આનંદ જઝબાતી છે, છૂટાછેડા માગીશ તો મારી ખુશી ખાતર ઝેર પણ પી લેશે...
ઇલસ્ટ્રેશન
સાગરસફર અડધે પહોંચી છે. હૉન્ગકૉન્ગ હવે ત્રણ દિવસ જેટલું જ દૂર છે. એમાં કાલે અવકાશનો બર્થ-ડે છે.
સોમની વહેલી સવારે લતાજીનાં ગીતો સાંભળતાં ડેક પર જૉગિંગ કરતી લજ્જાના ચિત્તમાં પ્રસન્નતા ઘૂંટાય છે.
ADVERTISEMENT
ઑપરેશન સિંદૂર પછી પોતાના વિડિયોમાં ઝડપાયેલા આતંકીનાં સગડ આપવાના બહાને અવકાશને મળવાનું થયું, તેને ફરી મળવાની પહેલ પોતે ન કરી હોત તો અવકાશથી તો પહેલ થવાની જ નહોતી.
લજ્જા વાગોળી રહી :
બીજા મેળાપનો અડધો કલાક તો લજ્જા જ બોલતી રહી. તેને નિહાળતા અવકાશની કીકીમાં મુગ્ધતા છવાતી ને બીજી પળે જાણે કઈ ઉદાસી તેને ઘેરી વળતી.
‘તમે ગહેરી ચોટ ખાધી લાગે છે, અવકાશ...’ એક તબક્કે તેના હાથ પર હાથ મૂકી લજ્જાએ હમદર્દી જતાવી ને અવકાશ અનાયાસ ઊઘડતો ગયો : આનંદ સાથેની મૈત્રી, તેનાં લગ્ન અને લગ્નના વરસમાં જ અકસ્માતમાં ચિરવિદાય...
‘ડ્યુટી ન હોત, મા-બાપ ન હોત તો મેં કદાચ આપઘાત કરી લીધો હોત. જીવનની સૌથી પ્યારી વ્યક્તિ જ જતી રહે પછી જીવનમાં રહ્યું શું?’
અવકાશના ગળે ભીનાશ ઘૂંટાઈ.
‘એ તમામ ખુશી અવકાશ, જે તમે માણો એવી ભાવના આનંદભાઈએ સેવી હતી.’
ટટ્ટાર થઈ ગયો અવકાશ. ચાર નેત્રો એક થયાં ને પ્રણયનો તણખો ઝબકી ગયો...
પછી તો બેઉ નિયમિતપણે મળતાં રહ્યાં. અવકાશની વાતોમાં આનંદની હાજરી હોય જ, પણ હવે એની ઉદાસી ઘૂંટાતી નહીં. આનંદ આમાં જ રાજી હોય એ સમજ આત્મસાત થઈ ચૂકી હતી. રજા લઈ ઘરે પ્રણયભેદ ખોલવાનો હતો ત્યાં...
‘અરે, આ શું!’
લજજાની હોટેલના ઉતારા પર એક સાંજે તેના જૂના વિડિયોઝ જોતો અવકાશ ચમક્યો. તેની ચમકે લજ્જાને તત્પર કરી : ઓહ, આ તો નૈનીતાલમાં શૂટ કરેલો વિડિયો!
નૈનીતાલ. આનંદભાઈનો અંતિમ મુકામ. મારા બૅકઅપમાંથી તમે નૈનીતાલનો વિડિયો જ કેમ જોવા માંડ્યો એ સમજાય છે...
‘લુક...’ અવકાશનો સ્વર આવેશમાં ધ્રૂજતો હતો, ‘તારા વિડિયોના કૅમેરાની ડેટ મુજબ આ શૂટ આનંદના ઍક્સિડન્ટના આગલા દિવસનું છે.’
હવે લજ્જા ટટ્ટાર થઈ. પાંચ-સવાપાંચ વર્ષ અગાઉની મુલાકાતની દરેક વિગત યાદ નહોતી, પણ વિડિયોમાં નજર નાખતાં સાંભરી આવ્યું,
‘આ તો હું પૅરાગ્લાઇડિંગ માટે જતી હતી એ વખતે કૅબમાંથી કરેલું શૂટિંગ છે... ચઢાણનો એ રસ્તો બેહદ ખૂબ..સૂ..ર..ત..’ તે થોથવાઈ. આ જ રસ્તાના વળાંકે આનંદભાઈને બાઇક-અકસ્માત થયો હતો એ હવે સાંભર્યું.
‘આ રહ્યો એ વળાંક!’ અવકાશની આંખોમાં રાતો દોરો ફૂટતો હતો, વારંવાર રિવાઇન્ડ-ફૉર્વર્ડ કરી તે એકનું એક દૃશ્ય દેખાડતો રહ્યો. વળાંકે વળતી ટૅક્સીની બારીએ ટેકવેલા કૅમેરામાં જોખમી કર્વ આબાદ ઝિલાયો છે, એની તૂટેલી પાળી આગળ ઊભું કપલ લોકેશનની નોંધ લેતું હોય એમ આસપાસ નજર દોડાવતું લાગે છે... આમાં અવકાશને અપસેટ કરનારું કયું તત્ત્વ છે?
‘દૃશ્યમાં મોજૂદ સ્ત્રી!’ અવકાશ હાંફી ગયો, ‘એ મોહિની છે. લજ્જા, તેની સાથેનો પુરુષ તેનો હાલનો પતિ છે!’
હેં!
પતિના અકસ્માતના આગલા દિવસે પત્ની તેના ભાવિ પતિ સાથે અકસ્માતના સ્થળનું અવલોકન કરતી જોવા મળે એનો અર્થ શું કરવો?
‘અર્થ એટલો જ કે આનંદની જાણ બહાર મોહિનીના જીવનમાં કોઈ અન્ય પુરુષ પહેલેથી હતો.’ અવકાશે સીધું જ એક વત્તા એક કરી નાખ્યું, ‘આ આખી ટ્રિપ મોહિનીએ ગોઠવી હતી. તેમની સાથે તેનો યાર પણ નૈનીતાલમાં મોજૂદ હતો. મોહિનીએ ભાડે કરેલી બાઇક તીવ્ર વળાંકે ખોટકાય એવી કરામત તેના યારે જ કરી હોય...’
અવકાશ અટક્યો, ‘એક મિનિટ. બાઇક ખોટકાઈ એ તો મોહિનીનું બયાન છે. હકીકતમાં એવું થયું પણ ન હોય. બલકે કોઈક બહાને મોહિનીએ વળાંક આગળ બાઇક અટકાવી, નજીકની ઝાડીમાં છુપાયેલા તેના યારે અચાનક પ્રગટ થઈ આનંદને માથામાં ઘા મારી બેહોશ કરી બાઇકને ન્યુટ્રલમાં નાખી ખીણમાં સરાકાવી દીધી હોય. યા, ધૅટ સાઉન્ડ્સ મોર લૉજિકલ.’
લજ્જા સ્તબ્ધ હતી: આનો અર્થ એ પણ ખરો કે હું અને આનંદભાઈ એક સમયે એક સ્થળે હતાં. કાશ, મારે તેમને મળવાનું બન્યું હોત! મારો નૈનીતાલમાં આ છેલ્લો દિવસ હતો એટલે બીજા દિવસે ખીણમાં ઘટેલા અકસ્માતની મને જાણ પણ નહોતી. પણ મારા વિડિયોમાં મોહિની તેના બીજી વારના પતિ સાથે ઝડપાઈ ગઈ એ કેવું!
‘એ જ પ્રૂવ કરે છે કે ક્રાઇમ નેવર પેઝ...’ અવકાશને તેના તારણમાં દ્વિધા નહોતી, ‘મોહિનીએ જ તેના યાર સાથે મળી મારા આનંદનું મર્ડર કર્યું! ઑપરેશન સિંદૂરમાં નિમિત્ત બનેલા આતંકીઓની ભાળ આપવા તારે ઑફિસર્સ કૉલોની આવવાનું ન બન્યું હોત, આપણો ભેટો ન થયો હોત તો આજેય હું આનંદના અંજામના કાવતરાથી બેખબર હોત!’
અવકાશે મોહિનીને કાતિલ માની જ લીધી એની સામે બચાવ ન હોય, પણ માત્ર ખૂનના સ્થળે આગલા દિવસે પરપુરુષ સાથે હાજર રહેવાથી કાનૂન તેને ગુનેગાર નહીં માને... આ વિડિયોની ક્લિપ ફરતી કરો તો બહુ-બહુ તો મોહિની લફરેબાજ તરીકે સમાજમાં બદનામ થાય એટલું જ. lll
‘તેની બદનામી પૂરતી નથી. આનંદના ગુનેગારોને હું બક્ષતો હોઈશ!’
‘તો તમારા હુંમાં હું પણ આવી ગઈ એટલું જરૂર માનજો.’
લજ્જાએ આટલું કહેતાં અવકાશે તેને પહેલી વાર ચૂમી લીધી.
પછી અવકાશ મચી પડ્યો. સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહેતી મોહિનીની ભાળ કાઢવી લશ્કરી આદમી માટે રમત વાત હતી. અવકાશે રાજશેખરને પણ નજરમાં રાખ્યો. એમાંથી ક્રૂઝની જાણ થઈ અને તેમનો પર્દાફાશ કરવા અવકાશ-લજ્જા પણ ક્રૂઝમાં જોડાયાં છે...
અવકાશ ‘શુભચિંતક’ના નામે મોહિનીને ભડકાવતો રહે ને લજ્જા ન્યારા બની રાજશેખરને શીશામાં ઉતારે એમાંથી કોઈક ક્ષણે સચ્ચાઈનો બ્લાસ્ટ થવાની તેમની ધારણા છે. ગુનો ઊઘડે કે ગુનેગાર પોલીસના હવાલે! ત્યાં સુધી આપણે સાથે જાહેરમાં દેખાવાનું નથી એવું તેમની વચ્ચે નક્કી થયું છે, પણ કાલે અવકાશનો બર્થ-ડે છે એટલે રાતે બાર વાગ્યે હું તો તેના રૂમ પર જઈ કેક-કટિંગ કરવાની એવું લજ્જાએ નક્કી કરી લીધું છે.
lll
આ..હ.
ચિત્કાર નાખતી મોહિની કામસુખમાં તરબોળ હતી. શેખુની સ્ત્રીને રિઝવવાની સ્કિલ્સ અદ્ભુત છે. ન્યારાને પણ તે આમ જ રિઝવતો હશે?
ઘડીકમાં તેણે ઉત્તેજના ઓસરતી અનુભવી. શુભચિંતક સાંભરી ગયો. એ કદી રાજનો ન્યારા સાથેનો પ્રેમાલાપ જોવા ફોન કરે, પાછો એમ પણ કહે કે નૈનીતાલમાં શું બનેલું એનું રહસ્ય પણ હું જાણું છું!
મોહિનીનું મન ઊખડી ગયું.
સાધારણ સ્થિતિમાં ઊછરેલી મોહિનીને પહેલેથી અમીર સાસરાની ચાહત હતી. ને એ મળતું હોય તો સાસરિયાંની મનમરજીને અનુકૂળ સંસ્કાર દાખવવામાં તેને કશું જ ગલત નહોતું લાગ્યું. મોહિની માટે આનંદ કમ્પ્લીટ પૅકેજ જેવો હતો. ગર્ભશ્રીમંત, દેખાવડો અને શૈયામાં ભરપૂર સુખ વરસાવતો! સાસુ રહ્યાં નહીં અને સસરા દેવગઢ રહેતા એટલે કચ્છના ઘરમાં પૂરતી સ્વતંત્રતા હતી.
અને છતાં એમાં એકવિધતા હતી. આનંદ આખો દિવસ તેના દરદીઓમાં વ્યસ્ત હોય. તેની વાતો ક્યારેય અવકાશ ને માબાપ સિવાય આગળ વધે જ નહીં. લાઇફમાં એક્સાઇટમેન્ટ જેવું કંઈક તો હોવું જોઈએને! લક્ઝરી માણવાની જ ન હોય તો આદર્શને પોંખવાનો દંભ આચરી પરણવાનો મતલબ શું?
અલગ-અલગ બહાને તે આનંદને છુટ્ટી લેવા, હરવાફરવા મનાવવાની કોશિશ કરતી પણ આનંદ એમ ચળે એવો ક્યાં હતો? અલબત્ત, મોહિની ગામમાં ગૂંગળાય છે એવું અનુભવતાં તેણે જ મોહિની માટે સોલો ટ્રિપ બુક કરી સરપ્રાઇઝ આપી. ને બસ, મોહિનીને ફાવતું મળ્યું.
તે છાશવારે નવાં-નવાં સ્થળોએ ફરવા ઊપડી જતી. ફાઇવસ્ટાર હોટેલમાં રહેતી, મનફાવે એટલું શૉપિંગ કરતી. આનંદ તેને કદી એક પૈસાનો હિસાબ પૂછતો નહીં.
આવા ત્રીજા પ્રવાસમાં તેને રાજશેખરનો ભેટો થયો. એક જ હોટેલમાં ઊતરેલો રાજશેખર વાતે-વાતે સ્ટાફને ટિપ વેરતો. વૈભવી ગાડીમાં ફરતો. કોઈ એવું પણ બોલતું સંભળાયું કે રાજશેખરને એના વિદેશ રહેતા અંકલનો કરોડોનો વારસો મળ્યો છે.
હોટેલની રેસ્ટોરાંમાં લંચ-ડિનરમાં એક-બે વાર ભેગાં થયાં ત્યારે મોહિનીએ સ્મિત આપ્યું અને કહે છેને, હંસી તો ફંસી!
રાજની અનુભવી નજરમાંથી શિકાર છૂપો રહે? સામી સ્ત્રી પરણેલી છે એ તો મંગળસૂત્ર પરથી દેખીતું હતું,પણ બાઇજી એકલાં ઘૂમે છે ને મારી જેમ ભાડાના પૈસે નહીં પણ વરના પૈસે ઠાઠથી ફરે છે એ બધું જ જાણી લીધું તેણે અને વિચાર્યું કે એ જો મારા મોહમાં આવી તો ધણીથી છૂટાછેટાના બદલામાં અડધી મિલકત તો તેને મળવાની જ.
બહુ અદબભેર મોહિની સાથે તેણે મેળ જમાવ્યો, સાથે ફરવા જવું, મોંઘી ગિફ્ટ આપવી... ધીરે-ધીરે તે કૂંડાળું નાનું કરતો ગયો.
‘તમારા પતિ પુરુષમાં તો છેને?’ છૂટા પડવાના આગલા દિવસે તેણે અચાનક આવો સવાલ પૂછી મોહિનીને ચોંકાવી દીધી.
‘જો એ ખરા અર્થમાં પુરુષ હોય તો તમારા જેવી રૂપવતીને બેડ પરથી ઊતરવા નહીં દે.’
રાજશેખર એવી અદાથી બોલ્યો કે મોહિની પાણી-પાણી થઈ ગઈ.
‘કમ સે કમ હું હોત તો હજી આપણી સુહાગરાત ચાલુ હોત.’ આવું કહેનારો રાજ ઘરે પરત થયા પછી પણ ભુલાયો નહીં. આનંદની ગેરહાજરીમાં બેઉ મોબાઇલ પર લાંબી-લાંબી વાતો કરતાં. રાજની મીઠાશભરી વાણીનો કેફ ચડતો. બીજી ટ્રિપ માટે મોહિનીએ ગોવા પર કળશ ઢોળ્યો. શેખર કૉન્ફરન્સ માટે ગોવા જવાનો હતો!
આ વખતે સંયમની પાળ તૂટી ગઈ એનો મોહિનીને અફસોસ નહોતો, બેવફાઈનું દરદ નહોતું. રાજશેખરના જિન્સી આવેગે તેને તેની એવી બંધાણી બનાવી દીધી કે ત્રીજા મેળમાં તે પતિથી છેડો ફાડવા તૈયાર થઈ ગઈ... ના, ડિવૉર્સના રસ્તે નહીં, ખૂનના રસ્તે!
પહેલી વાર મોહિનીની મનસા સાંભળી રાજશેખર ડઘાઈ ગયેલો.
‘આનંદ જઝબાતી છે, છૂટાછેડા માગીશ તો મારી ખુશી ખાતર ઝેર પણ પી લેશે...’ મોહિનીએ ખૂનની આવશ્યકતા સમજાવેલી : પણ તેનો પરમ મિત્ર અવકાશ... તે ડિવૉર્સના મામલામાં ઊંડો ઊતર્યા વિના નહીં રહે અને એ મિલિટરીના આદમી માટે આપણું પ્રેમપ્રકરણ પકડવું ચપટી વગાડવા જેવું કામ ગણાય. પછી કોર્ટમાં મને લફરેબાજ સાબિત કરી તે ઍલિમનીના નામે ફદિયુંય નહીં મળવા દે! મને અવકાશનો જ ભય રહે છે.’
આટલું રમ્યા પછી ઝીરો પર આવી જવું કેમ પરવડે? આનંદ કરોડોની સંપત્તિનો માલિક છે. તેના મરતાં બધું જ મોહિનીના નામે થઈ જાય એ વધુ હિતાવહ છે!
રાજશેખરે મર્ડરમાં સાથ આપવાની તૈયારી બતાવી, પછી પ્લાન પણ ઘડી આપ્યો : વચમાં હું નૈનીતાલ ગયેલો, ત્યાં પૅરાગ્લાઇડિંગનો એક વળાંક બેહદ જોખમી છે... ઇફ વી કૅન પ્લાન ધેર...
અને એ પણ થયું. પહેલી લગ્નતિથિના બહાને મોહિની આનંદને નૈનીતાલ તાણી લાવી. બીજી બપોરે આનંદ વામકુક્ષી માણતો હતો એ દરમ્યાન મોહિની રાજ સાથે તેણે પસંદ કરેલું સ્થળ જોઈ આવી.
અને ત્રીજા દહાડે પૅરાગ્લાઇડિંગ માટે આનંદ સાથે બાઇક પર નીકળેલી મોહિનીને વળાંક આગળ ઊલટી જેવું લાગતાં આનંદે બાઇક થંભાવી. મોહિની ઊલટી કરવી હોય એમ ઝાડીઓમાં ભરાઈ. ત્યાં અગાઉથી છુપાયેલા રાજશેખરે મોહિનીની પાછળ આવતા આનંદ પર પાછળથી દંડાનો પ્રહાર કરતાં તેણે હોશ ગુમાવ્યા. પત્નીની બેવફાઈ બિચારો જાણી પણ ન શક્યો! આસપાસની નિર્જનતા ચકાસી રાજે તેને બાઇક સાથે ખીણમાં ફંગોળી મૂક્યો...
ઍન્ડ હી વૉઝ ફાઉન્ડ ડેડ.
મોહિની માટે રાહતરૂપ એ હતું કે બીજા સૌની જેમ અવકાશને પણ આનંદના ‘અકસ્માત’ની સ્ટોરી ગળે ઊતરી ગઈ. બસ, પછી શોક મૂકવા સાસરેથી પિયર આવેલી મોહિની રાજને પરણીયે ગઈ. આનંદની કરોડોની સંપત્તિ સાથે!
આનંદનું મૃત્યુ અકસ્માત નહોતો એ રહસ્ય મારા અને રાજશેખર સિવાય કોઈ ત્રીજાને તો ખબર જ કેમ પડે?
અત્યારે પણ મોહિની પાસે આનો જવાબ નહોતો. અને આગળ શું થવાનું એની ખબર પણ ક્યાં હતી?
(આવતી કાલે સમાપ્ત)

