નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં ભારતને એવું વિરલ વ્યક્તિત્વ મળ્યું છે જેણે પાતાળમાં ધકેલાઈ ગયેલા આ દેશને શિખર સુધી લઈ જવાની જહેમત સફળતાપૂર્વક શરૂ કરી છે

ફાઇલ તસવીર
નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં ભારતને એવું વિરલ વ્યક્તિત્વ મળ્યું છે જેણે પાતાળમાં ધકેલાઈ ગયેલા આ દેશને શિખર સુધી લઈ જવાની જહેમત સફળતાપૂર્વક શરૂ કરી છે. લોકશાહીમાં તો કોણ સત્તા પર રહે એ નક્કી કરવાનું કામ જનતાનું છે, પણ જો મારું મન પૂછો તો હું કહીશ કે ભારતને હજી ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી નરેન્દ્ર મોદીની જરૂર છે એટલે હું તો અરજ કરતાં કહીશ કે તેઓ એક દસકો તો સત્તા પર રહે જ રહે
કોઈને એવું લાગી શકે કે સંસાર છોડ્યા પછી શું કામ રાજનીતિમાં રસ લેવાનો કે પછી કોઈને એમ પણ થાય કે સંસાર જેણે છોડ્યો છે તેણે રાજસત્તા વિશે શું કામ કોઈ કમેન્ટ કરવાની? તો હું કહીશ કે સંસાર છોડ્યો છે, દુનિયા નહીં. રાજસત્તાની જેટલી આવશ્યકતા સંસારીને હોય એટલી જ એની જરૂરિયાત સંન્યાસીને પણ હોય જ. મેં જ અગાઉ કહ્યું છે કે સંન્યાસીએ ક્યારેય રાજનેતા સાથે સ્ટેજ શૅર ન કરવું જોઈએ, પણ આ જ વાતમાં હું ખુલાસો કરીને કહું કે કયા રાજનેતા સાથે તમે સ્ટેજ શૅર કરો છો એ પણ એટલું જ અગત્યનું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેસવું એ ખરેખર એક લહાવો છે અને એમાં માત્ર સંન્યાસીની જ નહીં, ધર્મની પણ ગરિમા વધે છે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને હું કહીશ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં જે કામ કર્યું છે, જે રીતે ભારતનું નામ દુનિયાની આંખોમાં લાવી દીધું છે એ કાબિલે તારીફ છે. ભારતને અગાઉની જે સત્તાઓએ પાતાળમાં ધકેલી દીધું હતું, પણ તમે જુઓ, નરેન્દ્ર મોદીએ એ લોકોની ૬૫ વર્ષોની મહેનત સામે માત્ર એક જ દસકામાં શું કરીને દેખાડી દીધું?
ઉકરડાની ગંદકીમાંથી આવતી બદબૂને દૂર ધકેલવાનું કામ એક સારી અગરબત્તી કરી દે એ જ રીતે નરેન્દ્ર મોદી નામના એક જ માણસે દેશની તમામ ગંદકીને સાઇડ પર કરી દેશની વાહવાહીને દુનિયા સામે મૂકીને કેટલું સરસ કામ કર્યું. ખરેખર ભારતવર્ષ ધન્ય છે કે આપણને નરેન્દ્રભાઈ જેવા વડા પ્રધાન મળ્યા. તેમણે આપણા દેશને માત્ર આર્થિક રીતે જ નહીં; સામાજિક, વૈજ્ઞાનિક, રાજદ્વારી તથા વૈશ્વિક સ્તર પર પણ ભરપૂર નામના અપાવી અને આપણે વિશ્વકક્ષાએ અગ્રિમ હરોળમાં મુકાયા. આ અગાઉની સરકાર દ્વારા નહોતું થયું કે પછી નહોતું થઈ શક્યું.
મહાત્મા ગાંધીના ગયા પછી દેશને જે રીતે નીચે ને નીચે લઈ જવાનું કામ થયું અને એ પણ ખંતપૂર્વક થયું એ જ દેખાડે છે કે ભારતને પછાડવાનું જ કામ ચાલતું હતું અને એ કામ પણ ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે. સ્વાર્થ અને અંગત હિતથી પેઢી ચાલે, રાષ્ટ્ર નહીં અને આ વાત તેમને પણ સમજાતી હતી. એમ છતાં તેમણે પેઢીની જેમ વહીવટ કર્યો. પોતાનું પોત મોટું અને પહોળું કરવા માટે તેમણે ભારતનો ભોગ આપ્યો, જેમાં ભારતવાસીઓનો પણ સોથ વળ્યો. હું કહીશ કે આવું નરેન્દ્ર મોદી માટે કોઈ ન બોલી શકે, કારણ કે તેમનો જે હેતુ છે એ જ તેમનું આચરણ છે, તેમનો જે ઇરાદો છે એ જ તેમનો વર્તાવ છે. આ આચરણે, આ વર્તાવે જ ભારતવર્ષને નવી દિશાઓ આપી છે.
તમે જુઓ તો ખરા કે કેટકેટલી યોજનાઓ તેમણે ભારતને આપી અને એ યોજનાઓને કારણે કેટકેટલી સુખાકારી દેશમાં પ્રસરી. ઉજ્જવલા યોજના એકમાત્ર એવી યોજના છે જેને લીધે દેશમાં ચૂલા, સગડી અને પ્રાયમસને તિલાંજલિ મળવાની શરૂ થઈ. અમુક આવકથી વધારે આવક ધરાવતા લોકોને એલપીજી પર સબસિડી નહીં આપવાનો નિર્ણય પણ આ જ સરકારે લીધો અને સરકારની તિજોરી પરથી અર્થહીન ભારણ ઘટ્યું. લાખો સિલિન્ડર માર્કેટરેટ પર મળતાં થયાં. એના પરથી સબસિડી બંધ થઈ એ પછી કોઈએ ધરણાં કર્યાં? ક્યાંય રૅલી નીકળી? કોઈએ એનો વિરોધ નોંધાવ્યો? કહેવાનો મતલબ એ જ કે એ સરકારી પૈસો એવા ઘર પાછળ ખર્ચાતો હતો જેની એ ફૅમિલીને કોઈ કિંમત જ નહોતી. એ લોકો માટે એ બહુ નાની રકમ હતી. બચ્યા એ પૈસા રાષ્ટ્રના વિકાસ પાછળ ખર્ચાયા, એ લોકોને સબસિડી આપવામાં વપરાયા જે લોકો જરૂરિયાતવાળા હતા અને એનાથી પણ વધારે સારી વાત એ કે એ પૈસાને કારણે દેશનાં જંગલો બચ્યાં, ચૂલા માટે ચોરીછૂપીથી જે લાકડાં કાપવામાં આવતાં હતાં એ અટક્યાં. આયાતી કેરોસીન પર હૂંડિયામણ ખર્ચાતું બચ્યું તો ખતમ થતા જતા કોલસાનો વપરાશ પણ વધ્યો. સૌથી સારી વાત કહું, જે લોકોના ધ્યાન બહાર રહી ગઈ છે. સગડી, પ્રાયમસ કે ચૂલાનો વપરાશ બંધ થવાને લીધે ગરીબ લોકોના સ્વાસ્થ્યને જબરદસ્ત લાભ થયો. જરા જુઓ તમે. ઉજ્જવલા યોજના પછી દેશમાં દમની બીમારીમાં કેવો ઘટાડો થયો છે! આંકડા કહેશે. એક વખત ચકાસશો તો તમને ખબર પડશે કે એક નાનું કાર્ય પણ કેટલો બધો ફાયદો કરાવી જતું હોય છે અને એ જ રાષ્ટ્રનીતિ છે.
એક કાંકરે બે પક્ષી મારવાં.
આ કહેવત આપણે ત્યાં તો સદીઓથી છે અને એનો વપરાશ ગેરવાજબી રીતે થતો આવ્યો છે; પણ નરેન્દ્ર મોદીએ આ કહેવતનો એટલો સરસ ઉપયોગ કરીને દેખાડ્યો અને સાથોસાથ એ પણ પુરવાર કર્યું કે એ કાંકરે બે જ નહીં, બાર પક્ષી પણ મારી શકાય. આવું એ જ કરી શકે જે વિરલ વ્યક્તિત્વ ધરાવતું હોય અને નરેન્દ્ર મોદી એવું જ વિરલ વ્યક્તિત્વ છે. વિરોધીઓએ પણ આ વાત સ્વીકારવી પડે.
સંસારી ખુશ છે, સંન્યાસી ખુશ છે અને આવો તાલમેલ જે લાવી શકે એ વિરલ જ કહેવાય. નરેન્દ્ર મોદીના નામે આપણને, ભારતને એક એવું વ્યક્તિત્વ મળ્યું છે જે આખા ઇતિહાસમાં ક્યાંય નથી, એટલું અદ્ભુત વ્યક્તિત્વ તેમનું છે. તમે જુઓ. તેમણે જે-જે યોજનાઓ આ દેશને આપી એ યોજનાઓ થકી લોકોનું કેટલું ભલું થયું છે અને સાથોસાથ તેમણે જે રીતે વૈશ્વિક સ્તર પર પણ કામ કર્યું એ જોતાં આજે દુનિયાભરમાં ભારત, ભારત, ભારત થઈ રહ્યું છે. આવું અગાઉ નહોતું. એવું માનતા જ નહીં કે આ બધી વાતો હું એમ જ બેસીને બોલું છું. ના, દુનિયાના ૧૦૦થી વધારે દેશો હું ફર્યો છું અને એ દેશો જોયા પછી, જાણ્યા પછી તથા ઇતિહાસનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી કહું છું કે નરેન્દ્ર મોદી જેવું વ્યક્તિત્વ આખા ઇતિહાસમાં કોઈ નથી.
ઘણા લોકો મને આવીને એવું પૂછે છે કે શું નરેન્દ્ર મોદી સરદાર જેટલા જ ચડિયાતા છે? બીજો પ્રશ્ન એ બહુ પુછાતો હોય છે કે શું નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર પાછું લઈ લેવું જોઈએ?
આ બન્ને સવાલના જવાબ હું આજે, અહીં આપું છું.
પહેલો સવાલ એ કે શું મોદી સરદાર સરીખા છે? હું કહીશ કે આવી તુલના વાજબી નથી એટલે એવું કોઈએ કરવું જોઈએ નહીં. સરદાર મહાન હતા, સરદારની જગ્યાએ સરદાર હતા અને તેમણે જે કામ કરવાનાં હતાં એ કામ બહુ સરસ રીતે કર્યાં. તેમના સમયમાં જે સળગતો પ્રશ્ન હતો એ તેમણે ઉકેલ્યો અને દેશ બચાવી લીધો, પણ ગાંધીજીના અવસાન પછી આ દેશને ખોટી દિશામાં લઈ જવામાં આવ્યો અને પછી આપણી અધોગતિ એકધારી ચાલતી રહી. એ જે વિકટ સમય હતો એ દરમ્યાન ભારતને નરેન્દ્ર મોદી મળ્યા અને જુઓ, તેમણે કેવું કરી દેખાડ્યું! આખી દુનિયા આજે ભારતની નોંધ લે છે એમાં નરેન્દ્ર મોદીની વિચારધારાનો, વિચક્ષણ બુદ્ધિમત્તનો મહત્ત્વનો ફાળો કહી શકાય.
લોકશાહીમાં કોણ રાષ્ટ્રના સર્વોચ્ચ નેતા તરીકે રહે એ તો લોકોએ નક્કી કરવાનું હોય, પણ હું કહીશ કે નરેન્દ્ર મોદી હજી પણ ઓછામાં ઓછાં દસેક વર્ષ સત્તા પર રહેશે તો એનો લાભ ભારતને પુષ્કળ થશે. આજે દુનિયામાં જે ત્રણ મોટી સત્તા છે એની જગ્યાએ ભારતને ગોઠવી દે એટલું સામર્થ્ય તેમનામાં છે. વાત રહી પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરને લેવાની તો એ લઈ શકવાનું સામર્થ્ય નરેન્દ્ર મોદીમાં છે જ છે, પણ એ લીધા પછી તમે માત્ર ઉપાધિ જ કરી શકો એટલે હમણાં જે છે એ જ રીતે રાખવું જોઈએ અને દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સાથોસાથ તેઓ જે કાર્યો હાથ પર લે એ તમામ કાર્યો પૂરાં ન થાય ત્યાં સુધી તેમને વડા પ્રધાનપદ પર અકબંધ રાખવાનું કામ લોકોએ કરતા રહેવું જોઈએ.
હરિ ઓમ.
શબ્દાંકનઃ રશ્મિન શાહ