ચાર્વાક નામ જેટલું પ્રસિદ્ધ નથી એનાથી અનેકગણી પ્રસિદ્ધિ તેમની આ પંક્તિઓ પામી છે. કારણ કે એમાં પલાયનવાદ છે. ભોગવિલાસમાં રાચનારા, બેજવાબદાર રીતે જીવનારા સ્વચ્છંદ રીતે વર્તનારા માટે આ પંક્તિઓ પ્રેરણારૂપ છે
પ્રતીકાત્મક તસવીર
૩૧મી ડિસેમ્બરની એક પાર્ટીમાં કોઈ ઝૂમી રહ્યું હતું, કોઈ નાચી રહ્યું હતું, કોઈ શેરો-શાયરી ફેંકી રહ્યું હતું, ‘વાહ વાહ ક્યા બાત હૈ, બહોત અચ્છા શેર હૈ...’ એકે કહ્યું અને બીજો બોલ્યો, ‘ઇડિયટ, આ શેર નથી, સંસ્કૃતનો શ્લોક છે, ‘યાવત જીવત સુખમ જીવત, ઋણ કૃત્વા ધૃતમ પિબેત્’ પેલો બોલ્યો, ‘શ્લોક હોય કે શેર હોય, પણ લખનાર બિન્દાસ માણસ હોવો જોઈએ. કોઈ જ્ઞાનની ગોળી નહીં, કોઈ ઉપદેશ નહીં, માત્ર મસ્તીથી જીવવાની વાત. હા, એક ભૂલ તેણે કરી છે. ‘તેણે દેવું કરીને ઘી નહીં દારૂ પીવો એમ લખવું જોઈતું હતું...’ બોલીને તે ગ્લાસ ગટગટાવી ગયો ત્યાં પહેલાએ ઉત્સાહથી કહ્યું, ‘અરે દારૂ માટે તો તેણે અફલાતૂન શ્લોક લખ્યો છે, ‘પીત્વા પીત્વા પુનઃ પીત્વા, યાવત્ પતતિ ભૂતલે ઉથ્થાય ચ પુન્હં પુનઃ પીત્વા, પુનરજન્મ ન વિદ્યતે!! અર્થાત્ પીઓ પીઓ ફરી ફરી પીઓ, ભોંયભેગા થઈ જાઓ ત્યાં સુધી પીઓ, પડીને ઊભા થાઓ ને ફરી ફરી પીઓ, આવતો જન્મ કોણે જોયો છે.
આવું કહેનારા-લખનારા હતા મુનિ ચાર્વાક. ચાર્વાક નામ જેટલું પ્રસિદ્ધ નથી એનાથી અનેકગણી પ્રસિદ્ધિ તેમની આ પંક્તિઓ પામી છે. કારણ કે એમાં પલાયનવાદ છે. ભોગવિલાસમાં રાચનારા, બેજવાબદાર રીતે જીવનારા સ્વચ્છંદ રીતે વર્તનારા માટે આ પંક્તિઓ પ્રેરણારૂપ છે, કોણ હતા આ મુનિ ચાર્વાક? ચાર્વાક એક દર્શનશાસ્ત્રી હતા. ચાર્વાક શબ્દ ચવ ધાતુ પરથી આવ્યો છે. ચવ એટલે ચાવવું, જમવું, ખાવું. વળી બીજો અર્થ ચારુ+વાક, સારું બોલવું, મધુર બોલવું. મીઠું બોલનારની વાણી ચાર્વાકવાણી કહેવાય છે.
ADVERTISEMENT
ચાર્વાક એક દર્શનશાસ્ત્રી હતા. દર્શનશાસ્ત્ર એટલે દૃષ્ટિકોણનું શાસ્ત્ર. જગતમાં આપણી ઉપસ્થિતિનો, આપણે કયા દૃષ્ટિકોણથી જોઈએ છીએ કે કેવા દૃષ્ટિકોણથી જોવું જોઈએ એ આ શાસ્ત્ર સમજાવે છે. સંસારમાં કોઈ સંત, સાધુ, મહાપુરુષ છે; તો કોઈ ચોર, લૂંટારા, ઢોંગી, ધુતારા છે. આ બધાને કઈ રીતે મૂલવવા એ આ શાસ્ત્ર શીખવાડે છે.
ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની દર્શનપરંપરા છે. એક આસ્તિક દર્શન અને બીજી નાસ્તિક દર્શન. ભગવાન મનુ કહે છે કે જે વેદની નિંદા કરે છે તે નાસ્તિક કહેવાય. જે વેદમાં નથી માનતા તેઓ બધા નાસ્તિક ગણાય. એક વાત નોંધી લેવાની કે અહીં ઈશ્વરને માનવું ન માનવું, પૂજાપાઠ કરવા ન કરવા, તિલક-ટપકાં કરવાં ન કરવાં એ બધા સાથે કોઈ સંબંધ નથી. ચાર્વાક માત્ર પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકારે છે. અનુમાન તેમને મંજૂર નથી. પંચમહાભૂતમાં તેઓ આકાશને અવગણે છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિનું જ મહત્ત્વ છે. આત્મા જેવો કોઈ પદાર્થ છે જ નહીં. દેહનું જ મહત્ત્વ છે. જે ચૈતન્ય શરીર છે એ જ આત્મા છે, મોક્ષ જેવું કશું જ નથી, મરી જવું એ જ મોક્ષ છે. એટલે જ કહે છે કે ‘આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા’ સ્વર્ગ અને નરક અહીં જ છે. આનંદની પળ એટલે સ્વર્ગ, દુઃખની પળ એટલે નરક માટે સ્વર્ગમાં જવું કે નરકમાં જવું એ માણસના જ હાથમાં છે.
ચાર્વાકના કેટલાક સિદ્ધાંત જુઓ ઃ મોતની ચિંતા કર્યા વગર જીવવાનો આનંદ લો. કાલ કેવી ઊગશે એની આપણને ખબર નથી, આજ કેવી રીતે વિતાવવી એ આપણા હાથની જ વાત છે, તો આજને ભરપૂર માણો. કર્મફળ જેવું કંઈ જ નથી, શરીર જ સત્ય છે. તમે તમારી રીતે, તમારી શરતે જીવો, બીજાના રસ્તે કે આધારે નહીં જીવો. જ્યાં સુધી જીવો ત્યાં સુધી નીડર રીતે જીવો. ભગવાનની પૂજા કે યજ્ઞ ન કરો, જીવન પોતે જ એક યજ્ઞ છે અને તમે જ ભગવાન છો.
તમે તમારી જ પૂજા-અર્ચના કરો. જીવને ખુશ રાખવા માટે જાતને ખોઈ નાખો અને એમાંથી જ આનંદ મેળવો. જીવનમાં હંમેશાં બદલાવ લાવ્યા કરો. એકધારું ન જીવો. જાતઅનુભવ વગર સુખ શું છે એ સમજાશે નહીં. તમારી કિંમત ભલે હીરા જેવી હશે, પણ સામેવાળી વ્યક્તિ એની ઔકાત પ્રમાણે તમારી કિંમત આંકશે. માણસ દરેક ઘરમાં જન્મ લેશે, પણ માણસાઈ કોઈ ખાસ ઘરમાં જ જન્મ લેશે. કોઈ વસ્તુનો જ્યાં સુધી સ્વઅનુભવ નહીં મેળવો ત્યાં સુધી બધું વ્યર્થ છે. વિજ્ઞાન દ્વારા શોધ કરનારા વૈજ્ઞાનિક કહેવાય, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ શોધ કરનારા વિદ્વાન કહેવાય. આ અને આવાં વાક્યો લોકભોગ્ય હોવાથી લોકોમાં વધારે પ્રચલિત બન્યાં અને આવા વિચારોને કારણે જ ચાર્વાક નાસ્તિક ગણાયા, વગોવાયા અને ચર્ચાસ્પદ બન્યા. આમ છતાં માધવાચાર્ય તેમને દર્શનશાસ્ત્ર શિરોમણિ કહે છે.
ચાર્વાક દર્શનશાસ્ત્રને અમુક અંશે જૈન અને બૌદ્ધ દર્શનશાસ્ત્ર પણ અનુસરે છે. સુખ-દુઃખની વ્યાખ્યા કરતાં ચાર્વાક કહે છે, ‘સુખ સાથે દુઃખ હોવાનું જ, જેમ ગુલાબ સાથે કાંટા હોય છે. એ કાંટાને દૂર કરી માત્ર ગુલાબની સુગંધ મણવાની ક્રિયાને પુરુષાર્થ કહેવાય છે.’


