એક તાજા અભ્યાસ મુજબ સમાજમાં, ખાસ કરીને મોટાં શહેરોમાં લોકોની રાત મોડી થવા લાગી હોવાથી રાતના ખર્ચ આડેધડ વધી રહ્યા છે. લોકો અડધી રાતે પણ ઇચ્છા થાય એ ખાવા-પીવાની આઇટમ ઑર્ડર કરે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આજે એક કાલ્પનિક પ્રસંગથી એક વાસ્તવિકતાની સીધી વાત કરીએ. એક દોડતા માણસને રોકીને પૂછવામાં આવ્યું કે તે કેમ દોડી રહ્યો છે? માણસે કહ્યું, ‘બધા દોડે છે એટલે હું પણ દોડું છું. બધા જે કરતા હોય એ હું ન કરું તો બધાથી પાછળ રહી જાઉં એ કેમ ચાલે?’
આવા વિચાર કે માનસિકતા સાથે ચોક્કસ બાબતોમાં સમાજ વિકાસના નામે સતત વિલાસ અને વિનાશ તરફ જઈ રહ્યો છે કે શું એવો સવાલ ઊભો થઈ શકે.
વિવિધ ઈ-કૉમર્સ કંપનીઓ (નામો જાહેર છે) ઘેરબેઠાં ચીજવસ્તુઓ પહોંચાડવાની સર્વિસ આપતી થઈ ત્યારથી લોકો માટે શૉપિંગનો એક સરળ અને ઝડપી માર્ગ ઊભો થઈ ગયો છે. અલબત્ત, સમય પૂરપાટ દોડી રહેલા પરિવર્તનનો છે. જોકે પ્રશ્ન માત્ર પરિવર્તનનો નથી. આમાં મામલો પતન સુધી જવાના ભયનો પણ છે. હોમ ડિલિવરી કરનાર ઈ-કૉમર્સ કંપનીઓની વધતી ડિમાન્ડ સાથે તેમની વચ્ચે સ્પર્ધા પણ વધી રહી છે જે તેમના માટે બિઝનેસ છે, પરંતુ સમાજ માટે ભયંકર જોખમની સંભાવના છે.
વિવિધ ઈ-કૉમર્સ મંચ પરથી કંઈ પણ મગાવો તો ગણતરીની મિનિટોમાં આવી જાય છે. જાણે ડિલિવરીમૅન આપણા મકાનની નીચે જ ઊભો હોય. હવે આમાં જે ઉમેરો થયો છે એ ક્વિક - VIP ડિલિવરી સર્વિસનો છે. સામાન્યત: જે સમયની અંદર ચીજો પહોંચતી થાય છે એનાથી પણ વધુ ઝડપે મળે એ માટે ખાસ સર્વિસ. બાય ધ વે, સમય બચાવવો એ સારી બાબત ગણાય, પરંતુ એ સમય શેના માટે અને કોના માટે બચાવાઈ રહ્યો છે? એ સવાલ છે. સુવિધા ઉત્તમ કહી શકાય, પણ બગડતા-લથડતા કલ્ચરનું શું? માણસોની માનસિકતા સમાજની ઉન્નતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોવાથી આ બાબતને ગંભીરતાથી લેવી-સમજવી જરૂરી છે.
એક તાજા અભ્યાસ મુજબ સમાજમાં, ખાસ કરીને મોટાં શહેરોમાં લોકોની રાત મોડી થવા લાગી હોવાથી રાતના ખર્ચ આડેધડ વધી રહ્યા છે. લોકો અડધી રાતે પણ ઇચ્છા થાય એ ખાવા-પીવાની આઇટમ ઑર્ડર કરે છે. આપણે આના અર્થશાસ્ત્રમાં પડવું નથી, પણ સમાજનું શાસ્ત્ર ખરેખર બદલાઈને પડી રહ્યું છે. આની અસર સારી તો ન જ થઈ શકે એમ ચોક્કસ કહી શકાય. ફાસ્ટ-ફૂડનું અને ખાઉગલીનું કે પછી મોટી રેસ્ટોરાંના વેઇટિંગમાં પણ છલકાતું કલ્ચર જે રીતે વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખતાં લોકો જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવે છે એવો સવાલ થાય. માનવસમાજના સ્વાસ્થ્ય સામે આ બહુ મોટી-ગંભીર સમસ્યા સર્જાઈને ફેલાતી જાય છે. આવી ઘટનાઓ-માનસિકતાને જોઈને સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એવો સવાલ થવો સહજ છે. યાદ રહે, આ માર્ગ પતન તરફ લઈ જઈ શકે છે. શિખામણ કે ઉપદેશ આપવાના કોઈ પણ પ્રકારના ઇરાદા વિના આ સીધી વાત કરી છે. સમઝો તો ઇશારા કાફી...


