ટેક્નૉલૉજીના દુરુપયોગથી ચલાવાતી ફેકોલૉજીથી સતર્ક નહીં રહેનાર સમાજ ગેરમાર્ગે દોરાતો રહેશે, જે દેશના-પ્રજાના હિતમાં નહીં હોય. અલબત્ત, સોશ્યલ મીડિયા પર ચાલતી ફેક બાબતોનો પ્રચાર-પ્રસાર ન થાય એનું ધ્યાન રાખવાની એક નાગરિક તરીકે આપણી ફરજ છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક સમયથી દેશમાં ફેક ન્યુઝ-ફેક વિડિયો સહિત ઘણીબધી ફેક બાબતોનો પ્રચાર-પ્રસાર જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે, હવે આજકાલ એમાં ડીપફેકનો ઉમેરો થયો છે. સરકારે આ ગંભીર અપરાધ સામે ઍક્શન લેવાની જોગવાઈ પણ કરી છે. ડીપફેક વિશે આમ તો હવે સમજાવવાની જરૂર નથી. એક ચહેરા પર બીજા ચહેરાને મૂકી તેની સાથે ખરાબ-બીભત્સ કે ઐનિતક ચેડાં કરવામાં આવી રહ્યાં છે. આ એક ખતરનાક ખેલ શરૂ થયો છે. કહે છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું આ (કુ)કમાલકર્મ છે. આમ હાલ તો સમાજમાં સતત ફેક-ફેક-ફેક ચાલી રહ્યું છે. એક સમયે આપણે ગપ્પાંબાજીને ફેકબાજી કહેતા રહ્યા છીએ. જે કોઈ વ્યક્તિ ધંગધડા કે પુરાવા વિનાની વાતો કરે, અધ્ધર વાતો કરે તેને આપણે ગપ્પેબાજ કહીએ છીએ. આ શબ્દ હવે આધુનિક-ટેક્નો યુગમાં ફેક તરીકે જાણીતો થયો છે. ફેક એટલે બનાવટી-બોગસ-ખોટું-અસત્ય. નવાઈની વાત એ છે કે આ બધાં ફેક સત્યની જેમ ફરતાં કરાય છે. આને દોડવા-ઊડવા માટે સોશ્યલ મીડિયાની વિશાળ ધરતીનું મોકળું મેદાન અને વિરાટ આકાશ મળી ગયાં છે.
ફેકનો ફેલાવો પણ જોરમાં |કરુણતા એ છે કે સમાજમાં આ ફેક-અસત્ય એટલી તીવ્ર ગતિ અને જોરજોશથી ફેલાઈ રહ્યાં છે કે સત્યને પુરવાર થવા માટે સંઘર્ષ કરવો પડે છે. સત્ય સહજ હોય છે. આજે અસત્ય સરળતાથી સહજ થઈને સત્યનાં વસ્ત્રો પહેરીને બેફામ ફરી રહ્યું છે. અગાઉ સાધુ-સંતો-સાધકો-મહાત્માઓ જીવનના સત્યની શોધમાં જીવનભર માટે નીકળી જતા. આજે ટેક્નૉલૉજીના સહારે કામચલાઉ-ટૂંક સમય માટે પણ સત્ય બની જતા અસત્યની શોધ મોટી તપસ્યા બની રહી છે. આમ ટેક્નૉલૉજી આશીર્વાદ અને શ્રાપ બંને બનીને આગળ વધી રહી છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમો મારફત ફેક ન્યુઝ, ફેક વિડિયો, ફેક સ્ટોરી, ફેક જૉબ અને સર્વિસિસ, ફેક સમાજસેવા પણ પુરજોશમાં ચાલી રહ્યાં છે. પૈસાની છેતરપિંડી માટે ફેકનું માધ્યમ સરળ અને સહજ બનતું જાય છે. સચ્ચાઈની તપાસ વિના કે ખાતરી કર્યા વિના ફેક ન્યુઝ-સમાચાર-વિડિયો સેકન્ડોમાં દુનિયાભરમાં ફરતા થઈ જાય છે. વાતનું વતેસર અને ઘટનાનો અતિરેક પળભરમાં થવા લાગે છે. અસત્ય અર્થાત ફેક બાબતોની ગતિ એટલી વેગવાન છે કે સત્ય પહોંચે એ પહેલાં તો અસત્ય ક્યાંથી ક્યાં પહોંચીને અસર પણ કરવા લાગ્યું હોય છે.
ફેક માટે વિષયો-ઘટનાઓની કમી નથી | આ ફેકોલૉજીની દુનિયામાં કોઈ પણ મહત્ત્વનો અને લોકરસ-લોકભોગ્ય વિષય મુક્ત રહેતો નથી. સામાન્ય માનવીથી લઈ રાજકારણ, અર્થકારણ, બિઝનેસ, બૅન્કો, પેમેન્ટ ઍપ્સ, ઇન્વેસ્ટમેન્ટ, બૉલીવુડ-ટેલિવુડ, સેલિબ્રિટીઝ, વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ વગેરે સાથે ફેકનો ઉપયોગ થઈ શકે છે અથવા એમના નામે કે નિમિત્તે ફેક ભાઈ ફેક થઈ શકે છે. રાજકારણ અને અર્થકારણમાં તો આનું જોર વિશેષ છે જ. પરંતુ માર્કેટિંગ-બ્રૅન્ડિંગ માટે પણ ફેક ન્યુઝ-અહેવાલો-વિડિયોનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે. ફોટોશૉપ્સ, વિડિયો ક્લિપમાં એડિટિંગ, સ્પીચ એડિટિંગ, કટિંગ અને પેસ્ટિંગ સહિત અનેક ગતકડાં આ માર્ગે થાય છે. સાવ સાચાં અને પ્રામાણિક લાગે એ રીતે ન્યુઝ-સ્ટોરી વહેતાં કરાય છે. આ તો લેખિત થયું, વધુ વિશ્વાસ બેસે એ માટે વિડિયો પણ ફરતા કરાય છે. ઘણી વાર તો એમ થાય કે આપણે આને વેરિફાઇ ક્યાં કરાવવું? એ બહુ મોટો સવાલ બની રહે છે. અને મોટા ભાગે આપણે એમાં એક વાર યા થોડો સમય માટે તો તણાઈ જ જઈએ છીએ. આગામી ચૂંટણીમાં આવું ઘણું બની શકે, સતર્ક રહેવાની અને વિવેક જાળવવાની જવાબદારી આપણી પોતાની રહેશે.
રિયલિટી શોના નામે | તાજેતરમાં એક જાણીતા રિયલિટી શોમાં એક યુવાનને ફિલ્મજગતના સુવિખ્યાત ગાયક મોહંમદ રફી સાહેબના અવાજમાં એ રીતે ગીત ગાતો દર્શાવાયો કે જાણે આ યુવાન રફીનો પુનર્જન્મ લઈને આવ્યો હોય, રફી સાહબ કા નયા જન્મ જેવા શબ્દો સાથે તેના ગીત ગાવાનાં દૃશ્યો, એ ટીવીના રિયલિટી શોનો મંચ, અન્ય કલાકારો વગેરે સાથે મૅચિંગ કરીને એવા વાઇરલ કરાયા કે જાણે ખરેખર આ યુવાન રફી સાહેબનો હૂબહૂ અવાજ ધરાવે છે એવું લાગે. લાખો લોકો સુધી આ વિડિયો પહોંચ્યા બાદ હકીકત એ નીકળી કે એ યુવાનના હોઠ માત્ર હૂબહૂ હલતા (લિપસિન્ક) હતા, બાકી મૂળ અવાજ રફી સાહેબનો જ હતો. રિયલિટી શોના સ્ટેજ બનાવટી રીતે ફોટોશૉપ કરાયેલા હતા. એ બધા બિરદાવતા લોકો સાચા હતા પરંતુ એ ખરા-સાચા-જેન્યુઇન કાર્યક્રમવાળા કલાકાર માટેના હતા, જેને આ ફેક વિડિયો સાથે એ રીતે ભેળવી દેવાયા હતા કે જાણે તેઓ આ ફેક યુવાન અને તેના ફેક ગીતને
બિરદાવતા હોય. પછી એમ પણ આવવા લાગ્યું કે આ વિડિયોને આટલા લાખ વ્યુઅર્સ, લાઇક્સ વગેરે મળ્યા છે. અસત્યને પણ ક્યાંક શરમ
આવે અથવા નામોશી લાગે એટલી બેશરમીથી આવા વિડિયો લાખો લોકો સુધી પહોંચતા કરાયા હતા. આમ કરવામાં આપણા જેવા સામાન્ય માણસો જ જાણતાં-અજાણતાં અનાયાસે ભળી ગયા હતા, કારણ કે પહેલી નજરે એના ભાવુક થઈ જનાર વધુ રહે છે. આમ પણ આપણા
સમાજમાં બહુ જલદી ભાવુક-ઇમોશનલ-ઘેલા થઈ જનારાઓની સંખ્યા ખાસ્સી મોટી રહે છે. હાલમાં આપણે વાસ્તવિક વર્લ્ડ કપમાં ન જોયું? આ ફેક નહોતું, પરંતુ અતિરેક તો હતો જ.
યાદ કરો, કેબીસી - કૌન બનેગા કરોડપતિ વખતે પણ કેવા-કેવા ફેક ફોન-મેસેજ આવતા રહે છે.
ફેકાફેકનો ભોગ અને હાથો બનવાથી બચવાના ઉપાય
ખેર, આનાથી બચવા શું કરવું? આ ફેક ન્યુઝને-વિડિયોને ઓળખવા કઈ રીતે? એ સમજવું આવશ્યક છે. અન્યથા આપણે ફેક (નેક કામ નહીં) કામના ભોગ બન્યા કરીશું અને બીજાને બનાવવામાં નિમિત્ત બનીશું.
૧. એ ન્યુઝ કે વિડિયો ક્યાંથી, કોની પાસેથી આવ્યા છે એ જોઈ લો. આપણા ગ્રુપમાં અમુક ઘેલા-વધુપડતા ભાવુક લોકો પણ હોય છે, જેમાંથી આપણે આપણી વિવેકબુદ્ધિ મુજબ તારવવું પડે કે આ મોકલનાર કોણ છે, એના ફૉર્વર્ડ પર કેટલો ભરોસો કરાય.
૨. જ્યાં સુધી તમને સચ્ચાઈની ખાતરી ન થાય ત્યાં સુધી એ મેસેજ કે પોસ્ટ તમે ફૉર્વર્ડ ન કરશો.
૩. જો સંભવ હોય તો વેરિફિકેશન મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. (અલબત્ત, વિષય કેટલો ગંભીર છે એના આધારે) અન્યથા એ પોસ્ટને તમારા સુધી રોકી દેવામાં ડહાપણ છે.
૪. એ મેસેજ-ન્યુઝ-વિડિયોને બરાબર જુઓ, એનો હેતુ શું હોઈ શકે એ સમજો, તમે કોઈના હાથા બની રહ્યા નથીને એ વિચારો. કોઈ તમારો યુઝ તો કરી રહ્યું નથીને એ જાણી લો,.
૫. આવેલો મેસેજ-પોસ્ટ-વિડિયો કોઈ મોટી હસ્તી વિશે હોય (જે રાજકારણી, ફિલ્મસ્ટાર, ક્રિકેટર, ઉદ્યોગપતિ વગેરેમાંથી કોઈ હોઈ શકે) ત્યારે વિશેષ અલર્ટ થઈ જાઓ. ક્યાંક પ્રચાર યા કુપ્રચારનો કે પછી પબ્લિસિટીનો પ્રયાસ હોઈ શકે.
૬. કોઈ પ્રોડક્ટ, સર્વિસની બ્રૅન્ડિંગ કે માર્કેટિંગ સંબંધી હોય ત્યારે પણ સજાગ રહો, કોઈ તમારો યુઝ કરી રહ્યું હોઈ શકે.
૭. અજાણ્યા સોર્સમાંથી આવ્યો હોય તો તો એની ઉપેક્ષા કરો અથવા એમાં શંકા કરો. સવાલ ઉઠાવો કે એ વ્યક્તિએ તમને એ કેમ મોકલાવ્યો.
૮. વિચારો કે આ તમારી પાસે આવ્યું છે એમ બીજા હજારો લોકો પાસે ગયું હશે તો હવે તમારે એને ફૉર્વર્ડ કરીને કોની પ્રશંસા મેળવવી છે?
૯. અમુક બાબતમાં તમે ગૂગલમાં પણ ચેક કરી શકો, જ્યાંથી તમને સંભવતઃ ખરાપણું મળી શકે.
૧૦. તમે આવી પોસ્ટમાં આવેલા ફોટોઝ કે વિડિયોઝને તમારા બારીક નિરીક્ષણ સાથે જુઓ અને ખાતરી કરો.
બાય ધ વે, અસત્યનો અને બનાવટોનો પ્રચાર-પ્રસાર થાય નહીં એ જોવાની આપણી ફરજ પણ યાદ રાખો.

