પત્નીને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસની પીડામાંથી પસાર થતી જોયા બાદ અન્ય દરદીઓ માટે હૃદયમાં કરુણા જાગતાં મલાડમાં રહેતા સતીશભાઈએ ૩૫ વર્ષ પહેલાં ફ્રીમાં ઍક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આપવાનું કામ શરૂ કર્યું, જે આજે ૭૧ વર્ષની વયે પણ ચાલુ છે
નિવૃતિ પછી પ્રવૃત્તિ
સતીશભાઈ મફત માં સારવાર કરતાં
હાડકાં નબળાં પડવાની સમસ્યા સ્ત્રીઓને મિડલ-એજથી જ શરૂ થઈ જાય છે. જોકે એને કારણે હાડકાં અને સાંધામાં દુખાવો અને કળતર થયા કરે છે. ઍક્યુપ્રેશર અને યોગ એમાં બહુ જ અસરકારક બને છે. મલાડમાં રહેતા સતીશ પટવાને પત્નીની આ સમસ્યા જીવનમાં એક અનોખું મિશન આપી ગઈ.
પત્નીને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસની સમસ્યા હોવાથી તેમના માટે થઈને ઍક્યુપ્રેશરની ટ્રેઇનિંગ લીધા બાદ છેલ્લાં ૩૫ વર્ષથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર દરદીઓને નિઃશુલ્ક ઍક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આપવાનું કામ મલાડમાં રહેતા ૭૧ વર્ષના સતીશ પટવા કરી રહ્યા છે. આ વિશે સતીશભાઈ કહે છે, ‘મારી પત્ની અજિતાને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસની સમસ્યા છે; જેમાં હાડકાં નબળાં પડી જાય જેથી હાથ, પગ, કમરમાં દુખાવો અને સોજાની સમસ્યા થાય છે. એટલે તેમના માટે મેં જય ભગવાન ફ્રી ઍક્યુપ્રેશર ઇન્ટરનૅશનલ સંસ્થામાંથી ઍક્યુપ્રેશરની ફ્રી ટ્રેઇનિંગ લીધી. એ ટ્રેઇનિંગ પૂરી થયા બાદ મેં એ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા કેન્દ્રમાં નિઃશુલ્ક સેવા આપવાનું નક્કી કર્યું. મારી પત્ની જે પીડામાંથી પસાર થઈ રહી છે એવી જ પીડામાંથી પસાર થતા દરદીઓને રાહત આપવા માટે અને સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકું એ ભાવના સાથે મેં ફ્રી ઍક્યુપ્રેશરની સેવા આપવાનું ચાલુ કર્યું.’
ADVERTISEMENT
જય ભગવાન ફ્રી ઍક્યુપ્રેશર ઇન્ટરનૅશનલની સ્થાપના ૧૯૭૮માં ગુરુ શ્રી ચીમનભાઈ દવેએ કરી હતી. સમય સાથે આ સંસ્થાના કાર્યનો વિસ્તાર થતો ગયો અને મારા જેવા હજારો વૉલન્ટિયર્સ ઍક્યુપ્રેશરની સેવા આપવા માટે જોડાતા ગયા. હાલમાં અમે અમારા ગુરુજી માધુરીબહેન મહેતાના માર્ગદર્શન હેઠળ કામકાજ કરીએ છીએ. મુંબઈ સહિત દેશ અને દુનિયામાં આ સંસ્થાનાં સેન્ટર્સ આવેલાં છે એમ જણાવતાં સતીશભાઈ કહે છે, ‘આ સંસ્થાનું જ મલાડ વેસ્ટમાં એસ. વી. રોડ પર શ્રી મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન ઉમરશી બિલ્ડિંગમાં સેન્ટર ચાલે છે જેમાં હું અને મારા સહયોગી નેવિલભાઈ શાહ સાથે કામ કરીએ છીએ. આ સેન્ટરમાં મારી સાથે ૧૫થી ૧૬ ઍક્યુપ્રેશર થેરપિસ્ટ કામ કરે છે. અમે દર મંગળવારે અને શુક્રવારે સેવા આપીએ છીએ. ફક્ત મલાડમાં જ અમારાં ૫થી ૬ સેન્ટર છે, જે અલગ-અલગ દિવસે ઑપરેટ થાય છે. હું ૧૯૮૮થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં લાખો લોકોને ફ્રીમાં ઍક્યુપ્રેશરની સર્વિસ મળી છે. હું પાંચ વર્ષ પહેલાં સુધી યોગ પણ શીખવાડતો હતો, પણ હવે ઉંમરના હિસાબે બંધ કરી દીધું છે. બૅકપેઇન, સાઇટિકા, સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસના દરદીને યોગ શીખવાડીએ અને તેમને એ ઘરે કરવાની સલાહ આપીએ છીએ. એટલે એ માટે હું પોતે પણ પહેલાં યોગ શીખ્યો હતો. એ પછી મેં દસ વર્ષ સુધી દરદીઓને યોગ શીખવાડવાનું કામ કર્યું હતું.’
પોતાના અંગત જીવન વિશે સતીશભાઈ કહે છે ‘આમ તો મારો જન્મ ગુજરાતના ઊંઝામાં થયો હતો. અમે બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો હું હતો. મેં એચએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. મારા પિતાને કાપડની દુકાન હતી. જોકે મને એમાં કામ કરવાનો રસ નહોતો. મારા સંબંધીઓ મુંબઈમાં હતા. અહીં તેઓ ડાયમન્ડના કામકાજ સાથે જોડાયેલા હતા. એટલે પછી ૧૮-૧૯ વર્ષની વયે હું પણ મુંબઈ આવી ગયો. એ પછી મારાં અજિતા સાથે લગ્ન થયાં. અજિતાને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ ડિટેક્ટ થયો ત્યારથી તેની દવાઓ તો ચાલુ જ છે, પણ સાથે-સાથે હું તેને દર બે દિવસે એક વાર ૧૦-૧૫ મિનિટ માટે ઍક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આપું છું. મારે ત્રણ દીકરીઓ છે અને ત્રણેય તેમના સાસરે સુખી છે. હું ડાયમન્ડ માર્કેટમાં બ્રોકરેજનું કામ કરુ છું. મારો બાકીનો સમય સામાજિક કાર્યો માટે વાપરું છું. હું અમારી ટિલ્લીબાઈ અપાર્ટમેન્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનો ચૅરમૅન છું. ઉપરાંત અમારા શ્રી ૧૪ ગામ જૈન મિત્ર મંડળમાં કમિટીનો મેમ્બર પણ છું. પરિવાર માટે તો આપણે બધા કામ કરતા જ હોઈએ છીએ, પણ જ્યારે સમાજ માટે કોઈ કામ કરીએ ત્યારે એક અનોખી સંતોષની લાગણી થાય છે.’