પોતાના માટે છૂટથી વપરાતા હન્ગ્રી વુમનના વિશેષણનો દિવ્યાને છોછ નહોતો. બેશક તે રૂપાળી હતી અને માતા-પિતાના દેહાંત બાદ વારસામાં મળેલો કરોડોનો કારોબાર સ્વતંત્રપણે સંભાળી, વિકસાવી શકે એટલી કાબેલ પણ ખરી
ઇલસ્ટ્રેશન
માદક ચિત્કારોથી ચોપાટીની અન્ડરગ્રાઉન્ડ ક્લબનો માહોલ ઉત્તેજનાસભર બની ગયો. શરાબના જામ અને સિગારેટના ધુમાડા સાથે મેલ સ્ટ્રિપર્સના પર્ફોર્મન્સથી હાઈ સોસાયટીની લેડીઝને કિક લાગી હોય એમ વાણીવિલાસ થવા લાગ્યો.
એમાં કો’કનું ધ્યાન ગયું : હેય, આપણી હન્ગ્રી વુમન કેમ આજે શાંત બેઠી છે!
ADVERTISEMENT
પોતાના માટે છૂટથી વપરાતા હન્ગ્રી વુમનના વિશેષણનો દિવ્યાને છોછ નહોતો. બેશક તે રૂપાળી હતી અને માતા-પિતાના દેહાંત બાદ વારસામાં મળેલો કરોડોનો કારોબાર સ્વતંત્રપણે સંભાળી, વિકસાવી શકે એટલી કાબેલ પણ ખરી. પોતાની પ્રમાણમાં વધુપડતી ગણાય એવી શારીરિક એષણાઓને કારણે પણ કદાચ તેનો પરણવાનો વિચાર નહોતો. પાંત્રીસની વયે પણ ષોડશીને શરમાવે એવી કામવાસનાને છુપાવવા કે દબાવવામાં તે માનતી નહીં. પ્લેઝર્સને બિઝનેસથી અળગી રાખવાની સાવધાની તેનામાં હોય જ. છતાં કંપનીમાં પહેલી વાર કોઈ જુવાનને માણવાની ઇચ્છા જાગી હતી : ચાર-પાંચ વર્ષથી જોડાયેલો ઑફિસનો જુવાન મૅનેજર અતુલ્ય!
અતુલ્ય ભલે આગળ ભણી ન શક્યો, પણ નોકરીમાં તેણે જાતને ‘મારું તો આટલું જ કામ’ની જડતામાં બાંધી નહોતી. અતુલ્યને કંઈ પણ પૂછો જવાબ તેની આંગળીના ટેરવે હોય. તેને કોઈ કામ ચીંધ્યું પછી દિવ્યાએ એ વિશે વિચારવાનું પણ નહીં.
કોઈના અંગતમાં માથું મારવાની દિવ્યાને ટેવ નહોતી, પણ અતુલ્યની ફૅમિલીમાં મા છે અને તેને કૅન્સર નીકળ્યું એટલે તેણે કંપનીમાંથી લોન પણ લીધી છે એટલી જાણકારી પૂરતી હતી. અતુલ્યના ઉજ્જવળ ભવિષ્ય બાબત દિવ્યાને દ્વિધા નહોતી એમ પાક્કી બિઝનેસવુમનની જેમ તે મજબૂર મૅનેજરને વધુ ઇન્સેન્ટિવ્ઝ આપીને વરસી નહોતી પડતી.
અતુલ્યમાં જુદો રસ છ-આઠ મહિના અગાઉના ચોમાસામાં જાગ્યો. સાંજની વેળા હતી. ઑફિસના કામે બૅન્કમાં ગયેલો અતુલ્ય પાછો વળતા ધોધમાર વરસાદમાં ભીનો થયેલો. બદન સાથે ચીપકી ગયેલાં વસ્ત્રોએ દિવ્યાને ધગવી દીધી : આ જુવાનના દૈહિક ખજાનાથી હું અજાણ કેમની રહી!
તેને માણવાની વૃત્તિ વળ
ખાવા લાગી.
‘અતુલ્ય, તું સિંગલ છે રાઇટ. નૅચરલી, તારા માથે લોન છે. ટૂંકા પગારમાં ઘરસંસાર માંડવો ભારે.’
એક સાંજે ઑફિસ-ટાઇમ પછી અતુલ્યને કૅબિનમાં રોકીને દિવ્યાએ માંડેલી પૂર્વભૂમિકા અતુલ્યને
સમજાઈ નહોતી.
‘એક નોકરીમાં પૂરું થતું ન હોય તો માણસે કોઈ પાર્ટટાઇમ ધંધો શોધી રાખવો જોઈએ. આવું એક કામ મારી પાસે છે.’ દિવ્યા તેની આગળ ઝૂકી : સ્ટ્રિપ શો!
અતુલ્ય લાલચોળ બન્યો.
‘એથી આગળ વધીને તું એસ્કોર્ટ તરીકે ફિઝિકલ પ્લેઝર્સ આપે તો મારા જેવી એક રાતના તને હજારો ચૂકવી શકે.’
અતુલ્યએ હોઠ કરડ્યો. ઑફિસમાં દિવ્યાના ચરિત્ર વિશે ગૉસિપ થતી રહેતી. આજે એમાં સચ્ચાઈ વર્તાઈ. જોકે તેના પ્રસ્તાવમાં ઝાઝું વિચારવાનું ન હોય, ‘થૅન્ક્સ મૅમ, તમે આટલું વિચાર્યું. બટ સૉરી, હું જરા જુનવાણી પરિવારમાં ઊછર્યો છું, મને આ બધું નહીં ફાવે.’
તેના ઇનકાર પછી દિવ્યાએ પાછું પૂછ્યું પણ નહોતું. રાધર તેના નકારનો ડંખ પણ નહોતો રાખ્યો. તનની પ્યાસ બુઝાવનારા ઘણા મળી રહેશે, ઓછા પગારમાં આવો મૅનેજર ક્યાં મળવાનો!
- તે જુવાન ગયા અઠવાડિયે કૅબિનમાં આવી અચાનક મેં ચીંધેલા કામ માટે તૈયાર થઈ ગયો!
‘દિવ્યા...’
કોઈના સાદે તે ઝબકી. જોયું તો સ્વીટી પૂછતી હતી : હેય, યુ ડોન્ટ લાઇક એની ઑફ ધેમ!’
દિવ્યાના હોઠે આવી ગયું કે મને એવો કોહિનૂર મળ્યો છે જેની આગળ આ બધા લૅબગ્રોન ડાયમન્ડ્સ જેવા ફિક્કા લાગવાના! હમણાં યર એન્ડિંગનુ પ્રેશર છે, એ બધામાંથી પરવારીને અતુલ્યને ફુરસદે માણવો છે... યસ!
lll
‘યુ...’ મોં પર આવી એ ગાળો દેતા મનજિત સિંહે દાળનો વાડકો ઉઠાવીને ડાઇનિંગ ટેબલ પર સામે બેઠેલી પત્નીના મોં પર ફેંક્યો, ‘આમાં મીઠું જ નથી...’
ગરમાગરમ દાળના સ્પર્શે નવનીતકૌરના ચહેરાની ચામડી તડતડી ઊઠી. એથી વસમું ઘરનો નોકરવર્ગ ડોકિયું કરીને આ અપમાન,
અવહેલના નિહાળી રહ્યો હોવાની કારમી પીડા હતી.
ત્રણ વર્ષના લગ્નજીવનમાં મને બીજું મળ્યું છે શું!
રાતે બેડરૂમમાં પતિને શયનસુખ આપવાની ફરજ બજાવતી નવનીતકૌર વાગોળી રહી:
નવનીતના પિતાનો લુધિયાણામાં મોટો કારોબાર હતો. એકની એક દીકરીને તેમણે કૉલેજ કરવા લંડન મોકલેલી. તેમની ઇચ્છા તો દીકરીને ફૉરેન જ પરણાવીને સેટલ કરવાની હતી, પણ તેનાં અંજળ મુંબઈમાં લખાયાં હશે એટલે વિદેશનો મુરતિયો મળે એ પહેલાં બિરાદરીમાંથી કોઈએ મનજિતનું ઠેકાણું ચીંધ્યું : અજિત સિંહ મુંબઈમાં કારોબાર જમાવીને કેટલું કમાયા એ આખી ન્યાત જાણે છે. તેમનો વંશજ મનજિત પિતાના નકશેકદમ પર ચાલીને વેપારને બમણો-ચારગણો કરી રહ્યો છે એ દેખીતું છે. મલબાર હિલ પર મોટી હવેલી છે. દીકરી રાજરાણી બનીને મહાલશે.
વાત આગળ ચાલી અને બેઉ પક્ષને બધું અનુકૂળ લાગતાં લગ્ન લેવાયાં. શરૂ-શરૂમાં તો નવનીતને પતિ બહુ ડૅશિંગ ઍન્ડ ડાયનૅમિક લાગ્યો, પણ હનીમૂનની અસર ઓસરતાં મનજિતનું અસલી રૂપ ઊઘડવા લાગ્યું.
પોતાને સર્વસત્તાધીશ માનવાની નિયત અને સામાને તુચ્છ, પામર ગણવાની માનસિકતા. તે ભાણે બેસે અને થાળી મૂકવામાં એક મિનિટનું મોડું થયું તો નોકરવર્ગનો ઊધડો લે ત્યાં સુધી તો ઠીક, પણ...
‘મને રાહ જોવી પસંદ નથી. તને એટલું પણ ભાન નથી?’ કાળઝાળ મનજિતે કમરપટ્ટો કાઢીને ચાબુકની જેમ વીંઝતા અસાવધ નવનીત ચીખી ઊઠેલી. એના સોળ શમે એ પહેલાં બેડરૂમમાં પણ મનજિતની વિકૃતિઓ ઊઘડવા લાગી. ઘરની બહાર પણ મનજિતે દોરી આપેલા ચિત્ર મુજબ જ રહેવાનું. અફકોર્સ, મનજિતનું શૉર્ટ ટેમ્પરામેન્ટ છાનું નથી, પણ ઘરની દીવાલોનું સત્ય હજી ઘરમાં જ કેદ છે એટલે તો સોસાયટીમાં અમારી ગણના હૅપી કપલ તરીકે થાય છે...
‘તુંય તારા વર જેવી સાવ મીંઢી છે, પોતાની પ્રાઇવેટ લાઇફને કેવી રીતે પડદામાં રાખે છે. સાચું કહેજે, તમે ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિ સાથે નથી સૂતા?’
દિવ્યાએ એક વાર મોઢે પૂછી લીધેલું. હાઈ સોસાયટીના ગૉસિપવર્લ્ડમાં આવી કાનફૂસી થતી રહેતી હોય. નવનીતે હસી નાખેલું.
દિવ્યાનું સર્કલ મોટું હતું. એમાં નવનીત જોકે ગર્લ્સના વેજ ગ્રુપમાં આવતી. એ ગ્રુપમાં નૉનવેજ જોક્સ પણ ન ચાલે! અલબત્ત, દિવ્યાની હન્ગ્રીનેસ ત્યાં પણ છૂપી નહોતી. જોકે દિવ્યાને કોની પરવા હતી.
આવી દિવ્યા અમને મીંઢી કહે એ સાવ ખોટું નહીં! અરે, હું તો મારા માવતરને કહી નથી શકી.
શું કામ? હું લંડન ભણેલી, મૉડર્ન એજ ગર્લ શા માટે આવા અત્યાચાર સહન કરું? મારે તો પિયર સધ્ધર પણ છે અને માબાપ મને સંઘરશે પણ ખરાં... મારે શા માટે આવા વિકૃત દિમાગના પતિની સાડાબારી રાખવી? મનજિત વિરુદ્ધ ભીતર જ્વાળામુખી સંઘરાતો રહ્યો છે એનો તાપ ક્યાં સુધી સહેવો?
વિચારો જ વિચારો. એકના એક વિચારો. આખરે કયું તત્ત્વ મને રોકે છે?
‘મલ્હોત્રા ન માનતો હોય તો તેને હટાવી દો. આ શહેરમાં અકસ્માતો ઓછા થાય છે?’
મનજિત કદી પત્ની જોડે બિઝનેસ ડિસ્કસ ન કરતો, પણ તેના કૉલ્સ પરથી નવનીતને અંદાજ મળતો રહેતો. હજી ગયા વર્ષની વાત. મનજિતના વાશીના પ્રોજેક્ટની પરમિશન કોઈ સરકારી ખાતામાં મલ્હોત્રા નામના અફસરે અટકાવી હતી. ખરેખર તો પ્રોજેક્ટની જમીન NA થઈ નહોતી એટલે મલ્હોત્રા તેની રીતે સાચો જ હતો. પાછો રિશવતમાં માને નહીં એટલે પ્રોજેક્ટ ડિલે થતાં મનજિત અકળાયો હતો.
- એમાં મલ્હોત્રાને હટાવવાનો આદેશ તેણે કોને આપ્યો? અને હટાવવાનો મતલબ...
૪ દિવસ પછી છાપામાં નાનકડા બૉક્સમાં ન્યુઝ હતા : રસ્તો ક્રૉસ કરતા જુવાન ઑફિસર ઝુબીન મલ્હોત્રાનું મોત!
‘આ તમે કરાવ્યું?’ ધ્રૂજતા સ્વરે તેનાથી મનજિતને પૂછી બેસાયું.
‘હા, તો?’ મનજિતે જાણે મચ્છર માર્યો હોય એવી સહજતાથી ખભા ઉલાળ્યા, ‘કરોડોનો મારો પ્રોજેક્ટ રોકીને બેઠો હતો... બીજો ઑફિસર સેટિંગમાં માની ગયો એટલે હવે લાઇન ક્લિયર...
- બસ, મનજિતનો આ ડંખીલો સ્વભાવ મને રોકે છે, ડરાવે છે, બાંધી રાખે છે... હું તેને છોડવા માગું છું જાણીને તેનો અહમ્ ઘવાશે. છૂટાછેડાને બદલે તે મને પણ મલ્હોત્રાની જેમ કચડાવી મારે તો...
- અત્યારે પણ નવનીત ધ્રૂજી ગઈ. એવી જ પીઠ પર પતિની થાપટ વીંઝાઈ : સખણી રહે...
તેની અકુદરતી હરકતોએ નવનીતે હોઠ ભીંસીને પીડા દબાવી રાખી, પણ ભીતર વિદ્રોહ ભડભડ થવા લાગ્યો.
નહીં, મારે આ જુલમ, આ અપમાન નથી સહેવાં. આઇ ઍમ નૉટ મેડ ફૉર ધૅટ. મનજિત મને મારી નખાવશે એ જ ભીતિ મને રોકતી હોય તો મનજિતને ખતમ કરીને મારે એ ભીતિમાંથી અને આ પાંજરામાંથી મુક્ત થઈ જવું ઘટે!
વાંસની જેમ ફૂટી નીકળેલા વિચારે નવનીતમાં નવી જ ઊર્જા પ્રેરી!
lll
હાઉ?
પતિને મારવાનું નક્કી કર્યા પછી નવનીતે ઝડપ રાખી : ના, તેને જાતે તો મારવાનો ન હોય. તે ઘરે કે ઈવન મુંબઈમાં પણ મરવો ન જોઈએ. તે બે-ચાર મહિને લાંબી બિઝનેસ-ટ્રિપ પર જતો હોય છે ત્યારે ખેલ ખતમ કરી દીધો હોય તો!
અલબત્ત, તેના ડેથથી સીધો ફાયદો મને થાય એટલે મનજિતના મર્ડરથી પોલીસ મને સસ્પેક્ટ ગણે ખરી, પણ અમારી વચ્ચે વિખવાદનો કોઈ ગવાહ કે કોઈ સબૂત નથી, જ્યારે મનજિતનું શૉર્ટ ટેમ્પરામેન્ટ બિઝનેસ-વર્તુળમાં પ્રગટ છે એટલે તેને મારવાની મનસા રાખનારા ઓછા નહીં હોય. એમાંથી કોણે ગેમ કરી નાખી એમાં જ પોલીસ અટવાતી રહેવાની.
સાઉન્ડ્સ લૉજિકલ.
પણ મોટી ચૅલેન્જ કૉન્ટ્રૅક્ટ કિલરને શોધવાની છે. એમાં બકરી કાઢતાં ઊંટ પેસે એવું થવું ન જોઈએ. પૈસા ખાતર ગમે એ કામ કરનારો કોઈ હોય...
- અને નવનીતકૌરની કીકી ચમકી : છે એક જણ.
ધૅટ દિવ્યાનો મૅનેજર. ગરીબ ઘરના જુવાનને માની સારવાર માટે લીધેલી લોનના હપ્તા ભરતાં આંટા આવી જાય છે એટલે તો દિવ્યાને જોઈતું સુખ આપવા તૈયાર થયો એવું દિવ્યાએ જ એ દહાડે કહેલું...
જે જુવાન પૈસા ખાતર પોતાની કાયા વેચે તે થોડા વધુ રૂપિયા ખાતર કોઈનો જીવ પણ કેમ ન લે!
લે, જરૂર લે.
અને જાણે પતિથી છુટકારો મળી ગયો હોય એમ નવનીત ઝળહળી ઊઠી.
પોતાનો નિર્ણય પતિને ભૂતકાળનું અનુસંધાન કરાવી દેશે એવી તો તેને કલ્પના પણ કેમ હોય.
lll
ફોનની રિંગે અતુલ્ય સહેજ અકળાયો : આ કોણ મને અજાણ્યા નંબર પરથી કૉલ કરે છે?
તેણે કૉલ રિસીવ કર્યો : હલો
‘થૅન્ક ગૉડ તમે ફોન ઊંચક્યો, અતુલ્ય.’
સામેથી નીમાના સ્વરે અતુલ્ય ઝળહળી ઊઠ્યો અને પછી તેની કંકોતરી મળ્યાનું સાંભરીને વિષાદયોગ પ્રસરી ગયો.
‘ધીરજ સાથે ફરવાના બહાને બહાર નીકળીને તમને દુકાનથી ફોન જોડી શકી છું.’
ધીરજ એટલે તો નીમાનાં લગ્ન જેની સાથે થવાનાં તે! કંકોતરીમાં લખેલું નામ સાંભરી આવતાં અતુલ્યએ હોઠ કરડ્યો.
‘એટલું કહેવા જ ફોન કર્યો અતુલ્ય કે કંકોતરી ફાડીને ફેંકી દેજો. આ નીમા આ ભવમાં તો શું ૭ ભવમાં અતુલ્ય સિવાય કોઈની નહીં થાય.’
સાંભળીને ગદ્ગદ થવાયું. નીમાના સ્વરમાં પ્રણયનો એ જ તલસાટ પડઘાય છે. જોકે પછી પોતાનો સંકલ્પ સાંભર્યો. મારે તો નીમાના સુખ ખાતર તે કોઈની થતી હોય તો થવા દેવાની છે!
‘તારો નેહ સાચો નીમા, પણ આપણે એક થવાનું હોત તો તારી કંકોતરી કોઈ બીજાના નામની લખાય જ કેમ? હું નથી ઇચ્છતો કે તું તારા ઘરનાની મરજી વિરુદ્ધ જઈને મને પરણે... માટે મને ભૂલી જજે અને સુખી થજે.’
અતુલ્યએ કનેક્શન કાપી નાખ્યું, કેમ જાણે ભવોભવનો છેડો ફાડતો હોય.
(ક્રમશ:)
