માટુંગામાં રહેતી ૧૩ વર્ષની અરિહા મોરબિયા રિધમ જિમ્નૅસ્ટિક્સ, વૉલીબૉલ અને ડાન્સમાં માસ્ટર છે એટલું જ નહીં; વાંચવાની શોખીન છે, કૅલિગ્રાફ કરી જાણે છે અને ભણવામાં પણ હોશિયાર છે
અરિહા તેની મમ્મી ટ્વિન્કલ, પપ્પા રોહિત અને બહેન અહાના સાથે.
૧૩ વર્ષની ટીનેજર શું કરી શકે એવું કહેનારા લોકોએ માટુંગામાં રહેતી અરિહા મોરબિયાના જીવનમાં ડોકિયું કરવું જોઈએ. બહુમુખી પ્રતિભા ધરાવતી આ ગુજરાતી છોકરી નૅશનલ લેવલ પર રિધમિક જિમ્નૅસ્ટિક્સ તો કરે જ છે અને સાથે તે નૅશનલ લેવલ પર વૉલીબૉલ પણ રમે છે; એટલું જ નહીં, અરિહાને નાનપણથી જ વાંચનનો બહુ શોખ હોવાથી અત્યાર સુધી તેણે સેંકડો પુસ્તકો વાંચ્યાં છે. સ્ટડી અને સ્પોર્ટ્સ બન્નેમાં આગળ આવતી આ ટીનેજરની લાઇફ-જર્ની ઇન્ટરેસ્ટિંગ છે.
ગયા વર્ષે રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી રિધમિક જિમ્નૅસ્ટિક્સમાં અરિહા ગોલ્ડ મેડલ જીતી હતી.
ADVERTISEMENT
જિમ્નૅસ્ટિક્સમાં એન્ટ્રી
અરિહાની જિમ્નૅસ્ટિક્સ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં તેનાં મમ્મી ટ્વિન્કલ મોરબિયા કહે છે, ‘અરિહા નાની હતી ત્યારે બહુ જ ફ્લેક્સિબલ હતી. જેમ વાળો એમ વળી જાય. તે સાડાછ વર્ષની થઈ ત્યારે અમે તેને જિમ્નૅસ્ટિક્સની તાલીમ અપાવવાનો નિર્ણય લીધો. તેનો ગ્રાસ્પિંગ પાવર એટલો સારો હતો કે સર જે પણ શીખવે એ બધું તરત જ શીખી લેતી. એ સમયે તો અમે તેનું ઍડ્મિશન નૉર્મલ જિમ્નૅસ્ટિક્સમાં કરાવ્યું હતું, પણ પછી તેની ટૅલન્ટ જોતાં કોઈએ અમને રિધમિક જિમ્નૅસ્ટિક્સ વિશે જણાવ્યું. એમાં અમને રસ પડ્યો અને અરિહાને તો જિમ્નૅસ્ટિક્સથી પ્રેમ થઈ ગયો હતો, તેને તો જિમ્નૅસ્ટિક્સમાં કંઈ પણ કરાવો અને ગમે એટલા અઘરા ટાસ્ક આપો તો પણ તે કરી લેતી હતી. રિધમિક જિમ્નૅસ્ટિક્સમાં જિમ્નૅસ્ટિક્સ હોય પણ એનાં મૂવ્સ મ્યુઝિકની રિધમના આધારે કરવાના હોય. નૉર્મલ કરતાં આ પ્રકારનું જિમ્નૅસ્ટિક્સ થોડું અઘરું હોય છે, પણ એ અરિહાને નહોતું લાગતું. ધીરે-ધીરે તે એમાં આગળ વધતી ગઈ. ડિસ્ટ્રિક્ટ લેવલ કૉમ્પિટિશનથી સ્ટેટ લેવલ સુધી પહોંચી અને ત્યાંથી નૅશનલ લેવલ માટે પણ રમી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગુડગાંવમાં યોજાયેલી નૅશનલ ચૅમ્પિયનશિપમાં અરિહાએ આ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે એટલે કે બે મહિના પહેલાં ફેબ્રુઆરીમાં કલકત્તામાં નૅશનલ્સનું આયોજન થયું હતું, પણ આ વખતે તે જીતી શકી નહોતી. ગોલ્ડ જીત્યા બાદ જો કોઈ મેડલ ન મળે તો મન ઉદાસ થઈ જાય છે, પણ અરિહા એવી નથી. હાર-જીત સ્પોર્ટ્સમાં થયા કરે એમ માનીને તે ફક્ત જિમ્નૅસ્ટિક્સને એન્જૉય કરે છે અને એમાં આગળ વધતા રહેવાની તેની ઇચ્છા છે. જિમ્નૅસ્ટિક્સનાં પ્રૅક્ટિસ સેશન્સ માટે વડાલા અને મરીન લાઇન્સ એમ બે જગ્યાએ જવું પડે. વડાલા તો નજીક પડે અને મોટા ભાગે પ્રૅક્ટિસ ત્યાં જ હોય, પણ અઠવાડિયામાં એક વાર મરીન લાઇન્સ જવું પડે. અઠવાડિયાના પાંચ દિવસમાં અરિહા સ્કૂલથી આવીને દરરોજ એક રમત માટેની ટ્રેઇનિંગ લે છે. મુંબઈમાં અરિહાનું બધું જ હું સંભાળી લેતી હોઉં છું, પણ જ્યારે મુંબઈની બહાર કોઈ કૉમ્પિટિશન હોય તો અરિહાના પપ્પા બધું મૅનેજ કરતા હોય છે.’

વૉલીબૉલમાં ચૅમ્પિયન
માટુંગાની શિશુવન સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી અરિહા વૉલીબૉલમાં પણ ચૅમ્પિયન છે. વૉલીબૉલ કઈ રીતે શરૂ થયું એ વિશે જણાવતાં ટ્વિન્કલ વાતના દોરને આગળ વધારતાં જણાવે છે, ‘અરિહા જિમ્નૅસ્ટિક્સને લીધે બહુ જ ફ્લેક્સિબલ થઈ ગઈ હતી અને આ જ ફ્લેક્સિબિલિટી તેને વૉલીબૉલમાં કામ આવી. ઍક્ચ્યુઅલી વાત એમ છે કે અમે અરિહાના જિમ્નૅસ્ટિક્સના ક્લાસ પ્રાઇવેટ રખાવ્યા હતા, પણ સ્કૂલ તરફથી પણ કોઈ એક સ્પોર્ટ્સમાં રહેવું પડે એમ હતું. અરિહાના પપ્પા રોહિતને વૉલીબૉલ બહુ ગમે તો અમે અમારી દીકરી માટે પણ વૉલીબૉલ પસંદ કર્યું. તેના પપ્પાનો ગાર્મેન્ટનો બિઝનેસ છે, તેઓ પોતાના ફ્રેન્ડ્સ સાથે ક્રિકેટ-વૉલીબૉલ રમવા પણ જતા હોય છે. વૉલીબૉલ પ્રત્યેનો પ્રેમ જોઈને અરિહા પણ આ રમત જાણે અને સમજે એવી ઇચ્છા હોવાથી અમે તેનું ઍડ્મિશન વૉલીબૉલમાં કરાવ્યું. આ રમત તે છેલ્લાં ત્રણ વર્ષથી રમી રહી છે, પણ અમને નહોતી ખબર કે તે ઇન્ટરસ્કૂલથી ડિસ્ટ્રિક્ટ અને પછી સ્ટેટથી નૅશનલ્સ સુધી પહોંચી જશે અને તેની સ્કૂલનું નામ રોશન કરશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તામિલનાડુમાં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્પર્ધામાં અરિહાની ટીમને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. તેને બન્ને સ્પોર્ટ્સ મૅનેજ કરવા માટે સ્કૂલ બહુ સાથ આપે છે. વૉલીબૉલ સ્કૂલ લેવલની રમત છે અને જિમ્નૅસ્ટિક્સ ફેડરેશન લેવલની. તો જ્યારે જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ હોય અથવા સ્પર્ધા હોય તો અરિહાને સ્કૂલ-ટીચર્સનો સપોર્ટ રહેતો અને વૉલીબૉલનાં પ્રૅક્ટિસ સેશન્સ હોય ત્યારે જિમ્નૅસ્ટિક્સ ફેડરેશન્સ તરફથી સપોર્ટ મળતો.’

અરિહાને બૉલીવુડ-ડાન્સની સાથે ગરબા રમવાનો શોખ પણ છે.
ડાન્સમાં પણ મોખરે
અરિહા બન્ને પ્રકારની સ્પોર્ટ્સમાં પોતાના નામનો ડંકો વગાડી જ રહી છે અને એની સાથે તે ડાન્સમાં પણ મોખરે છે. અરિહાને પહેલેથી જ ડાન્સનો શોખ હોવાથી એક ડાન્સ-ક્લાસમાં તેણે બૉલીવુડ ડાન્સની તાલીમ મેળવી હતી અને સ્કૂલમાં થતા કલ્ચરલ ફેસ્ટ અને સમાજના કાર્યક્રમોમાં તે ભાગ લેતી હોય છે અને પ્રાઇઝ લીધા વિના પાછી ફરતી નથી. અરિહાને બૉલીવુડ ડાન્સની સાથે ગરબા રમવા પણ બહુ પસંદ છે. જુલાઈ મહિનામાં તાઇવાનમાં આયોજિત કલ્ચરલ ફેસ્ટમાં ફક્ત પચીસ ભારતીય વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે એમાં અરિહા પણ સામેલ છે. અત્યારે તેના વીઝા અને અન્ય ચીજો વિશેનાં કાર્યો પ્રોસેસમાં છે. જો જવાનું નક્કી થાય તો અરિહા પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા કાર્યક્રમમાં કોઈ પણ રાજ્યનો ફોક ડાન્સ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અરિહાની સાથે તેની મોટી બહેન અહાના પણ સારી ડાન્સર છે. બન્ને બહેનો સાથે પર્ફોર્મ કરતી હોય છે. અહાનાએ તાજેતરમાં ટેન્થની પરીક્ષા આપી અને તે પણ અરિહાની જેમ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હોવાથી ડિસ્ટ્રિક્ટ લેવલની બૅડ્મિન્ટન પ્લેયર છે.

ઉત્તરાખંડમાં ફરતી વખતે જિમ્નૅસ્ટિક્સનાં કરતબ દેખાડતી અરિહા.
વાંચનનો જબરો શોખ
અરિહાને વાંચનનો જબરો શોખ છે એમ જણાવતાં મમ્મી ટ્વિન્કલ એની પાછળની સ્ટોરી પણ કહે છે, ‘અરિહા જ્યારે સાડાત્રણ વર્ષની હતી ત્યારથી તેને વાંચવું ગમે છે. સામાન્યપણે આ ઉંમરમાં બાળકો બોલવાનું શીખતાં હોય છે ત્યારે મારી દીકરી વાંચતી થઈ ગઈ હતી. વાંચનનો શોખ અમારા પાડોશી રાહુલ ખંડોરને કારણે ડેવલપ થયો. તે બુક્સના બિઝનેસ સાથે સંકળાયેલા હોવાથી અરિહાને પુસ્તકો વાંચવાનો શોખ ડેવલપ થયો અને એ હજી સુધી ચાલે છે. તેને ફિક્શન બુક્સ વાંચવી બહુ ગમે છે. આમ તો તે પુસ્તકો તો અંગ્રેજી ભાષામાં જ વાંચે છે, પણ અમારા ઘરે ગુજરાતી ભાષાનાં અખબાર આવતાં હોવાથી તે પોતાની માતૃભાષા પણ વાંચી શકે છે. આ ઉપરાંત તે કૅલિગ્રાફી આર્ટિસ્ટ પણ છે. તેણે કૅલિગ્રાફીનો નાનો કોર્સ કર્યો હતો અને હવે કોઈનો જન્મદિવસ હોય કે કોઈ પ્રકારનું ગ્રીટિંગ કાર્ડ બનાવવું હોય તો તે પોતાની કૅલિગ્રાફી આર્ટ એમાં દેખાડતી હોય છે અને તેના ફ્રેન્ડ્સને પણ બનાવી દેતી હોય છે.’


