ધનતેરસના દિવસે મળીએ મુંબઈની એવી મહિલાઓને જેઓ ધનને બમણું કરવા માટે સ્ટૉક માર્કેટ, ડિજિટલ ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ વગેરેમાં ઇન્વેસ્ટ કરવામાં ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે એવી તેજ છે
આ ફંડાને નખશીખ પાળતી મુંબઈની ધનલક્ષ્મીઓને મળીએ
મહિલાઓ કમાતી થઈ છે ત્યારે પોતાના ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત નિર્ણયો પણ જાતે લેતાં શીખી છે. ધનતેરસના દિવસે મળીએ મુંબઈની એવી મહિલાઓને જેઓ ધનને બમણું કરવા માટે સ્ટૉક માર્કેટ, ડિજિટલ ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ વગેરેમાં ઇન્વેસ્ટ કરવામાં ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે એવી તેજ છે
એક જમાનામાં મહિલાઓ ઘરના ખર્ચ અને બચતના હિસાબ કરવા સુધી જ સીમિત હતી, પરંતુ સમય સાથે તેમણે પોતાની આર્થિક સમજને એક નવી દિશા આપી છે. આજની મહિલા ઘર અને જૉબની જવાબદારી સંભાળવાની સાથે જે ધન કમાયું છે એને ક્યાં રોકવું જેથી વધુ લાભ થાય એના નિર્ણયો પણ જાતે લેતી થઈ છે.
સહુનાં સાથી
ઘાટકોપરમાં રહેતાં અને પોતાની CAની પ્રૅક્ટિસ કરતાં બાવન વર્ષનાં નીતા આશરાને જોઈ લો. તે પોતાની સાથે પોતાના ફૅમિલી-મેમ્બર્સના પણ રોકાણ સંબંધિત નિર્ણયો લે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું મારા હસબન્ડ, દીકરા, સાસુ-સસરા બધાનાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત નિર્ણયો લઉં છું. મારા હસબન્ડ જયેશ પોતે પણ CA જ છે, પણ એમ છતાં તેમનું એમ કહેવું હોય કે અમારું રોકાણ તારે જ જોવાનું છે, હું મારી પ્રૅક્ટિસનું જ માત્ર જોઈશ. તેમને ૧૦૦ ટકા એવો વિશ્વાસ છે કે તું કરીશ એ બરાબર જ કરીશ. ખાલી હું કંઈ સામેથી તેમનું સજેશન લેવા માટે પૂછું તો એનો જ જવાબ આપે. એ સિવાય ફ્રેન્ડસર્કલમાં પણ કોઈને રોકાણને લઈને સલાહ જોઈતી હોય તો મારી પાસે આવે. મેં ૨૫-૨૬ વર્ષની ઉંમરથી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે તો મેં હજી કમાવાનું સ્ટાર્ટ પણ નહોતું કર્યું. મેં મારું સૌપ્રથમ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (PPF)માં કર્યું હતું. એ સમયે હજી શૅરમાર્કેટની એટલી સમજ પડતી નહોતી. CA બન્યા પછી વિવિધ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે તો મેં શૅરમાર્કેટ, ગોલ્ડ, સિલ્વર, રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફન્ડ બધી જ જગ્યાએ રોકાણ કરેલું છે. અમે વર્ષોથી ચાલી આવતી એક પરંપરા તરીકે ધનતેરસ અને દશેરાના દિવસે ગોલ્ડ તો ખરીદીએ જ. મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શૅર અથવા મ્યુચ્યુઅલ ફન્ડ જે કન્વીનિયન્ટ અને બેસ્ટ ઑપ્શન અવેલેબલ હોય એ ખરીદીએ. ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે જે તમારે જેટલું બને એટલું જલદી શરૂ કરી દેવું જોઈએ. મહિલાઓને ઇન્વેસ્ટમેન્ટમાં વધારે ખબર ન પણ પડતી હોય તો પણ ગોલ્ડ-સિલ્વરમાં તેમ જ PPFની થોડી જાણકારી રાખીને એમાં નાનું તો નાનું પણ રોકાણ કરવું જ જોઈએ.’
ADVERTISEMENT
ડેન્ટિસ્ટનું ફાઇનૅન્સ મૅનેજમેન્ટ
આવાં જ એક મહિલા એટલે બોરીવલીમાં રહેતાં ૩૯ વર્ષનાં અદિતિ ગાંધી જેઓ આમ તો ડેન્ટિસ્ટ છે પણ ફાઇનૅન્સનું તેમનું નૉલેજ ખૂબ સારું છે. તેમનાં બધાં જ ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત નિર્ણયો તેઓ પોતે જ લે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પા જયેશભાઈ હંમેશાં સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા અને તેમના કારણે જ હું ફાઇનૅન્સમાં રસ લેતાં શીખી. હું સ્કૂલમાં ભણતી ત્યારે મને બૅન્કના કામકાજ કરવા માટે એકલી મોકલતા. શૅરમાર્કેટ સમજવા કંપનીના ઍન્યુઅલ રિપોર્ટ વંચાવતા. મહિલાઓએ એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે મારા પપ્પાને કે હસબન્ડને ઇન્વેસ્ટમેન્ટનું નૉલેજ છે એટલે તે બધું સંભાળી લેશે. મેં ઘણી એવી મહિલાઓ જોઈ છે જેમના પપ્પા કે પતિનાં ઘણીબધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય પણ એ પૈસા કઈ રીતે કાઢવા એ તેમને ખબર જ ન હોય. ઘણી વાર મેડિકલ ઇમર્જન્સી આવી હોય અને હસબન્ડ હૉસ્પિટલમાં ઍડ્મિટ હોય અને એવા સમયે તેનો ઇન્શ્યૉરન્સ પણ હોય તેમ છતાં જો પત્નીને પૉલિસી અને પ્રોસેસ વિશે ખબર જ ન હોય તો તે સિચુએશન કઈ રીતે હૅન્ડલ કરી શકશે? આજે મને એટલું તો ફાઇનૅન્શિયલ નૉલેજ છે કે મારી સાથે કોઈ ફ્રૉડ કરીને નહીં જાય. જમાનાના હિસાબે ગોલ્ડ, ફિક્સ્ડ ડિપોઝિટ, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ, ગવર્નમેન્ટ બૉન્ડ બધામાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ. ડેબિટ કાર્ડ લો છો ત્યારે એમાં પણ ઍક્સિડન્ટલ ઇન્શ્યૉરન્સ મળે છે, પણ કોઈ ક્લેમ કરવા જતું જ નથી. મહિલાઓએ ફાઇનૅન્સને લગતી બાબતોમાં ફક્ત ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ ક્યારેક જો એમાં કોઈ કામ અટવાઈ જાય ત્યારે કઈ રીતે એમાંથી આગળ માર્ગ કાઢવો એ પણ શીખવું જરૂરી છે. અત્યારે તો પૈસા ઇન્વેસ્ટ કરવાના આટલાબધા રસ્તાઓ છે પણ ઘણાને એ રસ્તાઓ જાણવામાં પણ રસ હોતો નથી. તમારી પાસે એટલું ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ કે તમારી પાછલી ઉંમરમાં રિટાયર થયા પછી પણ તમારી પૅસિવ ઇન્કમ ચાલુ રહે.’
ડિઝાઇનિંગ અને ફાઇનૅન્સ
બ્રીચ કૅન્ડીમાં રહેતાં ૫૦ વર્ષનાં અવનિ શાહ વ્યવસાયે ડિઝાઇનર છે પણ સાથે-સાથે શૅરમાર્કેટનું કામ કરે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પાનો મોટો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો હતો એટલે એને સંભાળવાની જવાબદારી મારા પર આવેલી. પછી મેં ધીરે-ધીરે મારી જાતે શૅરમાર્કેટમાં ટ્રેડિંગ કરવાનું, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું. મારા પપ્પાનો કાપડનો બિઝનેસ હતો અને સાઇડમાં શૅરબજારમાં તેઓ ખાસ્સું એવું રોકાણ કરતા. એ સમયે તો ફિઝિકલ ફૉર્મમાં બધા રેકૉર્ડ રાખવા પડતા અને એક ડાયરી મેઇન્ટેન કરવી પડતી જે પપ્પા મારી પાસેથી કરાવતા. એટલે એ રીતે મને એમાં રસ તો હતો પણ કોઈ દિવસ ઍક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું નહોતું. મને વેડિંગ-ગિફ્ટમાં પણ મારા પપ્પાએ શૅર્સ આપ્યા હતા. લગ્ન પછી ઘર, બાળકો અને કામની જવાબદારી વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ તરફ વધારે ધ્યાન નહોતું આપ્યું. જોકે મારા પપ્પાના ગુજરી ગયા બાદ અને દીકરો થોડો મોટો થયો એ પછી મેં ફુલટાઇમ શૅરમાર્કેટને આપવાનું શરૂ કર્યું. કયા શૅર ખરીદવા, કયા કાઢવા, કયા રાખવા બધા જ નિર્ણયો હું મારી જાતે લઉં છું. શૅરમાર્કેટમાંથી કમાઈને જ મેં મારું પોતાનું ઘર ખરીદ્યું છે. ઘણી મહિલાઓ કમાણી તો કરે છે પણ રોકાણ કરવાની વાત આવે ત્યારે ડરે છે કે તેમનાથી પૈસા કોઈ ખોટી જગ્યાએ ન રોકાઈ જાય અને નુકસાન ન થઈ જાય. એનું કારણ એ પણ છે કે તેમનો ઉછેર એવા વાતાવરણમાં થયો છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટના બધા જ ડિસિઝન ઘરના પુરુષો જ લેતા આવ્યા હોય એટલે તેમને મનમાં એવી ધારણા બેસી હોય કે આપણું આ કામ નથી, રોકાણના જે નિર્ણયો લેવાના છે એ તેમને જ આવડશે. ઘણી મહિલાઓ છે જેમને ખબર પણ હોતી નથી કે તેમના પૈસા ક્યાં રોકવામાં આવી રહ્યા છે. હસબન્ડ પણ તેમને જણાવવાનું જરૂરી સમજતા નથી. મારો તો ઉછેર જ એવી રીતે થયો છે કે ફાઇનૅન્સ શું, જીવનના બધા જ નિર્ણયો પિતાએ મને જાતે લેતાં શિખવાડ્યું છે. તે કહેતા પણ ખરા કે નિર્ણય લેવામાં નહીં ડરો, કંઈ ખોટું થઈ પણ જાય તો અમે બેઠા છીએ અહીં સંભાળવા.’
બદલાઈ રહ્યો છે દૃષ્ટિકોણ
મહિલાઓ ઇન્વેસ્ટમેન્ટમાં રસ લેતી થઈ છે એનાં વિવિધ કારણો જણાવતાં ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘આજકાલ ૧૮થી લઈને ૭૦ વર્ષની મહિલાઓ મારી પાસે ફાઇનૅન્સનું નૉલેજ લેવા આવે છે. એમાંથી ૧૮-૨૫ વર્ષની યંગ ગર્લ્સને તો તેમના પપ્પા જ પ્રોત્સાહન આપતા હોય કે તું ઇન્વેસ્ટમેન્ટ કરતાં શીખ, બધી જ વસ્તુમાં ઇન્ડિપેન્ડન્ટ બનતાં શીખ. એવી જ રીતે પચીસથી ૪૫ વર્ષની ઘણી મહિલાઓ એટલા માટે ફાઇનૅન્સ શીખવામાં રસ લે છે કારણ કે ઘણી મહિલાઓ એવી છે જે પરિવારથી દૂર એકલી રહે છે, ઘણી મહિલાઓને તેમનું જીવન એકલા જ પસાર કરવું છે અથવા તો ઘણી મહિલાઓ એવી છે જે પતિથી અલગ રહેતી હોય. આ બધા કેસમાં મહિલાઓ પાસે રોકાણ બાબતે ઇન્ડિપેન્ડન્ટ બનવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. તેમને જ બધું એકલા હાથે સંભાળવાનું હોય છે. અગાઉ આવી મહિલાઓ ઓછી હતી, પણ હવે એનું પ્રમાણ ખાસ્સું છે. એ સિવાય ૪૫ વર્ષથી મોટી વયની મહિલાઓ એમ વિચારીને શીખવા આવે કે આટલાં વર્ષ તો ન શીખ્યું પણ હવે શીખવું છે. મહિલાઓની લાઇફસ્ટાઇલમાં પણ આજકાલ ઘણો બદલાવ આવ્યો છે અને એમાં ગૃહિણીનો સમાવેશ પણ થઈ ગયો. મહિલાઓ પોતાની વ્યક્તિગત ખુશી, સ્વતંત્રતા અને સોશ્યલ કનેક્શનને મહત્ત્વ આપતી થઈ ગઈ છે. ટ્રાવેલિંગ, વિવિધ પ્રકારના ક્લાસિસ જૉઇન કરવા, સોશ્યલ ક્લબ અને વિમેન સર્કલમાં જોડાવું વગેરે તેમની લાઇફસ્ટાઇલનો એક હિસ્સો બની ગયું છે. એટલે મહિલાઓ હવે બચત અને રોકાણને ગંભીરતાથી લે છે. એમાં પણ કોવિડ પછીથી મહિલાઓમાં કમાવાની અને બચાવવાની ધગશ વધી છે. કોરોનાના સમયગાળામાં અનેક લોકોએ નોકરી ગુમાવી અને લોકોનો પગાર અડધો થઈ ગયો. એ સમયે તો લૉકડાઉન કેટલું લાંબું ચાલશે એની ખબર પણ નહોતી. એટલે બચત કેટલી જરૂરી છે એ લોકોને રિયલાઇઝ થયું. અગાઉ મહિલાઓ એમ વિચારીને ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનતી કે મારે બીજા પાસેથી પૈસા માગવા ન પડે, પણ કોરોનાકાળ પછીથી ઘણી મહિલાઓએ એટલે પણ કમાવાનું શરૂ કર્યું કારણ કે તેમને પિતા-પતિને ઘરનો ખર્ચ ચલાવવામાં મદદ કરવી છે અને બચત વધારવી છે. છેલ્લાં અમુક વર્ષોમાં મહિલાઓ માટે અલગ-અલગ પ્રકારના ફાઇનૅન્શિયલ અવેરનેસ પ્રોગ્રામ્સ થવા લાગ્યા છે. જ્યારે કોઈ મહિલા જુએ છે કે તેના જેવી બીજી મહિલાઓ સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટની વાતો કરી રહી છે તો તેને પણ એમ લાગે કે મારે પણ આ શીખવું જોઈએ.’


