Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મની લૉન્ડરિંગ ઍક્ટ: ભ્રષ્ટાચારમુક્ત ભારત કે ભયભીત ભારત?

મની લૉન્ડરિંગ ઍક્ટ: ભ્રષ્ટાચારમુક્ત ભારત કે ભયભીત ભારત?

07 August, 2022 06:08 PM IST | Mumbai
Raj Goswami

છેલ્લા ઘણા સમયથી સીબીઆઇ ગાયબ થઈ ગઈ છે અને હાલ ચારે તરફ ઈડીની ‘બોલબાલા’ છે. એનું એક કારણ એ છે કે સીબીઆઇને રાજ્યમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપવી કે ના આપવી એ રાજ્ય સરકારના હાથમાં છે

મની લૉન્ડરિંગ ઍક્ટ: ભ્રષ્ટાચારમુક્ત ભારત કે ભયભીત ભારત?

ક્રૉસલાઇન

મની લૉન્ડરિંગ ઍક્ટ: ભ્રષ્ટાચારમુક્ત ભારત કે ભયભીત ભારત?


છેલ્લા ઘણા સમયથી સીબીઆઇ ગાયબ થઈ ગઈ છે અને હાલ ચારે તરફ ઈડીની ‘બોલબાલા’ છે. એનું એક કારણ એ છે કે સીબીઆઇને રાજ્યમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપવી કે ના આપવી એ રાજ્ય સરકારના હાથમાં છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી એ પછી વિપક્ષી રાજ્યો સાથે એનો તાલમેલ બગડ્યો એટલે નવ રાજ્યોએ સીબીઆઇને આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી હતી

સુપ્રીમ કોર્ટના બીજા નંબરના સૌથી સિનિયર ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને વ્યાપક સત્તાઓ બહાલ રાખીને નિવૃત્ત થયા, એ પછી તરત જ બે મોટા સમાચાર આવ્યા. જેને ‘ઈડી’ કહીને ઉદ્ધવ ઠાકરેએ ચીડવ્યા હતા તે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની પછી ઉદ્ધવના વિશ્વાસુ અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતની પત્રા ચાલના ગોટાળામાં ઈડીએ ધરપકડ કરી. તે પછી દિલ્હીમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધીની લાંબી પૂછપરછ બાદ ઈડીએ નૅશનલ હેરલ્ડની ઑફિસ સીલ કરી. 
આ બે દરોડા તો માત્ર લેટેસ્ટ હતા. ઈડી તો ઘણા વખતથી સક્રિય છે. વિરોધ પક્ષો કહે છે, ‘વધારે પડતી જ સક્રિય છે.’ રાજ્યસભામાં જ આપવામાં આવેલા એક આંકડા મુજબ, ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ઈડીના દરોડાઓમાં ૨૭ ટકાનો જબ્બર વધારો થયો છે. ૨૦૦૪ અને ૨૦૧૪ વચ્ચે ઈડીએ ૧૧૨ દરોડા પાડ્યા હતા, જ્યારે ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે દરોડાની સંખ્યા ૩૦૧૦ થઈ હતી. કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે દરોડાઓમાં વધારો થવાનું કારણ જૂના કેસોનો નિકાલ કરવાનું અને નવા કેસોમાં સમયસર તપાસ પૂરી કરવાનો ઇરાદો છે. 
દેશમાં એક પણ ખૂણો બાકી નથી, જ્યાંથી ઈડીના દરોડાના કોઈ સમાચાર આવતા ન હોય. ક્યાંક પ્રધાન તો ક્યાંક અધિકારી, ક્યાંક વેપારી તો ક્યાંક કંપની, ઈડી લગાતાર છાપા મારી રહી છે અને મીડિયામાં કરોડો રૂપિયા પકડાયાના સમાચારો પ્રગટ થઈ રહ્યા છે. સરકાર આને ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત’નું શાસન ગણાવી રહી છે, જ્યારે વિરોધ પક્ષો એને રાજકીય વેરઝેરનો હિસાબ-કિતાબ ગણાવી રહી છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે જે લોકો સરકારને સવાલ કરે છે, જે લોકો સરકારનો ‘હુકમ’ માનતા નથી, તેમને ઈડીના નામે પરેશાન કરવામાં આવે છે. 
મહારાષ્ટ્રમાં સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે ભાજપની સરકારે ઈડીના દમ પર મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. સરકારે કહ્યું છે કે ઈડી એક સ્વાયત્ત સરકારી સંસ્થા છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. ઈડી તેની સામે જ કાર્યવાહી કરી રહી છે જે ભ્રષ્ટ છે, અને કોઈને જો ખોટું લાગતું હોય તો અદાલતનો સહારો લઈ શકે છે.
વિપક્ષોએ તો અદાલતના વલણ સામે જ સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સી. ટી. રવિકુમારની પીઠ દ્વારા પીએએમએલ (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ)ની ધારાઓને બંધારણીય જાહેર કરી એ પછી વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી ઈડીના ગેરઉપયોગનું ચલણ વધશે. સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી ઈડી હવે દેશની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી બની ગઈ છે. એના પર અપરાધિક ન્યાયપ્રક્રિયા સંહિતાની જોગવાઈઓ લાગુ નથી પડતી. એજન્સી કોઈ પણ વ્યક્તિની, ગમે ત્યારે, ગમે ત્યાંથી ધરપકડ કરી શકે છે, તેની સંપત્તિ જપ્ત કરી શકે છે અને દરોડા પાડી શકે છે. 
સામાન્ય ગુનાઓમાં એ જવાબદારી પોલીસની હોય છે કે એ કોર્ટમાં સબૂતો સાથે સાબિત કરે કે ગુનેગાર કોણ છે. મની લૉન્ડરિંગના કેસમાં એ જવાબદારી આરોપીની હોય છે કે તે એ સાબિત કરે કે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા. બીજું, સામાન્ય ગુનામાં પોલીસ સમક્ષ કરવામાં આવેલું નિવેદન અદાલતમાં સ્વીકાર્ય નથી (પોલીસના મારથી બચવા અપરાધીઓ નિવેદન આપી દેતા હોય છે), જયારે ઈડીની પૂછપરછમાં અધિકારીને આપવામાં આવેલું નિવેદન અદાલતમાં માન્ય ગણાય છે. મજાની વાત એ છે કે ઈડીને પોલીસનો દરજ્જો આપવામાં નથી આવ્યો, પણ એની સત્તાઓ પોલીસ કરતાં વધુ અને સખત છે. 
એટલા માટે, છેલ્લા ઘણા સમયથી સીબીઆઇ ગાયબ થઈ ગઈ છે અને હાલ ચારે તરફ ઈડીની ‘બોલબાલા’ છે. એનું એક કારણ એ છે કે સીબીઆઇને રાજ્યમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપવી કે ના આપવી એ રાજ્ય સરકારના હાથમાં છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી એ પછી વિપક્ષી રાજ્યો સાથે એનો તાલમેલ બગડ્યો એટલે નવ રાજ્યોએ સીબીઆઇને આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી હતી. એમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલા, ઝારખંડ, છત્તીસગઢ, (ભાજપ શાસિત) મેઘાલય, મિઝોરમ અને પંજાબનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં તો શિંદે સરકારે આવતાંવેંત જે મહત્ત્વના નિર્ણયો કર્યા હતા, એમાં સીબીઆઇને મંજૂરી પાછી બહાલ કરવાનો પણ એક નિર્ણય હતો.
કેન્દ્ર સરકારે આમાંથી રસ્તો કાઢીને સીબીઆઇના સ્થાને ઈડીના હાથ મજબૂત કર્યા છે. ૨૦૧૮માં, સંજય કુમાર મિશ્રાએ એજન્સીનો હવાલો સંભાળ્યો એ પછી ઈડીના કર્મચારીગણમાં પણ ૫૦ ટકાનો વધારો થયો છે. ‘ધ ટ્રિબ્યુન’ સમાચારપત્રના અહેવાલ અનુસાર, એજન્સીમાં અગાઉ ૫ સ્પેશ્યલ ડિરેક્ટર્સ અને ૧૮ જૉઇન્ટ ડિરેક્ટર્સ હતા. આજે ૯ સ્પેશ્યલ ડિરેક્ટર્સ, ૩ ઍડિશનલ ડિરેક્ટર્સ, ૩૬ જૉઇન્ટ ડિરેક્ટર્સ અને ૧૮ ડેપ્યુટી ડિરેક્ટર્સ છે. 
ઈડી નાણામંત્રાલયના રેવન્યુ વિભાગ હેઠળ એક વિશેષ નાણાકીય તપાસ એજન્સી છે. પાછલાં ચાર વર્ષોમાં ઈડીની કારવાઈ એટલી વધી ગઈ છે કે દરેક મોટું કૌભાંડ ઈડી જ પકડી રહી છે. એટલા માટે જ મની લૉન્ડરિંગ ઍક્ટને ગેરબંધારણીય ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે એ ઍક્ટ હેઠળ ઈડીની સત્તાઓને કાયમ રાખી છે. 
સુપ્રીમ કોર્ટે એવું કહીને આ ફેંસલો આપ્યો છે કે આર્થિક ગુનાઓ, ડ્રગ્સની હેરફેર, આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક લેવડદેવડ અને હવાલા તેમ જ આતંકવાદ જેવી ગતિવિધિઓ પર કાબૂ મેળવવા માટે ઍક્ટની જોગવાઈઓ ઉચિત છે, પરંતુ એનો દુરુપયોગ ન થાય એ બાબતે કોર્ટે વિચાર નથી કર્યો.
મની લૉન્ડરિંગ ઍક્ટ ૨૦૦૨માં બન્યો હતો અને ૨૦૦૫માં અમલમાં આવ્યો હતો. ૨૦૧૨માં એમાં સુધારા કરીને એનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. એમાં જ ઈડીને વધુ સત્તાઓ આપવામાં આવી હતી. એ પછી ત્રણ રાજ્યોના ચાર પ્રધાનોને ઈડીએ જેલમાં મોકલ્યા છે; મહારાષ્ટ્રના અનિલ દેશમુખ, નવાબ મલિક (અને હવે સાંસદ સંજય રાઉત), દિલ્હી સરકારના સત્યેન્દ્ર જૈન અને બંગાળના પાર્થ ચૅટરજી. 
વિરોધ પક્ષોનો આરોપ આ જ છે; સરકાર પક્ષપાતપૂર્ણ રીતે વિરોધ પક્ષને ઈડીનું નિશાન બનાવી રહી છે. કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કૉન્ગ્રેસ સહિત ૧૭ વિપક્ષી નેતાઓએ ઈડીને મળેલા અધિકારો વિશે ચિંતા વ્યક્ત કરી છે અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા વિશે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે મની લૉન્ડરિંગ ઍક્ટમાં સુધારાની બંધારણીય યોગ્યતા પર સુપ્રીમ કોર્ટની મોટી પીઠ દ્વારા સમીક્ષા થવી જોઈએ. 
એક સંયુક્ત બયાનમાં વિપક્ષોએ કહ્યું છે કે ‘અમને સુપ્રીમ કોર્ટના આ ફેંસલાનાં દૂરગામી પરિણામોની ચિંતા છે. કાલે જો સુપ્રીમ કોર્ટ નાણાં બિલ મારફતે આ સુધારાને ખોટા જાહેર કરશે, તો પૂરી કાનૂની પ્રક્રિયા વ્યર્થ સાબિત થશે. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, છતાં એ કહેવા મજબૂર છીએ કે આ ઍક્ટમાં કરવામાં આવેલા સુધારાઓની બંધારણીયતા પર વિચાર કરવાવાળી મોટી ખંડપીઠના ફેંસલાની રાહ જોવાની જરૂર હતી. આ સુધારાઓથી એ સરકારના હાથ મજબૂત થયા છે જે વેરઝેરની રાજનીતિ કરી રહી છે અને એનો ઉપયોગ કરીને સરકાર તેના વિરોધીઓને દુર્ભાવનાપૂર્ણ રીતે નિશાન બનાવી રહી છે.’
દેશની અપરાધિક ન્યાયિક વ્યવસ્થા એક સ્વયંસિદ્ધ સિદ્ધાંત પર કામ કરે છે: જ્યાં સુધી વ્યક્તિ દોષિત સાબિત નથી થતી, ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. વર્તમાન ઍક્ટમાં સૌથી મોટી ફરિયાદ એ છે કે એમાં વ્યક્તિને પહેલેથી જ દોષિત માની લેવામાં આવે છે અને તે નિર્દોષ છે એ પુરવાર કરવાની જવાબદારી તેની ખુદની બને છે. 
આ વાતને તમે સુપ્રીમ કોર્ટે અન્ય એક ઠેકાણે કરેલી ટિપ્પણી સાથે જોડીને જુઓ, તો કોર્ટના તાજા ફેંસલા સામે કેમ ચિંતા છે એ સમજાશે. ભાજપની એક સમયની પ્રવક્તા નૂપુર શર્માના વાઇરલ વિડિયોથી ચર્ચામાં આવેલા અને એક ટ્વીટને લઈને પોલીસના હાથમાં ફસાયેલા ‘ઓલ્ટ-ન્યૂઝ’ના પત્રકાર મોહમ્મદ ઝુબેરને જામીન આપતી વખતે, જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે, ‘પાઠ ભણાવવા માટે ધરપકડનું હથિયાર વાપરાવું ન જોઈએ, કારણ કે એનાથી વ્યક્તિગત આઝાદીનું ઉલ્લંઘન થાય છે. વ્યક્તિઓને માત્ર આરોપના આધારે 
સજા ન કરવી જોઈએ. કાયદાની ઐસીતૈસી કરીને, વગર વિચારે જો ધરપકડ કરવામાં આવે તો એ સત્તાનો ગેરઉપયોગ છે.’
થોડા વખત પહેલાં જ મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાએ કહ્યું હતું, ‘આપણે ત્યાં પ્રોસેસ એ જ પનિશમેન્ટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2022 06:08 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK