આ રવિવારે નૅશનલ ગ્રૅન્ડ પેરન્ટ્સ ડે છે એ અવસરે કેટલાંક યુગલો અને પૌત્રો-પૌત્રીઓ પોતાનો અનુભવ શૅર કરે છે
સુષમા અને ભરત સોની બાળકો અને વડીલો સાથે
આજે પશ્ચિમના દેશો વિભક્ત કુટુંબોને કારણે વિખેરાઈ રહ્યા છે ત્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારોમાં ગ્રૅન્ડ પેરન્ટ્સની હૂંફ નવી જનરેશનના ઘડતરમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. પતિ-પત્ની બન્ને વર્કિંગ હોય ત્યારે ઉછેર અને ઘણુંખરું ઘડતર દાદા-દાદી સાથે રહીને થતું હોય તો એના ફાયદા જ ફાયદા છે. આ રવિવારે નૅશનલ ગ્રૅન્ડ પેરન્ટ્સ ડે છે એ અવસરે કેટલાંક યુગલો અને પૌત્રો-પૌત્રીઓ પોતાનો અનુભવ શૅર કરે છે.
ગ્રૅન્ડ પેરન્ટ્સની હૂંફને કારણે બાળકો પણ બીજા સાથે હૂંફાળું વર્તન રાખતાં શીખ્યાં છે
ADVERTISEMENT
ઘાટકોપરમાં રહેતાં સુષમા અને ભરત સોનીનું માનવું છે કે મમ્મી-પપ્પા આપણી સાથે રહેતાં હોય તો બાળકોની સંભાળ વધુ સારી રીતે થઈ શકે છે. તેઓ કહે છે, ‘વડીલો ઘરમાં હોય તો કૌટુંબિક વાતાવરણ જળવાઈ રહે છે. અમારી વાત કરું તો બાળકો નાનાં હતાં અને મારી વાઇફને ઘરનું કામકાજ ઘણું રહેતું ત્યારે મારી મમ્મીએ જ મારાં બાળકોનું ધ્યાન રાખ્યું છે. તેમને હાલરડાં કે વાર્તા સંભળાવવી, જમાડવાં-રમાડવાં જેવું બધું મમ્મી જ કરતાં. જે બાળક દાદા-દાદીના સાંનિધ્યમાં ઊછર્યું હોય તે અને જે બાળક વિભક્ત કુટુંબમાં ઊછર્યું હોય તેમની વચ્ચે ઘણો જ ફરક હોય છે. મારાં બાળકો વડીલોની છત્રછાયામાં ઊછર્યાં છે એ કારણે તેમને વધુ હૂંફ મળી છે અને એથી તેમનું અન્યો સાથેનું વર્તન વધારે હૂંફાળું છે એવું મેં નોંધ્યું છે. ક્યારેક એવું થાય કે બાળકની કશી ભૂલ થઈ હોય અને અમે તેમની સાથે ઊંચા આવાજે વાત કરીએ ત્યારે તે અમને પણ વઢે કે તેમને શાંતિથી સમજાવો. બાળકોને પણ એમ થાય કે અમારી બાજુ લેવાવાળું છે. બીજું, એક મહત્ત્વનો ફાયદો એ કે પતિપત્ની વચ્ચે કંઈક ટશન થાય તો એ પરિસ્થિતિ કન્ટ્રોલમાં રહે. એકલાં હોય તો વાત વધી જવાનો ડર હોય કે પછી ઘણાબધા દિવસો સુધી અબોલા જેવું પણ ચાલતું હોય પરંતુ ઘરમાં વડીલો હોય ત્યારે મર્યાદા રાખવી પડે અને પછી જે-તે ક્ષણે થોડુંઘણું થયું હોય એ ક્ષણભંગુર હોય. વાદવિવાદ વધુ વકરે નહીં ને એકાદ દિવસમાં તો વળી પાછું બધું બરાબર થઈ જાય. બાળકો પર આની પણ પૉઝિટિવ અસર પડે. આજકાલ બધાં બાળકો કૉન્વેન્ટમાં જતાં થઈ ગયાં છે, પાઠશાળા વગેરે કંઈ હોતું નથી ત્યારે વડીલો જ સંસ્કારોનું ઘડતર કરતા હોય છે.’
ભરતભાઈની ૧૯ વર્ષની દીકરી હેતવીને દાદા-દાદીનું વળગણ છે. હેતવી કહે છે, ‘ભણવામાં ગુજરાતી સબ્જેક્ટ મને દાદા જ ભણાવે. મારી એક્ઝામ હોય અને હું મોડે સુધી વાંચું ત્યારે તેઓ મારી સાથે જાગે. એક વાર મેં મમ્મી સાથે આર્ગ્યુમેન્ટ કરી હતી ત્યારે તેમણે જ મને સમજાવી હતી કે મમ્મી સાથે આવી રીતે વાત ન કરાય. દાદી માટે ચાંદલા, બંગડી હું જ લઈ આવું. મને ખબર છે કે તેમને કેવું ગમશે.’
જે સંસ્કારો વ્યસ્ત પેરન્ટ્સ નથી શીખવી શકતા એ દાદા-દાદી પાસેથી શીખવા મળી જાય છે
ભાવના અને પરેશ ભાનુશાલીની છ જણની ફૅમિલી છે. બે એ પોતે, મમ્મીપપ્પા અને તેમના બે દીકરા. મોટો દીકરો ૧૩ વર્ષનો છે. ભાવનાબહેન કહે છે, ‘અમારાં બાળકોને કારણે અમે ઘણી વખત મમ્મી-પપ્પાની વઢ ખાધી છે. ક્યારેક અમે કોઈક વાતે વઢતાં હોઈએ કે પછી ક્યારેક ધૈર્ય અમારી સામે બોલે તોય વઢ તો અમને જ પડે. પછી સમજાવે પણ ખરા કે એ તો બચ્ચું છે, તમે ધીરજથી કામ લો. આવી રીતે વાત-વાતમાં વઢશો કે ટોકશો તો આદત પડી જશે અને પછી તેને વઢની અસર જ નહીં થાય! ધૈર્યનો જન્મદિવસ હોય તો બધાને પગે લાગો એવું કહે. અમે બન્ને અમારા રૂટીનમાં વ્યસ્ત હોઈએ. મારો બીજો બાબો ઘણો જ નાનો છે એટલે મને બિલકુલ સમય મળતો નથી, પણ મને ધૈર્યની કંઈ જ ચિંતા ન હોય. તે દાદા સાથે રોજ ગાર્ડનમાં જાય. મારાં સાસુ ધર્મની વાતો કરે, મંદિરે લઈ જાય. આ બધું અમારે અલગથી તેને શીખવાડવું પડતું નથી. ઘરમાં નવું રમકડું આવે એ ધૈર્યને બે કલાક પણ ન ટકે. હું તેને વઢું ત્યારે મારા સસરા વચ્ચે પડે કે રમકડાં તોડવા માટે જ હોય ને પછી બન્ને સાથે મળીને તોડે.’
૧૩ વર્ષના ધૈર્યને દાદા-દાદી વગર ચાલતું નથી. તે કહે છે, ‘એક દિવસ હું પણ ખોટું બોલ્યો હતો. મમ્મીને મેં કહ્યું કે હોમવર્ક થઈ ગયું છે અને હું રમવા ગયો. મમ્મીએ ચેક કર્યું તો હોમવર્ક ઇન્કમ્પ્લીટ હતું. જ્યારે રમીને આવ્યો ત્યારે મમ્મી વઢી. દાદીએ મમ્મીથી વઢથી બચાવ્યો અને કહ્યું કે હોમવર્ક કરીને રમવા જવાનું અથવા તો કહેવાનું કે હું આવીને કરી લઈશ. હવે હું એમ જ કરું છું. દાદા-દાદી જ્યારે કચ્છ જવાનાં હોય ત્યારે મને બિલકુલ નથી ગમતું. સ્કૂલ હોય એટલે હું સાથે જઈ નથી શકતો, પણ પછી તેઓ જ્યારે પાછાં આવે ત્યારે મારા માટે કંઈક ગિફ્ટ લેતાં આવે એટલે મને મજા પડી જાય.’
હર મર્ઝની દવા મળી જાય છે મારાં દાદા-દાદી પાસેથી
વિદ્યાવિહારમાં રહેતાં પ્રીતિ અને કાન્તિ ભદ્રા આજની તારીખે પણ સંયુક્ત પરિવારમાં રહે છે. પ્રીતિબહેન કહે છે, ‘દાદા-દાદી સાથે બાળકો ઊછરે તો રૂટ્સ સાથે જોડાઈને રહે અને દરેક વ્યક્તિને પોતાના રૂટ્સની ખબર હોવી જોઈએ. મારા સસરા બાળકો સાથે ઘણી વખત વાત કરતા હોય છે કે ક્યાંથી આવ્યા છીએ, કેટલો સંઘર્ષ કર્યો છે અને કેવી રીતે આજની સમૃદ્ધિ, માળખું ઊભું થયું છે. જ્યારે મારાં સાસુ વર્ષોથી ચાલતા પરિવારના કલ્ચર વિશે કહેતાં હોય છે. ક્યારેક તેઓ અમારી અને અમારાં બાળકોની વચ્ચે સેતુ પણ બન્યાં છે. બાળકો સાથે ક્યારેક આર્ગ્યુમેન્ટ્સ થાય અને અવાજ મોટો થઈ જાય તો તેઓ સંભાળી લે છે. ટૂંકમાં અમને બધાંને જ સાચવી લે છે. પહેલાં રીતરિવાજ કેવાં હતાં, સમય સાથે હવે શું બદલાવ આવ્યો છે, શું કરવું જોઈએ વગેરે. એક ખૂબ મહત્ત્વની વાત તેમની પાસેથી અમે અને અમારા છોકરાઓ પણ શીખ્યા છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં છલકાઈ જવું ન જોઈએ. આજની તારીખે પણ તેઓ પોતાના પૂરતું કામ જાતે કરી લે છે. મારાં સાસુસસરા સાથે છે એટલે હું ઘણી રિલૅક્સ્ડ રહું છું. ક્યારેક એવું થાય કે વ્યવહાર હોય, ઘરનાં કામ હોય અને હું બાળકો પર વધુ ધ્યાન દઈ શકતી ન હોઉં. અમુક કામસર ઘરબહાર પણ જવું પડે પરંતુ મને કોઈ દિવસ ઘરની કે બાળકોની ચિંતા થતી નથી.’
પ્રીતિ અને કાન્તિ ભદ્રાની દીકરી હસ્તી અને દીકરા વીરને દાદા-દાદી સાથે ખૂબ બને છે. હસ્તી કહે છે, ‘દાદા-દાદી પાસે દરેક પ્રૉબ્લેમનું સૉલ્યુશન મળી જાય છે. તેમની પાસે બહુ બધી સ્ટોરીઝ છે જે અમે નાનપણથી સાંભળતાં આવ્યાં છીએ.’
કંઈક વાત હોય તો હું મમ્મી કરતાં પહેલાં દાદા-દાદી સાથે શૅર કરું એમ જણાવતાં વીર કહે છે, ‘મને ક્યારેક બિલ્ડિંગના છોકરાઓ હેરાન કરે તો હું તેમને કહી દઉં કે મારા દાદા પોલીસ-ઇન્સ્પેક્ટર છે. તેમની પર્સનાલિટી અને હાઇટ-બૉડી પોલીસ જેવાં છે એટલે કોઈ પણ માની જાય. પણ ક્યારેક હું ખોટો હોઉં તો વઢ પણ પડે. દાદા સમજાવે કે કઈ રીતે વર્તવું. હમણાં અમારી ફૅમિલીમાં એક લવ-મૅરેજ થયાં. અમને એમ કે તેઓ નારાજ થઈ જશે, પણ અમારા સરપ્રાઇઝ વચ્ચે દાદા-દાદીએ ખૂબ ખુશી જતાવી. સમય સાથે તેમનામાં ચેન્જ આવ્યો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. એ વખતે હું બહુ મોટી વાત શીખ્યો કે સમય સાથે બદલાતા રહેવું જોઈએ.’
દાદી સાથે મસ્ત ટ્યુનિંગ ધરાવતી આ પૌત્રી કહે છે, માય દાદી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ
મુલુંડમાં રહેતાં વિરલ અને વિશાલ ભદ્રા વર્કિંગ કપલ છે. વિરલ કહે છે, ‘હું બિન્દાસ ગમે ત્યાં જઈ શકું. મને ઘરની ક્યારેય કોઈ ચિંતા હોતી નથી. હું વર્કિંગ વુમન છું એટલે સ્વાભાવિક છે કે બાળકો પર વધુ ધ્યાન આપી શકાતું નથી, પરંતુ એ કામ મારાં સાસુનું છે. બન્ને એકબીજા સાથે મસ્તી કરે, ક્યારેક લડે અને રિસાઈ પણ જાય. મારી દીકરી ખાવાપીવામાં ચૂઝી છે. તેના માટે અલગથી કશું બનાવવાનું ટાળું, પરંતુ દાદી તેનું ખાવાપીવાનું બરાબર ધ્યાન રાખે. જમવા પહેલાં અને સૂવા પહેલાં પ્રાર્થના કરવાનું તેમણે જ શીખવ્યું છે. ક્રિષ્નાને ઘણાબધા શ્લોક આવડે છે એ પણ તેમણે જ શીખવ્યા છે. ઘરમાં વડીલ હોય એ એક પ્રકારના આશીર્વાદ છે.’
સોળ વરસની ક્રિષ્ના જે કલરની નેઇલ-પૉલિશ લગાડે એ જ તેનાં દાદીને પણ લગાડી આપે. ક્રિષ્ના કહે છે, ‘દાદી શોખીન છે. તેમની સાડીઓ પણ હું જ સિલેક્ટ કરું છું. પહેલાં તો મારો અને દાદીનો મોબાઇલ એક જ હતો. મને મારો પર્સનલ મોબાઇલ મળ્યો ત્યારે પહેલો સેલ્ફી મેં દાદી સાથે જ લીધો હતો. ખાવાપીવામાં મારાં ઘણાં જ નખરાં હતાં પરંતુ દાદીએ મને બધું જ ખાતાં શીખવી દીધું છે. હવે તો હું ભીંડાનું શાક પણ ખાઈ લઉં છું. દાદી ન હોય તો મને જરા પણ ન ગમે. મારી બોર્ડ એક્ઝામ શરૂ થવાની હતી ત્યારે દાદી મામાના ઘરે ગયાં હતાં. મેં તેમને ફોન કરી દીધો કે બોર્ડ એક્ઝામ ચાલુ થાય ત્યાં સુધી તમે પાછાં આવી જજો અને તેઓ એક્ઝામ શરૂ થવાના આગલે દિવસે પાછાં આવી ગયાં. દાદીએ મને રામાયણ, મહાભારત, શિવપુરાણ સંભળાવ્યાં છે તો મેં તેમને મોબાઇલમાંથી સાઇલન્ટ મોડ કેમ રિમૂવ કરવો, બ્રાઇટનેસ ઓછી ને વધુ કઈ રીતે કરવી એ બધું શીખવ્યું છે. માય દાદી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ.’