‘હા, બધા મનોમન નક્કી કરે કે જો તમે મને પાસ કરાવી દેશો તો હું આવીને પેંડા ચડાવીશ. જો મારી ફાઈલ પાસ કરાવી દેશો તો અગિયાર હજાર ચડાવીશ...
રાધેશ્યામ ( પ્રકરણ ૧)
‘રાધે...’ સામેથી કોઈ જવાબ ન આવ્યો એટલે શ્યામે જરા જોરથી અને ભારથી રાધાને સાદ આપ્યો, ‘એય રાધે...’
‘હં, બોલોને...’
રાધાનું ધ્યાન હજુય બહારની તરફ હતું.
‘કોઈ આવવાનું હજુ બાકી છે?’ બહાર નજર કરતાં રાધાને જોઈને શ્યામે પૂછ્યું, ‘કે પછી વળાવવાનું કામ ચાલે છે...’
‘ના રે...’ રાધાએ છણકો કર્યો, ‘એમ જ બહાર જોઉં છું.’
‘આજે પગ દુખે છે...’ રાધાનું ધ્યાન પોતાના તરફ જોઈને શ્યામે કહ્યું, ‘કંટાળો પણ આવે છે. કોણ જાણે કેટલાં વર્ષોથી આમ જ ઊભાં છીએ...’
‘સાચી વાત...’ રાધાએ સહેજ નિસાસા સાથે કહ્યું, ‘સો વર્ષ થઈ ગયાં આમ એકધારાં ઊભાં રહીને.’
‘એકધારાં ઊભાં રહેવાનું ને એ પણ એક જ ખંડમાં.’
‘એ પણ એક જ બારીના સથવારે.’ રાધાએ ફરી બારીની બહાર જોયું.
‘બારી પણ તમારી તરફ... મારી બાજુએ તો બારી પણ નથી.’
વર્ષોની ફરિયાદ શ્યામના હોઠ પર આવી ગઈ.
‘અફસોસ કરવાની જરૂર નથી. બારીમાંથી બે જ દૃશ્યો દેખાય છે. સામેની દીવાલ પર લાગતું ફિલ્મનું પોસ્ટર ને બીજું એ પોસ્ટર પર દેખાતી ગૅલરી.’
‘ગૅલરીમાં તો...’
‘ના રે, ત્યાં પણ કશું નથી...’ રાધાએ ખુલાસો કર્યો, ‘ગૅલરીમાં બે માણસનો ઝઘડો જોવા મળે એટલું જ...’
‘મારાં નસીબમાં તો એ ઝઘડો પણ નહીં ને ફિલ્મનું પોસ્ટર પણ નથી, રાધા.’
રાધાજી ચૂપ થયાં. ચૂપ થવું પડે એવો જ માહોલ સર્જાયો હતો.
એકધારા દર્શનાર્થીઓ આવતા હતા અને એકધારો ગુલાબનાં ફૂલનો અભિષેક ચાલતો હતો.
મમ્મી સાથે દર્શન કરવા આવેલા સાત વર્ષના દીકરાએ મમ્મીની પૂજાની થાળીમાંથી ગુલાબનું ફૂલ લઈને શ્યામની મૂર્તિનું નિશાન લીધું.
ટણણણ...
ગુલાબનું ફૂલ સીધું શ્યામના કપાળ પર આવ્યું.
‘આહ...’ શ્યામના મોઢામાંથી સહેજ ઊંહકારો નીકળી ગયો.
‘વેરી ગુડ.’ દીકરાનાં મમ્મીએ દીકરાના વાળમાં હાથ ફેરવ્યો.
‘શું શ્યામ તમે પણ...’ રાધાનું ધ્યાન શ્યામ તરફ હતું, ‘તમે તો કુરુક્ષેત્રનું મહાભારત નજીકથી જોયું છે ને અત્યારે તમને એક ફૂલના મારની પીડા થાય છે...’
‘વાત પીડાની નથી, રાધે. વાત ઘાની છે.’ શ્યામને હજુય માથા પર લાગેલું ફૂલ ચચરતું હતું, ‘મહાભારતમાં થતા વારમાં ક્યાંય મિત્રભાવ નહોતો, જ્યારે અહીં માણસ મસ્તક નમાવતો જાય છે અને ઘા કરતો જાય છે...’
એ જ સમયે બીજું ફૂલ આવ્યું અને રાધાજીના પગમાં પડ્યું.
‘વેરી ગુડ, બેટા.’ મમ્મીએ ફરી શાબાશી આપી, ‘આમ જ થ્રો કરવાનો...’
મમ્મીની સલાહ સાંભળીને શ્યામને હસવું આવી ગયું.
‘માણસ પણ ખરો છે. ફૂલનો ઘા નહીં, એ તો પ્રેમથી ધરાવવાનું હોય એવું કહેવાને બદલે શીખવે છે, આમ જ ઘા કરવાનો.’
‘શ્યામ સાંભળો તો, આ નારી કંઈક કહે છે... પણ બરાબર સંભળાતું નથી.’
‘ના રે. હું કંઈ સાંભળવાનો નથી.’ શ્યામે ના પાડી દીધી, ‘મંદિર બન્યું ત્યારથી બધાનું સાંભળતો જ આવ્યો છું. હવે મારી ક્ષમતા નથી આ લોકોની વાત સાંભળવાની.’
‘વાત તો સાચી તમારી...’ રાધાજી પણ એક વીકથી આ જ વાત વિચારતાં હતાં, ‘સો વર્ષ થયાં મંદિરમાં આપણને બિરાજમાન ર્ક્યાંને. આ સો વર્ષમાં એક માણસ એવો નથી આવ્યો જે આવીને કહે કે ભગવાન, આજે તો બસ તને મળવા આવ્યો છું, હવે મારે તારી મદદની કોઈ આવશ્યકતા નથી...’
‘હા, બધા મનોમન નક્કી કરે કે જો તમે મને પાસ કરાવી દેશો તો હું આવીને પેંડા ચડાવીશ. જો મારી ફાઈલ પાસ કરાવી દેશો તો અગિયાર હજાર ચડાવીશ...’ શ્યામનો આક્રોશ વધી ગયો, ‘આ માણસ આપણને સમજે છે શું, રાજકારણી કે પછી લાંચખોર અમલદાર. આપણને જાણે અહીં લાંચ લેવા માટે ઊભાં રાખ્યાં હોય એમ એ આવીને પોતાની ઑફર મૂકી જાય છે.’
મંદિરના ગર્ભસ્થાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા એવું ધારીને વાતો કરતાં હતાં કે તેમની વાતો કોઈ સાંભળતું નથી, પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની વાતો કોઈ કાન દઈને સાંભળી રહ્યું છે.
lll
‘અરે સર્કિટ...’ મુન્નાભાઈએ સર્કિટને ધબ્બો માર્યો, ‘અંદર દેખ, કોઈ ભગવાન બન કે બાતે કરતાં હૈ...’
‘જી ભાઈ...’ સર્કિટ મંદિરમાં જવા દોડ્યો.
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા વાતો કરતાં હતાં એ સમયે સર્કિટ સાથે મુન્નાભાઈ કલ્લુને ત્યાં એક મકાન ખાલી કરાવવાનો પ્રોજેકટ લઈને જતા હતા. રસ્તામાં મુન્નાભાઈને તરસ લાગી એટલે સર્કિટે અંધેરી ફલાયઓવર પાસે સ્કૂટર ઊભું રાખ્યું.
‘ભાઈ, આપ પાની પીઓ...’ સર્કિટે ટચલી આંગળી દેખાડી, ‘તબ તક મૈં પાની નિકાલ કે આતા હૂં...’
પાણી પીતાં મુન્નાભાઈનું ધ્યાન સર્કિટ પર ગયું અને તેમને દેખાયું કે સર્કિટ મંદિરના પાછળના ભાગે ઊભો રહીને પીપી કરે છે. તેમણે તરત રાડ પાડી.
‘સર્કિટ...’
ટ્રાફિકના કારણે મુન્નાભાઈનો અવાજ સર્કિટ સુધી પહોંચ્યો નહીં.
‘સર્કિટ...’
આજુબાજુમાં જોઈને સર્કિટે પીપીની તૈયારી કરી કે તરત મુન્નાભાઈ સર્કિટના નામની બૂમો પાડતાં દોડ્યા. ભાઈને દોડતાં આવી ગયેલા જોઈ સર્કિટે પેન્ટની ચેઇન ફટાફટ બંધ કરી.
‘હા ભાઈ...’
‘ઉપર દેખ...’ ભાઈએ સર્કિટના ગાલે ટપલી મારી હાથ આકાશ તરફ ર્ક્યો.
‘ઉપર ક્યા હૈ ભાઈ.’
સર્કિટે ઉપર જોયું, પણ તેને કંઈ દેખાયું નહીં એટલે સર્કિટે આજુબાજુમાં નજર કરી અને તેનું ધ્યાન રિલાયન્સ માર્ટના હોર્ડિંગ પર ગયું.
- હં, ભાઈ સેલની વાત કરતા હશે. હજુ સવારે જ મુન્નાભાઈએ કહ્યું કે અન્ડરવેઅર ખરીદવાના છે.
‘મીલેંગે ના ભાઈ, રિલાયન્સ મેં અચ્છે નીકર મીલ જાએંગે. સાઇઝ ભી મીલેંગી.’
‘અરે મેરી નીકર છોડ. ઉપર દેખ...’
‘મૈંને આપ કિ નીકર કહાં પકડી હૈ ભાઈ...’
‘સર્કિટ અગર તુઝે થપ્પડ મારને કે બાદ મુઝે રોના નહીં આતા તો મૈં અભી કા અભી એક ઓર થપ્પડ તેરે ગાલ પે ચીપકા દેતા.’
‘મગર હુઆ ક્યા ભાઈ?’
‘ક્યા હુઆ...’ મુન્નાભાઈની હાંફ ઓસરી હતી, ‘તું જહાં પીપી કર રહા હૈ વો મંદિર કી દીવાર હૈ.’
સર્કિટે હવે દીવાલની ઉપરની તરફ જોયું. લહેરાતી ધજા હવે તેને દેખાઈ.
‘થૅન્કયુ ભાઈ, થૅન્કયુ. આપ નહીં હોતે તો કિતની બડી ગલતી હો જાતી.’
‘ના, એવું ધારવાની જરૂર નથી શ્યામ કે ગૅલરીમાંથી દરરોજ નવી-નવી ઘટનાઓ મને જાણવા મળે છે. ત્યાં તો બસ, બે માણસનો ઝઘડો સાંભળવા મળે એટલું જ.’
મુન્નાભાઈના કાન સરવા થયા.
આ અવાજ ક્યાંથી આવે છે.
તેણે આજુબાજુમાં જોયું. સર્કિટ સિવાય ત્યાં કોઈ નહોતું અને આ તો કોઈ લેડીનો અવાજ હતો.
‘મારાં નસીબમાં તો એ ઝઘડો પણ નથી ને ફિલ્મનું પોસ્ટર પણ નથી રાધે...’
મુન્નાભાઈ મંદિરની દીવાલ પાસે ગયા. અવાજ અંદરથી જ આવતો હતો.
અંદર આ કોણ બોલે છે. પાછું ‘રાધે’ અને ‘શ્યામ’ કહીને બોલાવે છે.
‘સર્કિટ...’ મુન્નાભાઈએ સર્કિટને ધબ્બો માર્યો, ‘અંદર કોઈ ભગવાન કી કૉપી કર રહા હૈ. દેખ...’
‘જી ભાઈ.’
સર્કિટ મંદિરમાં જવા દોડ્યો અને ભાઈએ કાન ફરી મંદિરની દીવાલ પર મૂક્યા.
‘વાત પીડાની નથી, રાધે. ઘાની છે. મહાભારતમાં થતા વારમાં ક્યાંય મિત્રભાવ નહોતો જ્યારે અહીં માણસ મસ્તક નમાવતો જાય છે અને ઘા કરતો જાય છે...’
- નાટકની તૈયારી ચાલતી લાગે છે મુન્નાભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
- કૃષ્ણ અને રાધાનો ગૃહસંસાર.
ભાઈ જ્યારે કાન માંડીને રાધે-શ્યામનો વાર્તાલાપ સાંભળતા હતા ત્યારે સર્કિટ મંદિરમાં પહોંચી ગયો હતો.
lll
‘એક મિનિટ ભાઈ.’ પૂજારીએ સર્કિટને ગર્ભદ્વારમાં પ્રવેશતાં અટકાવ્યો, ‘આપ અંદર નહીં આવી શકો.’
‘અરે, આના પડેગા...’ પૂજારીને ધક્કો મારી સર્કિટ ગર્ભદ્વારમાંથી દાખલ થયો, ‘પતા હૈ અપૂન કે ભાઈ હૈના, મુન્નાભાઈ, ઉસે પતા ચલા કિ અંદર કોઈ ઘૂસ ગયા હૈ. તો દેખના તો પડેગા હી...’
‘પણ...’
‘પણ, બટ, કિન્તુ કુછ ભી કહો...’ સર્કિટને અંદર કોઈ દેખાતું નહોતું, ‘ભાઈને બોલા તો અપૂન કો ચેક કરના પડેગા.’
‘નાટક બના રહા હૈ મંદિરવાલે?’
સર્કિટ આવ્યો કે તરત જ મુન્નાભાઈએ પૂછ્યું.
‘નહીં ભાઈ... અંદર તો ભગવાન ઔર માતાજી દો હી હૈ, ઔર કુછ નહીં...’
‘મુઝે યહાં ડાયલૉગ સુનાઈ દેતે હૈ ઔર તૂ કહેતા હૈ અંદર કુછ ભી નહીં હૈ.’
‘ભાઈ...’
‘અરે, ભાઈ ગયા તેલ લેને, તૂ અંદર ચલ. અંદર કોઈ હૈ.’
મુન્નાભાઈ સર્કિટનો હાથ પકડી મંદિરમાં ખેંચી ગયા અને મંદિરમાં દાખલ થતાંની સાથે જ તેમણે રાડ પાડી.
‘કૌન હૈ અંદર?
મુન્નાભાઈની રાડ સાંભળી મંદિરે દર્શન માટે આવેલા સૌ થોડા દૂર હટી ગયા.
‘અરે ભાઈ, અંદર કોઈ નહીં હૈ. તુમ્હારા આદમી ભી જબરદસ્તી આ કર દેખ ગયા. પૂજારી દ્વાર વચ્ચેથી ખસી ગયા, ‘અબ તૂમ ભી મંદિર કો અપવિત્ર કરતે હો...’
પૂજારી ખોટા નહોતા. અંદર કોઈ નહોતું.
મુન્નાભાઈ હવે મૂંઝાયા.
કોઈ નથી, મતલબ. શું ફરી બાપુ જેવું થયું?
ભાઈએ મૂર્તિ સામે હાથ જોડ્યા.
‘કિશનજી માફ કરના, મગર મૈંને કુછ સુના થા... ગૉડ પ્રૉમિસ.’
મુન્નાભાઈએ આંખો બંધ કરી અને ત્યાં જ તેમના કાને અવાજ આવ્યો.
‘વત્સ...’
મુન્નાભાઈની આંખો ખૂલી ગઈ.
એ જ અવાજ, જે તેણે સાંભળ્યો હતો.
‘વત્સ, તેં મારો અવાજ સાંભળ્યો હતો...’
‘અરે...’ મુન્નાભાઈના જોડાયેલા હાથ ખૂલી ગયા, ‘સર્કિટ, યે...’
‘નહીં વત્સ...’ ભગવાન શ્રીકૃષ્ણે મુન્નાભાઈને રોક્યા, ‘વો તેરી બાત નહીં માનેંગા. ક્યોં કિ ઉન્હે કુછ સુનાઈ નહીં દેતા. મેરી આવાઝ સિર્ફ તૂ સુનતા હૈ વત્સ.’
મુન્નાભાઈ અવાચક થઈ ગયા.
મહાત્મા ગાંધી સાથે થયેલી મુલાકાત પછી મુન્નાભાઈ આમ પણ બહુ સજાગ રહેવા લાગ્યા હતા. ફરી દિમાગમાં કેમિકલ લોચો ન થવો જોઈએ.
‘વત્સ, મારું એક કામ કરશે?’ મુન્નાના ચહેરા પર આવેલી ગંભીરતા પારખી શ્યામે તેને કામ કહી દીધું, ‘મારે એક-બે દિવસ અહીંથી બહાર આવવું છે. મને મદદ કરશે તું?’
મુન્નાભાઈની આંખો ચાર થઈ ગઈ.
આંખો ચાર અને કાન આઠ.
‘પર શ્યામજી...’
‘મુન્ના, હું કંટાળી ગયો છું. મને બહાર આવવું છે, પ્લીઝ. મને બહાર લઈ જા.’
જો હું આ ભગવાનને બહાર નહીં લાવું તો?
મુન્નાભાઈનું દિમાગ ચકરાવે ચડ્યું.
સર્વશક્તિશાળી ઈશ્વરને બહાર આવવામાં મદદ ન કરી તો શું તે સુસાઇડ કરે?
‘ઓકે, ડોન્ટ વરી.’ મનમાં જન્મેલા સવાલોને પડતા મૂકીને મુન્નાભાઈએ તરત ભગવાનને પ્રૉમિસ કર્યું, ‘હું તમને બહાર લઈ જઈશ. પ્રૉમિસ, પણ આજે નહીં.’
‘કેમ આજે નહીં?’
‘યુ સી, આજે બહુ બધી મીટિંગ છે તો શેડ્યુલ થોડા ટાઇટ હૈ...’
‘પાક્કું?’
‘ડન.’
મુન્નાભાઈએ ભગવાન શ્રીકૃષ્ણની સામે જમણા હાથનો અંગૂઠો ઊંચો કરીને પ્રૉમિસ કરી દીધું.
વધુ આવતી કાલે

