ક્યાં લાંબું મ્યુઝિક હોય તો આર્ટિસ્ટનો પર્ફોર્મન્સ ઑડિયન્સને જોવા મળે અને ક્યાં ટૂંકા મ્યુઝિક વચ્ચે પણ નબળા આર્ટિસ્ટને ઢાંકી શકાય એ ડિસ્કશન પછી અમારી માગ હતી એ મુજબનું મ્યુઝિક ઇસ્માઇલ દરબારે તૈયાર કરેલું
માત્ર કોરિયોગ્રાફી નહીં, મ્યુઝિકમાં પણ ઇનપુટ
જો આજના સમયની લિવિંગ ડાન્સિંગ દીવાનું નામ પૂછવામાં આવે તો એક નામ ન આપી શકાય. તમારે ત્રણ જ નામ આપવાં પડે. ઐશ્વયા રાય બચ્ચન, માધુરી દીક્ષિત અને દીપિકા પાદુકોણ. આ ત્રણ ઍક્ટ્રેસ માત્ર તેમની ઍક્ટિંગના કારણે નહીં, તેમની ડાન્સની કુનેહના કારણે પણ બૉલીવુડમાં પૉપ્યુલર થઈ છે. હમણાં તો ઓછું થયું છે, પણ એક સમય હતો કે પ્રોડ્યુસર-ડિરેક્ટર આ ઍક્ટ્રેસે જે સૉન્ગ પર ડાન્સ કર્યો હોય એ સૉન્ગનું પ્રમોશન કરતા અને કહેતા કે આ સૉન્ગથી અમે ઑડિયન્સને થિયેટર સુધી ખેંચી લાવીશું.
ઐશ્વર્યા, માધુરી અને દીપિકાના ડાન્સમાં જે નજાકત છે, જે લાવણ્ય છે, જે કોમળતા છે એની પાછળનું કારણ તેમનું બૅકગ્રાઉન્ડ છે. આ ત્રણેય ઍક્ટ્રેસ ક્લાસિકલ ડાન્સ જાણે છે. તમે કોઈ એકાદ ગીતની આઠ-દસ દિવસ તૈયારી કરીને પછી એ પર્ફોર્મ કરી દો એ જુદી વાત છે અને આઠ-દસ વર્ષની તાલીમ લઈને તમે ક્લાસિકલ ડાન્સ શીખો એ જુદી વાત છે. સદ્ભાગ્યવશ અમને આ ત્રણ દીવામાંથી બેની સાથે કામ કરવા મળ્યું. ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અમે ‘હમ દિલ દે ચુકે સનમ’માં કામ કર્યું તો દીપિકા પાદુકોણ સાથે ‘રામલીલા’માં કામ કર્યું. માધુરી દીક્ષિત સાથે અમે એક ફિલ્મ કરતા હતા પણ કમનસીબે એ ફિલ્મ બંધ થઈ ગઈ એટલે એ ડ્રીમ અધૂરું રહી ગયું. ઍની વેઝ, વાત કરીએ આપણે ‘હમ દિલ દે ચુકે સનમ’ના સૉન્ગ ‘ઢોલી તારો ઢોલ બાજે...’ની.
સંજય ભણશાલી અમારી કોરિયોગ્રાફી જોવા માગતા હતા એટલે અમે પાર્લામાં હૉલ ભાડે રાખી તેમને આવવા કહ્યું અને સંજયભાઈ આવ્યા ચાલીસ લોકોની પોતાની મોટી ટીમને લઈને.
ત્રણ-ત્રણ કૅમેરામેન, મ્યુઝિક ડિરેક્ટર ઇસ્માઇલ દરબાર, લિરિસિસ્ટ મહેબૂબ, પાંચથી સાત અસિસ્ટન્ટ્સ, કૉસ્ચ્યુમ ડિઝાઇનર અને એ સૉન્ગમાં જે સ્ક્રીન પર દેખાવાના હતા એ આર્ટિસ્ટ. અફકોર્સ એમાં સલમાન અને ઐશ્વર્યા નહોતાં પણ શિબા ચઢ્ઢા, કેનિથ દેસાઈ, ઘનશ્યામ નાયક અને બીજા કલાકારો હતા.
અમે એ સમયે લાઇવ પર્ફોર્મન્સ આપતા. અમારા ઢોલી હુસેનભાઈ હતા. ઢોલ વાગતો જતો હોય, સિંગર્સ ગાતા જતા હોય અને ગરબાનો પર્ફોર્મન્સ આવતો જાય. અમે અમારી ટીમનો પર્ફોર્મન્સ દેખાડ્યો અને જેવો પૂરો થયો કે તરત જ સંજયભાઈએ કહ્યું કે મને આ જ જોઈતું હતું, તમે મારા માટે કોરિયોગ્રાફી કરો.
અહીંથી અમારી ફિલ્મની જર્ની સ્ટાર્ટ થઈ, જે આજે વીસેક ફિલ્મની, ત્રીસથી વધારે સિરિયલની કોરિયોગ્રાફી સુધી પહોંચી છે.
‘ઢોલી તારો ઢોલ બાજે...’ ગીતની એક ખાસ વાત કહું. આ સૉન્ગની કોરિયોગ્રાફીમાં જ નહીં, આ સૉન્ગના મ્યુઝિકમાં પણ અમારા ઇનપુટ્સ છે. ક્યાં અમને વધારે મ્યુઝિક જોઈએ છે, એ મ્યુઝિક કયા ઇન્સ્ટ્રુમેન્ટનું હશેથી લઈને કોની એન્ટ્રી કેવી રીતે થશે અને એ એન્ટ્રી પછી એનો પર્ફોર્મન્સ દેખાય એ માટે ત્યાં કેટલું મ્યુઝિક જોઈશે જેવી બાબતોમાં અમારા ઇનપુટ રહ્યા, જે સંજયભાઈ અને ઇસ્માઇલ દરબારે પણ સ્વીકાર્યા.
સૉન્ગ આખું રેડી થયું એટલે અમે પહેલાં તો એ અમારી ટીમનાં ચાર છોકરાઓ અને ચાર છોકરીઓ સાથે તૈયાર કર્યું. બે જ દિવસમાં કોરિયોગ્રાફી રેડી થઈ ગઈ એટલે ટીમને લઈ અમે એ સંજયભાઈની હાજરીમાં સલમાન અને ઐશ્વર્યાને દેખાડ્યું. સલમાન તો એ જોઈને જ ડરી ગયો હતો. તેણે અમારી હાજરીમાં જ સંજયભાઈને કહ્યું, ‘અરે યે મુજસે કૈસે હોગા?’
સંજયભાઈએ ત્યારે પણ એવું જ કહ્યું કે આ ગીત ઉપર તો મારું પિક્ચર છે. તારે તૈયારી કરવી પડશે અને સલમાને તૈયારી કરી પણ એ તૈયારી કેવી રીતે થઈ એની વાતો અને ક્લાસિકલ ડાન્સની બીજી વાતો આપણે કરીશું આવતા રવિવારે.


