તત્ત્વજ્ઞાન એટલે કે ફિલૉસૉફીને માત્ર ‘બડી બડી બાતેં’ માનનારા લોકો ઘણા છે. જોકે તર્કબદ્ધ વિચારધારા વિકસાવવાથી લઈને સાચી સમજણથી ભૂલોની માત્રા ઘટાડવા માટે ફિલૉસૉફી કઈ રીતે ઉપયોગી છે એ જાણીએ
ફિલૉસૉફી એટલે માત્ર વાતોનાં વડાં કે ખરેખર જીવન જીવવાની કળા?
તમે જે સાંભળો છો એને સીધેસીધું સ્વીકારી ન લો. તમે પોતે એના પર વિચાર કરો, તમારી માન્યતાઓ પર ફેરવિચાર
કરો. તમારા વિચારોને સ્વતંત્ર રાખો. ગ્રીક ફિલૉસૉફર ઍરિસ્ટોટલના આ શબ્દો છે.
બડા હુઆ તો ક્યા હુઆ, લંબા પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. - સૂફી સંત કબીરજીના લગભગ દરેક દોહામાં આવી જ ફાટફાટ જીવનની ફિલૉસૉફી છે.
જીવનમાં જોખમ લેજો, જો તમે જીતી ગયા તો તમે લીડ કરશો અને જો હારી ગયા તો કોઈને ગાઈડ કરી શકશો. - સ્વામી વિવેકાનંદના આ શબ્દો છે.
કિનારે ઊભા રહીને દરિયાને નિહાળતા રહેવાથી દરિયો પાર નથી થતો. કવિ રવીન્દ્રનાથ ટાગોરના આ શબ્દો છે.
આ શબ્દોએ જો તમારામાં જોમ ભર્યું હોય, તમને થોડુંક વિચારતા કર્યા હોય, તમારા માટે દિશાસૂચકનું કામ કર્યું હોય અને તમારા મન પર પ્રભાવ પાડ્યો હોય તો ફિલૉસૉફી પાવરફુલ બાબત છે એ આજે તમારે સ્વીકારવું પડશે. ગ્રીક શબ્દ ફિલૉસૉફિયા પરથી આવેલા ફિલૉસૉફી શબ્દનો અર્થ છે લવ ફૉર વિઝડમ એટલે કે વિવેકબુદ્ધિ પ્રત્યે પ્રેમ. બહુ જ બોરિંગ અને સમજવામાં અઘરા વિષય તરીકે ફિલૉસૉફીને મૂલવવાની ભૂલ થઈ છે જેમાં હવે વિશ્વભરનાં કેટલાંક સંગઠનો બદલાવ લાવી રહ્યાં છે. આજે આપણી પાસે જેટલાં પણ શાસ્ત્રો છે, જે પણ પૂર્વનો જ્ઞાનનો ખજાનો છે એમાં તત્ત્વજ્ઞાનની વાતો નથી તો શું છે? ભગવદ્ગીતા પણ તાત્ત્વિક ગ્રંથ છે, પણ એ કયું તત્ત્વજ્ઞાન છે તો જીવન જીવવામાં દિશાસૂચક બને એવું તત્ત્વજ્ઞાન. કબીરની વાણીમાં પણ ભારોભાર ફિલૉસૉફિકલ વાતો છે, પરંતુ એ અંતરના પટ ખોલી શકે એટલી પાવરફુલ ફિલૉસૉફી છે. ફિલૉસૉફી એ માત્ર સુષ્ઠુ-સુષ્ઠુ આદર્શવાદી વાતો નથી, પરંતુ એનો જીવનમાં પ્રૅક્ટિકલ ઉપયોગ છે. તત્ત્વજ્ઞાન તમને વિચારવા પર, જીવનનાં સત્યો સાથે તમારો પરિચય કરાવવામાં તમને સહાય કરે છે. વિજ્ઞાન પાસે બધા પ્રશ્નોના જવાબ નથી અને એવા પ્રશ્નોના જવાબ ફિલૉસૉફી પાસેથી મળે છે. ફિલૉસૉફી એ માનવમૂલ્યોનું શાસ્ત્ર છે, વ્યક્તિના અનુભવગત વિચારોનું આઉટકમ છે. આપણી સંવેદનાઓને જગાડવાનું કામ ફિલૉસૉફી કરે છે. તૂટી રહેલા સમાજને ફરીથી જોડવાનું, એકબીજા પ્રત્યે સમભાવ અને સહિષ્ણુતા વધારવાનું કામ ફિલૉસૉફી કરી શકે છે. ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર, લાલચ, ભય જેવા માનવીય દુર્ગુણોમાં માણસ છકી ન જાય એ માટે દીવાદાંડીનું કામ કરે છે ફિલૉસૉફી. આટલું બધું ઉપયોગી અને વ્યક્તિનું પાયાથી ઘડતર કરવાની ક્ષમતા ધરાવતા તત્ત્વજ્ઞાન પ્રત્યેનો છોછ દૂર કરવા માટે હવે ઘણાં બધાં ગ્રુપ્સ ઍક્શનમાં આવી ગયાં છે. વર્લ્ડ ફિલૉસૉફી ડે નિમિત્તે તત્ત્વજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતા, લોકોને માફક આવે અને લોકો જીવનમાં ઉતારી શકે એ રીતે ફિલૉસૉફીને પ્રસ્તુત કરતા કેટલાક લોકો સાથે થયેલી વાતચીત જાણીએ.
ADVERTISEMENT
બહુ જ રિલેવન્ટ
આપણે માનીએ છીએ કે ફિલૉસૉફીની જીવનમાં કોઈ પ્રૅક્ટિકલ ઍપ્લિકેશન નથી તો એ હકીકત નથી અને એ દિશામાં ‘ન્યુ ઍક્રોપોલિસ’ નામની સંસ્થા વિશ્વના શ્રેષ્ઠ ફિલૉસૉફરોની વાતો જીવનમાં કેવી રીતે ઉતારાય એ વિષય પર લોકજાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે. ભારતમાં મુંબઈ, પુણે અને બૅન્ગલોર એમ ત્રણ શહેરમાં આ સંસ્થાનાં સેન્ટર છે. લિવિંગ ફિલૉસૉફીના નામે વિવિધ ફિલૉસૉફરોની વાતો જીવનમાં કેમ ઉતારાય એની ટ્રેઇનિંગ આપતો વીસ અઠવાડિયાંનો તેમનો કોર્સ ચાલે છે. પ્લેટો, રૂમી, કબીર, સૉક્રેટિસ, ઍરિસ્ટોટલ જેવા વિશ્વના લગભગ દરેક ફિલૉસૉફરે શું કહ્યું એની કમ્પેરેટિવ વાતો અને મૂળ એસેન્સ કેવું કૉમન છે એ વિષય પર ડિસ્કશનો કરવા માટે કૅફેમાં પણ તેમનાં ગેટ-ટુગેધર યોજાતાં હોય છે. ન્યુ ઍક્રોપોલિસની મેમ્બર અને વૉલન્ટિયર ત્રિશા સ્ક્રૂવાલા છેલ્લાં નવ વર્ષથી મુંબઈના સેન્ટર સાથે જોડાયેલી છે. પોતે ફિલ્મમેકિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ ફિલૉસૉફી પ્રત્યેનો તેનો ઝુકાવ કેવી રીતે આવ્યો એ સંદર્ભે ત્રિશા કહે છે, ‘મને વાંચવાનો શોખ છે અને ફિલૉસૉફી પર પણ મારું વાંચન હતું. એક ફ્રી ઇન્ટ્રોડક્શન વર્કશોપ હતી એ મેં અહીં અટેન્ડ કરી અને એમાં એટલી મજા આવી કે બસ, પછી તો અહીં જ ઍક્ટિવ થઈ જવાનું નક્કી કરી લીધું. ફિલૉસૉફી તમને તમારી ડે-ટુ-ડે લાઇફમાં યોગ્ય ચૉઇસિસમાં મદદ કરે છે. અમે ઘણાબધા ફિલૉસૉફરોને સાથે રાખીને કમ્પેરેટિવ સ્ટડી કરીએ છીએ. એમાં એક વાત મને સમજાઈ છે કે વાતો કહેવાની રીત બધાની જુદી છે, પરંતુ તેમનો મૂળ એસેન્સ તો એ જ છે અને જ્યારે બધા લાઇક-માઇન્ડેડ લોકો ભેગા થઈને અનકન્વેન્શનલ જગ્યાએ આવી ડિસ્કશન કરીએ ત્યારે કંઈક નવાં પાસાંઓ બહાર આવતાં હોય છે.’
મુંબઈમાં આ સંસ્થાને પંદર વર્ષ થઈ ગયાં છે. દર મહિને એકથી બે ફ્રી ઇવેન્ટ્સ તેઓ યોજતા હોય છે. આજે સાંજે સાડાસાત વાગ્યે તેઓ ઝૂમ પર એક નિ:શુલ્ક ઇવેન્ટ કરવાના છે. ત્રિશા કહે છે, ‘ફિલૉસૉફીમાં તાકાત છે વ્યક્તિમાં બદલાવ લાવવાની. આજના સમયમાં એ સાપેક્ષ છે જ, કારણ કે ફિલૉસૉફીમાં કુદરતના સિદ્ધાંતોની વાતો છે. એક ઝાડ હોય, એક કીડી હોય કે એક પક્ષી હોય, બધાં જ કુદરતનાં વિવિધ અંગો છે અને એમનો નેચરની સાઇકલમાં કોઈ રોલ છે. એ જ રીતે આપણે પણ નેચરનો જ હિસ્સો છીએ. ફિલૉસૉફી તમને મજબૂર કરે છે એ વિચારવા પર કે કુદરતે તમને જે રોલ આપ્યો છે એ તમે બરાબર નિભાવી રહ્યા છો કે નહીં?’
વિચારો છો તમે?
મુંબઈમાં વેદાંત ફિલૉસૉફી પાછળના હાર્દને સમજાવવાના પ્રયાસો ઘણી સંસ્થાઓ કરી રહી છે. શું કામ આ ફિલૉસૉફી ખાસ છે એ વિષય પર લેખક, લેક્ચરર, પબ્લિક સ્પીકર, ફિલૉસૉફીમાં ડૉક્ટરેટ કરનારા, છેલ્લાં ૩૦ વર્ષથી વેદાંત પર રિસર્ચ કરનારા અને વિવિધ માધ્યમો દ્વારા વેદાંતને લોકો સુધી પહોંચાડનારા વેદાંત વિઝડમ ટ્રસ્ટનાં જાનકી સંતોકે કહે છે, ‘લોકો આજે આટલા તનાવગ્રસ્ત કેમ છે, કારણ કે તેઓ વિચારીને નથી જીવતા. જો વિવેકબુદ્ધિ સાથે જીવશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ફિલૉસૉફી તમને એ વિવેકબુદ્ધિ આપે છે. આજે તો તત્ત્વજ્ઞાનની સર્વાધિક જરૂર છે. આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ મની મેકિંગ મશીન બની ગઈ છે. તમે વિચારો કે આઇઆઇટીમાં ભણેલી વ્યક્તિ જો દહેજ માગે તો તેનું ભણતર સાર્થક થયું એવું માની શકાશે? ફિલૉસૉફી તમને સાચી સમજણ આપે છે. વેદાંતને સમજ્યા પછી તમે વિચારોથી સમૃદ્ધ અને દૃઢ થશો તો જીવન વધુ સુગમ બનશે. જીવન જીવવાની સાચી રીત તમને વેદાંતના અભ્યાસમાં મળતી જશે.’
વેદાંતના ઑનલાઇન નિ:શુલ્ક ક્લાસ ડૉ. જાનકી દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ ચાલે છે. team Janki Santore નામની તેમની યુટ્યુબ ચૅનલ પર પણ વેદાંતના વિવિધ વિષયો પર જીવનોપયોગી સંદેશો પ્રસ્તુત કરવામાં આવે છે. વેદાંત ફિલૉસૉફીની ટૉપ ફાઇવ શીખ જણાવતાં ડૉ. જાનકી કહે છે, ‘૧ - પરિવર્તન સંસારનો નિયમ છે. આ સત્ય સમજાશે તો જાતને દરેક બદલાવ માટે આપણે તૈયાર પણ કરીશું. કોવિડ આવ્યો, જીવન બદલાયું. જે લોકો પ્રિપેર્ડ હતા દરેક બદલાવ માટે તેમણે એને સહજ સ્વીકારી લીધું, પણ બાકીઓએ બૂમાબૂમ કરી. ૨ -કોઈ પણ પગલું ભરતાં પહેલાં થોડાક થોભીને વિચાર કરો. ૩ - બદલાવ જ્યારે નિશ્ચિત હોય ત્યારે નિ:સ્વાર્થ ભાવનાને વિકસાવો. જેમ-જેમ નિ:સ્વાર્થ થતા જશો તેમ-તેમ ડિટૅચમેન્ટ વધશે જે તમને ક્યારેય અતિશય દુખી નહીં થવા દે. ૪ - તમે કોઈકને આપશો તો પામશો. કુદરતના આ નિયમને સમજો અને બને એટલા સર્વિસ ઓરિયેન્ટેડ બનો. ૫ - તમને મળેલી શ્રેષ્ઠતમ બાબતો પ્રત્યે અનુગ્રહ વ્યક્ત કરો. સતત પોતે કેટલા સુખી છે એનો વિચાર સુખને વધારશે જ.’
તમને ખબર છે?
વૈશ્વિક સ્તરે માનવજાતની ગરિમા અને વૈવિધ્યતા પ્રત્યે પરસ્પરમાં આદરભાવ વધે એ આશયથી ૨૦૦૨માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ ફિલૉસૉફી ડેની ઉજવણી શરૂ થઈ હતી. ગ્લોબલ ઇશ્યુઝના સમાધાન માટે ફિલૉસૉફિકલ નૉલેજ કઈ રીતે ઉપયોગી થઈ શકે એ વિશે જાગૃતિ લાવવાના પણ આ દિવસ અંતર્ગત પ્રયાસ થાય છે.

