મનોબળ (લાઇફ કા ફન્ડા)
જપાનના પ્રસિદ્ધ સેનાપતિ નોબુનાગા યુદ્ધકૌશલ અને બુદ્ધિકૌશલ બન્નેમાં નિષ્ણાત હતા. તેણે ઘણાં યુદ્ધ ઓછાં સાધનો અને સૈનિકો હોવા છતાં જીત્યા હતા. તેની આગેવાની હેઠળ સૈનિકોમાં ભરપૂર જોશ અને વિશ્વાસ ભરેલો રહેતો. પોતાના સૈનિકોનું મનોબળ તેઓ ક્યારેય નબળું પડવા દેતા નહીં.
એક વાર સેનાપતિ નોબુનાગા અને તેમની ટુકડી એક કિલ્લો જીતવા નીકળી. તેમની પાસે બહુ ઓછા સૈનિકો અને બહુ જ ઓછાં સાધનો હતાં અને સામે દુશ્મનોની સંખ્યા તેમના કરતાં ચારગણી હતી. વળી તેઓ મજબૂત કિલ્લાની ભીતર હતા. સેનાપતિ નોબુનાગાના સૈનિકોનું મનોબળ તૂટી રહ્યું હતું. તેમને થતું હતું કે આપણે આ યુદ્ધ નહીં જીતી શકીએ. સેનાપતિ નોબુનાગાએ યુદ્ધ પહેલાં વહેલી સવારે મંદિરમાં તેમની જીત માટે પૂજાનું આયોજન કર્યું. બધા સૈનિકોના હાથે પૂજા કરાવી. હથિયારોની પૂજા કરી પછી તેઓ બોલ્યા, જો ભગવાન આપણી પૂજાથી પ્રસન્ન હશે તો આ મારા હાથનો સિક્કો આપણે જેટલી વાર ઉછાળશું એટલી વાર આપણા રાજાના ચહેરાની છાપ જ ઉપર આવશે. સેનાપતિ નોબુનાગાએ પાંચ વાર સિક્કો ઉછાળ્યો, દરેક વાર રાજાનો ચહેરો જ આવ્યો. જેટલી વાર સિક્કો ઊછળે એટલી વાર રાજાના ચહેરાની છાપ દેખાય એટલે તેઓ મોટેથી બૂમ પાડે, આપણી જીત. સૈનિકો પણ બોલે, જીત... જીત... આમ પાંચ વાર થતાં સૈનિકોમાં અજબ ઉત્સાહ આવી ગયો. જીત... જીત... બોલતાં બધા ખુશીથી નાચવા લાગ્યા અને આ ઉત્સાહ અને અડગ મનોબળ સાથે લડાઈ શરૂ થઈ. ચારગણી સંખ્યા ધરાવતા દુશ્મનને પણ સૈનિકોએ અજબ વીરતા બતાવી હરાવી દીધા. કિલ્લો ફતેહ કરી લીધો.
યુદ્ધ જીત્યા બાદ સાંજે આનંદનો ઉત્સવ રાખવામાં આવ્યો. એ અભિનંદન સમારોહમાં સેનાપતિ નોબુનાગાએ કહ્યું, ‘આ જીતનું શ્રેય હું તમને કોઈને નહીં, તમારી વીરતાને કે મારી આગેવાનીને નહીં આપું!’
તેમની આવી વાત સાંભળી બધાને નવાઈ લાગી. સેનાપતિએ આગળ કહ્યું, ‘આ યુદ્ધના વિજયનો શ્રેય હું તમારા બધાના મનના મનોબળને આપીશ. આજની જીત એ મનોબળ અને આત્મવિશ્વાસની જીત છે.’ આટલું બોલી તેમણે બધા સૈનિકોને વિજયની યાદગીરી માટે એક-એક સિક્કો ભેટ આપ્યો. આ એક સિક્કો જપાનના બે સિક્કાને બન્ને તરફ રાજાનો ચહેરો દેખાય એ રીતે જોડીને બનાવવામાં આવ્યો હતો. સવારે આજ સિક્કા સેનાપતિએ ઉછાળ્યા હતા જેના પરિણામને લીધે સૈનિકોનું મનોબળ મજબૂત થયું હતું અને અત્યારે એના આધારે જ તેઓ વિજયી થયા હતા. બધા સૈનિકો સેનાપતિની આવડત, સિક્કાનો રાઝ અને મનોબળની મહત્તા સમજી ગયા અને સદા મનોબળ ટકાવી રાખવાના નિર્ણય સાથે વિજયની ખુશીમાં નાચવા લાગ્યા.
આત્મવિશ્વાસ એક એવી શક્તિ છે જે અસંભવને પણ સંભવ કરી શકે છે.


