પાંચમું કર્મ દેવદ્રવ્ય વૃદ્ધિઃ આ કર્તવ્યનું વિવેચન કરતાં પૂર્વે એક ખુલાસો કરી દઉં. સંવેગ રંગશાળા, મૂલશુદ્ધિ પ્રકરણ, શ્રાદ્ધ વિધિ જેના ગ્રંથોમાં ગીતાર્થ શ્રાવકે જ્યારે જે ખાતું સીદાતું હોય ત્યારે એ ખાતામાં પોતાની સંપત્તિ વાપરવી એવો ઉલ્લેખ છે.
પ્રતીકાત્મક તસવીર
પાંચમું કર્મ દેવદ્રવ્ય વૃદ્ધિઃ આ કર્તવ્યનું વિવેચન કરતાં પૂર્વે એક ખુલાસો કરી દઉં. સંવેગ રંગશાળા, મૂલશુદ્ધિ પ્રકરણ, શ્રાદ્ધ વિધિ જેના ગ્રંથોમાં ગીતાર્થ શ્રાવકે જ્યારે જે ખાતું સીદાતું હોય ત્યારે એ ખાતામાં પોતાની સંપત્તિ વાપરવી એવો ઉલ્લેખ છે. અર્થાત સાધારણ ખાતું નબળું હોય ત્યારે એમાં પોતાની સંપત્તિ વાપરવાને બદલે અન્ય ક્ષેત્રોમાં વાપરે તો એ ઉચિત ન ગણાય અને જો એવું કરે તો તે જેમ કોઈ વ્યક્તિનું પેટ ગાગર જેવડું મોટું હોય અને હાથ-પગ દોરડી જેવા પાતળા હોય તો જેવી કઢંગી લાગે એવું જિનશાસન કઢંગું થઈ જાય. ટૂંકમાં સાધારણ દ્રવ્યને સપ્રમાણ બનાવીને પછી બાકીનાં ક્ષેત્રોમાં લાભ લેવો જોઈએ. નો ડાઉટ, પરમાત્માનું પુણ્ય અદ્ભુત છે. આજે પણ લાખો-કરોડો રૂપિયા પ્રભુની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા વગેરેના ચઢાવામાં બોલાતા હોય છે. કોઈ શ્રદ્ધાળુ ભક્ત બોલે તો એનો વિરોધ પણ ન કરાય કે આ દ્રવ્યને કૉલેજ, મેડિકલ કે ગરીબોમાં વાપરી નાખવું જોઈએ; ભગવાનને ક્યાં રૂપિયાની જરૂર છે એવા કુતર્ક પણ ન કરાય.
મુકેશ અંબાણી કરોડો-અબજોના ખર્ચે પોતાને રહેવા માટે ૨૪ માળનું ઍન્ટિલિયા બિલ્ડિંગ બનાવે તો એમાં કોઈનો વિરોધ ન હોય તો જે પરમાત્માનું દ્રવ્ય છે એ દ્રવ્યથી પરમાત્માનાં જૂનાં-જીર્ણ થયેલાં જિનાલયોનો જીર્ણોદ્ધાર થાય કે યોગ્ય સ્થાને નૂતન જિનાલયો બને તો શા માટે કોઈના પેટમાં દુખાવો થવો જોઈએ?
ADVERTISEMENT
હા, દેવદ્રવ્યનો બેફામ-આડેધડ વેડફાટ ન થવો જોઈએ. તેમ જ શ્રાવકે આ દ્રવ્યને પોતાના અંગત ઉપયોગમાં પણ ન લેવું જોઈએ. દેવદ્રવ્યની વૃદ્ધિ - સુરક્ષા કરવાથી જેમ તીર્થંકર નામકર્મ બાંધી શકાય છે તેમ દેવદ્રવ્યનો વિનાશ કરવાથી આ ભવમાં અપયશ, નિજસંપત્તિનો ક્ષય અને પરલોકમાં હજારો - લાખો ભવો સુધી દુર્ગતિની પરંપરા લમણે ઝિંકાય છે.
છઠ્ઠું કર્મ મહાપૂજાઃ પ્રભુનું જિનાલય દેવલોકને પણ ટક્કર મારે એવું હોવું જોઈએ. પર્વના દિવસોમાં, મહોત્સવોમાં સંપૂર્ણ જિનાલયનો શણગાર થવો જોઈએ. પ્રત્યેક પ્રભુજીની ભવ્ય-અતિભવ્ય અંગરચના થવી જોઈએ. પ્રભુનાં દર્શન કરવા આવનાર દર્શનાર્થી દર્શન કર્યા પછી ત્યાં જ ચોંટી જાય, હલી ન શકે. ભગવાનનાં દર્શન કર્યા પછી આ દુનિયામાં કોઈ જોવા જેવું નથી એવા ભાવ આવે એવી અદ્ભુત મહાપૂજા હોવી જોઈએ.
ગૃહસ્થ પોતાના કુટુંબમાં લગ્નાદિના પ્રસંગો આવે ત્યારે જેવા ભપકા કરે છે, જેવા ઠાઠ કરે છે એનાથી દસગણો, સોગણો ઠાઠ ત્રણ લોકના નાથના શણગારમાં વર્ષે એક વાર શ્રાવકે કરવો જોઈએ. એવું કરે તો ખબર પડે કે સંસારી વ્યક્તિ કરતાં પરમાત્મા કેટલા ચડિયાતા છે.
અને એક મહત્ત્વની વાત મહાપૂજા ભલે વર્ષમાં એક વાર થાય પણ જિનાલયની શુદ્ધિ- સ્વચ્છતા તો રોજ થવી જોઈએ. આખા વિશ્વમાં જૈન મંદિરો એની સ્વચ્છતાને લીધે જ વધુ પ્રસિદ્ધ છે.
૭. રાત્રિ જાગરણઃ તીર્થયાત્રા, તપસ્યા કે કલ્યાણકોના મંગલ દિવસોમાં રાત્રિ જાગરણ થવું જોઈએ. વર્ષમાં એક વાર પરમાત્માનાં ગુણગાનમાં રાત્રિ પસાર કરવી જોઈએ. આજની સંધ્યાભક્તિ, ભાવના પ્રભુને કેન્દ્રમાં રાખીને થાય એ ઉચિત છે અન્યથા પ્રભુના સ્થાને સંગીતકારો જ વધુ છવાઈ જતા હોય છે.
- પૂ. આ. શ્રી મહાબોધિસૂરિ મહારાજ
