Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહત્ત્વનાં કામ સમયસર પૂરાં કરી શકો એટલી સ્માર્ટનેસ છે તમારામાં?

મહત્ત્વનાં કામ સમયસર પૂરાં કરી શકો એટલી સ્માર્ટનેસ છે તમારામાં?

12 February, 2023 04:43 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજે ‘નૅશનલ પ્રોડક્ટિવિટી ડે’  નિમિત્તે પોતાના ક્ષેત્રમાં ટોચ પર હોય એવા મહારથીઓ સાથે આ વિષય પર વાત કરીને અમે જાણવાનો પ્રયાસ કર્યો  કે તેમની કઈ સકારાત્મક આદતોએ તેમની સફળતામાં ભાગ ભજવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જીવનમાં આગળ વધવું હોય તો સમયની કદર કરતાં અને સમયનો સર્વોત્કૃષ્ટ ઉપયોગ કરતાં આવડવો જોઈએ અને ત્યાં જ પ્રોડક્ટિવિટી મહત્ત્વપૂર્ણ બને છે. તમારા પર્સનલ ગ્રોથથી લઈને તમારી કંપની અને દેશના ગ્રોથમાં પણ તમારી કાર્યક્ષમતા મહત્ત્વનો ભાગ ભજવે છે.  ડિસ્ટ્રેક્શન અને સમયની બરબાદીમાં અગ્રણી સ્તરે ભાગ ભજવી રહેલાં સોશ્યલ મીડિયા જેવાં પરિબળોનો મારો જ્યારે સતત વધી રહ્યો છે ત્યારે કઈ રીતે એકાગ્રતાને બરકરાર રાખવી? આજે ‘નૅશનલ પ્રોડક્ટિવિટી ડે’  નિમિત્તે પોતાના ક્ષેત્રમાં ટોચ પર હોય એવા મહારથીઓ સાથે આ વિષય પર વાત કરીને અમે જાણવાનો પ્રયાસ કર્યો  કે તેમની કઈ સકારાત્મક આદતોએ તેમની સફળતામાં ભાગ ભજવ્યો છે

થોડાંક અઠવાડિયાં પહેલાં બ્રિટિશ કોલમ્બિયામાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતી એક મહિલાને તેની કંપનીએ કાઢી મૂકી. જેના વિરોધમાં એમ્પ્લૉઈએ કોઈ પણ પ્રાયર નોટિસ વિના તેને કાઢી મૂકવા બદલ કંપનીની વિરુદ્ધ ફરિયાદ કરી અને લગભગ સાડાત્રણ લાખ રૂપિયાનું મહેનતાણું ચૂકવવાની અપીલ કરી તો એના બદલામાં કંપનીએ ‘ટાઇમ કૅમ્પ પ્રોગ્રામ’નામના સૉફ્ટવેરનો ડેટા રજૂ કરીને તેણે પોતાના વર્કિંગ અવર્સમાંથી કેટલો ઓછો સમય ઑફિસનું કામ કર્યું હતું એના આંકડા રજૂ કર્યા. બન્ને પક્ષોને સાંભળ્યા પછી જજે પેલી એમ્પ્લૉઈને જ કંપનીને ત્રણ લાખ રૂપિયા પેનલ્ટી ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. કામના સમયે કામ નહીં કરવાની બહુ મોટી બીમારી આજે વ્યાપક બની રહી છે. અત્યારે આપણે ડિસ્ટ્રેક્શનની કલ્પના ન થઈ શકે એવા એરામાં જીવી રહ્યા છીએ, જેમાં આપણો ફોન સૌથી મોટો ક​લ્પ્રિટ છે એમ કહીએ તો ચાલે. એક સર્વે પ્રમાણે દર બારમી મિનિટે આપણે આપણો ફોન હાથમાં ઉપાડીને ચેક કરીએ છીએ. ભારતમાં એક વ્યક્તિ એવરેજ છ કલાક મોબાઇલ ફોનમાં પસાર કરે છે. ૯૩ ટકા કર્મચારીઓ પોતાના કુલ વર્કિંગ અવર્સમાંથી ત્રીજા ભાગનો સમય ફોનમાં વિતાવે છે. ડિસ્ટ્રેક્શનને કારણે કંપનીની ઓવરઑલ પ્રોડક્ટિવિટી પર તો અસર પડે જ છે, પણ સાથે આપણા વ્યક્તિગત ગ્રોથ અને ઇનફૅક્ટ આખા દેશની જીડીપી પર પણ એની અસર થાય છે. 



એક સર્વે એજન્સીએ કરેલા રિસર્ચ મુજબ એક ઍવરેજ કર્મચારી પોતાની આઠ કલાકની ડ્યુટીમાંથી માત્ર બે કલાક અને ૨૩ મિનિટ જ પ્રોડક્ટિવ હોય છે. બાકીના પાંચ કલાક અને ૩૭ મિનિટનો સમય તે વેડફી નાંખે છે. લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રીના ડૉ. ગ્લેન વિલ્સને પોતાના એક રિસર્ચમાં જાણ્યું કે તમારા કામના કલાકો દરમ્યાન સતત આવતાં ઇન્ટરપ્શન અને ડિસ્ટ્રેક્શનની બહુ જ ઘેરી અસર પડતી હોય છે. ચાહે એ વૉટ્સઍપનું નોટિફિકેશન હોય કે વચ્ચે આવેલો કોઈ અનઇન્વાઇટેડ ઈ-મેઇલ હોય. આ પ્રકારનાં ડિસ્ટ્રેક્શન વ્યક્તિના આઇક્યુને ડિસ્ટર્બ કરે છે, સ્મોકિંગ જેવાં વ્યવસનોને આમંત્રણ આપી શકે છે તો અનિદ્રાની બીમારી પણ આપી શકે છે; પ્લસ નિશ્ચિત સમયે કામ નહીં થવાને કારણે આવેલો કામનો ભાર સ્ટ્રેસ, ટેન્શન, ઍન્ગ્ઝાયટી આપે એ જુદું. કેટલાક રિસર્ચરો કહે છે કે દર કલાકે આપણે લગભગ સાતથી આઠ વાર ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ, એટલે કે આખા દિવસ દરમ્યાન ૮૦થી ૮૫ વાર આપણે જુદી-જુદી બાબતોમાં ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ અને એક ડિસ્ટ્રેક્શન પછી ફરી પાછા કન્સન્ટ્રેશન મોડમાં આવવા માટે પંદર મિનિટનો સમય લાગે છે. દેખીતી વાત છે કે જો તમારું ફોકસ તમારા કામમાં હોય જ નહીં તો જે કામ તમારા હાથમાં છે એને તો અસર થવાની જ છે. થોડાક સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ વખતે બહુ જ સરસ વાત કરેલી. ‘તમે જે સમય ઇન્વેસ્ટ કર્યો છે એ સમયમાં બેસ્ટ આઉટકમ એટલે કે બેસ્ટ રિટર્ન મળે એ વિશે આપણે વિચારવું જોઈએ અને એ પ્રમાણે વર્તવું પણ જોઈએ તેમ જ નિયમિતપણે સમય રોક્યા મુજબનું પરિણામ આપણે મેળવી રહ્યા છીએ કે નહીં એની તપાસણી કરતા રહેવાની આદત પણ કેળવવી જોઈએ. ઘણી વાર આપણું મગજ, હૃદય અને શરીર જુદા-જુદા તર્કો દ્વારા આપણા સમયને ખોટી દિશામાં સમય વેડફવા માટે ઉકસાવે ત્યારે આપણે મહાત્મા ગાંધીજીના ‘શ્રેય’ (એટલે કે જે કરવું જરૂરી છે) અને ‘પ્રિય’ (જે આદતવશ કરવાનું મન થાય)ના સિદ્ધાંતને યાદ કરીને જે કરવું જરૂરી હોય એટલે કે જે ‘શ્રેય’ છે એ જ કાર્યને પ્રાધાન્ય આપવું જોઈએ. એ વાત તો હકીકત છે કે આ દુનિયામાં સમયથી કીમતી કંઈ જ નથી અને સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે સમયના ઇન્વેસ્ટમેન્ટમાંથી કેવું પરિણામ મેળવવું એનો કન્ટ્રોલ પણ આપણા હાથમાં છે. તો પછી શું કામ આપણે પ્રોડક્ટિવિટીની બાબતમાં ગોથા ખાઈ બેસીએ છીએ? એનો જવાબ મેળવવા માટે અમે કેટલાક પોતાના ક્ષેત્રમાં બિગશૉટ કહી શકાય એવા કેટલાક સક્સેસફુલ અને જેની વ્યવસ્તતાની કલ્પના પણ ન થઈ શકે એવા લોકો સાથે વાત કરી. તેમની પાસેથી જાણવા મળેલા ગોલ્ડન ફન્ડા વાંચો આગળ.


કામનું ભારણ નહીં

કોઈ પણ કામ તમે કેટલી કુનેહ સાથે અને કેટલા ઓછા સમયમાં પૂરું કર્યું એના પર તમારી કાર્યક્ષમતાનું એટલે કે પ્રોડક્ટિવિટીનું મેઝરમેન્ટ થતું હોય છે. જોકે એને જો બોજ બનાવો તો કામ ક્યારેય પૂરું નહીં થાય. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કામ કરી ચૂકેલા અને ૨૦૧૭થી ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રીમાં ચીફ સેક્રેટરી અને પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા આખી મિનિસ્ટ્રીના કર્તાહર્તા હોવાને નાતે કેટલાં પ્રકારનાં કાર્યોને સાથે લઈને ચાલતા હોય એ કલ્પનીય છે. પોતાના કામને અને જીવનને શ્રેષ્ઠ રીતે તેઓ કેવી રીતે મૅનેજ કરે છે એ વિશે પોતાનો અનુભવ શૅર કરતાં વૈદ્ય રાજેશ કોટેચા કહે છે કે ‘તમે જો બહુ કામ છે, બહુ કામ છે એમ બોલ્યા કરો અને કામનું ભારણ રાખો તો તમારું કામ ક્યારેય સ્મૂધલી પતવાનું નથી. બોજ સાથે તો કેમ આગળ વધી શકાયને? સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ થાય એની સાચી ટિપ્સ હું મારી મમ્મી પાસેથી શીખ્યો એમ કહું તો ખોટું નહીં ગણાય. ચાર બાળકો, ઘર અને પરિવારની જવાબદારી માતા જેટલી બખૂબી નિભાવે એવું તો કોઈ એમબીએનો ટૉપર પણ ન કરી શકે એટલું કુનેહપૂર્ણ હોય. કામ તો રહેવાનું, પણ એને જો પ્રાયોરિટી આપીને કરતા જાઓ તો બહુ સરસ રીતે એ પતી પણ શકે છે અને કદાચ એ જ ફન્ડા મને કામ લાગ્યો છે. મારી સાથે મારી ડાયરી અને પેન હંમેશાં હોય જ. આજનાં કયાં કામો છે એનું એક લિસ્ટ હું પોતે જ મારી ડાયરીમાં લખી રાખતો હોઉં છું. બીજું, મારી ટીમ પણ બહુ જ સુદંર રીતે કામ કરતી હોય છે. દરરોજ પંદર મિનિટ ટીમ સાથે એક મીટિંગ હોય, જેમાં ટાસ્ક અને ટાઇમલાઇન ડિસ્કસ થાય. મેં જોયું છે કે જ્યારે તમે તમારી ટીમને એમ્પાવર કરો, ફ્રીડમ આપો અને વિશ્વાસ મૂકો ત્યારે તેઓ તમારી કલ્પના કરતાં પણ બેસ્ટ આઉટકમ આપી દેતા હોય છે. તમારે તેમને મોકળાશ આપવી પડે અને પોતાની રીતે નિર્ણયો લેવાના અધિકાર પણ આપવા પડે. જરૂર વિના માત્ર સુપિરિયારિટી દેખાડવા માટે જો તેમના કામમાં પોતાનું વિઝડમ ઉમેર્યા કરો તો તેમનામાં એ અકાઉન્ટિબિલિટી નથી આવતી. હું જ્યારે મિનિસ્ટ્રીમાં જોડાયો ત્યારે મને યુનિવર્સિટીનો અનુભવ પીપલ મૅનેજમેન્ટમાં ખૂબ કામ લાગ્યો. બેશક, મિનિસ્ટ્રીનું કામ અને એનો એરિયા બન્ને ખૂબ વિશાળ હોય છે, પરંતુ જ્યારે કામ ગમતું હોય ત્યારે કામ કરવાનો ઉત્સાવ બેવડાઈ જતો હોય છે. મોજમાં રહીને કામ થઈ જતું હોય છે, કરવાનો ભાર નથી રહેતો.’


સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ થાય એની સાચી ટિપ્સ હું મારી મમ્મી પાસેથી શીખ્યો એમ કહું તો ખોટું નહીં ગણાય. ચાર બાળકો, ઘર અને પરિવારની જવાબદારી એક માતા જેટલી બખૂબી નિભાવે છે એવું તો ખરેખર કોઈ MBAનો ટૉપર પણ ન કરી શકે - ડૉ. રાજેશ કોટેચા, સેક્રેટરી ઑફ આયુષ મિનિસ્ટ્રી

જોકે પ્રોડક્ટિવિટીની બાબતમાં પોતાની હેલ્થને પ્રથમ પ્રાયોરિટીમાં રાખવાની સલાહ વૈદ્ય રાજેશ કોટેચા અચૂક આપે છે. તેઓ ઉમેરે છે કે ‘ગમે એવી વ્યસ્તતા હોય દિવસના આઠ કિલોમીટર જેટલું ચાલવાનું મિસ ન થાય એનું હું પૂરેપૂરું ધ્યાન રાખું છું. રોબરોજના રૂટીનમાંથી બ્રેક લઈને થોડોક પોતાના માટે સમય પણ જોઈતો હોય તો હું ડિજિટલ સ્ક્રીનને બદલે પુસ્તક વાંચવાનું વધુ પ્રીફર કરું છું. ઓવરઑલ મારો અનુભવ છે કે જે લોકો અનવાઇન્ડ થવા માટે ડિજિટલ સ્ક્રીન તરફ વળે છે એ ક્યાંક ને ક્યાંક ત્યાં વધુ થાકે છે, કારણ કે કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર તમારી પાંચેય ઇન્દ્રિય અન્ગેજ્ડ રહેતી હોય છે અને એ એક્ઝર્શન આપે છે. બેશક, કામ પૂરતો સોશ્યલ મીડિયાનો ઉપયોગ હું પણ કરું છું, પરંતુ એનો કન્ટ્રોલ મારા પોતાના હાથમાં હોય છે. આજની પેઢી સોશ્યલ મીડિયાના પ્રવાહમાં તણાઈ જાય છે જે વિશે સભાન થવાની જરૂર છે. હું યોગ અને વ્યાયામને પણ સમય આપું છું. દર વખતે મનમાં એ જ વિચાર આવે કે આપણા માનનીય પ્રધાનમંત્રી અઢાર કલાક કામ કરીને પણ યોગને માટે સમય કાઢી શકતા હોય તો આપણે શું કામ નહીં? વધુ આઉટકમ માટે મેન્ટલી અને ફિઝિકલી તમે રિજુવનેટ થતા રહો એ પણ જરૂરી છે.’

ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ

વૈશ્વિક સ્તરે લીગલ અને ટૅક્સ કાઉન્સેલિંગમાં ટૉપની ફર્મ ‘નિશીથ દેસાઈ અસોસિએટ્સ’ના નિશીથ દેસાઈ કહે છે કે ‘હેન્રી ફૉર્ડે કહેલું કે બિઝીએસ્ટ મૅન હૅઝ ટાઇમ ફોર એવરીથિંગ.’ જે ખરેખર વ્યસ્ત છે તેની પાસે સમય છે, કારણ કે તેણે પોતાના કામની પ્રાયોરિટી નક્કી કરી છે અને એના પ્રમાણે તે ચાલે પણ છે. જુઓ, અપેક્ષા મુજબ જ બધું ચાલ્યા કરશે એ એક ભ્રમણા છે. એક વખત તમારી અપેક્ષા પૂરી થાય એના માટે પહેલાં દસ વખત અપેક્ષા પૂરી નહીં થયાનું પેઇન તમારે સહન કરવું પડશે. એટલે પ્રોડક્ટિવિટીની બાબતમાં પણ હું એટલું જ કહીશ કે એને લઈને ઑબ્સેસ થવાની જરૂર નથી. બસ તમારા કામને લઈને પૅશનેટ રહો, બાકી બધું એની મેળે સચવાઈ જશે. ધારો કે તમારા ધાર્યા મુજબ ન થાય તો પણ સ્ટ્રેસ, ટેન્શન લેવાની જરૂર નથી. પરિસ્થિતિ બદલાઈ જશે, પણ તમારા પૅનિકિંગ સ્વભાવને કારણે આવેલા બ્લડ-પ્રેશરને તમે બદલી નથી શકવાના. તમારા કામને શ્રેષ્ઠ રીતે કરવાનો સરળ રસ્તો છે તમારા કામને બે ચોકઠાંમાં વિભાજિત કરો. ‘ઇમ્પોર્ટન્ટ વર્ક’ અને ‘અર્જન્ટ વર્ક’ પછી બન્નેને સ્માર્ટ્લી મૅનેજ કરતા જાઓ. યાદ રાખજો, તમારા જીવનમાં તમારું માઇન્ડસેટ મેટર કરે છે. જીવનમાં કંઈક પણ બને તો એને પડકાર તરીકે સ્વીકારીને આગળ વધો. ગો ઑન ઍટિટ્યુડ હંમેશાં તમને સક્રિય રાખશે. એમાં વર્કનું સ્માર્ટ ડિવિઝન તમને રાઇટ ડિરેક્શનમાં સક્રિય રાખશે એ જ તો આપણને જોઈએ છેને?’

ઇમ્પોર્ટન્ટ વર્ક’ અને ‘અર્જન્ટ વર્ક’ને સમજ્યા પછી બન્નેને સ્માર્ટ‍્લી મૅનેજ કરતા જાઓ. યાદ રાખજો, ખરેખર વ્યસ્ત છે તેની પાસે સમય છે, કારણ કે તેણે પોતાના કામની પ્રાયોરિટી નક્કી કરી છે. જીવનમાં કંઈ પણ બને તો એને પડકાર તરીકે સ્વીકારીને આગળ વધો.  - નિશીથ દેસાઈ, વિશ્વની ટોચની ટૅક્સ કાઉન્સેલિંગમાં ફર્મના ફાઉન્ડર

ઑલ અબાઉટ માઇન્ડસેટ

તમે જ્યારે બહુ જ ચૅલેન્જિંગ ફીલ્ડમાં હો ત્યારે તમારું અંગત જીવન કામને કારણે પ્રભાવિત થતું જ હોય છે, પરંતુ એમાંથી પણ આપણે કંઈક શીખવાનું છે. દોઢ કરોડથી વધુ મુંબઈકરોની જવાબદારી જેમના માથે છે એવા મુંબઈના લૉ ઍન્ડ ઑર્ડરના જૉઇન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરી કહે છે કે ‘તમારો દિવસ જો ઍડ્વાન્સમાં પ્લાન થયો હશે તો માઇન્ડમાં ક્લટર નહીં થાય. પ્રોડક્ટિવિટી ઇઝ ઑલ અબાઉટ માઇન્ડસેટ. તમે જે કામ કરો છો એ તમને ગમે છે તો તમને એમાં હજાર તકલીફો આવશે તો પણ તમારું કામ તમે પૂરું કરશો જ. હવે પ્રશ્ન છે કે તમે એને સારામાં સારી રીતે પૂરું કરો એટલે પ્લાનિંગ અને એક્ઝિક્યુશનમાં બેસ્ટ થઈ જાઓ. માત્ર કામને જ નહીં, તમારા સમયને ઍડ્વાન્સ પ્લાન કરો. જેમ કે મને ખબર છે કે રાતે આઠ વાગ્યા પછી મને ફોન-કૉલ્સ ખૂબ આવશે તો એ સમયે હું મારું રનિંગ કે એક્સરસાઇઝનું રૂટીન રાખું તો એમાં ક્યારેય સફળ થવાનો જ નથી. તમારા રૂટીન પ્રમાણે તમને તમારું શેડ્યુલ બનાવતાં આવડવું જોઈએ. ટાઇમ-ટેબલ બનાવવું અને સ્માર્ટલી ટાઇમ-મૅનેજ કરવું બન્નેમાં ફરક છે. બેશક, જે પ્રકારના ક્ષેત્રમાં હું છું ત્યાં ફૅમિલી લાઇફ તો થોડીક કૉમ્પ્રોમાઇઝ થવાની જ છે. તમે વિચાર્યું હોય કે તમારી મૅરેજ ઍનિવર્સરી નિમિત્તે રવિવારે તમે ડિનર લેવા બહાર જશો, પણ એ જ સમયે કોઈ મેજર ઘટના શહેરમાં બને તો એ માત્ર એરિયા-પોલીસની નહીં, પણ મારીયે જવાબદારી છે. મારું કામ અને મારી હેલ્થ એ બન્ને બરાબર સમયપત્રક પ્રમાણે ચાલે અને ફૅમિલી ટાઇમ એ સંજોગોને અનુરૂપ ચાલે એવું રાખ્યું છે. દરરોજ ચારથી પાંચ કલાક ઊંઘ મળી જાય એની ચોકસાઈ પણ હું રાખું છું, પણ જે શહેર માટે મને પ્રેમ છે, જે શહેરના લોકોના વેલ્ફેર માટે કામ કરવાનું છે અને એ કામ ગમતું છે એટલે પછી બધું જ મૅનેજ થઈ જાય છે.’ 

તમારો દિવસ જો ઍડ્વાન્સમાં પ્લાન થયો હશે તો માઇન્ડમાં સ્પષ્ટતા હશે. પ્રોડક્ટિવિટી ઇઝ ઑલ અબાઉટ માઇન્ડસેટ. તમે જે કામ કરો છો એ તમને ગમે છે તો તમને એમાં હજાર તકલીફો આવશે તો પણ તમારું કામ તમે પૂરું કરશો જ. - સત્યનારાયણ ચૌધરી, જોઇન્ટ પોલીસ કમિશનર ઑફ મુંબઈ

આ પણ વાંચો: મનને કાબૂમાં લાવવું છે?

બોરીવલી આર સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકર આ વિશે કહે છે કે ‘અમુક વર્ક પ્રોફાઇલ એવાં ડિમાન્ડિંગ હોય કે તમે વર્ક લાઇફ બૅલૅન્સ કરી જ ન શકો, પરંતુ ઇટ્સ ઓકે. આ કામ જો મારી પસંદનું છે તો એમાં પડતી અગવડતા પણ હું હોંશે-હોંશે સ્વીકારીશ. અમારું કામ ડાયરેક્ટલી પબ્લિક સાથે સંકળાયેલું છે. લોકો મોટે ભાગે પોતાની ફરિયાદો લઈને જ આવતા હોય છે. સાચી અને જેન્યુઇન ફરિયાદો હોય તો એને અમે સૉલ્વ પણ કરીએ છીએ અને વચ્ચે-વચ્ચે હું બ્રેક લઈ લઉં છું. બાર કલાકના વર્કિંગ અવર્સમાં દર બે કલાકે દસ મિનિટ માટે કોઈ સરસ ગીત સાંભળી લીધું, થોડુંક બ્રીધિંગ કે મેડિટેશન કરી લીધું તો એ મને કામના ભારથી મુક્ત રાખે છે, જે જરૂરી છે મારી દૃ​ષ્ટિએ.’

બોરીવલી આર સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકર

ફિલ્ટર રાખો માઇન્ડમાં

ઍક્સ ચીફ ફાયર ઑફિસર અને ઍક્સ મ્યુનિસિપલ કમિશનર તરીકે સર્વિસ આપી ચૂકેલા પ્રભાત રાહાંદલે કહે છે કે ‘ઇનર અલર્ટનેસ એ તમને સમય વેડફતાં અટકાવશે. આજે દુનિયા ફાસ્ટ ચાલી રહી છે અને બહુ જ બધું એક્સપોઝર છે ત્યારે તમારી પાસે કેટલું, ક્યારે લેવું અને કઈ બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે. હું તો જે ફીલ્ડમાં હતો ત્યાં તો તમારે પ્રૉમ્પ્ટનેસ સાથે જ નિર્ણયો લેવા પડે અને તરત જ ઍક્શન મોડમાં પણ આવવું પડે. ટાઇમ મૅનેજમેન્ટ માટે તો ફાયર ઑફિસર જાણે એક્સપર્ટ થઈ ગયો હોય, કારણ કે તો જ દુર્ઘટનાને મોટી દુર્ઘટના થતાં અટકાવવાનો અવકાશ રહે, પરંતુ આપણા બધાની અંદર એક ફાયર ફાઇટર હોય છે જે તમારી સભાનતા સાથે અલર્ટ કરો તો તમને તરત જ એ ઘંટડી વગાડીને કહેશે કે ભાઈ, બહુ ટાઇમ ફેસબુક પર બગાડ્યો, અથવા અહીં બિનજરૂરી સમય બગડી રહ્યો છે. તમારી દાનત હશે તો સો ટકા આ અવાજ તમારા અંદરથી આવશે, જ્યારે-જ્યારે સમય વેડફાતો હશે. બીજું, પ્રોડક્ટિવિટી વધારવા માટે તમને ના પાડતાં પણ આવડવું જોઈએ. બધું જ તમે નથી કરી શકવાના અને એની અવેરનેસ તમને નહીં હોય તો તમે કામમાં લોચા મારવાના જ છો. તમારી પાસે રહેલા રિસોર્સને સ્માર્ટલી યુઝ કરતાં તમને આવડે એ જરૂરી છે.’

એક્સ ચીફ ફાયર ઑફિસર અને એક્સ મ્યુનિસિપલ કમિશનર પ્રભાત રહાંગડાલે

એક સર્વે એજન્સીએ કરેલા રિસર્ચ મુજબ એક ઍવરેજ કર્મચારી પોતાની આઠ કલાકની ડ્યુટીમાંથી માત્ર બે કલાક અને ૨૩ મિનિટ જ પ્રોડક્ટિવ હોય છે. બાકીના પાંચ કલાક અને ૩૭ મિનિટનો સમય - તે વેડફી નાખે છે.

‘મન્ક મોડ’ શું છે?

છેલ્લા થોડાક અરસામાં મોટી-મોટી કંપનીના સીઈઓથી લઈને અગ્રણી બિઝનેસમેન અને વર્કિંગ પ્રોફેશનલ્સ ‘મન્ક મોડ’ને પ્રોડક્ટિવિટી વધારવાનું ટૂલ ગણી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ખાસ્સી પૉપ્યુલરિટી હાંસલ કરનારા આ પ્રોડક્ટિવિટી હૅકમાં ‘Monk’ એટલે કે એક સાધુની જેમ સંયમ, ત્યાગ અને નિ:સ્પૃહતાને ફૉલો કરવાની છે. એની સમયમર્યાદા અને સ્ટાઇલ તમે જાતે પણ ડિસાઇડ કરી શકો. જેમ કે એક અઠવાડિયા સુધી ફલાણું કામ કરતી વખતે તમે તમારા ફોનને પાંચ કલાક માટે બંધ રાખશો અથવા ધ્યેયપૂર્તિના લક્ષ્ય સાથે જાતને અમુક કલાક રૂમમાં પૂરીને માત્ર એ જ કામ પર ફોકસ કરશો અને એ દરમ્યાન ડિસ્ટ્રેક્શનનાં તમામ સાધનો રૂમની બહાર રાખી દેશો અથવા અમુક કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી તમે સંપૂર્ણ આઇસોલેશનમાં જતા રહેશો. ઘણા અગ્રણીઓ આ મન્ક મોડને પોતાની અનુકૂળતા પ્રમાણે વાપરી રહ્યા છે.

રિસર્ચરો કહે છે કે દર કલાકે આપણે લગભગ સાતથી આઠ વાર ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ, એટલે કે આખા દિવસમાં ૮૦થી ૮૫ વાર. બીજું, એક ડિસ્ટ્રેક્શન પછી ફરી પાછા કન્સન્ટ્રેશન મોડમાં આવવા માટે પંદર મિનિટ લાગે છે.

લાઇફ-કોચ શું કહે છે?

ભાવિન શાહ

‘કોચ ફોર લાઇફ’ કંપનીના ફાઉન્ડર અને ચીફ કોચ તેમ જ દેશ-વિદેશમાં લગભગ બે લાખ લોકોને લાઇવ સેશનનો લાભ આપી ચૂકેલા ભાવિન શાહ માને છે કે ટાઇમ મૅનેજમેન્ટ જેવું કંઈ નથી હોતું, પણ તમારી પાસે રહેલા સમયમાં સેલ્ફ મૅનેજમેન્ટ કરતાં તમને આવડવું જોઈએ. ભાવિનભાઈ ઉમેરે છે કે ‘જો તમારી કામ કરવાની ઇચ્છા છે તો તમારી પાસે એના માટેનો સમય છે જ. તમારી પ્રાયોરિટીનો સવાલ છે. આમ તમે સવારે ઊઠવાના પ્રયાસો કરતાં પણ નથી ઊઠાતું એવું કહી દો, પણ એ જ વ્યક્તિ સવારની ફ્લાઇટ કે ટ્રેન હોય તો કેવા જલદી ઊઠી જાય છે. સોશ્યલ મીડિયાના જમાનામા મોબાઇલે આપણા ટાઇમને બિનજરૂરી જગ્યાએ કિલ કરવામાં બહુ મેજર રોલ અદા કર્યો છે એટલે એમાં જો શિસ્તબદ્ધ થઈ જઈએ તો કરવાં જેવાં કામ માટે તમારી પાસે સમય છેજ. ઍવરેજ ભારતીય છ કલાક ફોન પાછળ ખર્ચે છે તો શું કામ એવું ન બને કે તમે એ સમય બચાવી દો. કામના સમયે ફોન બંધ રાખો અથવા તો એનાં નોટિફિકેશન બંધ રાખો, રાતે સૂવાના સમયે ફોનને ત્રણ ફૂટ દૂર રાખો. સવારે ઊઠીને અડધો કલાક ફોન ન હાથમાં લેવો આવા સિમ્પલ નિયમો પણ તમને પ્રોડક્ટિવ બનવામાં મદદ કરશે. અઠવાડિયામાં એક દિવસ તમે ‘મોબાઇલ’નો ઉપવાસ કરો. દરેકે દરેક માણસે દરરોજ સવારે પોતાનું ટુડુ લિસ્ટ બનાવવું જોઈએ. બીજી એક વાત કહું, સ્ટીફન કોવેની ‘ધ સેવેન હૅબિટ્સ ઑફ ઇફેક્ટિવ પીપલ’માં તેમણે ત્રીજા નંબરની હૅબિટમાં તમારાં કાર્યોનું ચાર ભાગમાં ડિવિઝન કર્યું છે. અર્જન્ટ કામ, મહત્ત્વનાં કામ, કરો તો ચાલે એવાં કામ અને ન કરો તોય ચાલે એવાં કામ. એમ કામનાયે જુદા-જુદા પ્રકાર છે. મોટા ભાગના લોકો મહત્ત્વનાં કામ છોડીને બીજાં જ કામોમાં જાતને વ્યસ્ત રાખે છે. મસ્ટ ડુ, શુડ ડુ અને કુડ ડુ એમ ત્રણ પ્રકારે કામનું વિભાજન કરવું જોઈએ. મસ્ટ ડુ એટલે ખાસ કરવાનાં, શુડ ડુ એટલે થાય તો સારું અને કુડ ડુ એટલે છેલ્લે કરશો તો પણ ચાલશે. હેલ્ધી ફૂડ હૅબિટ, રાતે બ્રશ કરવાનું, રોજ બે પાનાં વાંચવાનાં, સવારે મોબાઇલ નહીં વાપરવાનો, ગ્રેટિટ્યુડ જર્નલ લખવાની જેવી અમુક આદતો લોકોએ ક​લ્ટિવેટ કરવી જ જોઈએ જેના થકી દિવસના અંતે જ્યારે સૂવા જાય ત્યારે પોતે કંઈક તો સૅટિસ્ફૅક્ટરી કર્યું એનો આનંદ હોય. અત્યારે બને છે એ કે લોકોને ઇન્સ્ટન્ટ પ્લેઝર જોઈએ છે એટલે ઇમ્પોર્ટન્ટ કામની જગ્યાએ ન કરવાનાં કામ લઈ લે છે અને એમાં વેડફાયેલા સમયને કારણે અર્જન્ટ કામનો ભરાવો થઈ જાય છે અને છેલ્લે જે ખરેખર જરૂરી છે આપણા કરીઅર માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણી લૉન્ગ લાઇફ માટે એને સેકન્ડરી પ્રાધાન્ય મળવા માંડે છે. 

એટલે કસરત માટે કે પ્રાણાયામ માટે મારી પાસે સમય નથી એવું કહેવાને બદલે એવું કહેજો કે આ મારી પ્રાથમિકતા નથી અને તરત જ તમારી અંદર એક ઝાટકો ફીલ થશે. તમને રિયલાઇઝ થશે કે તમે સમય પર ખોટું બિલ ફાડી રહ્યા હતા અત્યાર સુધી.’

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 04:43 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK