Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > આને કહેવાય ઍડ્વેન્ચર અનલિમિટેડ!

આને કહેવાય ઍડ્વેન્ચર અનલિમિટેડ!

Published : 19 November, 2023 04:57 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

ક્વીન્સ ટાઉનમાં રોમાંચક ઍડ્વેન્ચરની ઍક્ટિવિટીઝમાં શૉટ ઓવર નદીમાં બોટ રાઇડ અને પછી બૉબ્સ પિક પરથી શહેરદર્શન અને પૅરાગ્લાઇડિંગની મજા અવર્ણનીય છે

દેવદારનાં જંગલો પર પૅરાગ્લાઇડિંગ

શ્રી કુદરત શરણમ્ મમ:

દેવદારનાં જંગલો પર પૅરાગ્લાઇડિંગ


આંખો સામે જે રચાઈ રહ્યું હતું એ અપ્રતિમ હતું. શૉટ ઓવર નદીનું ગ્લૅસિયલ વૉટર એટલે કે બરફનું પાણી, વિશાળ પટ, પરંતુ સરખામણીએ સાંકડો જળમાર્ગ, બન્ને બાજુએ દેખાઈ રહેલી શિલાઓ અને અમારી તરફ આવી રહેલી લાલ રંગની જેટ બોટ. જાણે કુદરતી પરિબળોની બિછાત પર લાલ રંગની બિંદી. મસ્તમજાની ઠંડક હતી. અમે બધાં આમ તો જૅકેટ્સ અને ગરમ કપડાં પહેરીને સુસજ્જ હતાં. 


વાચકમિત્રો, આ પ્રવૃત્તિ આજકાલથી ચાલુ નથી થઈ. છેક ઈસવી સન ૧૯૬૫માં એટલે કે ૫૮ વર્ષ પહેલાં આવાં બધાં સાહસોની ન્યુ ઝીલૅન્ડમાં શરૂઆત થઈ હતી. કહે છે કે સાહસ અહીંના મૂળ રહેવાસીઓની નસનસમાં વહે છે. અહીં આ કિંવદંતી સાચી પડતી લાગે તમને. આ પ્રવૃત્તિ કરીને પછી ઇતિહાસ ફંફોસ્યા પછી આ વાત સાચી જ નીકળી. આ સાહસિક પ્રવૃત્તિ, અહીંની મૂળ પ્રજાતિઓમાંની એક પ્રજાતિનું સંગઠન ચલાવે છે. આ સંગઠનનું નામ છે ‘નાઇ તાહુ.’ કહેવાય છે કે આ પ્રજાતિના વડવાઓ ૮૦૦ વર્ષ પહેલાં અનેક જોખમો ઉઠાવીને, પૅસિફિક મહાસાગર ખેડીને અહીં પહોંચ્યા અને વસી ગયા હતા. એક લોકવાયકા તો એમ પણ કહે છે કે આ પ્રજાતિનો સૌપ્રથમ સાગરખેડુ વહેલ માછલીની ઉપર સવાર થઈને અહીં પહોંચ્યો હતો. જે પણ હોય, સાચું-ખોટું ખબર નથી, પરંતુ સાહસ તો છે જ અને એ અહીં ચાલતી અનેક પ્રવૃત્તિઓના મૂળમાં તમને દેખાઈ જ આવે. નાઇ તાહુ એટલે તાહુ પ્રદેશના રહેવાસીઓ. આમ તો માઓરી સંસ્કૃતિનો એક હિસ્સો જ ગણાય. ક્વીન્સ ટાઉનથી ૧૦ કિલોમીટર અને અમારી હોટેલથી ૧૬ કિલોમીટરના અંતરે શૉટ ઓવર નદી પર આવેલો આર્થર પૉઇન્ટ અહીંનું ઉગમ સ્થાન છે. આગળ વધીએ. સારી એવી પહોળાઈ ધરાવતી આ બોટમાં ડ્રાઇવરને ગણીને કુલ ૧૫ જણનો સમાવેશ થઈ શકે છે. આગળ ડ્રાઇવર, તેની બાજુમાં બે જણ અને પછી ચાર-ચારની ત્રણ હરોળ. આ પ્રમાણે આ બોટમાં બેસવાની વ્યવસ્થા છે. સન ગ્લાસિસ જરૂરી છે, કારણ કે એક તો તડકો આંખમાં નડતો નથી અને બીજું મુખ્ય કારણ કે અતિશય ઝડપથી ઊડતી એટલે કે ભાગતી બોટમાં તમે આંખ ખુલ્લી રાખીને સફરનો રોમાંચ માણી શકો છો. નહીં તો અતિશય તીવ્ર ઠંડા પવનમાં તમે આંખો ખુલ્લી રાખી જ ન શકો એ ચોક્કસ છે. સારી પકડ ધરાવતા સન ગ્લાસિસ યાદ રાખીને પહેરી લેવાં. આ ઉપરાંત જૅકેટ પણ જરૂરી છે. વિન્ડચીટર હોય તો અતિઉત્તમ. શરીર પર ભાર પણ ન લાગે અને તમે પવનથી બચી પણ શકો. લટકામાં લાઇફ જૅકેટ પણ આ બધાની ઉપર પહેરવાનું જ હોય. બીજી કોઈ પણ વસ્તુ લઈ જવાની પરવાનગી નથી એટલે ટાળવું. આ નદીમાં એકસાથે બે બોટ ચાલતી હોય છે. એક નીકળે એટલે બીજી બોટ લગભગ એની ૧૫ મિનિટ પછી નીકળે. આ સફર લગભગ એક કલાકની હોય છે. આ એક કલાકમાં એક કે બે પૉઇન્ટ પર બન્ને બોટ એકબીજાની સામસામે આવી જાય છે. બાકી તો આખી સફર દરમ્યાન તમે, ઝડપ, પવન, પાણી અને અતિશય તીવ્ર વળાંકો સાથે ને સાથે. બીજું કોઈ નહીં. 



ન્યુ ઝીલૅન્ડમાં સલામતીનાં ધોરણો અતિશય કડક છે અને આમાં કોઈ પણ પ્રકારના સમાધાનને અવકાશ નથી. આ બોટ ચલાવતા ડ્રાઇવર્સને પણ એક કે દોઢ વર્ષની સખત તાલીમ પછી જ સહેલાણીઓ સાથેની બોટ હાથમાં મળે છે એટલે આ રાઇડ ૯૯.૯ ટકા એકદમ સલામત છે. એવું નથી કે અકસ્માત નથી થયા, પરંતુ પ્રમાણ નહીંવત જ કહી શકાય. એટલે ૦.૧ ટકા માટે આ રોમાંચ ન જ છોડાય. 


ઉપર લખ્યા મુજબ શિયાળાની શરૂઆત હતી અને સવારનો સમય હતો એટલે ઠંડી સારી એવી હતી. બોટ આવી. ૧૪માંથી ૯ તો અમે જ હતાં. છોકરીઓ આગળ ગોઠવાઈ ગઈ. પછીની હરોળમાં બીજા ચાર પ્રવાસીઓ અને બાકીની બીજી બે હરોળમાં અમે બાકીના ૭ જણ. હું છેલ્લી હરોળમાં બેઠો. આવી ઝડપી સફરમાં જો પૂરેપૂરો રોમાંચ માણવો હોય તો પહેલી હરોળમાં બેસવું અને નહીં તો પછી છેલ્લીમાં. વચ્ચે ગોંધાઈને બેસવામાં તમે વધારે પડતા સલામત થઈ જાઓ છો અને પછડાટ, ઉછાળા, વળાંકો જેવાં બધાં પરિબળોની અસર ખૂબ ઓછી થઈ જાય છે. માટે કાં તો પહેલી હરોળમાં, નહીં તો છેલ્લીમાં એવી મારી ભલામણ છે. બીજી કોઈ અડચણ હોય તો વચ્ચે પણ બેસી જવું, પરંતુ આ મજા છોડવી તો નહીં જ. કાંઈ થતું નથી. અમે ગોઠવાયા અને ડ્રાઇવરે પોતાની ઓળખાણ આપીને જરૂરી સૂચનાઓ પણ આપી દીધી; હાથ બહાર કાઢવો નહીં, નદીના પાણીને અડવાની કોશિશ કરવી નહીં, બોટની અંદર લાગેલા સળિયાને જરૂર લાગે તો પકડી રાખવો વગેરે વગેરે. સવારના પહોરમાં ડ્રાઇવર પણ તાજોમાજો હતો અને અમે પણ એકદમ જ તાજામાજા. તેણે અમને સફર દરમ્યાન તેના હાથની સંજ્ઞાઓ પર ધ્યાન રાખવાનું કહ્યું. સીધો હાથ રાખીને આગળ તરફ નમાવે એટલે બોટ તીવ્ર ગતિએ સીધી આગળ ધપશે એમ સમજવું. હાથ કાંડેથી પૂર્ણ ગોળ ફેરવે એટલે બોટ આખી ૩૬૦ ડિગ્રીએ ઘૂમી જશે એમ સમજવું. આ વર્તુળ બનાવવું આખી સફરનું સૌથી રોમાંચક પાસું છે એ જાણશો. 

ચાલો સૂચનાઓ પૂરી થઈ. હવે એક કલાકની સફર શરૂ કરીએ. બધાં ગોઠવાયાં અને ડ્રાઇવરે ‘સબ સલામત’ની ચકાસણી કરી અંગૂઠો ઊંચો કર્યો અને બોટ ઉપાડી, અરે, ઉડાડી એમ કહો. પ્રથમ ઝટકો એટલો તીવ્ર હતો કે બોટનો અડધો આગળનો ભાગ હવામાં ઊંચકાયો. એન્જિનની ઘરઘરાટી કોઈ પણ સાહસિકને વાંસળીના સૂર સમાન લાગે એટલો જોરદાર આરોહ. નદીના વહેણની દિશામાં અમારી શરૂઆત હતી એટલે એક તો બોટની ઝડપ અને એમાં નદીની ઝડપ. લગભગ ૧૫ કિલોમીટરથી તમારી ઝડપ વધી જાય. ૯૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપ તો બોટે જોતજોતામાં પકડી લીધી. એક તીવ્ર વળાંક અને ઠંડા પવનની જે થપાટ મોઢા પર વાગી છે, હજી પણ યાદ છે. કદાચ તાપમાન દસેક ડિગ્રી હશે, પરંતુ ૧૦ ડિગ્રી ઠંડી હવા, ૯૦ કિલોમીટરના વેગથી તમારા મોઢા પર વાગે, હા જી, વાગે એમ જ કહેવાય, તમારી જે હાલત થાય, જાણે કોઈએ કુલ્ફી કચકચાવીને મોઢા પર મારી હોય એવું જ લાગે. તીવ્ર હવાથી નાકના ફોયણા ફૂલી જાય. જો મોઢું ખુલ્લું રાખો તો હવાથી ગાલનાં ગલેફાં થઈ જાય. આ બધું અનુભવ્યું અને વળાંક સાથે શરીર હજી તો તાલમેલ ગોઠવે ત્યાં તો બીજો તીવ્ર વળાંક અને એ પણ વિરુદ્ધ દિશામાં. લોલક શબ્દનો અર્થ અત્યારે સમજાઈ રહ્યો હતો, પરંતુ અહીં તો ૧૪ લોલક હતાં. બેસેલાં લોલક કે પછી લોટા? વાચકો પર જ છોડું છું. આ શૉટ ઓવર નદી સાંકડી અને લાંબી છે અને શરૂઆતમાં આ બોટ પહેલાં જમણી દિશામાં જાય છે, જ્યાં પહોળાઈ વધારે અને અંતર ટૂંકું છે. પાંચેક કિલોમીટર જેટલું જ. પાંચેક કિલોમીટર પછી યુટર્ન લઈને તમે પાછાં વળો છો. પ્લૅટફૉર્મ વટાવીને પછી બોટ પ્રવેશે છે, સાંકડા વહેણમાં અને ભેખડોની વચ્ચે થઈને વહી રહેલા પાણીમાં. આ વખતે વહેણની વિરુદ્ધ દિશામાં, પાણી કાપીને બોટ પૂરેપૂરી ઝડપથી આગળ વધે છે. અમે જમણે આગળ વધ્યા. બે-ત્રણ તીવ્ર વળાંકો આવ્યા અને ડ્રાઇવરનો હાથ કાંડેથી અર્ધગોળ ફર્યો, યુટર્ન, જે ઝડપ હતી! હાથ પોતાની મેળે જ અંદર લાગેલા સળિયાને પકડવા એના પર ચંપાયો અને બોટથી પણ તીવ્ર ગતિથી પાછો ખેંચાયો. મગજ અને હાથ વચ્ચેના તાલમેલની જે ઝડપ હતી, ન પૂછો વાત. કારણ શું વળી? સાહેબ એ સળિયો થોડો હતો, એ તો જાણે બરફનો ચોસલો હતો. ઠંડીમાં આખી રાત ઊભી રહેલી બોટ અને સ્ટીલનો સળિયો. અતિશય ઠંડીમાં પાઇપમાં બરફ જામી જવાના સમાચાર વાંચ્યા છેને? બસ એવું જ સમજો. ઠંડીથી આખો સળિયો જાણે થીજી ગયો હતો. બરફનું ચોસલું જ બની ગયો હતો. હે ભગવાન, બાજુવાળા પર ઢળી પડવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો, અને યુટર્ન લીધો, પૂરઝડપે, પરંતુ આ તો થયો ૧૮૦ ડિગ્રીનો ટર્ન. બોટની ડાબી તરફ પાણીની જે છોળ ઊડી છે! બરાબર યાદ છે. પાણીનો મોટો પડદો દેખાયો અને ન્યુટનસાહેબનો ગુરુત્વાકર્ષણનો નિયમ બરાબર સમજાઈ ગયો. આખેઆખો પડદો ઊંચકાયો અને લગભગ ૧૫થી ૨૦ ફુટ સુધી લંબાઈને નદીમાં પછડાયો. હું ડાબા ખૂણામાં હતો એટલે યુટર્ન લેતી વખતે જમણે ઢોળાયો, રેલાયો. બોટ ફરી. દિશા બદલાઈ. હવે ખરી ગતિ પકડવાની હતી. ડ્રાઇવરનો હાથ ઊંચો થયો અને સામેની દિશા દેખાડી. મહત્તમ ગતિથી સીધી દિશામાં બોટ ભાગી. વહેણની વિરુદ્ધ દિશા હતી એટલે પાણીની ભયંકર પછડાટ નીચે અનુભવી શકાતી હતી. બધાં જ પોતપોતાની સીટ પર હાલકડોલક થતાં હતાં. પવન જાણે યમદૂતનું કામ કરી રહ્યો હતો. પહેલી હરોળવાળાની તો હાલત ખરાબ હતી. કિલકારીઓ ચિચિયારીમાં પલટાઈ ગઈ હતી. અમે બધાં આગલી હરોળમાં બેઠેલાંઓ પાછળ ચહેરો રાખવાની કોશિશ કરી રહ્યાં હતાં જેથી પવનનો માર ન વાગે, પરંતુ કોઈ કારી ફાવતી નહોતી. સીટની ગોઠવણી જ એવી રીતે હતી કે દરેક હરોળવાળાને આગળનું દૃશ્ય બરાબર દેખાય. આ એક ફાયદો પણ હતો અને એક ગેરફાયદો પણ. બોટે તીવ્ર ગતિથી પ્લૅટફૉર્મ વટાવ્યું અને આગળ વધી ગઈ. સન ગ્લાસિસને હિસાબે બધું બરાબર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. નદી સાંકડી થતી જતી હતી, પરંતુ અમારા ડ્રાઇવરને કોઈ ફરક જ પડતો નહોતો એવું લાગ્યું. જાણે ફોર લેન હાઇવે પર બોટ ચાલતી હોય એમ મજેથી ચલાવતો હતો. વધુ એક તીવ્ર વળાંક આવ્યો. હજી માંડ-માંડ સમતોલન જાળવ્યું ત્યાં તો આંખની સામે એક મોટા કદની શિલા દેખાઈ રહી હતી. જરા વિચારો? ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ અને સામે દેખાતી તોતિંગ શિલા. આંખો ફાટીને બહાર આવી ગઈ, મોઢાં ખુલ્લાં, મરણચીસ નીકળી જ હતી અને એક હળવો ઝાટકો. શિલા ડાબેથી નીકળી ગઈ. કદાચ શિલા અને બોટ વચ્ચેનું અંતર જ હશે માંડ ત્રણ ફુટનું. ભૂલને કોઈ અવકાશ નહીં. 


જે હિસાબે બોટ ડાબે-જમણે ફંટાઈને વધી રહી હતી એમ પાછળનો ભાગ તો સૌથી વધારે નાચી રહ્યો હતો. શિલા વટાવી અને હાથ ઊંચકાયો. કાંડેથી પૂરું વર્તુળ રચ્યું. ઓહો! પ્રથમ વારનું ૩૬૦ ડિગ્રી. અને? અને એ ક્ષણ! પૃથ્વી ગોળ છે એ સમજાઈ ગયું. આખી બોટ ગોળ ફરી જાણે નીચે કોઈ ધરી હોય એમ. આ લોકો આ કેવી રીતે કરે છે એ સમજાય ન સમજાય એ પહેલાં તો બોટની ફરતે પાણીનું એક ગોળ આવરણ રચાયું અને અમારા પર જ ખાબક્યું. ઠંડી હવા, ગોળ ફરી રહેલા અમે અને બરફીલા પાણીનો અભિષેક. ચહેરા, માથા, હાથ બધું જ સુન્ન. બોટની ગતિ તો એ જ. ઠંડા પાણીને હિસાબે હવાનો માર વધુ તીવ્ર લાગી રહ્યો હતો, પરંતુ રોમાંચની આ પરાકાષ્ઠા હતી. ગજબનાક અનુભવ. એક કલાકમાં તો લગભગ છથી સાત વખત પૂર્ણ વર્તુળો બનાવ્યાં હશે. દરેક વખતે તરબોળ. શિલાઓ તો કેટલી વટાવી છે, કેવી રીતે વટાવી છે એની ગણતરી જ નથી. આ લખતી વખતે પણ સાહજિક રીતે ગાલ પર હાથ ફરી જાય છે અને ઠંડી હવા અનુભવી શકાય છે. બરફના ચોસલા સમ જામી ગયેલો સળિયો યાદ આવી જાય છે. 
ચિરંજીવ અવિસ્મરણીય અનુભવ. આ અનુભવ વગર ન્યુ ઝીલૅન્ડની મુલાકાત અધૂરી છે એટલે છોડતા નહીં. માણસ અને કુદરત વચ્ચેના તાલમેલની જુગલબંધીની આ વાત છે, આ બોટ-રાઇડ. એક કલાક પછી નીચે ઊતર્યા ત્યારે બધાના ચહેરા જોવા જેવા હતા. આ એક કલાકે અંદરથી બધાને તરબતર કરી નાખ્યા હતા. જલસો પડી ગયો. અહીંથી નીકળીને હવે વારો હતો ક્વીન્સ ટાઉન શહેરનો અને શહેરની વચ્ચોવચ આવેલા સ્કાયલાઇન ગંડોલા રાઇડનો. બધું પતાવીને, ખૂબ બધી વાતો કરીને, ફોટોગ્રાફ્સ અને વિડિયો લઈને, ખૂબ બધું હસીને, નાસ્તો કરી, બહાર આવતાં અમને લગભગ સાડાઅગિયાર વાગી ગયા. ટાઉન તો નજીક જ હતું એટલે તરત પહોંચી ગયા. થોડો સમય હતો એટલે શૉપિંગ કર્યું અને ક્વીન્સ ટાઉન માર્કેટ ફરીને બપોરનું ભોજન પતાવ્યું. વાતાવરણ ખુશનુમા હતું. ત્રણેક કલાક ક્યાં વીતી ગયાલ એની ખબર જ ન પડી. 

ફરતાં-ફરતાં સ્કાયલાઇન ગંડોલા પહોંચ્યાં. આ ગંડોલા એટલે રોપવે તમને લઈ જાય છે, અહીં આવેલા બૉબ્સ પિક પર, જે લગભગ ૧૩૫૦ ફુટની ઊંચાઈએ આવ્યું છે. અહીંથી ક્વીન્સ ટાઉનનો ભવ્ય નઝારો જોવા મળે છે. વાકાટીપુ લેક, ધ રિમાર્કેબલ્સ પર્વતમાળા, સેસિલ પિક અને વૉલ્ટર્સ પિક. ક્વીન્સ ટાઉનનાં મુખ્ય આકર્ષણો અહીંથી ખૂબ સુંદર રીતે જોઈ શકાય છે. અહીં આવવાનું બીજું એક મુખ્ય કારણ એટલે આજની બીજી સાહસિક પ્રવૃત્તિ. ટેન્ડમ પૅરાગ્લાઇડિંગ. સ્કાયલાઇન ગંડોલા સ્ટેશનની છત પરથી જીફોર્સ નામની કંપની આ પૅરાગ્લાઇડિંગ કરાવે છે. કદાચ આખા વિશ્વમાં, કોઈ વિકસિત શહેરની ઉપર થતો આ પૅરાગ્લાઇડિંગનો અનુભવ એકદમ અનોખો બની રહેશે એનો મને વિશ્વાસ હતો અને એટલે જ અહીં આ લહાવો લેવાનું નક્કી કર્યું. ગંડોલાની ટિકિટ લીધી, ઉપર ગયા. ત્યાં પહોંચીને પૅરાગ્લાઇડિંગની ટિકિટ લીધી અને છત પર પહોંચી ગયાં. ભવ્ય નઝારો. એકીટશે જોયા જ કરીએ. હું પૅરાગ્લાઇડિંગ નહોતો કરી રહ્યો. મેં પહેલાં ઘણી વખત કર્યું છે એટલે આ વખતે મેં બાળકોના ફોટો પાડવાનું નક્કી કર્યું. ફોટોગ્રાફર ઑન ડ્યુટી. એક સરસમજાનો ખૂણો પકડ્યો, જ્યાંથી ત્રણ દિશા ખુલ્લી હતી. હું ગોઠવાયો અને બધાં અંદર ગયાં. આ ૨૦ મિનિટનો જ અનુભવ હતો. ગંડોલાની છત પરથી ઊડીને લેક વાકાટીપુનું વિહંગાવલોકન કરો, પછી ત્યાં આવેલાં દેવદારનાં વૃક્ષો પર ઊડો, શહેરનું અવલોકન કરીને ઉતરાણ કરો નીચે મુખ્ય ભાગની વચ્ચોવચ આવેલા ચોગાનમાં. ચોક્કસપણે અદ્વિતીય અનુભવ અને બન્યું પણ એમ જ. બાળકોને મજા પડી ગઈ. ક્વીન્સ ટાઉન શહેર એકદમ રમકડાનું બનાવાયું હોય એવું લાગી રહ્યું હતું, કોઈ પરીકથામાં વર્ણવેલા નાનકડા, રળિયામણા, સુંદર નગર જેવું. એક બાજુ લેક, એક બાજુ જંગલ અને વચ્ચે વસેલું અત્યાધુનિક, રળિયામણું, લલચામણું નગર. અમારા લોકોને પૅરાગ્લાઇડિંગની મજા પડી ગઈ અને મને એ લોકોના ક્વીન્સ ટાઉન તથા લેકના ફોટો પાડવાની. 

નમતી બપોર હતી એટલે સૂર્યપ્રકાશ કુમળો હતો. આખું નગર ટોચથી વધુ સુંદર લાગી રહ્યું હતું. સાંજ ઢળી રહી હતી. મન, મગજ તરબતર, હૃદય સભર-સભર. કુદરતની ગોદમાં લપાયેલા આ નગરમાં માનવજાતે વિવેકભાન રાખીને શું-શું વિકસાવ્યું હતું, એ હું સૂર્યાસ્તને નિહાળતાં-નિહાળતાં વિચારી રહ્યો હતો. સુંદરતમ સંતુલન. કુદરતી સર્વોપરિતા સ્વીકારીને, એને નાથવાના વ્યર્થ પ્રયત્ન છોડીને, શરણાગતિ સ્વીકારીને, પરિબળોને આધીન વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ ક્વીન્સ ટાઉન. કુદરતની દરેક છટાનું સાક્ષી છે આ નાનકડું નગર. ડૂબતી સંધ્યા કેટકેટલું શીખવાડી રહી હતી. મારી સામેથી પસાર થઈને એક પંખી આવ્યું. બાજુના વૃક્ષમાં ઝડપભેર અંદર ઘૂસી ગયું અને એક કલરવ સંભળાયો. કુદરતની કુક્ષિમાં કલરવ અને આપણે? કોલાહલ. એક વિવશ આછેરું સ્મિત, સભર હૃદય અને આંખોમાં મેઘધનુષ રચાયું. બધું જ નતમસ્તક. તારા શરણે, તારા ચરણે. શ્રી કુદરત શરણમ્ મમ.
ન્યુઝીલૅન્ડનો પ્રવાસ આગળ વધારીશું આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 04:57 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK