Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 3)

વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 3)

24 November, 2021 07:26 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ઉસ વક્ત જો કુછ ભી હુઆ વો તુમ્હે પતા હૈ.’ હરિસિંહે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો, ‘ઉસમેં ગલતી...’

વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 3)

વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 3)


‘મુસ્તાક મેરા ભાઈ હૈ...’ મંજરી હજુયે મુસ્તાકને વર્તમાન માનતી હતી. 
જવાબ આપવા માટે હરિસિંહે મોઢું ખોલ્યું પણ શબ્દોએ સાથ આપ્યો નહીં. તેમની આંખ સામે ઓપરેશન આઇસનો કલાયમેક્સ આવી ગયો.
ડાઉન થવાનો આદેશ આપ્યો કે તરત હરિસિંહની ટીમે ઓથ લઈ લીધી. હરિસિંહની સર્વિસ રીવોલ્વર ઘોતીમાં હતી, જે અત્યારની ચાર પગની અવસ્થામાં કાઢવી સહેલી નહોતી.
એ જ વખતે સલિમે વધુ એક ફાયરિંગ કર્યુ અને હરિસિંહે પણ આદેશ આપી દીધો.
‘ફાયર...’
સલિમ અને તેના સાથીઓ માટે ફાયરિંગ સહેલું હતું પણ નીચેથી ઊપરની દિશામાં ફાયરિંગ કરવામાં પોલીસકર્મીઓને નિશાન તાકવામાં તકલીફ પડતી હતી. સલિમની ગેંગને પોલિસ પલટનની પોઝિશન સરળતાથી દેખાતી હતી.
‘કવર ફ્રન્ટ...’ 
સબ-ઇન્સ્પેકટર લોકેને પણ ફાયરિંગનો અવાજ સંભળાયો એટલે તેણે તરત ઓરેવાના મેઇન ડોરને કવર કરી લીધો હતો પણ ત્યાં કોઈ ચહલપહલ નહોતી એટલે લોકે હરિસિંહને મદદરૂપ થવા ટીમ સાથે પાછળના ગેઇટ તરફ આગળ વધ્યા. લોકેની ભૂલ કે, તેણે ફ્રન્ટ દરવાજો છોડી દીધો હતો. 
ફાયરિંગનો વળતો જવાબ સાંભળી બહાર નીકળતો અલ્તાફ ફર્સ્ટ ફ્લોર પર અટકી ગયો હતો.
ઓરેવાના દરેક ફ્લોર પર એક જનરલ વૉશરૂમ હતું, જેની બારી મેઇન ડોર તરફ ખુલતી. અલ્તાફ પહેલા માળના વૉશરૂમમાં સંતાયો હતો, અહીંથી તેને નાલાસોપારાથી સેન્ટ્રલ તરફ જવાનો રસ્તો સ્પષ્ટ દેખાતો હતો. બેચાર સેકન્ડ પછી અલ્તાફે ધોતીધારી લોકોને ભીંતસરસા આગળ વધતા જોયાં. તેમની ચાલની ચુસ્તી કહેતી હતી કે તે પોલીસ સ્ટાફ છે. અલ્તાફના કપાળે પસીનો વળવા માંડયો. જોકે અલ્તાફ વધુ વખત ટેન્શન રાખવું પડ્યું નહીં. થોડી ક્ષણોમાં મેઇન એન્ટ્રન્સ પાસેની ચહલપહલ બંધ થઈ ગઈ.
અલ્તાફે મુસ્તાકનો હાથ પકડી તેને ખેંચ્યો અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર અલ્તાફને કોઈ દેખાયું નહીં એટલે તેનો કોન્ફિડન્સ વધ્યો. હવે ગાડીથી માંડ દસ ફૂટનું અંતર હતું. અલ્તાફના એક હાથમાં થેલો હતો અને બીજા હાથે તેણે મુસ્તાકનો હાથ પકડ્યો હતો. બહાર નીકળવા મુસ્તાકની ઓથ જરૂરી હતો. સંકટ સમયમાં આ જ બહેરો જ કામ લાગવાનો હતો. છાતીમાં શ્વાસ ભરીને અલ્તાફે ગાડી તરફ દોટ મુકી. અલ્તાફ સાથે મુસ્તાક પણ દોડ્યો પણ ગાડી પાસે પહોંચી મુસ્તાકે અલ્તાફને દગો દીધો અને તેણે અલ્તાફના હાથમાંથી છુટવા ધમપછાડા શરૂ કરી દીધા. 
‘સાલે... (ગાળ)’ 
અલ્તાફે મુસ્તાકની જાંઘ પર જોરથી ચીટીંયો ભર્યો અને મુસ્તાકની કમાન છટકી. તેણે જોરથી રાડ પાડી, જેની માટે અલ્તાફ માનસીક તૈયાર નહોતો. તેણે મુસ્તાકના મોં પર હાથ મૂક્યો કે તરત મુસ્તાકે હાથ પર જોરથી બટકં ભર્યુ.
અલ્તાફ અને અગિયાર વર્ષના મુસ્તાક વચ્ચે આ માથાકુટ માંડ બેચાર સેકન્ડ ચાલી હશે પણ એ બેચાર સેકન્ડ પોલીસને જબરદસ્ત મદદ કરી ગઈ.
મુસ્તાકે રાડ પાડી એ સમયે લોકે તેની ટીમ સાથે પાછળના ગેઇટ તરફ આગળ વધતો હતો. પાર્કિંગમાંથી અવાજ આવ્યો એટલે એ ટીમના ત્રણ મેમ્બર ફરી મેઇન ગેટ પર આવી ગઈ. આ ચહલપહલ જોઈ અલ્તાફ સમજી ગયો કે નીકળી જવામાં માલ છે. મુસ્તાકને ધક્કો મારી અલ્તાફે ગાડીનો દરવાજો ખોલ્યો.
પડવાથી મુસ્તાકને માથામાં લાગ્યું હતું, તેણે રડવાનું શરૂ કર્યુ જેના અવાજથી હેડ કોન્સ્ટેબલ દિનાનાથ મુંઝાયો. બાળકના અવાજ પછી ફાયરિંગ કરવું કે નહીં?
દિનાનાથની આંખ બંધ કરી, ગણપતિનું નામ લઈ ટ્રિગર દબાવી દીધું.
સનનન...
બહેરાશના કારણે મુસ્તાક ગોળીબારથી અજાણ હતો. તેને એટલી ખબર હતી કે તે દીદી સાથે આવ્યો છે અને દીદી સાથે પાછાં જવાનું છે. આ તેમનો રોજનો નિત્યક્રમ હતો. અહીંયા આવ્યા પછી મુસ્તાકે અહમદને જોયો. મુસ્તાકને ખબર હતી કે અહમદ અને દીદી એકબીજાને પ્રેમ કરેછે. અહમદ થોડા સમયમાં દુબઈ જવાનો હતા. દીદી કહેતી કે પછી એ આપણને ત્યાં બોલાવી લેશે. અહમદ મોટાભાગે બહારગામ રહેતો. તેના ફોન આવ્યા કરે. મુસ્તાકને પણ દીદી અને અહમદની જોડી ગમતી.
સનનન....
દિનાનાથે ફાયરિંગ કર્યુ અને એ જ સમયે અલ્તાફે સ્કોર્પિયોનો દરવાજો ખોલ્યો. બન્ને ઘટના લગભગ એક સાથે બની અને ગોળી સ્કોર્પિયોના દરવાજામાં ઘૂસી ગઈ. 
‘સાલ્લે કુત્તે...’ 
અલ્તાફની ગણતરી ખોટી પડી હતી. તેને હતું કે મેઇન એન્ટ્રન્સ પર કોઈ નથી. પણ બન્યું અવળું અને તે બહાર નીકળે એ પહેલાં જ ફાયરિંગ શરૂ થયું. અલબત, એ પછી પણ અલ્તાફ લાભમાં હતો. પાર્કિંગના અંધકાર તેને બેનિફિટ આપતો હતો તો સ્ટ્રીટલાઇટનો પ્રકાશ પોલીસ માટે નુક્સાનકર્તા હતો.
આ જ કારણે દિનાનાથને સીધો દરવાજાની સામે નહોતો આવ્યો. મુસ્તાકનો રડવાનો અવાજ પણ દિનાનાથના મનમાં સંદેહ જન્માવનારો હતો. આ સંદેહ વચ્ચે દિનાનાથને સિક્યુરિટીની કેબીન યાદ આવી, જે તેની પોઝિશનથી માંડ ચારેક ડગલાં દૂર હતી. જો કેબીન સુધી પંહોચી જવાય તો આખ્ખું પાર્કિંગ તેની નજર સામે આવી જાય.
દિનાનાથ ચોર પગલે આગળ વધ્યો. કેબીનમાં એન્ટર થવા માટે દિનાનાથે એન્ટ્રન્સની સામે આવવું પડે અને જો એવું ન કરવું હોય તો તેણે ઓરેવાની દિવાલ ટપી જવી પડે. કેબીન અને એ દિવાલ વચ્ચે એકાદ ફુટની જગ્યા હતી. જો દિનાનાથ ઓરેવાની દિવાલ ટપીને અંદર દાખલ થાય તો તે આ એક ફુટની જગ્યા વચ્ચે સંતાઈ શકે.
દિનાનાથને દિવાલ ટપી જવું યોગ્ય લાગ્યું પણ દિવાલ પર ચડતાં પહેલાં દિનાનાથે રાઇફલ ખભા પર ટીંગાડવી પડે પણ એન્ટ્રેન્સ પાર કરવા કરતાં આ વધુ યોગ્ય રસ્તો હતો એટલે દિનાનાથ રાઇફલ ખભે ટીંગાડી દિવાલ ચડવા લાગ્યો. દિવાલ પર જડેલી સીમેન્ટ ડિઝાઈન દિનાનાથને ચડવા માટે ઉપયોગી બની. તે હજુ તો માંડ અડધી દિવાલ ચડ્યો હશે ત્યાં અંદર પાર્કિંગમાં ગાડી પાછળ સંતાયેલા અલ્તાફનું ધ્યાન તેના પર ગયું.
‘હરામ કી ઔલાદ...’ 
અલ્તાફે દિનાનાથનું એકઝેકટ નિશાન લીધું. 
સનનન...
અલ્તાફે ગોળી છોડી એ જ સમયે દિનાનાથે પોતાનો એક પગ દિવાલ પર લીધો હતો. અલ્તાફની ગોળી સીધી દિનાનાથના પગમાં જઈને ખૂંપી ગઈ.
‘આઆઆ...’
દિનાનાથની ચીસ નીકળી ગઈ.
હેડ કોન્સ્ટેબલ દિનાનાથની ચીસ સાંભળી તેની સાથેના કોન્સ્ટેબલે પાર્કિંગમાં ફાયરિંગ શરૂ કરી દીધું. 
આ ફાયિરંગ શરૂ થયું એ જ સમયે મુસ્તાક રડતો-રડતો જમીન પરથી ઊભો થયો.
સનનન...
બહારની આ અંધાધુંધીને સમજે એ પહેલાં એક ગોળી આવીને મુસ્તાકના મસ્તકમાં ઊતરી ગઈ.
ધડામ...
મુસ્તાક પહેલાં ગાડીના દરવાજા સાથે અને પછી જમીન પર પટકાયો.
lll
‘મુસ્તાક મેરા ભાઈ હૈ.’ 
મંજરી હજુયે મુસ્તાકને વર્તમાન કાળ માનતી હતી.
‘કોઈ ઈરાદા નહીં થા.’ ઇન્સ્પેકટર હરિસિંહના મનમાં જબરદસ્ત અવઢવ હતી. 
ઓપરેશન આઇસ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. મળેલી બાતમી અને મનમાં જાગેલી આશંકા સાચી પડી હતી. ખુશીએ વાતની હતી કે આતંક્વાદીઓની ઈચ્છા અધુરી રહી ગઈ હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની હત્યા કરવાની યોજનામાં આ આતંક્વાદીઓને સફળતા મળી હોત તો દેશભરમાં શિવસૈનિકોએ આગ લગાડી દીધી હોત અને એ આગ ઓલવવામાં મહિનાઓ વિતી ગયા હોત. 
‘ઉસ વક્ત જો કુછ ભી હુઆ વો તુમ્હે પતા હૈ.’ હરિસિંહે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો, ‘ઉસમેં ગલતી...’ 
‘ગલતી મેરી થી...’ પહેલી એવી વ્યક્તિ હરિસિંહ સામે બેઠી હતી કે જે પોલીસનો વાંક કાઢવાને બદલે પોતાની ભુલ સ્વીકારતી હતી.
શું આશ્વાસન આપવું આ છોકરીને? શું એમ કહેવું કે સાચી વાત છે, વાંક તારો છે. વાંક કાઢવા બેસવું કે પછી અગિયાર વર્ષના બહેરા-મુંગા ભાઈને શરીર વેંચીને સાચવતી આ છોકરીની બે હાથ જોડીને માફી માંગવી?
હરિસિંહ મંજરી સામે જોઈ રહયા. મંજરીની આંખમાં આંસુ નહોતા.
શું ગમગીનીની ચરમસિમા આવી હોતી હશે?
‘તેરા નામ...’ 
હરિસિંહના હાથમાં લોકેની નોંધ હતી. 
‘રોશની...’
હરિસિંહનો સવાલ પૂરો થાય એ પહેલાં સામેથી જવાબ આવી ગયો.
‘કૈસે જાનતી થી ઈન લોગો કો?’ 
‘કસ્ટમર થે.’ 
ફરી ટૂંકો જવાબ.
‘રોશની, દેખો...’ હરિસિંહે નજર કાગળ પર જ રાખી, ‘મૈં નહીં ચાહતા કિ અબ ઈસ મામલે મેં તુમ ઔર ફસો. તૂમ જો જાનતી હો વો બતા દો. વરના મૈં તુમ્હે ઓર કોઈ મદદ નહીં કર પાઉંગા.’ 
‘બતાયા તો સહી, વો કસ્ટમર થે.’
‘કબ સે?’
‘સાલોં સે...’
‘કિતને સાલોં સે?’ 
‘ગીનતી નહીં કી મૈને.’
‘ઠીક હૈ.’ હરિસિંહ ઊભા થયા, ‘તુમ્હે લગતા હૈ કિ ઐસે જવાબ ઠીક હૈ તો વૈસા હી સહી...’
રોશની ચૂપ રહી.
‘કુછ ઔર નહીં જાનના અબ તુમ સે...’ સામેથી કોઈ પ્રત્યાઘાત આવ્યો નહીં એટલે હરિસિંહે દરવાજા તરફ પગ ઊપાડયા, ‘તુમ રહો યહીં, તુમસે ખેલનેવાલે હમારે ડીપાર્ટમેન્ટ મેં ભી કઈ હૈ.’
રોશની હરિસિંહને જતાં જોઈ રહી. માણસ ખરેખર શરીફ છે.
કહી દઉં કે તમે માનો છો એવું નથી, તમારું ઓપરેશન હજુ અધુરૂ છે?
ના...
રોશનીએ જોરથી માથુ ઝાટક્યું.
-  આ જ માણસના કારણે મુસ્તાકે જીવ ગુમાવ્યો છે. મુસ્તાકનો બદલો લેવા માટે પણ હવે તો કંઈ જ નથી કહેવું.
રોશનીએ આંખો બંધ કરી. તેના હોઠ સહેજ ભીડાયા.
કાશ, ક્યારના બહાર આવવા મથતાં આ આંસુ અટકી જાય. 
દીદી...
રોશનીની બંધ આંખો સામે મુસ્તાક આવી ગયો. હાથના ઈશારાથી મુસ્તાક તેને બોલાવતો હતો. મુસ્તાક કંઈક કહેવા માંગે છે.
પણ શું કહેવા માંગે છે મુસ્તાક?
રોશનીને મુસ્તાકના ઈશારાઓ સમજાતા નહોતા.
આજે પહેલીવાર બન્યું હતું કે રોશનીને મુસ્તાકની વાત સમજાતી ન હોય. 
મુસ્તાક...
રોશનીની આંખો ખૂલી ગઈ.
lll
હરિસિંહની ચેમ્બરમાં બધા એકત્રિત થયા હતાંઉ
‘તુમ ઠીક હો?’ રોશનીની બરાબર સામે હરિસિંહ ઊભા હતા. 
‘હા.’ 
રોશની ખુરશી પર ગોઠવાઇ. આંખ ક્યારે મીંચાય ગઈ એ ખબર નહોતી પડી.
બારીમાંથી આવતાં કેસરી કિરણો કહેતાં હતા કે પરોઢની શરૂઆત થઈ ગઈ છે. 
‘તુમ્હે કહીં પે જાના હૈ?’ હરિસિંહ હજુયે સામે ઊભા હતા.
નકારના ભાવ સાથે રોશનીએ માથુ ધુણાવ્યું. 
‘મુઝે મુસ્તાક...
‘જીતના જલ્દી હોગા ઉતના જલ્દી કરવા દૂંગા.’ 
હરિસિંહ રોશનીના મોઢેથી મુસ્તાકનું નામ સાંભળવા નહોતા માંગતા. તેને ખબર હતી કે રોશની મુસ્તાકના બોડીની વાત કરી રહી છે.
રોશનીએ આંખો બંધ કરી દીધી.
જે માણસના કારણે જીવન જીવવાનો હેતુ ખતમ થઈ ગઈ હોય એ માણસને તમે આંખ સામે કેટલીવાર જીરવી શકો.

આવતી કાલે સમાપ્ત


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 07:26 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK