વિમાનના દરવાજેથી જ ભારત શરૂ થઈ જતું, લાલ પાઘડીવાળા મહારાજા અને સાડીમાં સજ્જ ઍર-હૉસ્ટેસોથી
પ્રતીકાત્મક તસવીર
ઍર ઇન્ડિયાના લાલ અક્ષરોની સાથે બીજી બે યાદો પણ સ્મૃતિશેષ થઈ ગઈ : મૂછોવાળા મહારાજાનું નમન અને સાડી પહેરેલી ઍર-હૉસ્ટેસો / પરિચારિકાઓનું નમસ્તે. બે હાથ જોડીને સૌમ્ય સ્મિત વેરતી પરિચારિકાઓ આખા વિશ્વ માટે ભારતની સંસ્કૃતિનો ચહેરો હતી, ‘અતિથિ દેવો ભવ’ની ભારતીય પ્રણાલીની જીવંત મૂર્તિ હતી. સાડીમાં સજ્જ હોવા છતાં ઝડપથી હલનચલન કરતી આ ભારતીય સુંદરીઓને જોઈને જગતભરના પ્રવાસીઓને આશ્ચર્ય થતું. તમને પણ એ જાણીને આશ્ચર્ય થશે કે ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકાઓમાં ઍર ઇન્ડિયાની હૉસ્ટેસો યુરોપિયન ઍરલાઇન્સની જેમ જ સ્કર્ટ, જૅકેટ અને ટોપી પહેરતી હતી. એ સમયની આંતરરાષ્ટ્રીય ઍરલાઇન સંસ્કૃતિનો એ પ્રભાવ હતો. ૧૯૬૨માં JRD તાતાએ વેસ્ટર્ન યુનિફૉર્મને બદલીને ભારતીય સાડી અપનાવવાનું નક્કી કર્યું, કારણ કે તેમની નજરમાં માત્ર નફો નહોતો પણ તેઓ ઍર ઇન્ડિયાને ભારતના ઊડતા રાજદૂત તરીકે જોતા હતા. તેઓ ઇચ્છતા હતા કે જ્યારે કોઈ વિદેશી મુસાફર તેમના વિમાનમાં પગ મૂકે ત્યારે તેને ભારતનો અનુભવ થવો જોઈએ. એ જ કારણે વિમાનમાં ભારતીય ભોજન પીરસવામાં આવતું, ભારતીય કલા અને ડિઝાઇન સામેલ થઈ, મૂછોવાળા મહારાજા બનાવવામાં આવ્યા અને ઍર-હૉસ્ટેસો માટે સાડી પસંદ થઈ. આ નિર્ણય દ્વારા જગતઆખા માટે સંદેશ હતો કે ભારત ભલે આધુનિક થઈ રહ્યું હોય, પણ પોતાની સંસ્કૃતિ અને સભ્યતાને જાળવીને.
ઍર ઇન્ડિયાની હૉસ્ટેસો વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. રેશમી પાટલીબંધ સાડી અને અંબોડાવાળી વાળની વ્યવસ્થિત શૈલી સાથે સૌમ્ય સ્મિત એક વિશિષ્ટ છબિ ઊભી કરતું હતું. મુંબઈ જેવાં મોટાં શહેરોની મહિલાઓ તેમની સાડી પહેરવાની સ્ટાઇલથી પ્રભાવિત થઈ ગઈ હતી. તેમની સારી-ડ્રેપિંગ સ્ટાઇલ એક ફૅશન-સ્ટેટમેન્ટ બની ગયું હતું. એટલે જ એ સમયે ઍર-હૉસ્ટેસ બનવું ફિલ્મસ્ટાર બનવા જેટલું જ પ્રતિષ્ઠિત હતું. જોકે ઍર-હૉસ્ટેસની પસંદગી પણ સહેલાઈથી નહોતી થતી. હજારો અરજીઓમાંથી થોડી જ પસંદ થતી. એટલે જ એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેતો. ગ્લૅમર સાથે સન્માન અને આંતરરાષ્ટ્રીય જીવનશૈલીનો અવસર એ દરેક યુવતીનું સપનું હતું.
ADVERTISEMENT
ઍર-હૉસ્ટેસો માત્ર સેવા આપતી કર્મચારીઓ નહોતી, તેઓ આધુનિક ભારતના સંસ્કાર અને સભ્યતાની પ્રતિનિધિ પણ હતી. એ તો જાણીતી વાત છે કે JRD તાતા મુસાફરોને અપાતી સેવાઓની નાનામાં નાની વિગત પર પણ ધ્યાન આપતા. ક્યારેક તેઓ પોતે ફ્લાઇટમાં મુસાફર તરીકે જઈને નિરીક્ષણ કરતા. સમગ્ર સ્ટાફનો વ્યવહાર, સાડીસજ્જતા, સમગ્ર વેશભૂષા, સ્મિત અને ભોજન પીરસવાની રીત સુધ્ધાંની તેઓ નોંધ લેતા, કારણ કે તેઓ માનતા કે મુસાફર પહેલાં સેવા યાદ રાખે છે અને પછી વિમાન.
તમારા હૃદયમાં મીઠી કશમકશ જન્માવે એવી બીજી સ્મૃતિ છે : ઍર ઇન્ડિયાનો મૅસ્કોટ, લાલ પાઘડીવાળો મહારાજા. ભારતીય કૉર્પોરેટ ઇતિહાસની સૌથી સફળ અને યાદગાર બ્રૅન્ડ. આ મૅસ્કોટથી ઍર ઇન્ડિયાની છબિ ઘડવામાં જેમનો અસાધારણ ફાળો હતો તે હતા બૉબી કુકા, JRDના અત્યંત નજીકના સહયોગી. ઍર ઇન્ડિયા પાસે ત્યારે બહુ મોટું બજેટ નહોતું. કુકાએ વિચાર્યું કે ઍરલાઇનને એક માનવીય ચહેરો આપવો જોઈએ જે ભારતની મહેમાનનવાજી અને સંસ્કૃતિ પ્રદર્શિત તો કરે, સાથે-સાથે થોડો હસમુખો પણ હોય (તેઓ પોતે પારસી હતાને). આ વિચારધારામાંથી જ ‘મહારાજા’નો જન્મ થયો. ઍર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે પોતાની ઓળખ ઊભી કરી રહી હતી ત્યારે કંપનીના કમર્શિયલ ડિરેક્ટર બૉબી અને જાણીતા કલાકાર ઉમેશ રાવ બન્નેએ સાથે મળીને ‘મહારાજા’નું સર્જન કર્યું. એની વિશેષતા હતી મોટી વાંકડી મૂછ, લાલ પાઘડી, નમસ્કારની મુદ્રા અને મોઢા પર આછું સ્મિત. રસપ્રદ વાત એ છે કે આ મૅસ્કોટ કોઈ ઐતિહાસિક મહારાજાનો પ્રતિનિધિત્વ નહોતો કરતો. આ મહારાજાનો તાજ સત્તાનો નહીં, સ્વાગતનો હતો. તેથી જ બૉબી કુકાનું એ પ્રખ્યાત વાક્ય આજે પણ ટાંકવામાં આવે છે : ‘તે મહારાજા દેખાય છે પણ રાજવી નથી, તે રાજવી નથી પણ રાજાશાહી આતિથ્યનું પ્રતીક છે.’ આ એક વાક્યમાં તેમની કલ્પનાનો સાર સમાઈ જાય છે.
તેથી જ મહારાજા દરેક દેશમાં નવી-નવી ભૂમિકામાં જોવા મળતા. પૅરિસમાં કલાકાર તરીકે તો ટોક્યોમાં સુમો પહેલવાન તરીકે, રોમમાં રોમિયો તરીકે તો અમેરિકામાં કાઉબૉય તરીકે તેમનું રૂપ બદલાતું; પરંતુ તેમની મૂછ અને સ્મિત યથાવત્ રહેતાં. પરિણામે ઍર ઇન્ડિયાની જાહેરાતો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનતી. બૉબી સર્જનાત્મક માર્કેટિંગ ગુરુઓમાંના એક ગણાવા લાગ્યા. આજના સમયમાં બ્રૅન્ડ સ્ટોરીટેલિંગ બહુ ચર્ચાતો શબ્દ છે, પણ એ કામ તો તેમણે ૧૯૫૦ના દાયકામાં જ કરી બતાવેલું. તેઓ માત્ર માર્કેટિંગ-નિષ્ણાત જ નહોતા, હસતા-હસતા કટાક્ષ કરવા માટે પણ જાણીતા હતા. થોડો તોફાની એવો પારસી સ્વભાવ ખરોને. તેમની જાહેરાતોમાં ઘણી વાર રાજકારણીઓ અને સત્તાધીશો પર હળવું ટીખળ જોવા મળતું. એને કારણે JRDને ક્યારેક ફરિયાદો પણ સાંભળવી પડતી. છતાં તેઓ બૉબીની પ્રતિભાના પ્રશંસક રહ્યા હતા. આ બૉબી કુકાનું સાચું નામ હતું સોરાબ કૈખુશરુ કુકા. તેઓ કહેતા, ‘અમારો મહારાજા થોડો જાડો છે પણ આળસુ નથી. તે એટલો આકર્ષક છે કે લોકો તેને ભૂલી શકતા નથી.’ કેટલી સાચી વાત!
બાય ધ વે
તમને ખબર છે કે મહારાજા એટલો લોકપ્રિય બન્યો હતો કે ઘણા વિદેશી પ્રવાસીઓ ઍર ઇન્ડિયાને એના સત્તાવાર નામ કરતાં પણ ‘ધ મહારાજા ઍરલાઇન’ તરીકે વધુ ઓળખતા હતા. કદાચ દુનિયામાં બહુ ઓછી ઍરલાઇન્સ હશે જેનો મૅસ્કોટ કંપની કરતાં વધુ પ્રસિદ્ધ બન્યો હોય. ઍર ઇન્ડિયાના એ લાલ અક્ષરો પોતાના અંતરમાં JRD તાતાનું સપનું, બૉબી કુકાની કલ્પના, સાડીસજ્જ ઍર-હૉસ્ટસોનું નમસ્તે અને મહારાજાના આછા સ્મિતની સાથે-સાથે એક આખી સદીની કહાણી છુપાવીને બેઠા હતા. કેટલાક અક્ષરો ઇમારતો પર જ નહીં, લોકોના હૃદયમાં પણ કોતરાઈ જતા હોય છે.
