Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નયે યુગ કા નયા કાયદા સબસે પહલે અપના ફાયદા

નયે યુગ કા નયા કાયદા સબસે પહલે અપના ફાયદા

08 December, 2021 04:56 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

સરકાર ફતવા બહાર પાડ્યા કરે, પ્રજા ફતવાનો ફજેતો ઉડાડ્યા કરે. આપણે ત્યાં પરમબીર કે વઝે તો ગલી-ગલીમાં છે. લોકો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનું પસંદ કરે કે હજાર-બે હજારમાં માંડવાળ કરવાનું?

નયે યુગ કા નયા કાયદા સબસે પહલે અપના ફાયદા

નયે યુગ કા નયા કાયદા સબસે પહલે અપના ફાયદા


આજકાલ કવિ દલપતરામ અવારનવાર યાદ આવે છે. એ માટે જવાબદાર છે કોરોના, સરકાર, પ્રજા, નેતા, ધર્માચાર્યો, ભક્તો, શ્રદ્ધાળુઓ (અંધશ્રદ્ધાળુઓ) વગેરે વગેરે. બધાં દલપતરામની એક વાર્તા-કવિતાને અનુસરનારાઓ છે. અમારા જમાનાના બધા વિદ્યાર્થીઓને આજે પણ એ  કવિતા-વાર્તા કંઠસ્થ છે, હશે જ, ‘પૂરી એક અંધેરનગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર  ખાજા.’ 
 એક વાર એક ગુરુ અને ચેલો ફરતાં-ફરતાં એક નગરીમાં આવે છે. આ નગરીનો રાજા ગંડુ એટલે કે પાગલ, તરંગી, શેખચલ્લી અને મૂર્ખ હતો. તેના રાજમાં બધું અંધેર હતું. ગોળ અને ખોળની કિંમતમાં કોઈ ફેર નહોતો, બધી વસ્તુઓની એક જ કિંમત; ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. પિત્તળ, સોના-ચાંદી કે ચણામાં કોઈ ભેદભાવ નહીં. 
 બપોરના સમયે શિષ્ય બન્ને માટે બજારમાં ભોજન લેવા ગયો. આટાના બદલામાં સુખડી મળવાથી (લોટના બદલામાં મીઠાઈ મળવાથી) શિષ્ય રાજી-રાજી થઈ ગયો. તેણે ગુરુજીને કહ્યું, ‘પ્રભુ આપણે આ નગરીમાં કાયમ માટે વસી જઈએ, ટેસથી ખાઈશું, પીઈશું ને અલમસ્ત બનીને મજા કરીશું.’ ગુરુને આ વાત ગળે ન ઊતરી. તેણે શિષ્યને ચેતવતાં કહ્યું કે આવી અંધેરનગરીમાં  રહેવું હિતાવહ નથી, પણ શિષ્ય માન્યો નહીં. ગુરુ તેને છોડીને ચાલ્યા ગયા. 
 વખત જતાં શિષ્ય તો ખાઈ-પીને અલમસ્ત બની ગયો. એવામાં એક ઘટના ઘટી. એક શાહુકારને ત્યાં ચાર ચોર ચોરી કરવા ગયા ત્યાં  અચાનક ભીંત તૂટી પડી ને ચારે ચોર દબાઈને  મરી ગયા. ચોરના કુટુંબીજનોએ રાજાને ફરિયાદ કરી કે ‘શાહુકારે નબળી ભીંત બાંધી એટલે અમારાં સંતાનોના જીવ ગયા. શાહુકારને સજા કરો.’ ચોર કોટવાલને દંડે તે આનું નામ. અત્યારે પણ આ જ પ્રકારની ફરિયાદો થઈ રહી છેને! 
 રાજાએ શાહુકારને ફાંસીની સજા ફરમાવી. શાહુકારે બચાવ કરતાં કહ્યું, ‘મારો કોઈ વાંક નથી. કડિયાએ રેતી-ગારાનું બરાબર મિશ્રણ ન કર્યું એટલે આવું બન્યું.’ રાજાએ શાહુકારને છોડીને  કડિયાને સજા ફરમાવી. કડિયાએ કહ્યું, ‘પખાલીએ પાણી વધારે નાખી દીધું એથી મિશ્રણ  બરાબર ન થયું.’ રાજાએ કડિયાને છોડીને પખાલીને દંડ્યો. પખાલીએ કહ્યું કે ‘હું પાણી નાખતો હતો ત્યાં રસ્તામાં એક મુલ્લાજી નીકળ્યા. તેમના તરફ મારું ધ્યાન જતાં પાણી વધારે પડી ગયું.’ ગંડુરાજાને તો કોઈકને ફાંસીએ લટકાવીને ન્યાય કરવાનો ડોળ કરવાનો હતો. તેણે મુલ્લાને  ફાંસી આપવાનો હુકમ કર્યો! 
 મુલ્લા દૂબળા-પાતળા હતા અને ફાંસીનો ગાળિયો મોટો હતો. હવે? રાજાએ હુકમ કર્યો કે  ‘ગાળિયાને ફિટ બેસે એવા તગડા માણસને ફાંસીએ લટકાવો. કહેવાની જરૂર છે કે એવો  માણસ જે મળ્યો તે શિષ્ય હતો. 
 શિષ્યની હાલત કફોડી થઈ. તેને ગુરુની શિખામણ યાદ આવી. ફાંસીનો ગાળિયો શિષ્યના  ગળામાં પડવાનો જ હતો ત્યાં અણીના સમયે ગુરુ આવી ગયા. શિષ્યને ઇશારો કરીને રાજાએ કહ્યું, ‘મહારાજ, આને છોડી દો, મને ફાંસીએ લટકાવો.’ શિષ્યએ કહ્યું, ‘ના મહારાજ, મને જલદીથી ફાંસી આપો.’ બન્ને ઝઘડવા લાગ્યા. રાજાને નવાઈ લાગી, ‘મરવા માટે આટલી ચડસાચડસી?’ તેણે કારણ પૂછતાં ગુરુજીએ કહ્યું, ‘હે રાજન, અત્યારની ઘડી એટલી શુભ છે કે જે ફાંસીએ ચડશે તે વૈકુંઠ પામશે, તેને મોક્ષ મળશે, સ્વર્ગનું સુખ ભોગવશે.’ રાજાએ ત્રાડ પાડીને કહ્યું, ‘તમે બન્ને બાજુએ હટી જાઓ. તમે બન્ને શું મને એટલો મૂર્ખ સમજો છો કે આવી ધન્ય ઘડીનો લાભ હું જતો કરું?’ અને રાજા પોતે ફાંસીએ ચડી ગયો. 
 આજકાલ આપણે ત્યાં ‘અંધેર નગરી ને ગંડુ રાજા’ જેવો જ કારભાર ચાલી રહ્યો છે, થોડા દિવસ પહેલાં એક ફતવો જાહેર થયો હતો. એક જ ગુનાની સજા અલગ-અલગ. રાહદારીએ માસ્ક ન પહેર્યો હોય તો ૫૦૦ રૂપિયાનો દંડ. દુકાને આવેલા ગ્રાહકે માસ્ક ન પહેર્યો હોય તો તેને ૫૦૦ રૂપિયાનો અને દુકાનદારને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ. બસમાં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ, ડ્રાઇવર-કંડક્ટર કે હેલ્પરને ૫૦૦ રૂપિયાનો દંડ, પ્રાઇવેટ બસ હોય તો બસના માલિક કે સર્વિસ પ્રોવાઇડરને ૧૦,૦૦૦નો દંડ. 
રમૂજ તો એવી ચાલી રહી છે કે કોર્ટમાં અપરાધીએ માસ્ક ન પહેર્યો હોય તો જજને, દવાખાનામાં દરદીએ માસ્ક ન પહેર્યો હોય તો ડૉક્ટરને અને ટ્રેનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યો હોય તો ડ્રાઇવર અને ગાર્ડને પૅસેન્જરદીઠ ૫૦૦૦ રૂપિયાનો દંડ થશે. ૧૦થી વધુ મુસાફરો હશે તો  દંડમાં ૨૦ ટકાની રાહત આપવામાં આવશે. 
 કોરોના કાજે છેલ્લાં બે વર્ષમાં અનેક કાયદા ઘડાયા, બદલાયા ને ફરી રચાયા. પણ ખાટલે મોટી ખોડ અમલની કાયમની રહી અને એ પછી ખોટ એના વ્યવહારુપણાની રહી. છેલ્લે નવા કાયદા આવ્યા એના બીજા જ દિવસે મારી નજર સામે એક ધાર્મિક ઉત્સવ ઊજવાયો. સવારે ૭થી રાતે ૧૨ વાગ્યા સુધી, પોલીસની હાજરીમાં જ એકસાથે હજાર ઉપરાંત ભક્તો-શ્રદ્ધાળુઓ  ભેગા મળ્યા, જમ્યા, નાચ્યા, ગીતો ગાયાં, વાજાં વગાડ્યાં. કલાપીના શબ્દોમાં ખૂની ભપકા  સાથે, માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરીને. આ ક્યારે શક્ય બન્યું હોય? કોઈની કૃપાદૃષ્ટિ હોય ત્યારે જને? 
 બીજા દિવસે સાંજે મારે એક લગ્ન સમારંભમાં લોનાવલા જવાનું થયું. લોનાવલામાં તો લગ્નનો કુંભમેળો એટલે કે માંડવા-મેળો જામ્યો હતો. લગભગ દરેક રિસૉર્ટ-હોટેલમાં  શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા. જાનૈયાઓ બેખોફ માસ્ક વગર કે અન્ય કોઈ બંધન વગર  લગ્નનો લહાવો લૂંટી રહ્યા હતા. શું દરેક રિસોર્ટ કે હોટેલવાળાએ સત્તાવાળા સાથે સાઠગાંઠ  કરી લીધી હશે? 
 સરકાર ફતવા બહાર પાડ્યા કરે, પ્રજા ફતવાનો ફજેતો ઉડાડ્યા કરે. આપણે ત્યાં પરમબીર કે  વઝે તો ગલી-ગલીમાં છે. લોકો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનું પસંદ કરે કે હજાર-બે હજારમાં માંડવાળ કરવાનું? 
કાયદાનો અમલ કરાવનારાઓ પોતાને ફાયદો થાય એ રીતે એનો અમલ કરે. નેતાઓ પોતાની મતબૅન્ક ઓછી ન થાય એને ધ્યાનમાં રાખીને અમલ કરે. ધર્માચાર્યો પોતાના ભક્તો નારાજ ન થાય એની તકેદારી રાખીને વર્તે, પ્રજા તો પોતે જાણે અજરામર હોય એ રીતે છડેચોક નીતિનિયમોનો ભંગ કરીને પોતે જાણે કોઈ બહાદુરીભર્યું કામ કર્યું હોય એવો માનસિક આનંદ  લેતી હોય એમાં ભલીવાર ક્યાંથી થાય? 
જો બધાએ પહેલેથી જ પ્રામાણિકપણે પોતાની ફરજ બજાવી હોત તો આજે કોરોનાની વરસી  વાળવાનો દિવસ આવી ગયો હોત. લેકિન ‘વો દિન કહાં...’
સમાપન : 
કહીં ખામોશી હૈ, કહીં હૈ શોર 
બાત યહી હૈ, હમ સબ હૈ ચોર!


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2021 04:56 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK