શામ્ભવી ભણવા માટે અમેરિકા ગઈ એ પછી પણ બાપ-દીકરી વચ્ચે રોજ એક વાર વાત થતી. હજારો કિલોમીટર દૂરથી પણ શામ્ભવીની ઝીણી-ઝીણી જરૂરિયાતો, શોખ કે ઇચ્છા પૂરી કરવા માટે કમલનાથ આસમાન-જમીન એક કરી નાખતા.
ઇલસ્ટ્રેશન
‘ચૌધરી રેસિડન્સ’ લખેલા વિશાળ બંગલાના લોખંડના મોટા ગેટ ઇલેક્ટ્રૉનિકલી ખૂલ્યા અને ઈ ક્લાસ, સફેદ મર્સિડીઝ, નંબર GJ1KC 9999 બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. વૉચમૅનની કૅબિનમાં લગાડેલી ઘડિયાળમાં બરાબર દોઢ વાગ્યો હતો. રોજ આ જ સમયે, આ જ ગાડી, આ જ રીતે બંગલાના ગેટમાંથી પ્રવેશ કરતી. એમ છતાં રોજની જેમ જ બંગલાના ગેટ પાસે આવેલી વૉચમૅનની નાનકડી કૅબિનમાંથી ચોકીદારે ફોન કરીને બંગલામાં ખબર આપી દીધા, ‘સાહેબ આવી ગયા...’
મુખ્ય ગેટથી બંગલા સુધીનો ડ્રાઇવ-વે લગભગ સો મીટર લાંબો હતો. બન્ને તરફ નારિયેળી અને ખજૂરનાં વૃક્ષો, એની પાછળ વિશાળ લૉન અને લૉનના કિનારે ઉગાડેલાં જાતજાતનાં રંગીન ફૂલોનાં કૂંડાં પસાર કરતી મર્સિડીઝ બંગલાના પૉર્ચમાં આવીને ઊભી રહી. જૂની બ્રિટિશ ઇમારતોની જેમ બે થાંભલા પર બહાર કાઢેલી લિન્ટલ છતની નાનકડી અગાસીની નીચે, બંગલાના મુખ્ય દરવાજાની વચ્ચે આવેલી પૉર્ચની જમીનમાં માર્બલ જડીને સુંદર કમળની ડિઝાઇન બનાવવામાં આવી હતી. લિન્ટલ છતને આધાર આપતા થાંભલા અને બંગલાનાં પગથિયાંની બરાબર વચ્ચે આવીને ગાડી અવાજ કર્યા વગર ઊભી રહી. બંગલાનો દરવાજો ખોલીને તૈયાર ઊભેલા ઘરના મૅનેજર-કમ-હાઉસકીપર લલિતભાઈએ આગળ આવીને દરવાજો ખોલ્યો. કમલનાથ ચૌધરીએ ગાડીમાંથી પહેલાં જમણો પગ બહાર મૂક્યો, પછી પોતે ગાડીમાંથી બહાર આવ્યા.
ADVERTISEMENT
છ ફુટ બે ઇંચ ઊંચા, પહોળા ખભા અને વેલબિલ્ટ શરીર ધરાવતા કમલનાથ ચૌધરીનો ચહેરો થોડોક કરડો અને બહુ રૂપાળો કહી શકાય એવો નહોતો; પણ તેમની આંખોમાં એક ચમક હતી. જાતમહેનતે કમાયેલા પૈસાની, પાવરની અને એ પાવર સાથે જોડાયેલી તેમની પ્રતિષ્ઠાની ચમક! અમદાવાદથી ૨૦-૨૫ કિલોમીટર દૂર શીલજથી આગળ અને પલોડિયા ગામ પહેલાં મુખ્ય હાઇવે પર આવેલા તેમના આ ફાર્મહાઉસના ફોટો લગભગ તમામ ઇન્ટીરિયર ડિઝાઇનનાં મૅગેઝિન્સમાં પ્રકાશિત થઈ ચૂક્યા હતા. કમલનાથ ચૌધરી ગુજરાત પૉલિટિક્સ અને પાવરગેમનું બહુ મોટું માથું ગણાતા. ૧૦ વર્ષ સુધી ઉદ્યોગ અને પછી હોમ મિનિસ્ટ્રી સંભાળ્યા પછી તેમણે સ્વેચ્છાએ રાજકારણ સંપૂર્ણપણે છોડ્યું ત્યારે તે ૫૦ વર્ષના હતા. અહીં ફાર્મહાઉસમાં રહેવાનો નિર્ણય કર્યો એ પછી તેમણે જાહેર જીવનમાંથી લગભગ અદૃશ્ય થઈ જવાનું પસંદ કર્યું હતું. હવે પ્રેસ અને મીડિયાથી તે સંપૂર્ણપણે દૂર રહેતા. જાહેર કાર્યક્રમોમાં, સામાજિક પ્રસંગોએ કે બીજે ક્યાંય પણ પોતાની તસવીરો ન ખેંચાય એ વિશે સાવધાન રહેતા. કદાચ કોઈએ તસવીર ખેંચી હોય તો એ મીડિયામાં ન પહોંચે એ માટે તેમનો આખો સ્ટાફ કામે લાગી જતો. આમ તો રાજકારણથી દૂર, પણ CMથી શરૂ કરીને રાષ્ટ્રીય કક્ષાએ પક્ષના દરેક નેતા સાથે તેમને અંગત અને પારિવારિક સંબંધો હતા. હજી સુધી પક્ષને જ્યારે જરૂર પડે ત્યારે છૂટા હાથે પૈસા વેરવામાં ‘કમલજી’ને જરાય ખચકાટ ન થતો. સૌ તેમને માન આપતા અને તેમનો પડ્યો બોલ ઝિલાતો, પણ કમલનાથ ભાગ્યે જ બોલતા. માથું હલાવવાથી પતી જાય તો ‘હા’ કે ‘ના’ બોલવાની પણ તે તસ્દી ન લેતા.
બિલ્ડિંગ-કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં તેમની કંપની રાધા કન્સ્ટ્રક્શનનું નામ આદરથી લેવાતું. રેડી મિક્સ સિમેન્ટના પ્લાન્ટ્સ, ટાઇલ્સ બનાવવાની કંપની અને આખા ગુજરાતમાં સતત ચાલતી તેમની કન્સ્ટ્રક્શન-સાઇટ્સ તેમના ભાઈ પદ્મનાભ ચૌધરી સંભાળતા. દિવસ દરમ્યાન ઑફિસમાં લાયેઝનનાં જરૂરી કામ અને જમીનના સોદા-લીગલ પેપરવર્ક પર કમલનાથની નજર રહેતી, પણ તે ભાગ્યે જ ચંચુપાત કરતા.
તેમની ઑફિસમાં તે ન બોલાવે ત્યાં સુધી કોઈને જવાની છૂટ નહોતી. તેમના એકમાત્ર સાથી, સલાહકાર કે સીક્રેટકીપર જે ગણો તે લલિત સોલંકી હતા, જે છેલ્લાં ૪૫ વર્ષથી કમલનાથની સાથે જ હતા.
‘ગુડ આફ્ટરનૂન સાહેબ!’ લલિતભાઈએ સહેજ ઝૂકીને કહ્યું. જરાક જેટલું ડોકું હલાવીને કમલનાથે અભિવાદન ઝીલ્યું. તે પગથિયાં ચડીને બંગલાના દરવાજામાંથી અંદર પ્રવેશી ગયા. તે જેવા ઘરમાં પ્રવેશ્યા કે તરત ફ્રિજમાં ઠંડો કરેલો ભીનો નૅપ્કિન લઈને એક માણસ આગળ આવ્યો. કમલનાથજીએ નૅપ્કિન લઈને ચહેરા પર થોડી સેકન્ડ રાખ્યો. ચહેરો અને હાથ લૂછીને નૅપ્કિન ટ્રેમાં પાછો મૂક્યો.
ડ્રૉઇંગ-રૂમમાં પ્રવેશ કરતાં જ સીધી નજર પડે એવી રીતે સોનાની ફ્રેમમાં જડેલો પાંચ બાય પાંચનો એક ફોટો લટકતો હતો. એ ફોટોમાં દેખાતી સ્ત્રી અત્યંત સુંદર, નમણી અને પહેલી નજરે જ સીધીસાદી ગૃહિણી દેખાતી હતી. એક ક્ષણ માટે એ તસવીર તરફ જોઈ રહ્યા કમલનાથ! પછી માથું ખંખેરીને જાણે વિચારો પણ ખંખેર્યા હોય એમ તેમની પાછળ ઘરમાં પ્રવેશ કરી રહેલા લલિતભાઈને પૂછ્યું, ‘શામ્ભવીની ફ્લાઇટ?’
‘સાડાઆઠે અમદાવાદ લૅન્ડ થશે.’ લલિતભાઈએ કહ્યું. તેમણે ખુરશી ખસેડી. કમલનાથ એમાં ગોઠવાયા અને લલિતભાઈ બાજુની ખુરશીમાં બેઠા. ૧૨ માણસ જમી શકે એવડા મોટા ડાઇનિંગ ટેબલ પર બે જ જણ માટે ટેબલમૅટ, ચાંદીનાં થાળી-વાડકા અને ગ્લાસ તૈયાર હતાં. એક પછી એક વસ્તુઓ પીરસાતી ગઈ. કમલનાથ અને લલિતભાઈ એક પણ અક્ષર બોલ્યા વિના જમતા રહ્યા. ભોજન પૂરું થયું એટલે પિત્તળનો જગ અને હાથ ધોવા માટેનું વાસણ લઈને માણસ આવ્યો. કમલનાથના હાથ ધોવડાવ્યા. લલિતભાઈએ ઊઠીને નજીક આવેલા બેસિનમાં હાથ ધોયા.
ડાઇનિંગ રૂમમાંથી નીકળીને
ડ્રૉઇંગ-રૂમમાં થઈને ઉપરની તરફ જતી સીડી પર પહેલું પગથિયું મૂકીને કમલનાથે લગભગ હુકમની જેમ કહ્યું, ‘છ વાગ્યે.’ તે ઉપર ચાલી ગયા.
લલિતભાઈએ ફરી એક વાર પોતાના ફોનમાં ફ્લાઇટનું સ્ટેટસ ચેક કર્યું. પછી બંગલાના પાછળના ભાગમાં આવેલી તેમની નાનકડી બંગલી જેવી હોમ-ઑફિસમાં ચાલી ગયા.
પોતાની રૂમમાં જઈને કમલનાથે વૉક-ઇન વૉર્ડરોબમાં લટકતા ઝભ્ભો-લેંઘો પહેર્યા. વૉશિંગ બાસ્કેટમાં પૅન્ટ-શર્ટ નાખીને તેમના બેડરૂમ સાથે જોડાયેલા મીડિયારૂમમાં બેસીને ન્યુઝ જોવાનો તેમનો રોજિંદો ક્રમ શરૂ કરતાં પહેલાં આજે તેમની નજર બાજુની રૂમ તરફ ગઈ.
તેમણે એ રૂમના અધખુલ્લા દરવાજાને સહેજ ધક્કો માર્યો. રૂમમાં પ્રવેશ્યા. બિલકુલ સામે મોવ અને સફેદ દીવાલો ધરાવતા વૈભવી અને વિશાળ બેડરૂમના નાનકડા સિટિંગ એરિયામાં એક આખી દીવાલ પર લગાવેલી તસવીરો જોતાં તે થોડીક વાર ઊભા રહ્યા. એ તસવીરો શામ્ભવી ચૌધરીની હતી. શામ્ભવી, તેમની એકની એક દીકરી. દીવાલ પર દીકરીના જન્મથી શરૂ કરીને તેણે અમેરિકાથી મોકલાવેલી પોતાની અનેક તસવીરો લગાવવામાં આવી હતી. તેના જન્મદિવસની ઉજવણી, તેના મિત્રો, તેનો ડૉગ, તેમની અરબી ઘોડી મોનાલિસા... શામ્ભવી સાથેના વિદેશના અનેક પ્રવાસોની કેટલીયે સ્મૃતિઓ આ બધી તસવીરોમાં કેદ હતી. કમલનાથે હાથ લંબાવીને શામ્ભવીના છેલ્લા ફોટોને સ્પર્શ કર્યો. આંગળીનાં ટેરવાં પર કાચની ઠંડી પરતનો સ્પર્શ થયો. કમલનાથની આંખો સહેજ ભીની થઈ... ઝળઝળિયાંને પેલે પાર આવેલી તસવીરમાં દેખાતી શામ્ભવીનો ચહેરો અને નીચે ડ્રૉઇંગ-રૂમમાં હજી હમણાં જ જોયેલા સોનાની ફ્રેમમાં જડેલા ફોટોમાં દેખાતો ચહેરો એકબીજાથી જરાય જુદા નહોતા!
નીચે લટકતા ફોટોમાંની સ્ત્રી જો થોડી નાની હોય, તેના વાળને અંબોડાને બદલે છૂટા છોડી દેવામાં આવે, આછો મેક-અપ કરવામાં આવે તો આ બે ચહેરા એકમેકમાં એવા ભળી જાય કે છૂટા ન પાડી શકાય! જોનારની આંખોને દૃષ્ટિભ્રમ થઈ જાય એટલા સરખા હતા બે ચહેરા!
નીચે ડ્રૉઇંગ-રૂમમાં લટકતી તસવીર કમલનાથની પત્ની રાધાની હતી. અહીં આખી દીવાલ ભરીને લટકતી તસવીરો શામ્ભવીની હતી! રાધાના ફોટોને હાર ચડાવવામાં આવ્યો ત્યારે કમલનાથ ૫૦ના હતા અને શામ્ભવી ૧૩ની.
રાધાની ગેરહાજરીમાં કમલનાથે શામ્ભવીની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. શામ્ભવીને કોઈ દિવસ ‘મા’ની ખોટ ન સાલે એ માટે રાજકારણ છોડીને પોતાનું આખું ટાઇમટેબલ શામ્ભવીના દિવસની આસપાસ ગોઠવી દીધું. સવારે શામ્ભવી સ્કૂલે જાય ત્યારે કમલનાથ જાતે તેને બસ-સ્ટૉપ સુધી મૂકી આવતા. તે ૧.૪૦ વાગ્યે સ્કૂલથી આવે એ પહેલાં દોઢ વાગ્યે કમલનાથ ઑફિસથી ઘરે આવી જતા. બાપ-દીકરી સાથે લંચ કરે એ પછી શામ્ભવી પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જતી અને કમલનાથ પાછા ઑફિસ ચાલી જતા. સાંજે શામ્ભવીનો કાર્યક્રમ જાણીને પોતાનો કાર્યક્રમ ગોઠવતા અને રાત્રે શામ્ભવી પોતાની મોવ અને વાઇટ દીવાલોથી રંગેલી, ટેડી અને ટૉય્ઝથી ભરેલી, ફેરીલૅન્ડ જેવી રૂમમાં જઈને ‘ગુડ નાઇટ’ કહે એ પછી જ કમલનાથ પોતાની રૂમમાં જતા.
શામ્ભવી ભણવા માટે અમેરિકા ગઈ એ પછી પણ બાપ-દીકરી વચ્ચે રોજ એક વાર વાત થતી. હજારો કિલોમીટર દૂરથી પણ શામ્ભવીની ઝીણી-ઝીણી જરૂરિયાતો, શોખ કે ઇચ્છા પૂરી કરવા માટે કમલનાથ આસમાન-જમીન એક કરી નાખતા. છેલ્લાં ચાર વર્ષથી શામ્ભવી અમેરિકા હતી, પરંતુ દોઢ વાગ્યે ઘરે આવવાનો કમલનાથનો ક્રમ તૂટ્યો નહોતો... આવતી કાલે દોઢ વાગ્યે ફરી એક વાર પિતા-પુત્રી સાથે જમશે! તેમને વિચાર આવ્યો.
સાઇકોલૉજીમાં માસ્ટર્સ કરીને ખૂબ સારા ગ્રેડ્સ સાથે આજે ચાર વર્ષે શામ્ભવી પાછી આવી રહી હતી. કમલનાથના હૃદયમાં ખૂબ ઉત્સાહ હતો. તેમણે શામ્ભવી માટે છોકરો પણ જોઈ રાખ્યો હતો. અમદાવાદના એક ગર્ભશ્રીમંત પરિવારનો દીકરો! ચાર પેઢીથી જેમની શિક્ષણક્ષેત્રે, કલાના ક્ષેત્રમાં ઊંચી શાખ હતી એવા ‘સોમચંદ’ પરિવારનો દીકરો અનંત સોમચંદ. અમેરિકાથી MBA ભણીને આવેલો અનંત હવે ફૅમિલી બિઝનેસ સંભાળતો હતો. હોટેલ્સ, ચેઇન ઑફ રેસ્ટોરાંઝ અને વિદેશની ફૂડ-બ્રાન્ચને ભારત લાવીને એની ફ્રૅન્ચાઇઝ ચેઇન જેવા કેટલાય મોનોપૉલી વ્યવસાયમાં સોમચંદ પરિવાર આગળ હતો. અનંત હૅન્ડસમ હતો. કોઈ પણ છોકરી તેને જોતાંની સાથે દિલ હારી જાય એવો સ્ટાઇલિશ. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ મૅગેઝિન્સ, ફૅશન મૅગેઝિન્સ, હૉસ્પિટૅલિટી મૅગેઝિન્સનાં કવર્સ પર અને ન્યુઝ-ચૅનલ્સ, મીડિયામાં અનંત છવાયેલો રહેતો. સોશ્યલ મીડિયામાં તેના લાખો ફૉલોઅર્સ હતા. ભારતના મોસ્ટ એલિજિબલ બૅચલર્સમાંના એક અનંત સોમચંદને કેટલાય સમયથી કમલનાથે મનોમન પોતાના જમાઈ તરીકે ‘બુક’ કરી રાખ્યો હતો. તેના પિતા અખિલેશ સોમચંદ સાથે પણ એ વિશે વાત થઈ ચૂકી હતી. હવે બન્ને સંતાનો મળે અને એકમેકની સાથે જીવન જીવવાના માતા-પિતાએ કરેલા નિર્ણય પર સંમતિની મહોર મારે એની જ રાહ જોવાતી હતી...
lll
‘ઇડિયટ, ડફોળ, બુદ્ધિ વગરનો...’ ફોન પર એક તરફ જોરજોરથી શામ્ભવી બૂમો પાડતી હતી, ‘તું જો ઍરપોર્ટ નહીં આવેને તો હું ઍરપોર્ટથી જ પાછી જતી રહીશ.’ તેણે ધમકી આપી.
‘શેમ્બી! મારી વાત સાંભળ...’ બીજી તરફથી શિવ કહી રહ્યો હતો. લિનનનું શર્ટ અને કાર્ગો પૅન્ટ પહેરીને ઊભેલા તે છોકરાના વાળ એક પોનીટેઇલમાં બાંધેલા હતા. દેખાવે જ ‘મીડિયા પર્સન’ કે ‘આર્ટિસ્ટ’ લાગતો તે છોકરો એક નૅશનલ ચૅનલની ઑફિસની બહાર નીકળીને ધીમા અવાજે વાત કરી રહ્યો હતો.
‘કશું નથી સાંભળવું મારે.’ સામેથી શામ્ભવીએ કહ્યું, ‘તું મને ઍરપોર્ટ પર જોઈએ, સાડાઆઠ વાગ્યે...’
‘સાડાસાતે મારો પ્રાઇમ-ટાઇમ શો હોય છે... લાઇવ... ઍરપોર્ટ પર કેવી રીતે પહોંચું?’
‘હેલિકૉપ્ટરમાં આવજે.’ શામ્ભવીએ પૂર્ણવિરામની જેમ કહ્યું, ‘એઇટ થર્ટી. ઍરપોર્ટ.’ ફોન ડિસકનેક્ટ થઈ ગયો. હાથમાં ફોન પકડીને ઊભેલો શિવ બાઘાની જેમ ફોન સામે જોઈ રહ્યો. તેના માટે આ કોઈ નવી વાત નહોતી. શામ્ભવી-શેમ્બી આ જ રીતે બાળપણથી તેના પર દાદાગીરી કરતી. સ્કૂલમાં બન્ને જણ સાથે ભણ્યાં હતાં. શિવના પિતા સલિલ દેસાઈ, નાગર બ્રાહ્મણ એક ઉચ્ચ હોદ્દા પર સરકારી ઑફિસર હતા. પોતાનું સંતાન શહેરની સારામાં સારી સ્કૂલમાં ભણે એ તેમની એકમાત્ર ઇચ્છાને કારણે તેમણે આ મોંઘીદાટ સ્કૂલમાં શિવનું ઍડ્મિશન કરાવ્યું હતું. એ સ્કૂલમાં બધા નબીરા ભણતા ને શિવ ઉચ્ચ મધ્યમ વર્ગનો, ખાધે-પીધે સુખી કહી શકાય એવા પરિવારનો દીકરો હતો. તેની નાની બહેન પણ આ જ સ્કૂલમાં ભણતી, જે શામ્ભવીના ક્લાસમાં દાખલ થઈ ત્યારથી એ ત્રણ જણની દોસ્તી જામી હતી. જોકે શામ્ભવીથી બે વર્ષ મોટા શિવ સાથે તેની દોસ્તી વધારે ગાઢ હતી. શિવની બહેન સાક્ષી ક્યારેક ફરિયાદ પણ કરતી, ‘તું મારી ફ્રેન્ડ છે કે શિવની?’
‘અફકોર્સ, શિવની!’ શામ્ભવી બેશરમ થઈને કહેતી. જોકે એથી સાક્ષી અને શામ્ભવીની દોસ્તીમાં કદી ફેર ન પડ્યો. સાક્ષીનાં લગ્ન નાની ઉંમરે થઈ ગયાં. ખૂબ સારા પરિવાર અને પારિવારિક મિત્રના દીકરાને જમાઈ તરીકે મેળવીને શિવના પિતા સલિલભાઈ ખૂબ ખુશ હતા. હવે સાક્ષી ઑસ્ટ્રેલિયા રહેતી હતી, એક સંતાનની મા બની ચૂકી હતી!
શિવ તેના ગ્રૅજ્યુએશનના દિવસો દરમ્યાન પિતાના મિત્ર મુકેશ મલ્હોત્રાની ન્યુઝ-ચૅનલમાં જોડાયો અને શામ્ભવી ગ્રૅજ્યુએશન માટે અમેરિકા ગઈ. બન્ને જણની દોસ્તી એટલી પાક્કી હતી કે તેમની વચ્ચે હવે સ્ત્રી-પુરુષનો કોઈ કન્સેપ્ટ જ નહોતો. બન્ને જણે પહેલી સિગારેટ અને પહેલો દારૂ સાથે પીધાં હતાં. શામ્ભવીનાં બધાં તોફાનો, તરંગી વિચારો અને સ્ટુપિડ જેવી ધમાચકડીમાં શિવ તેની સાથે રહેતો એટલું જ નહીં, જરૂર પડે ત્યારે પરિસ્થિતિ સંભાળવાનું કામ પણ શિવના ભાગે જ આવતું. સાક્ષી પ્રમાણમાં ઢીલી અને માતા-પિતાથી ડરતી કહ્યાગરી છોકરી હતી. સાક્ષી આ બન્ને જણના તોફાનમાં સામાન્ય રીતે ગેરહાજર રહેતી, પણ શિવ અને શામ્ભવી એકબીજાના અભિન્ન ક્રાઇમ-પાર્ટનર્સ હતાં. શામ્ભવીના ‘બાપુ’ને ખબર ન પડે એવી રીતે ફેલાયેલું રાયતું લૂછી લેવાનું કામ હવે શિવને એટલું સારી રીતે આવડી ગયું હતું કે અમેરિકામાં પણ બે-ચાર વાર જ્યારે સમસ્યા ઊભી થઈ ત્યારે શામ્ભવીએ શિવને જ ફોન કરીને ‘બાપુ’ને અષ્ટમપષ્ટમ સમજાવવાનું કામ નિઃસંકોચ સોંપી દીધેલું.
કમલનાથ ચૌધરીને આ દોસ્તી વિશે જાણ હતી. તેમને કોઈ વિરોધ નહોતો. જોકે શિવ અને કમલનાથ એકબીજાની સામે ભાગ્યે જ આવતા. એવા પ્રસંગો જ ઓછા બનતા! કમલનાથ શિવનો લાઇવ શો ‘ટ્રુથ ઍન્ડ ડેર’ અચૂક જોતા. તેમને શિવના રિસોર્સ અને સત્ય બોલવાની તેની હિંમત પર માન પણ હતું... ઊંડે-ઊંડે કમલનાથને ખબર હતી કે શામ્ભવીને કોઈક વાત મનાવવી હોય, તેના ગળે કોઈ એવી વાત ઉતારવી હોય જેમાં તેનો વિરોધ હોય તો એ કામ શિવ સિવાય બીજું કોઈ કરી ન શકે. શામ્ભવી પિતાને માન આપતી, તેમને પ્રેમ કરતી ને બને ત્યાં સુધી તેમને દુઃખ ન થાય એવું વર્તન કરતી; પરંતુ કમલનાથની જીવનશૈલી, તેમના નિયમો અને તેમની ડિસિપ્લિન શામ્ભવીને અકળાવતાં. છાશવારે આવતી સેલિબ્રિટીઝ, ગેસ્ટ્સ, રાજનેતાઓ સાથેના ડિનર્સમાં હાજર રહેવા માટે શામ્ભવીને ક્યારેક સમજાવવી તો ક્યારેક પટાવવી પડતી. મોટા ભાગે આવાં અઘરાં કામ માટે કમલનાથ શિવને અંગત રીતે ફોન કરતા. ચાર વાક્યોમાં થઈ ગયેલી વાતચીત પછી શામ્ભવી સરસ મજાનાં સલવાર-કમીઝ પહેરીને આવા ડિનરમાં હાજર રહેતી ત્યારે કમલનાથના કરડા ચહેરા પર હળવું સ્મિત આવ્યા વગર રહેતું નહીં.
શિવ અને શામ્ભવીની વચ્ચે ચાર વર્ષનું આ અંતર પણ તેમની અતૂટ દોસ્તીના કિલ્લામાંથી એક કાંકરી પણ ખેરવી શક્યું નહોતું. આજે શામ્ભવી પાછી ફરી રહી હતી, ચાર વર્ષ ને બે મહિના પછી. સ્વાભાવિક હતું કે તે શિવને ઍરપોર્ટ પર જ જોવા, મળવા માગતી હતી.
શિવનું મગજ કામે લાગ્યું. સાડાસાતનો શો આઠ વાગ્યે પૂરો થાય... ગાડીને બદલે મોટરસાઇકલ લઈને જાઉં તો અડધો કલાકમાં ઍરપોર્ટ પહોંચી તો જવાય. સાડાઆઠે લૅન્ડ થાય, બહાર નીકળતાં આરામથી પોણાનવ થઈ જાય! આમ પણ શામ્ભવી તેને ઍરપોર્ટ પર નહીં જુએ તો તેનો જીવ લઈ લેશે એ વાતની શિવને ખબર નહીં, ખાતરી હતી. તેણે ઝડપથી શોની તૈયારી કરવા માંડી જેથી ‘ગુડનાઇટ, કાલે મળીશું વધુ ટ્રુથ અને ડેર સાથે...’ કહેતાંની સાથે ભાગી શકાય.
lll
સરદાર પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એમિરેટ્સની ફ્લાઇટ લૅન્ડ થઈ બરાબર ત્યારે જ શિવે પાર્કિંગમાં મોટરસાઇકલને સ્ટૅન્ડ ચડાવ્યું.
છેલ્લી ૧૫ મિનિટથી દીકરીની પ્રતીક્ષા કરી રહેલા કમલનાથ ચૌધરી, લલિત સોલંકી અને તેની સાથે આવેલા બૉડીગાર્ડ્સનું ટોળું પોતપોતાના ફોન પર ‘ફ્લાઇટ લૅન્ડેડ’ વાંચતાં જ સતર્ક થઈ ગયાં.
(ક્રમશઃ)
