Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવરાત્રિ હંમેશાં નવીનક્કોર હોય છે

નવરાત્રિ હંમેશાં નવીનક્કોર હોય છે

Published : 06 October, 2024 10:19 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

ઉત્સવમાં સામાજિક સ્તરે તબક્કાઓ બદલાતા રહે છે

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


નવલી નવરાત્રિના ભર્યા-ભર્યા દિવસો બહાર વ્યાપી રહ્યા છે. નવરાત્રિ કોઈ નવી વાત નથી. આપણે ક્યારથી અને કઈ રીતે એનો ઉત્સવ મનાવતા રહ્યા છીએ એની કોઈ ચોક્કસ માહિતી પણ આપણી પાસે નથી. ઉત્સવમાં સામાજિક સ્તરે તબક્કાઓ બદલાતા રહે છે. યાદ કરો પાંચ કે છ દાયકા પહેલાં ૧૪ ઑગસ્ટ અથવા તો પચીસમી જાન્યુઆરી આપણે કઈ રીતે ઊજવતા હતા. મુંબઈની શેરીએ-શેરીએ ખટારા ભરીને માણસોનાં ટોળેટોળાં ભૂંગળાં વગાડતા ફરતા રહેતા. એક જમાનો હતો જ્યારે દિવાળી માટે આપણે એક મહિનાથી રાહ જોતા હતા, નાનાંમોટાં નવાં વસ્ત્રો સિવડાવતા કે ખરીદતા હતા. સાથિયા કે પછી કોડિયાં વિશે ચર્ચાઓ થતી અને એ માટે શું કરવું એનો ભારેખમ ઉત્સાહ રહેતો.

આ બધું આજે નથી. તારીખો બદલાઈ ગઈ છે પણ ઉત્સવ ઘેલછા હજી એની એ જ છે. આવી ઉત્સવ ઘેલછા વિના કોઈ પ્રજાને ક્યારેય ચાલતું નથી. ઘેલછાનો અર્થ અહીં નિષેધાત્મક નથી પણ ઘેલછા એટલે ગાંડાતૂર થઈ જાય. જેમણે છ કે સાત દાયકા પહેલાં મૂળજી જેઠા માર્કેટ કે એવી બજારોને દિવાળી ઉત્સવ માટે તૈયાર થતી જોઈ છે તેમને આજે આ માર્કેટોને તેમની ઉત્તરાવસ્થામાં જોવા કદાચ ભારે અણગમતી પણ લાગે.



નવરાત્રિ એટલે ૯ કે નવ રાત્રિ 


વિશ્વભરની સંસ્કૃતિઓ અને સમાજો સમયાંતરે પોતપોતાના ઉત્સવો ઊજવે છે. વૈશ્વિક ધર્મના સંપ્રદાયોમાં નવરાત્રિ એ જ એકમાત્ર એવો મહોત્સવ છે જે દિવસો સુધી ચાલે છે એટલું જ નહીં, એમાં પ્રધાન સ્થાને સ્ત્રીનું મહત્ત્વ રહ્યું હોય છે. દુનિયાભરના ઉત્સવોમાં ક્યાંય નવરાત્રિએ જે સ્થાન સ્ત્રીને આપ્યું છે એ અપાયું નથી. આ નવ દિવસ સ્ત્રી માત્ર સ્ત્રી તરીકે જ નહીં પણ એક માતા તરીકે સમાજમાં સર્વોચ્ય સ્થાન ધરાવી દે છે. સ્ત્રીનું માતાથી વિશેષ કોઈ સ્થાન હોતું જ નથી. નવરાત્રિના નવ દિવસોમાં સ્ત્રીપૂજન અભિપ્રેત છે. આ પૂજન એક માતા તરીકે થાય છે. સ્ત્રીનું સ્વરૂપ માતા, પત્ની, પુત્રી, બહેન ઇત્યાદિ વિવિધ  સ્તરે જળવાયું છે. આ બધામાં માતા સૌથી વિશેષ છે. માતા તરીકે તે સમગ્ર પરિવારની રક્ષક છે.

આ નવ દિવસ આ માતાનાં જુદાં-જુદાં નવ સ્વરૂપો આપણે પ્રસ્થાપિત કરીએ છીએ. આ નવ સ્વરૂપો માતા તરીકેના રક્ષક સ્વરૂપે છે. સ્ત્રી માતા ઉપરાંત પત્ની, પુત્રી, બહેન કે અન્ય કોઈ પણ સ્વરૂપે રક્ષક છે જ. સ્ત્રીના રક્ષણ વિશે જ્યારે વર્તમાન યુગ વાતો કરે છે ત્યારે ભારે રમૂજી લાગે એવી ઘટના છે. સ્ત્રી સ્વયં શક્તિ છે, રક્ષક છે. તેને અન્ય કોઈ સ્વરૂપે કલ્પિત કરવી એ કલ્પના વૈભવનો અભાવ છે.


આ નવે દિવસો માતા તરીકે સ્ત્રીના જે પૂજનની આપણે અપેક્ષા કરીએ છીએ એ જુદા-જુદા સ્વરૂપે વ્યક્ત થાય છે. યાદ રહે કે માતા રક્ષક છે અને રક્ષક ધર્મ શસ્ત્રોના અભાવે થઈ શકે નહીં. પ્રત્યેક માતા શસ્ત્રધારી છે. અહિંસાની કોઈ વાત અહીં કોઈ એ કલ્પી નથી. અહીં માતા દ્વારા દુષ્ટ તત્ત્વોના સંહારની જ વાતો થઈ છે. પછી એ માતા માતૃ સ્વરૂપે જ ન હોય અને પત્ની, પુત્રી બીજા સ્વરૂપે હોય તો પણ પૂજનીય જ રહી છે.

સ્ત્રીશક્તિકરણ શું છે? 

નવરાત્રિના નવ દિવસ સ્ત્રીનું વિવિધ સ્વરૂપે માતૃપૂજન એ વર્તમાન શક્તિકરણની પાયાની વાત છે. આજકાલ સ્ત્રીઓના શક્તિકરણની વારંવાર વાત થાય છે. એના વિશે ચર્ચાઓ થાય છે અને શૈક્ષણિક ધોરણે ભારે કોલાહલ પણ થાય છે. આજે વ્યવહારિક રૂપે સ્ત્રીનું જે સ્થાન સમાજમાં દોરાયું છે એ સ્થાન કોઈ ગૌરવ પ્રેરે એવું નથી. સ્ત્રી પોતે જ સ્વયં માતાના સ્વરૂપે અદૃશ્ય થઈ ગઈ હોય એવું લાગ્યા વગર આપણને લાગતું નથી. પ્રત્યેક પરિવારે પોતાનાં સંતાનોને કોઈક એવી રીતે ઉછેરવાં જોઈએ જેમાં સ્ત્રીનું સ્થાન બાળકના મનમાં પ્રાથમિક કક્ષાએ જ દૃઢ થઈ જાય. બાળકને આ સ્થાન શીખવવા માટે કોઈ નર્સ કે અન્ય પ્રકારની તાલીમની જરૂર પડતી નથી. એ પ્રાકૃતિક છે. બાળક - પછી એ સ્ત્રી હોય કે પુરુષ, જન્મતાં વેંત સ્ત્રી સાથે નિકટતા અનુભવે છે એ નિકટતાને કોઈ રીતે અપ્રાકૃતિક રૂપે અલગ કરી શકાય નહીં. પ્રત્યેક સ્ત્રીએ સુધ્ધાં આ પરમ તત્ત્વને આત્મસાત કરી લેવું જોઈએ.

નવરાત્રિ/ નવદુર્ગા

નવરાત્રિ એક સાંસ્કૃતિક મહોત્સવ છે. નવરાત્રિ માણસના પોતાના અસ્તિત્વમાંથી જે માણસ તત્ત્વ ઊભરાય છે એ તત્ત્વનું પરમ દર્શન છે. નવરાત્રિ વસ્ત્રો કે અલંકારોની બજાર નથી. આ નાનકડી અમથી વાત જો ઉત્સવના આયોજકોને સમજાઈ જશે તો બીજી ઘણીયે વાત સમજાઈ જશે. સામાજિક સ્તરે પુરુષ તત્ત્વનું પ્રાધાન્ય રહે જ છે, એ રહેવાનું જ છે. પ્રકૃતિએ પુરુષને જે પ્રાધાન્ય આપ્યું છે એ પ્રાધાન્યને શાબ્દિક તર્કો વડે ઊથલાવી શકાશે નહીં. એનો સ્વીકાર કરીને સ્ત્રીશક્તિકરણ આ મુદ્દો જો સહજ ભાવે સમજાઈ જશે તો આ નવરાત્રિ આસો સુદ એકમથી નવમી સુધી નથી પણ ૩૬૫ દિવસ નવરાત્રિ જ રહે છે. નવ એ સંખ્યા નથી પણ નવ એ નાવીન્ય છે.

નવરાત્રિ માટે દિવસો સુધી વ્યવસાયિક તૈયારી કરનારાઓએ પણ આ વાત સમજી લેવી જોઈએ. નવરાત્રિનું સાંસ્કૃતિક રક્ષણ કરવું જોઈએ. આ રક્ષણ નજીવી શૈક્ષણિક વાત નથી.

નવરાત્રિ સ્ત્રીના પરમ સ્વરૂપનું દર્શન છે. એ દર્શન કરનાર માટે દૃષ્ટિનું જે મહત્ત્વ છે એ જ મહત્ત્વ કદાચ દર્શન આપનાર દૃષ્ટાનું પણ મહત્ત્વ છે જ. આ બન્ને મહત્ત્વ જ્યારે એકરૂપ થઈને સમજાશે ત્યારે નવરાત્રિ નવ દિવસ નહીં હોય પણ ત્રણસો પાંસઠ દિવસ હશે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 10:19 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK