કફ પરેડમાં રહેતા ૧૬ વર્ષના કુશ માલપાણીએ ૪૨ દેશોના તેજસ્વી વિદ્યાર્થીઓને હંફાવી બેસ્ટ ઇન ઇકૉનૉમિક્સનો અવૉર્ડ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૧૬થી ચાલતી આ ઑલિમ્પિયાડમાં પહેલી વાર કોઈ ભારતીયે આ સન્માન મેળવ્યું છે
કુશ માલપાણી પરિવાર સાથે
કફ પરેડમાં રહેતા ૧૬ વર્ષના કુશ માલપાણીએ ૪૨ દેશોના તેજસ્વી વિદ્યાર્થીઓને હંફાવી બેસ્ટ ઇન ઇકૉનૉમિક્સનો અવૉર્ડ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૧૬થી ચાલતી આ ઑલિમ્પિયાડમાં પહેલી વાર કોઈ ભારતીયે આ સન્માન મેળવ્યું છે ત્યારે જાણીએ કુશે આંકડાઓની માયાજાળને વીંધતી આ સિદ્ધિ માટે કેટલી કમર કસી હતી એ
રોહિત પરીખ
rohit.parikh@mid-day.com
કફ પરેડમાં રહેતા ૧૬ વર્ષના કુશ આલોક માલપાણીએ ચીન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ઑલિમ્પિયાડ ૨૦૨૨માં ડંકો વગાડ્યો છે. કથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલમાં બારમામાં ભણતા કુશે ૪૨ દેશોના પ્રતિસ્પર્ધીઓની સામે ‘બેસ્ટ ઇન ઇકૉનૉમિક્સ’નો ખિતાબ મેળવ્યો હતો. ઇકૉનૉમિક્સ ઑલિમ્પિયાડની શરૂઆત ૨૦૧૬થી શરૂ થઈ છે અને ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વાર ગોલ્ડ હાંસલ કરવાનું શ્રેય મુંબઈના કુશના ફાળે જાય છે. ભલે ભારતની ટીમ આ સ્પર્ધામાં દસમા ક્રમાંકે રહી, પણ કુશના વ્યક્તિગત પર્ફોર્મન્સે તેને આ સિદ્ધિ અપાવી છે જે ભારત માટે ગૌરવ લેવા જેવી ક્ષણ છે. ઇકૉનૉમિક્સ ક્ષેત્રે ઊભરી રહેલી આ યંગ પ્રતિભાએ મેળવેલી આ સિદ્ધિ કેમ ખાસ છે અને એ મેળવવા તેણે ચોટલી બાંધીને કેવી મહેનત કરી હતી એની રસપ્રદ વાતો જાણીએ.
પહેલી ફીલિંગ કેવી?
ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સ ઑલિમ્પિયાડ ૨૦૨૨માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું એ વિશે ખુશી વ્યક્ત કરતાં કુશ કહે છે, ‘સાચે જ મારા માટે એ કોઈ સન્માનથી ઓછું નહોતું. મારામાં મૂકેલો વિશ્વાસ યોગ્ય ઠર્યો એની મને અનહદ ખુશી છે. આ હરીફાઈમાં જીત સાથે છેલ્લા ૧૦ મહિનાથી શરૂ થયેલી મારી રોમાંચક રાઇડનું આખરે સુખદ રિઝલ્ટ આવ્યું. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ઑલિમ્પિયાડ ૨૦૨૨માં સુવર્ણચંદ્રક જીતી શક્યો એ માટે મારો પરિવાર પણ ખુશ છે. અર્થશાસ્ત્રની શ્રેણીમાં વિશ્વમાં પાંચમું રૅન્કિંગ અને ‘બેસ્ટ ઇન ઇકૉનૉમિક્સ’ અવૉર્ડ પણ મને મળ્યો. હું વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારવામાં સફળ રહ્યો એનો મને ગર્વ છે.’
૪૨ દેશ વચ્ચે સ્પર્ધા
ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સ ઑલિમ્પિયાડ ૨૦૨૨માં ૪૨ દેશની ૪૩ ટીમોએ ભાગ લીધો હતો અને એમાં યજમાન ચીને બે ટીમ મોકલી હતી એમ જણાવતાં કુશ ઑલિમ્પિયાડ વિશે વધુ માહિતી આપતાં કહે છે, ‘આ સ્પર્ધામાં ત્રણ ભાગનો સમાવેશ થાય છે : અર્થશાસ્ત્ર બહુવિધ - પસંદગી અને ખુલ્લા પ્રશ્નો, નાણાકીય સાક્ષરતા રમત અને વ્યાવસાયિક કેસની રજૂઆત. આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે લગભગ ૫૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાંથી મારા સહિત માત્ર પાંચ વિદ્યાર્થીઓ જ સિલેક્ટ થયા હતા. આ ટીમનો ભાગ બનવા માટે મારે અનેક એક્ઝામ્સ અને ઇન્ટરવ્યુના રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું હતું.’
યાત્રાની શરૂઆત ક્યારે?
ક્વૉલિફાય થવા પહેલાંની સફર પણ ઘણી આકરી હતી એની વાત કરતાં કુશ કહે છે, ‘મારી ક્વૉલિફાયર યાત્રાની શરૂઆત મે ૨૦૨૧માં થઈ હતી. હું અર્થશાસ્ત્ર વિશે ઉત્સાહી વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાઓ પર સંશોધન કરી રહ્યો હતો. મારે એ સમયે મૅકાડેમિયાની વેબસાઇટ પર આવવાનું થયું હતું. મને નોંધણી માટે તેમણે કોલ્ડ ઈ-મેઇલ કરવાનું કહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે મને તેમના તરફથી ઝડપથી પ્રતિસાદ મળ્યો અને ઑગસ્ટ ૨૦૨૧માં મારી સ્કૂલ ધ કથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલ દ્વારા મારું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું.
હું ૪૫ મલ્ટિપલ ચૉઇસ પ્રશ્નોના પહેલા રાઉન્ડમાંથી પાર ઊતર્યો હતો. એમાંથી બીજા રાઉન્ડમાં જવા માટે ભારતભરના ટોચના ૨૫૦માં મારી પસંદગી થઈ હતી. આ રાઉન્ડમાં ઉચ્ચ સ્તરના અર્થશાસ્ત્રનો સમાવેશ થતો હતો, જેનો અભ્યાસ ઘણી વાર અન્ડર-ગ્રૅજ્યુએટ સ્તરનો હતો. એટલે મારે મારાં પાઠ્યપુસ્તકો કરતાં વધુ ઉચ્ચ અભ્યાસ કરવો પડ્યો હતો. હું ફરી એક વાર ૪૫ એકસીક્યુમાંથી બીજો રાઉન્ડ જીતવામાં સફળ રહ્યો હતો. અહીં ૨૫૦માંથી ટોચના ૨૫ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના ત્રીજા રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. હું ખૂબ જ સખત મહેનત કરીને મૅથેમૅટિકલલક્ષી આર્થિક વિભાવનાઓ અને વધુ અઘરા સવાલોને ટૂંકી સમયમર્યાદામાં ઉકેલવા માટેની ઍપ્લિકેશનો સાથે સંકળાયેલા ઘણા રાઉન્ડમાંથી પસાર થયો.
ટીમમાં પસંદગી
આટઆટલા સ્ક્રીનિંગ રાઉન્ડ પછી હજી ઇન્ટરવ્યુ રાઉન્ડ બાકી હતો. જૂન ૨૦૨૨માં થયેલા ઇન્ટરવ્યુ વિશે કુશ કહે છે, ‘આ ઇન્ટરવ્યુમાં ઍડ્વાન્સ સ્તરે માઇક્રો-ઇકૉનૉમિક અને મૅક્રો-ઇકૉનૉમિક વિષયો પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. આખરે ચીનમાં યોજાયેલી આઇઈઓ ૨૦૨૨માં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતીય ટીમમાં ટોચના પાંચ જણમાં મારી પસંદગી થઈ હતી.’
આખરે અમારું અંતિમ કાઉન્ટડાઉન શરૂ થયું એમ જણાવીને કુશ કહે છે, ‘અમારી ટીમે યુએસ/યુરોપ સહિત ૪૨ દેશની તેજસ્વી ટીમો સાથે હરીફાઈ કરવાની હતી. ભારતીય ટીમના સ્પૉન્સર મૅકાડેમિયાએ જુલાઈના પહેલા સપ્તાહથી તાલીમ શિબિર ઑલિમ્પિયાડ માટે ટીમ તૈયાર કરવા માટે યોજી હતી જેનું આયોજન ચીન દ્વારા ૨૬ જુલાઈથી પહેલી ઑગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. એમાં ૨૭ જુલાઈએ અર્થશાસ્ત્ર બહુવિધ પસંદગીના અને ઓપન ક્વેશ્ચન હતા. અહીં અમને ઍડ્વાન્સ્ડ ઇકૉનૉમિક્સને લગતા ખૂબ આંટીઘૂંટીવાળા સવાલો કરવામાં આવ્યા. એમાં હું ૧૨૦માંથી ૮૫ પૉઇન્ટ મેળવવામાં સફળ રહ્યો હતો અને મેં વિશ્વભરમાં પાંચમો ક્રમ મેળવ્યો હતો. આમાં હું વ્યક્તિગત કૅટેગરીમાં ‘બેસ્ટ ઇન ઇકૉનૉમિક’ માટે ગોલ્ડ અવૉર્ડ જીત્યો હતો.’
નાણાકીય સાક્ષરતા ગેમમાં વ્યક્તિના જીવનનાં ૩૦ વર્ષનું સિમ્યુલેશન સામેલ હતું, જ્યાં તેનાં નાણાકીય આયોજનો કરવાનાં હતાં અને જીવનની ઘટનાઓ, મનોરંજન ખર્ચ, કૌટુંબિક ધ્યેયો જેવાં અસંખ્ય પરિબળોને ધ્યાનમાં લઈને મહત્તમ પૉઇન્ટ્સ મેળવવાના હતા. ઉપરાંત સ્ટૉક્સ, બૉન્ડ્સ, ઈટીએફ, ઇન્ડેક્સ ફન્ડ્સ, રિયલ એસ્ટેટ અને માલસામાન અને સેવાઓ જેવાં અસંખ્ય નાણાકીય સાધનોમાં રોકાણ પરની માહિતી આપવાની હતી. આ હરીફાઈમાં કુશ ૪.૨ મિલ્યન પૉઇન્ટ મેળવવામાં સફળ રહ્યો હતો.
અંતે બિઝનેસ કૅશ પ્રેઝન્ટેશન આવ્યું, જેમાં એક ચાઇનીઝ લૉજિસ્ટિક ગ્રુપ માટે નાણાકીય અને તાર્કિક વિશ્લેષણ તૈયાર કરીને આર્થિક સલાહ આપવાની હતી. અસરકારક પ્રેઝન્ટેશન અને ચોક્કસ ભલામણો સાથે સંપૂર્ણ નાણાકીય વિશ્લેષણને આકાર આપવા માટે સવારે છ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી અમારી ટીમ લાગી પડેલી. જજોની પૅનલ સમક્ષ અમારી ટીમે સખત તથ્યો અને નાણાકીય બાબતો દ્વારા સમર્થિત નવીન ઉકેલો રજૂ કરીને દસમો ક્રમ મેળવ્યો હતો.
સફળતાનું શ્રેય કોને?
હું કથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલના મારા શિક્ષકો તેમ જ ડિસકોર્ડ અને રેડિટ પરના મારા સાથી મિત્રોનો આભાર માનું છું જેમણે આ પ્રક્રિયા દરમિયાન મને ટેકો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે.
ADVERTISEMENT
આઇઈઓ શું છે?
ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સ ઑલિમ્પિયાડ (આઇઈઓ) એ આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પરનું એક વૈજ્ઞાનિક ઑલિમ્પિયાડ છે જે દર વર્ષે જુલાઈમાં સૌથી હોશિયાર અને નિપુણ યુવા આર્થિક દિમાગને ચૅલેન્જ કરવા માટે રચાયું છે. એ બાર અધિકૃત સાયન્સ ઑલિમ્પિયાડ્સમાંના એક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. એ વિશ્વભરના ઉચ્ચ શાળાના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્રમાં સિદ્ધિનું શિખર છે. એમાં વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે બ્રૉન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ જીતવા માટેની શ્રેષ્ઠ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.


