હા, આવું બન્યું હતું અમારી સાથે અને એ પણ અમેરિકામાં. ‘પતિ, પત્ની ઔર મૈં’ની અમેરિકા-ટૂર દરમ્યાન કટ-ટુ-કટ અમેરિકા પહોંચેલા રાકેશ બેદી આવે એ પહેલાં શોનો ટાઇમ સાચવવા માટે નાટક અમર બાબરિયાએ શરૂ કર્યું અને ઇન્ટરવલ પછી એ જવાબદારી રાકેશે સંભાળી લીધી
‘મંજુલા મારફતિયા બી.એ. વિથ ગુજરાતી’ ફ્લૉપ જવાનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ એનો સેટ હતો. જુઓ, આ રહ્યો એ સેટ. આ પ્રકારનો સેટ આખા નાટકમાં હોય એવું જોવાની આદત ઑડિયન્સને અત્યારે પણ નથી પડી
હા, આવું બન્યું હતું અમારી સાથે અને એ પણ અમેરિકામાં. ‘પતિ, પત્ની ઔર મૈં’ની અમેરિકા-ટૂર દરમ્યાન કટ-ટુ-કટ અમેરિકા પહોંચેલા રાકેશ બેદી આવે એ પહેલાં શોનો ટાઇમ સાચવવા માટે નાટક અમર બાબરિયાએ શરૂ કર્યું અને ઇન્ટરવલ પછી એ જવાબદારી રાકેશે સંભાળી લીધી
વન-ઍક્ટ પ્લે ‘સતી’ પરથી અમે બનાવેલું ફુલ-લેંગ્થ નાટક ‘મંજુલા મારફતિયા બી.એ. વિથ ગુજરાતી’ ફ્લૉપ ગયું, જેની વાત તમને ગયા સોમવારે કરી. નાટક ફ્લૉપ જવાનાં જે વિવિધ કારણો હતાં એની પણ આપણે ચર્ચા કરી તો સાથે ઝિનત અમાન માટે મને અને મારા હિન્દી નાટકોના ડિરેક્ટર રમેશ તલવારને સબ્જેક્ટ મળી ગયો એ પણ તમને કહ્યું. સિતાંશુ યશશ્ચંદ્રનું મૂળ ગુજરાતી નાટક ‘લેડી લાલકુંવર’ પરથી શફી ઈનામદાર અને ભક્તિ બર્વે સાથે હિન્દી નાટક બન્યું હતું ‘અદા’, જે અમે ઝિનતજી સાથે કરવાનું નક્કી કર્યું. ઝિનતજીને નાટક અને વિષય ગમ્યાં અને તેમણે હા પાડી એટલે પહેલી વાર ઝિનત અમાનને સ્ટેજ પર લાવવાનું શ્રેય આપતા નાટક ‘ચુપકે ચુપકે’ના પાયા નખાયા.
ADVERTISEMENT
‘ચુપકે ચુપકે’માં હું પણ એક રોલ કરતો હતો અને એનું માર્કેટિંગ પણ શરૂ કરીને નક્કી કરી નાખ્યું કે ૨૦૦૩ના માર્ચ મહિનામાં નાટકની અમેરિકા-ટૂર કરવી. ઝિનતજીવાળા આ નાટકને કારણે મને એક મોટો ફાયદો થયો. જયા બચ્ચનવાળું નાટક હોય કે પછી શત્રુઘ્ન સિંહાવાળું નાટક, પણ એ બન્ને નાટકો મેં મારા જોખમે કર્યાં હતાં. એ બન્ને નાટકો અમેરિકામાં હિટ જતાં ‘ચુપકે ચુપકે’ માટે અમને પહેલેથી જ પ્રમોટર મળી ગયો, જેને લીધે મારું ઘણુંખરું ટેન્શન હળવું થઈ ગયું હતું જેને લીધે મને મારા રોલને ડેવલપ કરવામાં પણ મજા આવતી હતી.
‘ચુપકે ચુપકે’માં ઝિનતજી ઉપરાંત રમેશ તલવાર પણ હતા. ગુજરાતી નાટક ‘લેડી લાલકુંવર’માં જે રોલ અરવિંદ જોષી કરતા હતા એ રોલ રમેશજીએ કર્યો, તો ગુજરાતીમાં જે રોલ ટીકુ તલસાણિયા કરતા હતા એ રોલ હું કરતો હતો. આ ઉપરાંત અમારી ટીમમાં મેઘા બંગાળી, સત્યેન પટવા, કપિલ ભુતા, મિહિર રાજડા હતા. મિહિર આપણો ગુજરાતી છે, પણ તે મરાઠી ટીવી-સિરિયલમાં ખૂબ મોટું નામ કમાયો છે. મિહિર રાઇટર પણ છે. નાટકમાં ચીફ ટેક્નિશ્યન તરીકે સામ કેરાવાલા હતા. સામ કેરાવાલા એટલે પાટકર હૉલમાં એક સમયના મૅનેજર. અમેરિકાની ટૂર દરમ્યાન તેમની સાથે મારો ઘરોબો થઈ ગયો. અદ્ભુત માણસ અને લખલૂટ જ્ઞાન. તેમના જ્ઞાનનો મેં ભરપૂર લાભ લીધો છે. અત્યારે તેમની ઉંમર ૯૨ વર્ષની, પણ આ ઉંમરે પણ સ્ફૂર્તિ-ચુસ્તી કોઈ પણ યુવાનને શરમાવે એવી.
‘ચુપકે ચુપકે’ માટે અમે વિઝા અપ્લાય કર્યા અને પહેલી જ વારમાં બધાને વિઝા મળી ગયા. અમેરિકામાં નાટકના શો દરમ્યાન મારે ઝિનતજી સાથે ખૂબ સારા સંબંધ થયા. ન્યુ જર્સીમાં અમારે થોડા દિવસનો ગૅપ હતો એટલે હું, રમેશજી અને સામ કેરાવાલા નીકળીએ એટલે અમારી સાથે ઝિનતજી એકદમ સામાન્ય વ્યક્તિની જેમ નીકળી પડે. કોઈ સ્ટારડમ નહીં, કોઈ જાતના ટેન્ટ્રમ નહીં. ન્યુ જર્સીની જ વાત કહું. અમે હોટેલથી થોડું ચાલીએ એટલે બસ-સ્ટૉપ આવે. ત્યાંથી અમને ડાયરેક્ટ મૅનહટ્ટનની બસ મળે. ન્યુ જર્સીમાં અમારો ૧૦ દિવસનો પ્રોગ્રામ હતો. રોજ અમે બસ પકડીને મૅનહટ્ટન જઈએ. ત્યાં ફરીએ, ખાઈએ અને પછી નાટકો જોઈએ. અમારું બજેટ હોય નહીં એટલે વ્યક્તિગત રીતે અમે ૧૫ ડૉલરની ટિકિટ લઈએ. ઝિનતજી પણ અમારી સાથે નાટક જોવા આવે અને પોતાની ૧૫ ડૉલરની ટિકિટ તે પોતે ખરીદે. આવું આપણે કરવા દઈએ નહીં, પણ તેમની સ્પષ્ટ ના. કોઈએ મારા પૈસા આપવાના નહીં, મારા પૈસા હું જ આપીશ.
ઝિનતજી સાથેના નાટકની વાત કરતાં-કરતાં મને અમારા શત્રુઘ્ન સિંહાવાળા નાટકની એક ઘટના યાદ આવી ગઈ. અઢળક જીવ્યા હો, ભર્યું-ભર્યું જીવ્યા હો ત્યારે એવું બને પણ ખરું કે કેટલીક વાતો મોડેથી યાદ આવે. એવું જ થયું છે અત્યારે મારી સાથે. શત્રુજી સાથેના નાટક ‘પતિ, પત્ની ઔર મૈં’ના અનેક કિસ્સાઓ છૂટાછવાયા યાદ આવે છે. એ જ્યારે પણ યાદ આવશે ત્યારે તમને કહેતો રહીશ.
શત્રુજી મિત્રોના મિત્ર અને એવા મિત્ર કે તે તમારા માટે પોતાનું સઘળું દાવ પર લગાડતાં પણ ન ચૂકે. જો તમે રાતના સમયે શત્રુજીના ઘરે ગયા હો તો તે તમને છાંટો-પાણી કરાવી, જમાડીને જ ઘરેથી નીકળવા દે. અમારા નાટક સમયનો એક નિયમ હતો.
નાટકનો શો હોય એટલે સવારે ૧૧-૧૨ વાગ્યે આખી ટીમે શત્રુજીના સૂટમાં જવાનું અને ત્યાં આખા નાટકનું રીડિંગ કરવાનું. રીડિંગ વખતે તેમને જો એડિશન કરવાં હોય તો એ ત્યારે જ રમેશજીને પૂછીને એડિશન પણ કરી લે. ઇન્ટરવલ સુધીના નાટકનું રીડિંગ પૂરું થાય એટલે જમવાનો ઑર્ડર કરવાનો. નાટકનો સેકન્ડ અંક પૂરો થાય એટલી વારમાં જમવાનું આવી જાય એટલે બધાએ સાથે જમવાનું. જમ્યા પછી શત્રુજી બધાને કહે, ‘જાઓ, અપને-અપને કમરે મેં જા કર સો જાઓ... રાત કો જમકર શો કરેંગે...’
આપણે વાત કરતા હતા અમેરિકાની. અમેરિકામાં ‘પતિ, પત્ની ઔર મૈં’ની ટૂર સમયે બન્યું એવું કે ટૂર નક્કી થતી હતી એ સમયે રાકેશ બેદી અવેલેબલ હતો, પણ જ્યારે જવાનું થયું ત્યારે રાકેશને શૂટિંગનું કમિટમેન્ટ આવી ગયું. તેણે કહ્યું કે શૂટિંગ પૂરું કરીને તે અમને જૉઇન કરશે. અમારે શરૂઆતના ૧૫ દિવસ કાઢવાના હતા, જેને માટે અમને યાદ આવ્યો અમારો પહેલો હીરો અમર બાબરિયા. શરૂઆતના એ પખવાડિયામાં ત્રણેક શો જ હતા. અમે ઑર્ગેનાઇઝરને જાણ કરી દીધી કે એ શો રાકેશ નહીં, પણ અમર કરશે અને રાકેશ સીધો ન્યુ યૉર્કના શોથી જોડાશે. ન્યુ યૉર્કનો શો આવી ગયો અને અમે રાકેશ બેદીનું નામ અનાઉન્સ કરી દીધું, ફ્લશિંગમાં હિન્દુ ટેમ્પલનો એ હાઉસફુલ શો હતો, પણ કરમની કઠણાઈ કે રાકેશ બેદીની ફ્લાઇટ લેટ થઈ. યોગાનુયોગ અમર બીજા દિવસે મુંબઈ જવાનો હતો એટલે અમારી પાસે બૅકઅપ પ્લાનમાં તે હતો. થોડી વારમાં ખબર પડી કે ઍરપોર્ટ પર ફ્લાઇટ આવી ગઈ છે, પણ બહાર આવતાં અને શો માટે પહોંચતાં રાકેશને હજી સહેજેય એક કલાક થશે.
અમે ઑડિયન્સને રિક્વેસ્ટ સાથે વાત કરી કે આવું બન્યું છે તો અમે શો બીજા ઍક્ટર સાથે શરૂ કરીએ છીએ. અમરે પહેલા અંકમાં કામ કર્યું અને જેવો ઇન્ટરવલ પડ્યો કે રાકેશ બેદી આવી ગયો. તરત જ રમેશજીએ ઑડિયન્સને કહ્યું કે રાકેશ બેદી આવી ગયો છે એટલે હવેનો શો રાકેશ ભજવશે. ઑડિયન્સે આ વાતને તાળીઓથી વધાવી લીધી. આમ, જે જ્વલ્લે જ બને એવું અમે અમેરિકામાં કર્યું અને લોકોએ અમને વધાવી લીધા.
હવે ફરીથી વાત કરીએ આપણે નાટક ‘ચુપકે ચુપકે’ની. ઝિનતજીવાળું આ નાટક અમેરિકા ઉપરાંત અમે ઇન્ડિયામાં પણ કર્યું હતું. મને હજી પણ યાદ છે એ શો અમારો ડિસેમ્બરના છેલ્લા વીકમાં હતો. એ શોની ટૂરમાં અમારી સાથે ઝિનતજીનો દીકરો પણ આવ્યો હતો. અમારા લોકોનો સ્ટે એ સમયે ઍમ્બૅસૅડર હોટેલમાં હતો. આ હોટેલમાં ઍન્ટિ-ક્લૉક વાઇઝ નામનો ડિસ્કોથેક છે. અમારી આખી ટીમે નક્કી કર્યું કે ક્રિસમસનો દિવસ છે તો આપણે પાર્ટી કરીએ, પણ સાહેબ, ડિસ્કોથેકના ચાર્જિસ બહુ હાઈ. જોકે એ પછી પણ અમે જવાનું નક્કી કર્યું અને જેવી હોટેલ મૅનેજમેન્ટને ખબર પડી કે અમારી સાથે પાર્ટીમાં ઝિનતજી આવવાનાં છે તો તરત જ અમને તોતિંગ ડિસ્કાઉન્ટ કરી આપ્યું. રાતે બે વાગ્યા સુધી અમે એ પાર્ટી કરી હતી પણ, પણ, પણ...
તમારે અત્યારે કોઈ પાર્ટી કરવાની નથી. થર્ડ વેવ આવે એવી જે શક્યતા દેખાય છે એને આપણા તરફથી કોઈ જાતનો વેગ ન મળે એ જોવાનું કામ આપણે સુપેરે નિભાવવાનું છે. મળીએ, આવતા સોમવારે.


