારેક મીડિયાના હાથમાં કે કોઈ દુશ્મનના હાથમાં આવી જાય તો...’


‘આમ તો કશું છે જ નહીં એટલે એવો ડર નથી.’ મોહિનીએ સાવધાનીથી કહ્યું. તેણે ધીમે રહીને માધવીને પણ સમજાવી દીધી, ‘શામ્ભવી બહુ નાની છે, જિંદગી જોઈ નથી તેણે. મોટાજીએ લાડ કર્યાં છે, હથેળીમાં પગ મુકાવ્યો છે તેને એટલે તેમનું એક જ સ્વરૂપ જોયું છે તેણે... પણ કમલનાથ ચૌધરી જે દિવસે પરિવારની પ્રતિષ્ઠા કે ઘરની કોઈ વ્યક્તિના હિત પર જોખમ જોશે એ દિવસે મીડિયા કે દુશ્મન... બધાયનું આવી બનશે.’ તેણે હસીને ઉમેર્યું, ‘અત્યારે રમે છે શામ્ભવી એટલે રમી લેવા દો. વાત કંઈ સિરિયસ હશે તો મોટાજી જોઈ લેશે.’ તેણે માધવીને ચેતવણી આપી, ‘તમે આનાથી દૂર રહેજો! શું છે કે આવનારા દિવસોમાં આપણો સંબંધ બદલાશે. મોટાજીને કદાચ ખબર પડે કે તમે પણ આમાં રસ લો છો કે શામ્ભવીને ઉકસાવો છો તો...’ તેણે ખભા ઉલાળીને કહી નાખ્યું, ‘યુ નો વૉટ આઇ મીન!’

માધવી કંઈ જવાબ આપે એ પહેલાં મોહિનીની અપૉઇન્ટમેન્ટ માટે બોલાવવા આવી ગયા. માધવી મનમાં સમસમીને રહી ગઈ. તેને એક વાત સમજાઈ ગઈ કે કમલનાથ ચૌધરી, તેનો ભાઈ, મોહિની અને પરિવારનો દરેક સભ્ય આ મુદ્દા પર એકબીજાની સાથે હતાં એટલે જે કંઈ થયું હશે એ વિશે બધાં જાણતાં હોવા જોઈએ અને જે કંઈ થયું છે એમાં સૌ સહભાગી છે એટલે કોઈ એક જણને ફસાવી નહીં શકાય એટલું જ નહીં; કોઈ એક ફસાશે તો બાકીના તેની મદદે આવીને ઊભા રહેશે. આટલું સમજાઈ ગયા પછી માધવીએ આ કિસ્સાથી અને ચૌધરી પરિવારથી દૂર રહેવાનું નક્કી કરી લીધું. ત્યાં પડેલું ‘વોગ’ મૅગેઝિન ઉપાડીને તેણે પાનાં પલટવા માંડ્યાં. પલટાતાં પાનાંની સાથે-સાથે તેના મનમાં પણ વિચારોનો ઉતાર-ચડાવ ચાલતો રહ્યો. કોઈ પણ રીતે અનંતને પછાડી દેવો, અખિલેશ સોમચંદના સામ્રાજ્યની એકમાત્ર વારસ બની જવાનું તેનું સપનું હવે કઈ રીતે પૂરું કરવું એ વિશે તેના મનમાં નવેસરથી ગણતરીઓ શરૂ થઈ ગઈ.


lll

બાથરૂમનું બારણું બંધ કરીને ધડકતા હૃદયે રાધા ચૌધરીએ કવર ખોલ્યું. કવરમાં એક ચિઠ્ઠી હતી અને મા-દીકરીની એક જૂની તસવીર. એમાં રાધાએ શામ્ભવીને પોતાના હાથમાં ઉપાડી હતી. ચિઠ્ઠીમાં જે લખ્યું હતું એ વાંચતાં રાધાના હૃદય પર કરવત ચાલી રહી હોય એમ તેની લાગણીઓ વહેરાઈને વહેતી રહી.

‘મા, મને ખાતરી છે કે તું મારી મા છે; પણ એ નથી જાણતી કે તું શા માટે તારી ઓળખાણ છુપાવે છે, કોણ તને મજબૂર કરે છે? પણ હું એક વાત જાણું છું કે તેં જે કર્યું છે એ બલિદાન છે, સમર્પણ છે... પણ જેના માટે કર્યું છે તે એને યોગ્ય છે ખરા? તે તારી દીકરી કરતાં પણ વધારે મહત્ત્વના છે? જેને માટે તેં મને એકલી છોડી દીધી એ લોકો, કોઈ પણ હોય, તેં તેમના માટે મને છોડી દીધી? મા, હું એકલવાયું બાળપણ જીવી છું. પહેલા પિરિયડ્સ, પહેલો બૉયફ્રેન્ડ અને અંધારી રાતોનાં ડરામણાં સપનાંની વચ્ચે મને સમજાવવા, સ્નેહ કરવા કે સાથ આપવા માટે તું નહોતી. એક દીકરી માટે પોતાની માથી વધારે નજીકની દોસ્ત બીજી કોણ હોય? હું આજે પણ એકલી છું તારા વગર... તું છે તો પણ હું મા વગરનું જીવન જીવી રહી છું. મારી વાત સાંભળવા, રડવા-હસવા, લાડ કરવા માટે પાછી આવ મા, પાછી આવ. મને તારી જરૂર છે. હું લડીશ તારા માટે. નક્કી તારે કરવાનું છે કે તારી મજબૂરીનું વજન વધારે છે કે તારી મમતાનું મહત્ત્વ! હું તારા જવાબની રાહ જોઈશ. મને વિશ્વાસ છે કે આ વાંચ્યા પછી તું મારો સંપર્ક કર્યા વગર નહીં રહી શકે. જો આઠ દિવસમાં તું મારો સંપર્ક નહીં

કરે તો હું માની લઈશ કે તેં મને છોડી દીધી છે. એ પછી કોઈ દિવસ તને પરેશાન કરવા કે પ્રશ્નો પૂછવા નહીં આવું. તારી એકલવાયી અભાગી દીકરી શામ્ભવી.’

આટલું વાંચતાં-વાંચતાં રાધા ચૌધરી ધ્રુસકાં ભરતી રડવા લાગી. વિતેલા દિવસોનાં અનેક દૃશ્યો તેની નજર સામે આવ્યાં, ધૂંધળાં થઈને વિખેરાઈ ગયાં. પોતાની દીકરી સાવ એકલી કઈ રીતે ઊછરી હશે એ વિચાર તેને સતત પજવતો રહ્યો હતો. તે મજબૂરીના દબાણમાં ચૂપ રહી આટલાં વર્ષો, પણ આ વર્ષોમાં એક રાત પણ તે શામ્ભવીનો વિચાર કર્યા વિના ઊંઘી શકી નહોતી; પરંતુ આ પત્રએ તેની અંદરની મમતાને ઢંઢોળીને જગાડી હતી ને આજે મજબૂરી પર મમતાની જીત થઈ હતી.

આખો દિવસ રાધા ચૌધરી ઉદાસ, વિચારમગ્ન અને ચૂપચાપ રહી... તેના મનમાંથી એ ચિઠ્ઠી અને પેલી તસવીર કોઈ રીતે ખસતાં નહોતાં. રાત્રે જ્યારે તે પોતાના નાનકડા બિસ્તર પર આડી પડી ત્યારે તેની બાજુમાં સૂતેલી રાનીએ તેને પૂછ્યું, ‘આજે ફરી આવી હતી તારી દીકરી?’ રાધાએ ચોંકીને તેની સામે જોયું, ‘ઇતના તો સમઝ હી સકતી હૂં. આટલા વખતથી ઓળખું છું તને, કોઈ વાત તને વિચલિત નથી કરતી. પહેલી વાર તને ઉદાસ જોઈ જ્યારે તારી દીકરીને તેં પહેલી વાર જોઈ. એ પછી કેટલાય દિવસો સુધી તું ઉદાસ રહી જ્યારે તે તને મળવા આવી ને આજે ફરી પાછી એ જ ઉદાસી...’ રાનીએ વહાલથી પોતાનો હાથ લંબાવીને રાધાનો ગાલ પસવાર્યો, ‘તેની વાત માની કેમ નથી જતી? કોઈ લડવા તૈયાર છે તારા માટે... તું બહાર નીકળી શકીશ.’

‘હવે કેટલાં વર્ષ બાકી છે, જિંદગી તો અહીં જ પૂરી થઈ.’ રાધાએ નિરાશ, ઉદાસ અવાજે કહ્યું. તે છત તરફ જોઈ રહી હતી. બહારની લાઇટનો પ્રકાશ બૅરેકની છત પર પહોંચીને ફેલાઈ જતો હતો. વચ્ચે-વચ્ચે અંધારાના ટુકડા અને પ્રકાશના ચકરડાથી બૅરેકની છત કંઈ વિચિત્ર જ લાગી રહી હતી.

‘એટલે જ કહું છું.’ રાનીએ તેને સમજાવી, ‘જેટલાં વર્ષ છે એટલાં તારી દીકરી સાથે વિતાવ. મારા પરિવારે તો મને છોડી જ દીધી છે. તે બધા માને છે કે મેં ફ્રૉડ કર્યું છે, હું ગુનેગાર છું. સત્ય કોઈને નથી સાંભળવું.’ રાનીએ નિઃશ્વાસ નાખ્યો, ‘પણ કોઈ તારી રાહ જુએ છે, તારામાં ભરોસો કરે છે, તને ઝંખે છે, તારા માટે ઝૂરે છે... તેને ભેટીને, માથે હાથ ફેરવીને, કપાળ ચૂમીને વિતેલાં વર્ષોનો હિસાબ સરભર કરવાનું મન નથી થતું તને?’ આ સાંભળી રહેલી રાધા ફરી રડવા લાગી.

રાધાના રડવાનો અવાજ સાંભળીને તેની બીજી તરફ સૂતેલી સોમી પણ જાગી ગઈ. આટલાં વર્ષોમાં તેણે રાધાને ભાગ્યે જ રડતી જોઈ હતી. કોઈ પથ્થરની મૂર્તિની જેમ, ચાવી દીધેલા પૂતળાની જેમ, સવારથી સાંજ ચૂપચાપ પોતાનું કામ કરીને રાત્રે પથારીમાં પડતી રાધા જે રીતે રડી રહી હતી એ જોઈને સોમીને પણ વાત સમજાઈ ગઈ. તેણે હાથ લંબાવીને રાધાનો હાથ પકડ્યો, ‘હિંમતવાળી છોકરી છે તારી. ગમે એમ કરીને પહોંચી તારા સુધી... ને હાચું કહું? હું તો નસીબમાં બહુ માનું. હવે તારા બહાર નીકળવાનો ટેમ થઈ ગ્યો સે. એટલે જ આ છોડીને ભગવાન અહીં સુધી લઈ આવ્યો સે. માની જા તેની વાત. અંત ઘડીએ આપણું માથું જણેલાના ખોળામાં હોય તો મુક્તિ થાય... સમજે છે? ઈ લેવા આવી સે, બોલાવે સે તને... હવે જે ગુનો તેં કર્યો નથ એની સજા ભોગવવાનું છોડ. કહી દે તેને બધું હાચેહાચું. ઈ કરસે તારો ઉદ્ધાર.’

મોડી રાત સુધી રાની અને સોમી ધીમા અવાજે રાધાને સમજાવતાં રહ્યાં. તેમણે રાધાને દીકરીની ચિઠ્ઠીનો જવાબ આપવા માટે તૈયાર કરી દીધી.

અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ ભૂલીને ચૂપચાપ કોણ જાણે કયા ગુનાની સજા ભોગવી રહેલી રાધા સવારે જાગી ત્યારે તેના મનમાં એક નવો જ સૂર્યોદય થયો હતો. બાકી રહેલાં વર્ષોમાં જેટલો સમય મળે એટલો દીકરી સાથે વિતાવવાની એક નવી ઝંખના, નવી તરસ જગાડી હતી રાનીએ તેના મનમાં!

lll

રોજની જેમ ચૌધરી રેસિડન્સના બધા સભ્યો બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. બ્રેકફાસ્ટ પીરસાવાનો શરૂ થયો કે મોહિનીએ વાત ઉપાડી, ‘માધવી સોમચંદ મળી હતી મને.’ કોઈએ તેની સામે જોયું નહીં. પદ્મનાભ, કમલનાથ અને ખાસ કરીને શામ્ભવીએ તો જાણે સાંભળ્યું જ ન હોય એવી રીતે સૌ પોતાની પ્લેટમાં પીરસાતા નાસ્તા સાથે વ્યસ્ત રહ્યા. જોકે મોહિનીએ એની પરવા કર્યા વગર કહી જ નાખ્યું, ‘આ શામ્ભવી કારણ વગર આપણને મુશ્કેલીમાં નાખશે. ભાભીજીના મર્ડરની...’ મોહિનીએ અટકીને જીભ બહાર કાઢી - જાણે ભૂલ થઈ ગઈ હોય એવો અભિનય કરીને તેણે સુધાર્યું, ‘ભાભીજીના ઍક્સિડન્ટની તપાસ કરે છે આ. સોમચંદના દીકરાને પણ ઇન્વૉલ્વ કર્યો છે. તેમના માટે આ કોઈ થ્રિલર નવલકથા કે સિનેમાની સ્ટોરી જેવું છે, પણ આબરૂના ધજાગરા થશે ને મીડિયા રવાડે ચડશે એ અલગ.’ હવે કમલનાથે તેની સામે જોયું. મોહિનીનો ચહેરો તો યથાવત્ રહ્યો, પણ તેના મનમાં મોટું સ્મિત આવી ગયું. તેનાથી બોલવામાં ભૂલ થઈ ગઈ કે તેણે જાણીજોઈને ભૂલ કરી એ વિશે અસ્પષ્ટ પદ્મનાભે તેની સામે જોઈને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.

કમલનાથે આ બધું જોયું, પછી ધીમેથી પૂછ્યું, ‘આ સાચું છે શામ્ભવી?’

‘બાપુ... ઍક્ચ્યુઅલી... આઇ મીન...’ શામ્ભવીને થોથવાતી, શબ્દો શોધતી, અટવાતી જોઈને મોહિનીને મજા પડી ગઈ. તે, પદ્મનાભ અને કમલનાથ ત્રણેય જણ શામ્ભવી તરફ જે નજરે જોઈ રહ્યાં હતાં એનાથી શામ્ભવી વીંધાઈ ગઈ, ‘બાપુ! મા જીવે છેને? હું જેલમાં જે સ્ત્રીને મળી તે મા જ છે. તેને કોણે જેલમાં નાખી, શું કામ નાખી, તેણે કેમ વિરોધ ન કર્યો, તેનો ગુનો શું છે?’ શામ્ભવીએ સહેજ અટકીને ઉમેર્યું, ‘તે પોતાના ગુનાની સજા ભોગવે છે કે કોઈને બચાવવા માટે તેને ધકેલી દીધી છે... આ બધું મારે જાણવું છે. હું તપાસ કરીશ, મારી મા માટે લડીશ, તેને આ ઘરમાં પાછી લઈ આવીશ.’ શામ્ભવી એકશ્વાસે બોલી ગઈ. મોહિની પલક પણ ઝબકાવ્યા વગર કમલનાથ સામે જોઈ રહી હતી. શામ્ભવીનાં આ બધાં વાક્યોની સાથે કમલનાથના હાવભાવ બદલાવા જોઈતા હતા; પરંતુ તે તો શાંત, સ્વસ્થ હતા.

‘ભલે!’ કમલનાથે નિરાંતે ઑરેન્જ જૂસનો ગ્લાસ ઉપાડ્યો, ‘તને જે યોગ્ય લાગે એ કર.’ આટલું સાંભળતાં જ મોહિનીનું બ્લડપ્રેશર વધી ગયું. તેણે ધાર્યું હતું કે કમલનાથ વિરોધ કરશે, શામ્ભવીને અટકાવશે, ધમકાવશે; પરંતુ એવું કશું જ થયું નહીં. બલ્કે કમલનાથે આગળ કહ્યું, ‘હું જેલમાં તારી સાથે આવ્યો. આપણે તપાસ કરી. એવી કોઈ સ્ત્રી ત્યાં છે જ નહીં એ જાણ્યા પછી પણ જો તારે ન જ માનવું હોય તો ભલે. આ ઘરના લોકોનો સ્નેહ, મારા પ્રેમની સામે તને તારો ભ્રમ મોટો લાગતો હોય તો ભલે; તને જેમ યોગ્ય લાગે એમ કર.’ કહીને કમલનાથ ઊભા થઈ ગયા, ‘એક સૂચના આપી દઉં તને, તું જે કંઈ કરી રહી છે એમાં બદનામીના છાંટા જો ચૌધરી પરિવાર પર ઊડ્યા કે મીડિયામાં કોઈ બદનક્ષીના ન્યુઝ ચગ્યા તો હું તને માફ નહીં કરું.’

સામાન્ય રીતે ડ્રૉઇંગરૂમમાં આવીને પરિવારની સાથે ટેબલ પર બેસતા લલિતભાઈ આજની ચર્ચા સાંભળીને ડ્રૉઇંગરૂમની બહાર જ ઊભા રહી ગયા હતા. લલિતભાઈને જોઈને કમલનાથે કહ્યું, ‘પ્રતિષ્ઠા કમાતાં વર્ષો લાગે છે, ગુમાવવામાં મિનિટો પણ નથી લાગતી. જે કંઈ થયું એ પછી મેં રાજકારણ અને જાહેર જીવન છોડી દીધું, કારણ કે મારા પરિવાર પર કોઈ આંગળી ઉઠાવે એ મારાથી સહન નહીં થાય. તું ગમે એટલી વહાલી હોય; પણ તારે લીધે જો બદનામી થશે, મીડિયામાં કંઈ ચગશે કે પરિવારની પ્રતિષ્ઠા પર આંચ આવશે તો હું જીવનભર તારી સાથે વાત નહીં કરું. નિર્ણય તારો છે... પિતા અને પરિવાર વધુ મહત્ત્વના છે કે તારા મગજનું ફિતૂર.’ આટલું કહીને તે સડસડાટ ડ્રૉઇંગરૂમની બહાર નીકળી ગયા. બહાર જ ઊભેલા લલિતભાઈ તેમની પાછળ-પાછળ નીકળીને પૉર્ચમાં ઊભેલી ગાડીનો આગલો દરવાજો ખોલીને ગોઠવાઈ ગયા. ઑફિસ પહોંચ્યા ત્યાં સુધી લલિતભાઈ કે કમલનાથ બેમાંથી કોઈ એક શબ્દ પણ બોલ્યું નહીં.

લલિતભાઈએ જે કંઈ સાંભળ્યું હતું એ પછી તેમના મગજમાં ચાલુ થઈ ગયેલા ચકડોળમાં અનેક પ્રશ્નો ગોળ-ગોળ ફરી રહ્યા હતા તો બીજી તરફ કમલનાથ તેcની દીકરીને ઓળખતા હતા. શામ્ભવી એમ સહેલાઈથી નહીં માને એ વાતની તેમને ખાતરી હતી. હવે તે પોતાની રીતે તપાસ કરે અને એમાં તે ખોટી પડે તો જ આ વાતનો નિવેડો આવી શકે એ સમજી ગયેલા કમલનાથે પોતાની ચેમ્બરમાં બેસીને ૨૦૧૦-’૧૧ની આસપાસ જેટલા લોકો મોટા પદ પર હતા એવા બે-ચાર મિત્રોને ફોન કરીને પોલીસ રેકૉર્ડ્સ બહાર ન જાય એ વાતે સાવધ રહેવાની વિનંતી કરી, શામ્ભવી જે કરી રહી છે એમાં તેને કોઈ પણ પ્રકારની માહિતી ન મળે એનું ધ્યાન રાખવાની તાકીદ કરી. છતાં કમલનાથ બેચેન હતા. આ પરિસ્થિતિમાં જો ખરેખર શામ્ભવી સત્યનો એકાદ છેડો પણ શોધી કાઢે તો ગૂંચ ઉકેલતાં વાર નહીં લાગે એ વાતનો તેમને ભય લાગવા માંડ્યો.

ચેમ્બરમાં થોડી વાર આંટા માર્યા પછી અંતે તેમણે સોલંકીને ફોન કર્યો, ‘મીટિંગ અરેન્જ કરો.’ તેમણે ત્રણ જ શબ્દોમાં સૂચના આપી.

દસમી મિનિટે તે ગાડીમાં હતા. ગાડી અમદાવાદ શહેરની બહાર સરખેજ વિસ્તારના એક મહોલ્લાની બહાર ઊભી રહી ગઈ. કમલનાથે ગાડીમાંથી બહાર નીકળીને રિક્ષા કરી. મહોલ્લા અને શેરીઓ વટાવતી રિક્ષા એક નાનકડા મકાન સામે આવીને ઊભી રહી ગઈ. કમલનાથ ગેટ ખોલીને દાખલ થયા. તેમણે આજુબાજુ નજર નાખી.

બાર-સાડાબારના સુમારે રસ્તો સૂમસામ હતો. ઓટલાનાં બે પગથિયાં ચડીને તેમણે મુખ્ય દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલ્લો જ હતો. કમલનાથે અંદર જઈને કડી બંધ કરી, લૉક ચેક કર્યું.

તે ડ્રૉઇંગરૂમમાંથી બેડરૂમ તરફ આગળ વધ્યા. બેડરૂમમાં બેઠેલી સ્ત્રીને જોઈને તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તે સ્ત્રી થોડીક ક્ષણ કમલનાથને જોઈ રહી. પછી ઊભી થઈને કમલનાથની નજીક આવી. કમલનાથે પોતાનો હાથ લંબાવીને તેનો હાથ પકડ્યો અને તેને ખેંચીને આલિંગનમાં લઈ લીધી, ‘રાધા!’ કમલનાથનો અવાજ અને આંખો બન્ને ભીનાં થઈ ગયાં.

‘ના.’ રાધાની આંખોમાંથી પણ આંસુ વહેતાં રહ્યાં, ‘મારો કોઈ વાંક નથી, મેં કંઈ નથી કર્યું. મેં તો તેને ટાળવાની બહુ કોશિશ કરી, પણ તે... તમારી દીકરી છે જિદ્દી.’ કહેતાં-કહેતાં રાધાના ચહેરા પર સ્મિત આવી ગયું, આંખો હજી ભીની હતી.

તેને પોતાનાથી સહેજ દૂર કરીને કમલનાથે પત્નીના ચહેરાને જોયો, ‘જાણે થોડાં વર્ષો પછીની શામ્ભવીને જોઈ રહ્યો હોય એવું લાગે છે.’ તેમના અવાજમાં ભારોભાર સ્નેહ અને અપરાધભાવની છાંટ હતી, ‘મારા કરતાં વધારે તારી દીકરી છે. તેં પણ ક્યાં માન્યું હતું મારું? હવે જો...’

‘હું સમજાવીશ તેને, પાછી વાળીશ. જે થઈ ગયું એ બદલી નહીં શકાય. જેલમાં વિતાવેલાં વર્ષો પણ પાછાં ક્યાં મળશે મને? કોઈ ઊથલપાથલ નથી કરવી મારે. બધું જેમ ચાલતું હતું એમ જ...’ રાધાએ પોતાનાથી એક ફુટ ઊંચા કમલનાથના બન્ને ખભે હાથ મૂક્યા, ‘જે પ્રતિષ્ઠા બચાવવા માટે તમે ઝઝૂમ્યા, આટલું બધું છોડી દીધું એ પ્રતિષ્ઠાને આંચ નહીં આવવા દઉં હું.’ તેણે વહાલથી કહ્યું, ‘પણ તે સચ્ચાઈ જાણ્યા વગર નહીં રહે એટલે તેને બહારથી કંઈ ખબર પડે એ પહેલાં તમે જ સાચું કહી દો.’

‘મારી હિંમત નથી.’ કમલનાથે પત્નીના બન્ને હાથ પોતાના હાથમાં લીધા, ‘તે ગમે તેમ કરીને તારા સુધી પહોંચશે, ત્યારે તું જ કહી દેજે...’ તેમણે હાથ જોડીને પત્નીને વિનંતી કરી, ‘બસ! હવે બધું તારા હાથમાં છે. હું હાથ જોડું છું તને. તારું બલિદાન ને મારો ત્યાગ નકામાં ન થાય એ જોવાની જવાબદારી સોંપું છું તને.’

‘હું એ જવાબદારી સ્વીકારું છું.’ રાધાએ કહ્યું. બન્ને એકમેકને જોતાં રહ્યાં. પછી એક કૉન્સ્ટેબલે દરવાજા પર ટકોરા માર્યા, ‘મૅડમ, ટાઇમ થઈ ગયો છે.’ રાધા ઊભી થઈ અને ધીમા પગલે ચાલતી બહાર ઊભેલી પોલીસવૅનમાં ગોઠવાઈ ગઈ. વૅન ત્યાંથી નીકળી ગઈ.

એ સૂના ઘરમાં, એકલવાયા ઓરડામાં કમલનાથ ક્યાંય સુધી બેસી રહ્યા. પછી ઊભા થઈને ભાંગેલા પગે અને તૂટેલા હૃદયે ગાડીમાં ગોઠવાયા. ગાડી ફરી પાછી ચૌધરી રેસિડન્સ તરફ નીકળી ગઈ.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2024 12:37 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK