કાલે અડધી રાતે લોઅર ડેક પર અજીબ દૃશ્ય જોયું, બે જણ એક આદમીને ફંગોળી દરિયામાં નાખતા હતા
ઇલસ્ટ્રેશન
શાવર લેતી મોહિની સિસકારી ઊઠી. લગ્નનાં પાંચ વર્ષેય રાજ સહશયનમાં એટલા જ આક્રમક બની જાય છે. તેના સ્પર્શસુખના બંધાણથી તો હું તેની છેતરપિંડી જતી કરું છું...
તે સંભારી રહી:
ADVERTISEMENT
‘તમારે કામે નથી જવાનું?’
રાજ સાથે મળી આનંદને પતાવી રાજને પરણેલી મોહિનીને ધીરે-ધીરે ધ્યાનમાં આવ્યું કે રાજશેખર વાસ્તવમાં દિવસ આખો નવરો હોય છે ને ક્રેડિટ કાર્ડ પણ તે મારું જ વાપરે છે! ઘરજમાઈની જેમ ઘરે પડ્યા છે, સાસરે જવાનું કહું તો ટાળી જાય છે..
‘હની, એક વાત કહું? રિસાઈશ તો નહીંને!’ રાજને પણ મોહિનીના વહેમનો ખ્યાલ આવતાં ખુલાસામાં અકલમંદી જોઈ : મારા અંકલ છે ખરા, પણ તેમનો કોઈ વારસો મને નથી મળ્યો...
હેં! પોતે કેટલી હદે બેવકૂફ બની એ મોહિનીને પરખાયું. એક બાબતમાં મને છેતરનારો ફરી બીજી કોઈ વાતમાં નહીં છેતરે એની ખાતરી ખરી?
‘તું એ કેમ ભૂલી જાય છે મોહિની કે તારા કારણે મેં ખૂનથી હાથ રંગ્યા છે?’ રાજે ઇમોશનલ કાર્ડ વાપરી મોહિનીને બાથમાં લીધી, ‘બાકી હું તો તારો દાસ બનીને રહીશ, તને જોઈતું સુખ આપીશ..’
તેના સ્પર્શની ગરમીમાં મોહિની પીગળતી ગઈ.
બેશક, રાજે તેને કેવી છેતરી એનો ડંખ પૂરેપૂરો ઓસર્યો નહોતો. રાજને પોતાના પૈસે મોજ કરતો જુએ ત્યારે મોહિનીની ભીતર ક્યારેક જ્વાળામુખી ભડકી જતો પણ એ બધું રાજના એક સ્પર્શ સુધી જ ટકતું.
મોહિની વિચારી રહી... આમાં હવે રહી-રહીને કોઈ મને રાજ વિરુદ્ધ ચેતવે છે ને પાછો એ શુભચિંતક એમ પણ કહી ગયો કે મને તો નૈનીતાલના કહેવાતા અકસ્માતનું રહસ્ય પણ માલૂમ છે!
હાઉ કમ? મારા અને શેખુ વિના આ ભેદ કોઈ જાણતું નથી.
તો શું આ રાજશેખરની રમત છે? મને ડરાવી, ભડકાવી તે મારું માનસિક સંતુલન ખરાબ કરવા માગતો હશે? એટલે હું અસાઇલમમાં જતી રહું ને તે મારી મિલકત પર જલસા કરે!
પણ જલસા તો તે આજેય કરે જ છેને!
મોહિનીએ ડોક ધુણાવી: ના, શેખુ પર શક કરી હું સચ્ચાઈ સુધી નહીં પહોંચી શકું... અને કરવું શું એ આજેય નથી સૂઝતું!
lll
ન્યારા ન્યારા!
રૂમમાં આંટા મારતી મોહિનીનું દિમાગ ધમધમે છે.
સોમની બપોરે કસીનોમાં રાજ સાથે જોવા મળેલી ન્યારા બપોરે લંચ અને રાતના ડિનરમાં પણ જળોની જેમ શેખુને વળગી હતી. મારી હાજરીની પરવા કર્યા વિના બિન્દાસ શેખુ સાથે ફ્લર્ટ કરતી રહી. સ્ત્રી ઉઘાડું ઇજન આપે પછી પુરુષના લપસ્યાનો શું દોષ કાઢવો!
અત્યારે રાજ્શેખર તો દિવસભરનો થાક્યો હોય એમ પોઢી ગયો, પણ મારી નીંદર વેરણ બની એનું શું! પતિ વિશે મને ગમેતેટલો ખટકો હોય, તેનો વાંક જોવા મન આજેય ઝટ તૈયાર નથી થતું.
અને તે ચમકી. બહાર કશો સંચાર સંભળાયો. કૅબિનના દરવાજાના આઇ-હોલમાંથી જોયું તો સામે જ ખુલ્લી લિફ્ટમાં ન્યારા દેખાઈ. હાથમાં કેક લઈ અત્યારે તે ક્યાં જાય છે?
મોહિનીએ હોઠ કરડ્યો. ન્યારાને લઈ લિફ્ટ સરકી એટલે કંઈક વિચારી તે પણ નાઇટસૂટ પર શાલ વીંટાળી બહાર નીકળી.
લેટ્સ ફૉલો ન્યારા!
lll
‘મૅની હૅપી રિટર્ન્સ ઑફ ધ ડે!’
લજ્જાએ બે હાથમાં કેક લઈ અવકાશના ગાલ રંગી નાખ્યા. એવા જ અવકાશે તેના હાથ પકડી લીધા: હેય, હવે આ સાફ પણ તારે કરવાનું... ના, હાથથી નહીં, હોઠથી!
આનંદના ગયા પછી અવકાશ વરસગાંઠની ઉજવણી ભૂલી ગયેલો. પણ તે પોતાને ખુશ જોવા ઝંખતો હશે એ સમજ લજ્જાએ રોપ્યા પછી અવકાશનો ખુશમિજાજ કાયમનો બનતો જાય છે.
‘લાજો હવે.’ મીઠું ઠપકારી લજ્જાએ ઉતાવળ દાખવી, ‘મને જવા દો. યુટ્યુબર લજ્જા તરીકેની મારી ઇમેજ ફ્લર્ટિંગમાં ફિટ નહીં બેસે એટલે હું ન્યારા બની. રાજ-મોહિની મને યુટ્યુબર તરીકે ઓળખી ન શક્યાં એટલે આપણો દાવ ચાલી ગયો. પણ બેમાંથી કોઈ જો આપણને આમ જોઈ ગયાં તો શુભચિંતક-ન્યારાનો ભાંડો ફૂટી જવાનો...’
આમ કહેતી-સાંભળતી વેળા બેમાંથી કોઈને ધ્યાન નહોતું કે ન્યારાનું પગેરું દબાવી આવી પહોંચેલી મોહિની કૅબિનના ખુલ્લા દ્વારે ઊભી બધું
જોઈ-સાંભળી રહી છે!
lll
અ..વ..કા..શ!
મોહિનીની છાતીમાં કળતર થયું.
કોઈક રીતે તે આનંદના મર્ડર વિશે જાણી ગયો ને તેની પ્રેમિકા સાથે મળી અમને ખુલ્લાં પાડવા મથી રહ્યો છે! આનંદના અપરાધીઓને તે છોડે એ વાતમાં માલ નથી. તેણે કાયદો હાથમાં લેવો નથી અને અમને કાયદાના હવાલે કરવા તેની પાસે પાકા પુરાવા નહીં હોય એટલે તે મને શુભચિંતકના નામે ડરાવવા-ભડકાવવાની અને રાજને પરસ્ત્રી (ન્યારા)ના ફાંસામાં લેવાની બેવડી રમત રમી રહ્યો છે.
ભાગ મોહિની ભાગ!
અવકાશની પહોંચથી દૂર જવું હોય એમ તે ઉતાવળે ભાગવા ગઈ એમાં લૉબીના ટેબલ સાથે અથડાઈ ને એ ખખડાટે અવકાશ-લજ્જાને ચેતવી દીધાં.
દોડીને ડોકિયું કર્યું તો નીચે લિફ્ટમાંથી નીકળી મોહિની તેના બિલ્ડિંગ તરફ ભાગતી દેખાઈ.
ઓહ નો. મોહિની સમક્ષ આપણાં પત્તાં ખૂલી ગયાં, હવે?
lll
હેં!
બીજી સવારે મોહિનીએ
અવકાશ-ન્યારાની સચ્ચાઈનો ધડાકો કરતાં રાજશેખર બઘવાઈને મોહિનીને તાકી રહ્યો.
આનંદનો પેલો ફ્રેન્ડ મર્ડર વિશે જાણી ગયો એટલે શુભચિંતકના નામે મોહિનીને ભડકાવે છે ને ન્યારા તેની પ્રેમિકા લજ્જા છે?
ઍબ્સર્ડ. બેશક, ન્યારા સાથે ફ્લર્ટિંગની મજા માણું છું, પણ એમાં મોહિનીને દગો દેવાની મનસા બિલકુલ નથી. આખરે અમે ખરા અર્થમાં પાર્ટનર ઇન ક્રાઇમ છીએ. એ પછી તો તને છેહ દેવાનું જોખમ હું સમજતો તો હોઉં જને! જરૂર મોહિની સ્ત્રીસહજ ઇન્સિક્યૉરિટીથી પ્રેરાઈને અવકાશને ક્યાંકથી ઊંચકી લાવી, ન્યારાને લજ્જા બનાવી દીધી.
‘તમે કહેતા હતાને કે ન્યારાને ક્યાંક જોઈ છે? આ જુઓ તમારી ન્યારાને.’
ન્યારા (લજ્જા)નો ટ્રાવેલ-વિડિયો જોતાં રાજશેખરને પહેલી વાર ટ્રૅપની ધ્રુજારી છૂટી.
હે ભગવાન. હવે?
lll
અડધી રાતે રાજનો સેલફોન રણક્યો.
‘સર, કૅપ્ટન સર આપને અર્જન્ટ મળવા માગે છે.’
સવારે મોહિનીએ અવકાશનાં પત્તાં ખુલ્લાં કર્યા પછી વર-બૈરીએ નક્કી કર્યું હતું કે કૅબિનમાં જ પુરાઈ રહેવું. અવકાશને કોઈ પુરાવો ઊભો કરવાની તક આપવી જ શું કામ? ખાવા-પીવાનું પણ કૅબિનમાં મગાવી લીધું. ઇન્ટરકૉમ બાજુમાં મૂકી દીધો, આજે કૅબ્રેનો શો હતો એ જોવા પણ ન ગયાં...
આમાં હવે કૅપ્ટનનું તેડું. તેમને મારું શું કામ પડ્યું હશે?
‘ન્યારા નામની રૉયલ ક્લાસની પૅસેન્જર મરણતોલ હાલતમાં તેની કૅબિનમાંથી મળી આવી... તેની હાલત ક્રિટિકલ છે અને એ તમને યાદ કરે છે. તમને કહી દઉં, ન્યારા લજ્જાના નામે ફેમસ યુટ્યુબર છે અને ખાસ્સી ઇન્ફ્લુએન્શલ છે. તેના પરના હુમલાની તપાસ ચાલુ છે. દરમ્યાન આ મામલે ચર્ચા કરવા કૅપ્ટન સર આપને તેમની કૅબિનમાં બોલાવે છે.’
કૉલ કટ થયો.
રાજની બુદ્ધિ બહેર મારી ગઈ. ન્યારા ઉર્ફે લજ્જા પર કોઈએ જીવલેણ હુમલો કર્યો. તે મને યાદ કરે છે!
પણ ન્યારા તો અવકાશ સાથે અમને ફિક્સ કરવાના મિશન પર છે. તેના પર કોઈ હુમલો શું કામ કરે? આમાં અવકાશ ક્યાં?
અને રાજશેખરની નજર પડખે સૂતેલી પત્ની પર ગઈ. આંખોમાં શંકાનાં કૂંડાળાં જામતાં ગયાં.
અવકાશ કેવળ મોહિનીની વાતોમાં છે. હવે સમજાય છે... મને ન્યારાથી દૂર રાખવા તેણે કેવી સ્ટોરી ઘડી નાખી! અરે, ન્યારા પર હુમલો પણ મોહિનીએ જ કેમ ન કરાવ્યો હોય! પતિ બીજી સ્ત્રી પર ઢળતો દેખાય ત્યારે ઓરત ગમે તે હદ સુધી જઈ શકે એ પુરવાર થયેલું છે. ન્યારા પરના હુમલામાં મને ફસાવવાની તો મોહિનીની રમત નહીં હોયને!
કે પછી અવકાશ ખરેખર શિપ પર હોય ને આ તેની જ કોઈ ચાલ હોય...
રાજશેખર ગૂંચવાયો. આની ખાતરી કેમ કરવી?
તેણે કૅપ્ટનની કૅબિનનો ફોન જોડ્યો. સામેથી તરત કૉલ રિસીવ થયો, ‘કૅપ્ટન શર્મા હિઅર.’
‘આયેમ રાજશેખર.’ રાજે આટલું જ કહેતાં સામેથી અવાજમાં ઉછાળો આવ્યો, ‘તમે હૉસ્પિટલ પહોંચી ગયા? જલદી આવો. ઇટ્સ અર્જન્ટ.’
શિપના કૅપ્ટન એમ કોઈની વાતમાં આવું જૂઠું ન બોલે.
‘આયેમ કમિંગ!’ રાજે નક્કી કરી લીધું.
સામે રિસીવર મૂકતો અવકાશ મલકી ઊઠ્યો. કૅપ્ટન એમ કોઈની વાતમાં આવી ટ્રૅપના ભાગીદાર ન બને એ સાચું, પણ રાજની કૅબિનનો ફોન અવકાશની કૅબિનમાં જ જાય એટલી ગોઠવણ તો સંભવ ખરીને!
આગળ પણ બધું અમારી ગોઠવણ મુજબ જ બનવાનું!
lll
લિફ્ટમાંથી નીકળતા રાજને અણસાર આવે એ પહેલાં તેને પાછળથી કોઈએ ચૉપ ફટકારતાં તેણે હોશ ગુમાવ્યા.
lll
રાજ ક્યાં?
સવારે પથારીમાં રાજને ન ભાળી મોહિનીએ માન્યું, તે આજે વહેલો ઊઠી ગયો લાગે છે... પણ હાય રે. એ તો કૅબિનમાં પણ નથી! તેનો સેલફોન પણ લાગતો નથી.
ક્યાંક ન્યારાને મળવા તો... આટલું સમજાવ્યો, પણ...
ઊંચક જીવે તે ડેક પર ફરી વળી. પણ ક્યાંય જો રાજનો અણસાર મળે!
અને તેની કીકી ચમકી. ડેક પર અવકાશ-લજ્જા હાથમાં હાથ પરોવી ટહેલતાં દેખાયાં. અમને ટ્રૅપમાં ફસાવવા બેઉ અલગ-અલગ રહેતાં હતાં, હવે જાહેરમાં સાથે દેખાય છે ને રાજ ગાયબ છે! આનો મતલબ...
મોહિનીએ થડકો અનુભવ્યો. અમંગળ આશંકાથી હૈયું ફફડવા લાગ્યું.
‘આઇ સ્વેર, મેં કાલે અડધી રાતે લોઅર ડેક પર અજીબ દૃશ્ય જોયું. બે જણ એક આદમીને ફંગોળી દરિયામાં નાખતા હતા. તું હજીયે માનતો નથી બટ વી મસ્ટ ઇન્ફૉર્મ કૅપ્ટન.’
બાજુમાંથી પસાર થતા અંગ્રેજી યુગલમાં છોકરીને કહેતી સાંભળી મોહિનીને તમ્મર આવ્યાં : નો, હું ધારું છું એવું તો ન જ બન્યું હોય...
છોકરો જોકે એવું બોલી ગયો કે પારકી પંચાતમાં પડવાનું આપણે શું કામ! જે મિસિંગ હશે તેનું સગુંવહાલું ફરિયાદ કરે ત્યારે જોઈશું!
મિસિંગ. મારો રાજ શિપ પરથી ગાયબ જ છેને!
તે અવકાશ તરફ ધસી ગઈ : મારો રાજ ક્યાં છે?
અવકાશ-લજ્જા અટક્યાં. અવકાશની આંખોમાં ઉદાસી ઘૂંટાઈ : અને હું પૂછું, મારો આનંદ ક્યાં છે તો?
મોહિની શું બોલે!
‘તને સિંદૂરનુ લેણું નથી, મોહિની. તારા પતિનું કમોત જ લખાયું લાગે છે.’ અવકાશ ધીરેથી બોલ્યો, ‘કોઈની બાઇક ફંગોળાય તો કોઈને દરિયો ગળી જાય.’
‘નો...’ ચીસ નાખી મોહિનીએ અવકાશનો કાંઠલો ઝાલ્યો, ‘એમ તું રાજને મારી છટકી ન શકે...’
જરા વારમાં તો આસપાસ ટોળું થઈ ગયું. સિક્યૉરિટી ઑફિસર્સ દોડી આવ્યા. કોઈએ કૅપ્ટનને સંદેશો આપતાં તેય આવી પહોંચ્યા. મોહિની ત્યારે એકધારું બોલતી હતી, ‘આ બદમાશે મારા પતિને દરિયામાં ફંગોળી દીધો. પકડો એને..’
‘રાજને તેનું કરમ નડ્યું મોહિની,’ અવકાશ એટલો જ સ્વસ્થ હતો.
‘કરમ!’ મોહિનીએ છાતી કૂટી, ‘તારા દોસ્તને મારવામાં હુંય તેની સાથે હતી. અરે, આનંદને મારવાનું મેં નક્કી કર્યું, રાજે તો મને સાથ આપ્યો. તેં મનેય તેની સાથે કેમ ન ફંગોળી, જાલિમ!’
‘મો...હિ..ની..’ છેવાડેથી અવાજ આવ્યો. ટોળું હટતાં મોહિનીનાં નેત્રો પહોળાં થયાં : રા..જ!
વળી તેની નજર અવકાશ પર જતાં તે કુટિલ હસતો દેખાયો.
બધું સમજાઈ ગયું. રાજને કબજામાં કરી અવકાશે મને ભરમાવવા અંગ્રેજી યુગલને સાધ્યું, સિક્યૉરિટીને સાથે રાખી... અરેરે. હું ય વાલામુઈ આમ રાજને મનોમન ભાંડતી હોઉં ને આજે એવી બાવરી થઈ ગઈ કે...
રાજ મને ટ્રૅપમાં ફસાવા બદલ ભાંડી રહ્યો છે, પણ હવે શું? ઇટ્સ ઑલ ઓવર!
lll
જનમટીપ!
કોર્ટે મોહિની-રાજને સજા ફરમાવતાં અવકાશના કાળજે ટાઢક પ્રસરી. આનંદના આત્માને આજે શાંતિ મળી હશે!
લજ્જાએ તેને સંભાળી લીધો.
અને હા, તેમનાં લગ્નના નવમા મહિને છોટા આનંદના પ્રવેશ પછી અવકાશના જીવનમાં ઉદાસી, દરદનું સ્થાન નથી. એનું સુખ કાયમ રહેવાનું એટલું વિશેષ!
(સમાપ્ત)

