સોનિયાને મિકીની હથેળીઓનો સ્પર્શ ગમી રહ્યો હતો. ઇન ફૅક્ટ, તેને મિકી પણ ગમવા લાગ્યો હતો
ઇલસ્ટ્રેશન
‘સોનિયા, આઇ થિન્ક યૉર લાઇફ ઇઝ ઇન ડેન્જર...`
હોટેલ ઍમ્બૅસૅડરનો ૭૦૪ નંબરનો રૂમ તેની આંખો સામે એક ગોડાઉન જેવો બની ગયો હતો. સોનિયાનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને થોડી ક્ષણો પહેલાં જે ‘પોલીસો’ અહીં એક કાળા ઊંચા વેઇટરના મર્ડરની તપાસ કરી રહ્યા હતા એ ગાયબ હતા!
ADVERTISEMENT
નવાઈની વાત એ હતી કે લાશ હજી ત્યાંની ત્યાં જ હતી.
‘આખરે એ લોકો શું શોધી રહ્યા હતા?’ સોનિયાએ મિકીને પૂછ્યું.
‘આઇ ડોન્ટ નો...’ મિકીએ માથું ધુણાવ્યું. ‘બટ વન થિંગ ઇઝ શ્યૉર, તેમને લાશમાં નહીં તારા સામાનમાં રસ હતો. ડૂ યુ હૅવ ઍનિથિંગ પ્રેશિયસ? ગોલ્ડ, સિલ્વર કે પછી ડાયમન્ડ્સ?’
‘લંડનની સસ્પેન્સ લેખિકાઓ એટલું નથી કમાતી મિકી. આઇ ઍમ જસ્ટ અૅન ઑર્ડિનરી નૉટ સો ફેમસ સોનિયા માયર્સ.`
‘ફેમસ તો તું થઈ જ જઈશ મારી સ્વીટ કઝિન, કારણ કે હવે તો બૉમ્બેની અસલી પોલીસને તારા રૂમમાં પડેલી આ લાશની ખબર પડી ગઈ છે.’
‘ગુડ, અસલી પોલીસ આવશે તો બધું ક્લિયર થઈ જશે.’
‘ધૂળ ક્લિયર થઈ જશે? ઑન ધ કૉન્ટરરી, તારા રૂમની આ હાલત જોઈને એ લોકો બીજા દોઢસો સવાલો પૂછશે... માય સ્વીટ કઝિન સોનિયા, આજની રાત પોલીસ-કસ્ટડીમાં બેસીને તારી સસ્પેન્સ સ્ટોરીનું ચૅપ્ટર લખવાની તૈયારી રાખજે.’
‘પોલીસ-કસ્ટડી?’ સોનિયાનો ચહેરો રડવા જેવો થઈ ગયો. ‘શું મારે એ મચ્છર, માંકડ અને વંદાથી ઊભરાતી ગંદી ખોલીમાં રાત ગુજારવી પડશે?’
‘ન ગુજારવી હોય તો એક જ ચૉઇસ છે.’
‘શું?’
lll
થોડી મિનિટો પછી સોનિયા માયર્સ મિકીની ખખડધજ ‘મિની રાજદૂત’ની પાછલી સીટ પર બેઠી હતી.
સોનિયાએ હોટેલ રૂમમાંથી જરૂરી સામાન એક નાનકડી સ્લિંગ બૅગમાં ભરી લેતાં પહેલાં પોતાનો સિલ્કી પિન્ક નાઇટગાઉન બદલીને રેડ પોલ્કા ડૉટ્સવાળું ગાંઠ મારી શકાય એવું શર્ટ અને બ્લુ શૉર્ટ હૉટ પૅન્ટ્સ પહેરી લીધાં હતાં. જોકે પગમાં તેણે સ્લિપર્સ જ પહેરવાં પડ્યાં હતાં કારણ કે ગાયતોન્ડેના નકલી હવાલદારોએ તેનાં તમામ સૅન્ડલો પણ ચીરીને ખોલી નાખ્યાં હતાં.
‘યુ લુક લાઇક નીતુ સિંહ...’ પૂરપાટ ઝડપે પોતાની મિની રાજદૂત ભગાવી રહેલા મિકીએ સોનિયાને કહ્યું.
‘નૉટ નીતુ સિંહ, આઇ પ્રિફર ડિમ્પલ!’ સોનિયાએ તેના બન્ને હાથ મિકીની કમર ફરતે વીંટાળી રખ્યા હતા.
‘વાઓ!’ મિકી હસ્યો. મરીન ડ્રાઇવથી કોલાબા તરફ ફંટાતા રસ્તા પર મિની રાજદૂત વાળતાં તેણે કહ્યું, ‘આઇ લવ ધૅટ બૉબી!’
‘એટલે જ તેં આ ‘બૉબી-બાઇક’ ખરીદી લાગે છે.’
‘ઓ યસ! યુ નો સમથિંગ? હું ૧૬ વર્ષનો હતો ત્યારે મેં ‘બૉબી’ ફિલ્મ પહેલી વાર જોઈ હતી. આઇ ઇમિજિએટલી ફેલ ઇન લવ વિથ ડિમ્પલ કપાડિયા! ઍન્ડ વુડ યુ બિલીવ? મેં અત્યાર સુધીમાં ‘બૉબી’ બાવીસ વાર જોઈ નાખી છે.’
‘ઇઝન્ટ ઇટ સ્ટ્રેન્જ? આપણે બન્ને બ્રિટિશર છીએ છતાં હિન્દી ફિલ્મોના કેટલાં દીવાના છીએ! આઇ ઑલ્સો લવ રિશી કપૂર...’
lll
આ તરફ જ્યારે મિકીની મિની રાજદૂત કોલાબાના શાંત વિસ્તારની સડકોના ઢાળ પર સરકી રહી હતી એ વખતે બૉમ્બે પોલીસ હોટેલ ઍમ્બૅસૅડરના રૂમ-નંબર ૭૦૪ સુધી પહોંચી ચૂકી હતી.
lll
રાતના સાડાદસ વાગી ચૂક્યા હતા. કોલાબાના પૉશ અને શાંત વિસ્તારની એક ઢાળવાળી ગલીમાં પ્રવેશતાં મિની રાજદૂત ધીમી પડી. મિકીએ તેની ખખડેલી બાઇક એક જૂના વિક્ટોરિયન સ્ટાઇલના બંગલાના કમ્પાઉન્ડમાં વાળી. અહીં જે કંઈ ઝાડપાન ઊગેલાં હતાં એના લીધે આ બગીચા કરતાં જંગલ જેવું વધારે લાગતું હતું.
મિકીએ મિની રાજદૂતને બંગલાના પાછળના ભાગે પાર્ક કરી.
સોનિયાએ આટલા અંધકારમાં પણ ગૉગલ્સ ઉતાર્યા વિના ચારે બાજુ નજર ફેરવીને પૂછ્યું, ‘ડૂ યુ લિવ હિયર?’
‘ના. અહીં મારો એક ઑસ્ટ્રેલિયન ફ્રેન્ડ ભાડે રહે છે. એક નંબરનો ચરસી છે. પણ બહુ સારાં ડ્રમ્સ વગાડે છે. આજકાલ તે તેના બૅન્ડ સાથે યુરોપની ટૂર પર ગયો છે. અહીંના માલિકો એક વૃદ્ધ પારસી કપલ છે પણ મોટા ભાગે ઍમ્સ્ટરડૅમમાં રહે છે. એ લોકો ત્યાં ટ્યુલિપ ફ્લાવર્સની ખેતી કરે છે. યુ નો ધોઝ ટ્યુલિપ્સ ઇન સિલસિલા? દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ...’
સ્પાઇરલ સીડીનાં પગથિયાં ચડતાં મિકી ‘સિલસિલા’નું ગાયન ગણગણવા લાગ્યો. સોનિયા ફરી હસી. ‘ટેલ મી વેરી ફ્રૅન્ક્લી મિકી, તું ખરેખર ફાઇવ સ્ટાર હોટેલ્સમાં ગિટાર વગાડે છે?’
‘કેમ?’
‘તું ઇંગ્લિશ સૉન્ગ્સ કરતાં હિન્દી ગાયનો વધારે ગણગણ્યા કરતો હોય છે.’
‘લે, તો તને ખબર જ ક્યાં છે?’ મિકી ભાડાની રૂમનું તાળું ખોલતાં બોલ્યો. ‘ફાઇવ સ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં જે નવા લખપતિઓ આવતા થયા છે એ બધાને આ દેશી ટ્યુનો જ વધારે ગમે છે! પૉપ, રૉક અને બીટલ્સમાં એ શું સમજવાના?’
મિકીએ રૂમની લાઇટ કરી એ સાથે જ સીલિંગ પર લટકતું એક શાનદાર ઍન્ટિક ઝુમ્મર પ્રકાશિત થઈ ગયું.
‘વાઓ!’ સોનિયાના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો, ‘વૉટ અ વન્ડરફુલ પ્લેસ!’
‘આઇ નો.’ મિકીએ સોનિયાના ખભે હાથ મૂક્યો, ‘સસ્પેન્સ સ્ટોરી લખવા માટે બેસ્ટ જગ્યા છે નહીં?’
‘બેશક.’ સોનિયાએ મિકીના ખભા પકડી લીધા. ‘મિકી, હું તારો કઈ રીતે આભાર માનું? જો તું ન આવ્યો હોત તો હું આજે કેટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હોત? થૅન્ક યુ સો મચ, માય ડિયર કઝિન.’
‘કરેક્શન.’ મિકીએ સોનિયાના વાળમાં આંગળીઓ પરોવતાં કહ્યું, ‘આઇ ઍમ નૉટ યૉર કઝિન.’
‘વૉટ?’ સોનિયા બે ડગલાં પાછળ હટી ગઈ.
‘ધૅટ્સ રાઇટ... સોનિયા, આજથી છ-સાત દિવસ પહેલાં મેં તને ગેટવે ઑફ ઇન્ડિયા પર જોઈ હતી, તું પેલા વાંદરાના ખેલ બતાડનાર સાથે હિન્દીમાં વાત કરતી હતી. એ જ વખતે મને લાગ્યું કે યુ આર સો સ્પેશ્યલ!’
‘ઓહ, એટલે તું એ દિવસથી મારી પાછળ પડ્યો છે?’
‘પાછળ?’ મિકી હસ્યો. ‘મેં તને જોઈ એ ક્ષણે મને એવું લાગ્યું કે યુ આર સો મચ અ પાર્ટ ઑફ મી.’
‘રિયલી?’ સોનિયાના મનમાં પણ એ જ ફીલિંગ્સ હતી. સોનિયાને પણ થતું હતું કે મિકી તેને શા માટે આટલોબધો ક્યુટ લાગતો હતો! છતાં તેણે પૂછ્યું, ‘બીજું શું શું જાણે છે તું મારા વિશે?’
‘શું જાણું છું એ છોડ.’ મિકી સોનિયાની નજીક આવ્યો. તેનો ચહેરો પોતાના હાથમાં લઈને ધીમા અવાજે પૂછ્યું, ‘એ પૂછ કે શું નથી જાણતો...’
‘શું નથી જાણતો...’
‘એ જ કે આ કાળાં રહસ્યમય ગૉગલ્સની પાછળ જે આંખો છે એ કેવી છે?’’
‘સ્ટે અવે!’
મિકી સોનિયાનાં ગૉગલ્સ કાઢવા જ જતો હતો ત્યાં મિકીને એક ધક્કો મારીને પાછળ હટી ગઈ.
મિકી બે ઘડી ઊભો રહ્યો. પછી તેણે વાત બદલી, ‘સોનિયા, તારે લખવાનું છેને? હું તારા માટે કંઈક ગરમ બનાવું? સમ હૉટ કૉફી?’
‘ના! ગરમાગરમ દેશી ચા... અને મસ્કા બન! મિલેગા ક્યા?’
‘ક્યૂં નહીં મિલેગા?’ મિકી ઊછળતા પગે કિચન તરફ દોડ્યો.
સોનિયાએ તેની સ્લિંગ બૅગ ખભા પરથી ઉતારીને સોફા પર મૂકી. અંદરથી એક રાઇટિંગ પૅડ પર થોડા કોરા કાગળ કાઢ્યા. પછી પર્સમાંથી પેલી ગોલ્ડન પેન કાઢી.
lll
આ તરફ હોટેલ ઍમ્બૅસૅડરમાં ઇન્સ્પેક્ટર શેખાવતના મગજમાં હજી એક સવાલ ઘૂમી રહ્યો હતોઃ ‘આ ફૉરેનરના સામાનમાં એવું તે શું હતું જે પેલા નકલી પોલીસવાળા શોધી રહ્યા હતા? અને આખરે એક લેખિકાના સામાનમાં એવું હોય પણ શું...’
lll
સોનિયા માયર્સ તેની આંગળીઓ વચ્ચે ગોલ્ડન પેનને રમાડી રહી હતી.
‘મિસ્ટરી હજી સૉલ્વ નથી થઈ?’
ગિટાર લઈને સામે બેઠેલા મિકીએ તાર પર હળવેથી આંગળીઓ ફેરવતાં સોનિયાને સવાલ કર્યો.
‘તારે કઈ મિસ્ટરી સૉલ્વ કરવી છે?’
મિકીએ ગિટાર પર ‘યાદોં કી બારાત’ના એક હિટ ગાયનના ઓપનિંગ બાર વાગડતાં સૉફ્ટ અવાજે ગાવા માંડ્યું :
‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો, નઝર નહીં ચુરાના સનમ...’
‘શટ અપ.’
‘નઝર નહીં ચુરાના સનમ...’ મિકીએ એ જ લાઇન ફરી દોહરાવી.
‘મિકી પ્લીઝ. મને વિચારવા દે.’
‘ઓકે.’ મિકીએ ગિટાર બાજુમાં મૂકી. ‘બટ આઇ વૉન્ટ ઍન આન્સર, ઍન્ડ આઇ વૉન્ટ ઇટ નાઓ.’
‘શેનો જવાબ જોઈએ છે તને?’ સોનિયાનું દિલ જો૨થી ધડકવા લાગ્યું.
‘તને ખબર છે...’ સોનિયાના બન્ને ખભા પર પોતાની હથેળીઓ હળવેકથી મૂકી દીધી. ‘સોનિયા, તું જાણે છે. બહુ સારી રીતે જાણે છે કે હું તને શું પૂછી રહ્યો છું.’
‘નો મિકી, પ્લીઝ...’’ સોનિયાને મિકીની હથેળીઓનો સ્પર્શ ગમી રહ્યો હતો. ઇન ફૅક્ટ, તેને મિકી પણ ગમવા લાગ્યો હતો. શું એ બન્ને એકબીજા માટે જ નહોતાં સર્જાયાં?
મિકીની મુલાયમ આંગળીઓ ખભા પરથી સરકીને સોનિયાના સોનેરી વાળમાં પરોવાઈ ગઈ હતી. તેના શ્વાસ સોનિયાના ઠંડા ગાલને ઉષ્મા આપી રહ્યા હતા.
‘સોનિયા, પ્લીઝ ટેલ મી યુ લવ મી.’
‘મિકી, આઇ કાન્ટ...’
મિકીએ હળવેકથી સોનિયાના હાથમાંથી પેન સરકાવી લીધી. તેની આંગળીઓ સોનિયાના ગાલ પરથી સરકતી તેનાં ગૉગલ્સ નીચે પહોંચી.
એ જ ક્ષણે સોનિયાએ ઝટકો મારીને મિકીને પાછળ ધકેલ્યો, ‘નો મિકી... નો!’
‘બટ વાય?’ મિકીએ સોનિયાના હાથમાંથી સરકાવીને લીધેલી પેન ટેબલ પર મૂકતાં કહ્યું, ‘તારી રહસ્યકથાનું ચૅપ્ટર પાંચેક મિનિટ પછી લખશે તો નહીં ચાલે?’
‘ના.’ સોનિયાએ ઝડપથી પેન મુઠ્ઠીમાં લીધી.
‘પ્લીઝ.’ મિકીએ ગોલ્ડન પેનનો બીજો છેડો મજબૂતીથી પકડી રાખ્યો. ‘પ્લીઝ સોનિયા, પ્લીઝ...’
સોનિયાએ જોરથી પેન ખેંચી. મિકીએ એટલા જ જોરથી પેનને પકડી રાખી. ખેંચાખેંચમાં પેનનું ઢાંકણું ખૂલી ગયું. અને બીજી જ ક્ષણે ઍન્ટિક બ્લૅક માર્બલની પેન ફર્શ પર પછડાતાંની સાથે જ પેનના સ્પેરપાર્ટ્સ છૂટા પડી ગયા.
એ જોઈને બન્નેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ!
પેનમાંથી શાહીને બદલે ચમકતા, ઝગમગતા સાત હીરા નીકળીને ફર્શ પર રગડી રહ્યા હતા....
(ક્રમશ:)


