મુલુંડનાં આરતી દાવડાની ભક્તિ માત્ર નવ દુર્ગા પૂરતી જ સીમિત નથી, તેમણે શ્રાવણ મહિનામાં પણ દરરોજ ઘરે પોતાના હાથેથી પાર્થિવ શિવલિંગ બનાવ્યાં હતાં
આ વખતે આરતી દાવડાએ ઘરનાં હૉલની મુખ્ય દીવાલ ઉપર નાનાં-નાનાં મંદિરો બનાવ્યાં છે જેમાં નવ માતાઓની છબીઓ બેસાડી છે અને સજાવ્યાં પણ છે.
નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના કરવાનું પર્વ. નવ દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો નવરાત્રિના નવેનવ દિવસ માતાજીની સાધના, પૂજા, વ્રત, ભજન વગેરે કરે છે. દરેક ભક્ત પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે માતાજીનું પૂજન કરે છે, પરંતુ કેટલાક ભક્તો એવા પણ હોય છે જેમની ભક્તિ અનન્ય હોય છે. જેમ કે મુલુંડમાં રહેતાં આરતી દાવડા, જેમણે ઘરને જ માતાજીના મંદિરમાં ફેરવી દીધું છે. સામાન્ય રીતે લોકો નોરતાંમાં અલગ-અલગ માતાઓનાં મંદિરમાં દર્શન કરવા જતા હોય છે પણ તેમણે તો આ નવેનવ માતાઓને પોતાના ઘરમાં જ સ્થાપ્યાં છે.
નવ દુર્ગાની સ્થાપના
ADVERTISEMENT
મુલુંડમાં રહેતાં અને મૉડ્યુલર કિચનના વ્યવસાય સાથે સંકળાયેલાં આરતી દાવડા દર વર્ષે અલગ-અલગ રીતે નવ દુર્ગાની આરાધના કરતાં આવ્યાં છે, પણ આ વર્ષે તેમણે કંઈક અલગ રીતે માતાજીની ભક્તિ કરવાનું વિચાર્યું હતું. આ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘ગયા વર્ષે પણ નવરાત્રિમાં મેં નવ દુર્ગા માતાઓને બેસાડ્યાં હતાં જેમાં મેં નવ માતાઓના પ્રતીક રૂપે નવ ઢીંગલીઓ બનાવીને બેસાડી હતી, પણ આ વખતે કંઈક અલગ કરવું હતું એટલે મેં મારા ઘરના હૉલમાં નવ માતાનાં અલગ-અલગ મંદિરો બનાવ્યાં અને એની અંદર નવ દુર્ગા માતાઓને બેસાડ્યાં. મારા હૉલની મુખ્ય દીવાલ ઉપર મેં નવ નાનાં-નાનાં મંદિરો બનાવ્યાં છે જેમાં મેં નવ માતાઓની છબીઓ બેસાડી છે. આ દરેક મંદિરને મેં મારી જાતે સજાવ્યાં પણ છે. એમાં કલર કરી લાઇટ પણ લગાવી છે. આ છબીઓ હું પધરાવવાની નથી પણ હંમેશ માટે અહીં રાખી મૂકવાની છું. નવ દુર્ગાનાં જે મંદિર બનાવ્યાં છે એની નીચે ૧૧ મહિલાઓ માતાજીની પૂજા કરતી હોય એવી રીતે ઢીંગલીઓ બનાવી શણગાર કર્યો છે. હવનકુંડ બનાવ્યો છે. નવ દુર્ગાની સ્થાપના કરેલી છે એટલે તેમની પૂજામાં પણ કોઈ કચાશ નહીં રહી જાય એની હું ખાતરી રાખું છું અને જેમ મંદિરમાં તેમની પૂજા થતી હોય એ રીતે જ હું કરવાના પ્રયત્નો પણ કરું છું.’
રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જાઉં
હું રોજ સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ બ્રહ્મ મુહૂર્તમાં હું ઊઠી જાઉં છું જેથી ઘરનાં કામો શરૂ થાય એ પહેલાં હું પૂજાપાઠ કરીને ફ્રી થઈ શકું. નવરાત્રિના નવેનવ દિવસ અલગ-અલગ માતાની આરાધના કરવામાં આવતી હોય છે એટલે હું પણ એ પ્રમાણે ફૉલો કરું છું. જેમ કે બ્રહ્મચારિણી માતાના વારે મેં આ માતાની આરતી, હવન, તેમના મંત્રોનો જાપ કર્યાં તથા તેમને જે ચડતો હોય એ ભોગ ચડાવ્યો. એવી જ રીતે શૈલપુત્રી માતાના વારે મેં તેમની વાર્તા, આરતી, મંત્રો, હવનની આહુતિ અને ભોગ ધર્યાં હતાં. લગભગ બેત્રણ કલાક જેટલી મારી પૂજા ચાલતી હોય છે. આખી નવરાત્રિ મારો ઉપવાસ પણ હોય પણ બધું સરળતાથી થતું રહે છે. મને આજ સુધીમાં ભક્તિ કરવામાં ક્યારે થાક લાગ્યો નથી.’
સમય અને ધીરજ બન્ને જોઈએ
ઘર સાથે બધું કેવી રીતે મૅનેજ કરી શકાય છે એ વિશે જણાવતાં આરતી દાવડા કહે છે, ‘હું પણ વર્કિંગ છું પણ મારું પોતાનું કામકાજ હોવાથી ટાઇમિંગમાં ફલેક્સિબિલિટી રહેતી હોય છે. એટલે હું સમય ઍડ્જસ્ટ કરી લઉં છું. તેમ છતાં પૂજાની સામગ્રી ભેગી કરવામાં, ભોગ ધરાવવાની તૈયારી કરવામાં અને પછી પૂજાપાઠ કરવામાં પણ સારોએવો સમય નીકળી જાય છે. એટલે આ માટે સમયની સાથે ધીરજ પણ રાખવી એટલી જરૂરી બને છે. પહેલાં અમે નાની જગ્યામાં રહેતાં હતાં એટલે એટલું કરી શકતી નહોતી, પરંતુ હવે અમે મોટા ફ્લૅટમાં આવી ગયાં છીએ એટલે જગ્યાની છૂટ છે એટલે ખૂબ જ સરસ રીતે ભગવાનની સ્થાપના અને પૂજા કરી શકું છું. આ ઉપરાંત હું જેવી ફ્રી થાઉં કે અમારી બાજુમાં આવેલાં મંદિરોના ભગવાનનાં કપડાં પણ સીવીને આપું છું. ભગવાન માટે કંઈક ને કંઈક કરવાનું મને ગમે છે.’
ક્યાંથી પ્રેરણા મળી?
આરતી દાવડા કહે છે, ‘અમે પહેલાં ઘાટકોપરમાં રહેતાં હતાં. ત્યાં અમારી બાજુમાં શિવજીનું મંદિર હતું. મારી મમ્મી અમને ત્યાં લઈ જતી હતી. એટલે બાળપણથી જ અમારામાં પણ ભગવાનની ભક્તિ, પૂજા, સેવા વગેરે કરવાનો ભાવ જાગ્રત થઈ ગયો હતો. પહેલાં અમે નાનાં હતાં ત્યારે શ્રાવણ મહિનામાં અમે રોજ સ્કૂલમાં જવા પહેલાં મંદિરમાં જતાં અને ત્યાં જઈ પાર્થિવ શિવલિંગ બનાવતાં હતાં. જોકે મોટાં થયા બાદ સાંસારિક જવાબદારીઓને લીધે હું પૂજાપાઠ પાછળ બહુ સમય આપી શકતી નહોતી. પણ કોવિડના સમયથી હું શ્રાવણ મહિનામાં શિવલિંગ બનાવવા લાગી હતી. આ વખતે મેં આખો મહિનો શિવલિંગ મારા હાથેથી બનાવ્યાં હતાં એટલું જ નહીં; ૧૨ જ્યોર્તિલિંગ, બરફનાં શિવલિંગ અને છેલ્લે દિવસે ૧૦૦૦ શિવલિંગ પણ બનાવ્યાં હતાં.’


