તમારો શુભચિંતક. જેણે પણ આ ટૂર પ્લાન કરી છે તેની અસલી મકસદ તમારી હત્યાની છે
ઇલસ્ટ્રેશન
આનંદ!
વહેલી સવારે ઘરની અગાસીએ ઊભો અવકાશ મિત્રની ચિરવિદાયને સંભારી રહ્યો :
ADVERTISEMENT
નૈનિતાલમાં પૅરાગ્લાઇડિંગ માટે નીકળેલો આનંદ બાઇક સાથે ઊછળી ખીણમાં ખાબકે છે. તેના પાર્થિવ દેહને વળગી હૈયાફાટ રડતા અવકાશને મોહિની પૂછે છે : ‘ઘરે જાણ કરી, અવકાશ?’
મોહિનીના સવાલે અવકાશે જાતને સંભાળવી પડી : આનંદની ગેરહાજરીમાં તેના પિતાને, તેના પરિવારને મારે સંભાળવાના...
અને નીલકંઠની જેમ તે મિત્રની વસમી વિદાયનો ઝેરકટોરો પી ગયો, પીનેય ટકી ગયો.
દીકરાના ખબરે શ્રીકાંતભાઈ ભાંગી પડ્યા. છ મહિનામાં તેમણેય પથારી તાણી ને તેમનો શોક મૂકવા પિયર ગયેલી મોહિની સાસરે આવી જ નહીં. નૅચરલી, મા-બાપથી દીકરીનો વિધવાવેશ કેમ ખમ્યો જાય? તેમને તો દીકરીનું બીજું ઘર વસાવવાની જ ઉતાવળ હોય એ સમજ સુમિત્રામાએ અવકાશને આપી હતી : આનંદની પરણેતરને તેં લક્ષ્મણની નજરથી જ નિહાળી હોય અવકાશ, નહીંતર તેના જીવનમાં રંગ ભરવાનું મેં તને જ કહ્યું હોત, આનંદને એ ગમ્યું પણ હોત...
એ સંભવ નહોતું. થોડા સમયમાં ખબર આવ્યા કે મોહિની અન્યત્ર પરણીયે ગઈ. ઇન્વાઇટ છતાં દેવગઢથી કોઈ તેનાં મૅરેજમાં ગયું નહોતું. પિયર ગયા પછી મોહિનીએ સંપર્ક પણ ઓછો રાખેલો અને અહીંની માલમિલકત પણ બારોબાર વેચી નાખેલી. હશે. આનંદ જ ન રહ્યો પછી મોહિનીને સંબંધ ન રાખવાની ફરિયાદ કરવી પણ કેમ? હા, મા ક્યારેક સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહેતી મોહિનીના અપડેટ આપે એમાં અવકાશને રસ પણ નહોતો. આનંદની સાથે તેનાં મજાકમસ્તી, ટીખળવૃત્તિ બધુંય સમેટાઈ ગયું. મા-પિતાજી લગ્નનું કહેતા, પણ આનંદ વિના પોતાની બારાતની કલ્પના પણ અવકાશ માટે અસહ્ય બની રહેતી. પરિણામે મા-બાપ ઝાઝું દબાણ પણ ન કરતાં.
આવાં પાંચેક વર્ષ વીતતા સુધીમાં ડ્યુટીના મોરચે અવકાશ યશસ્વી નીવડ્યો હતો. બત્રીસના પડાવે પણ તેની હૈયાપાટી કોરી હતી.
અને...
કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ ખુલ્લેઆમ ગોળીબાર કરી પચીસ જેટલા પુરુષોની લાશ ઢાળી બહેનોનાં સિંદૂર ઉજાડી ‘થાય તે કરી લેજો’ની લલકાર નાખતા ગયા.
આખો દેશ આઘાતમાં ડૂબી ગયો. ધરમ પૂછીને કરાયેલી હત્યામાં વહેલું લોહી, બહેનોનું રોળાયેલું સિંદૂર બદલાનો હિસાબ માગતું હતું. લોખંડી મનોબળવાળા વડા પ્રધાન વિશ્વનાથ ત્રિવેદી પર આખા દેશની નજર મંડાઈ હતી. તેમણે આર્મીને છૂટો દોર આપ્યો. લશ્કરની ત્રણેય પાંખની ટૉપ લેવલની મીટિંગ્સમાં રિવેન્જ સ્ટ્રૅટેજી ઘડવામાં અવકાશની ચાવીરૂપ ભૂમિકા રહી.
અને ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે થયેલા મિસાઇલ હુમલાથી સો જેટલા આતંકવાદીઓનો સફાયો કરનારા ‘ઑપરેશન સિંદૂર’ થકી ભારતે દુશ્મન દેશની રાડ પડાવી દીધી. સિંધુનાં પાણી રોક્યાં. યુદ્ધમાં પાકિસ્તાનનો કોઈ હુમલો ફાવવા ન દીધો એ સૈન્યની જેવીતેવી સફળતા નહોતી. થાકીહારી પાકિસ્તાને સીઝફાયરનો પ્ર્સ્તાવ મૂકવો પડ્યો...
આનંદ હોત તો આ સફળતામાં મારા યોગદાનથી કેટલો ખુશ થયો હોત! સીઝફાયર પછી વડા પ્રધાને કાશ્મીરની ચેકપોસ્ટ પર યોજેલા સ્પેશ્યલ ડિનરમાં મને પણ નિમંત્રણ હતું એ જાણી આનંદે મને ભીંસી દીધો હોત... મિત્રનું ઉષ્માસભર આલિંગન હવે ક્યાં?
મહિના અગાઉના એ ડિનરના ત્રીજા દિવસે અવકાશ કાશ્મીરના ઍરબેઝના રૂમ પર ઉદાસી ઘૂંટી રહ્યો હતો કે ઇન્ટરકૉમ રણ્ક્યો. ગેટ પરથી સિક્યૉરિટી ગાર્ડ પૂછતો હતો : ‘સર, આપને કોઈ મળવા માગે છે.’
‘મને?’
અવકાશના સ્વરમાં અચરજ ભાળી ગાર્ડે ખુલાસો કર્યો : તેમને કોઈ અગત્યના ઑફિસરને મળવું છે એટલે મેં તમને રિંગ કરી...
આમ તો ઑફિસર્સ કૉલોનીમાં પણ અજાણ્યાને આવવાની પરવાનગી નહોતી, એમાંય હજી યુદ્ધનાં વાદળ પૂરેપૂરાં વિખરાયાં નહોતાં એટલે ચાંપતો બંદોબસ્ત રહેતો. આવામાં એક અજાણી વ્યક્તિનું આગમન...
અવકાશના કપાળે કરચલી ઊપસી : તેમને કામ શું છે?
એવો જ સામા છેડે ગાર્ડ પાસેથી આવનાર વ્યક્તિએ રિસીવર ખૂંચવ્યું ને અવકાશના કાનમાં મધુર સ્ત્રીસ્વર રેલાયો : મારે એક ખુફિયા બાતમી શૅર કરવી છે... પહલગામના હુમલા બાબત.
હેં!
ભારતની જવાબી કાર્યવાહીમાં બીજા આતંકી ભલે મરાયા, તેમના અડ્ડાનો સફાયો ભલે થયો, જે ચાર આતંકીઓએ કાળો કેર વર્તાવ્યો એ હજી પકડાયા કે મરાયા નથી... તેમના વિશે કોઈ ક્લુ સામેથી મળતી હોય તો વાય નૉટ! અને આમાં જો ત્રાસવાદીઓની જ ચાલ હશે તો તો તેમને ધૂળ ચાટતા કરવાની ઓર મઝા આવશે...
‘ઠીક છે, આપણે અમારી કૅફેમાં મળીએ... રામસિંહ (ગાર્ડ) તમને મૂકી જશે, ગેટની નજીક જ છે...’
ખરેખર તો કૅફેમાં મુલાકાતનું રેકૉર્ડિંગ કરવાની સુવિધા છે અને અણચિંતવી પરિસ્થિતિને પહોંચી વળવા અવકાશે ગન પણ રાખી.
થોડા કુતૂહલભેર, થોડી શંકાભેર અવકાશે બેઠા ઘાટના તેના ક્વૉર્ટરમાંથી કૅફે તરફ કદમ ઉપાડ્યાં ત્યારે ક્યાં જાણ હતી કે ત્રાસવાદીના ખબર લઈને આવેલી યુવતી આનંદની હત્યાની આશંકા ઉઘાડવામાં નિમિત્ત બનવાની છે!
lll
‘તું અહીં છે!’
પહેલાં અગાસીનાં બારણાંનો ખખડાટ અને સાથે જ પડઘાતા માના સાદે અવકાશે ગતખંડની યાત્રા
સમેટી લીધી.
આરતી અને પ્રસાદ લઈને આવેલાં સુમિત્રાબહેને દીકરાની પડખે ઊભા રહી પોરો ખાધો. મોહિનીવહુએ સામેનું ઘર જેને વેચ્યું તેમની પાસેથી દિવાકરે મકાન ખરીદી લીધેલું. આનંદની નિશાની જેવું ઘર પારકાને હવાલે કેમ થાય? પોતે એને ચોખ્ખુંચણક રાખતાં. પતિને કહેતાં પણ ખરાં : આનંદનું જવાનું આપણને હજી વસમું લાગે છે તો અવકાશ પર શું વીતતી હશે એ સમજાય એવું છે...
હા, તાજેતરના યુદ્ધમાં દીકરાના ફાળાનો ગર્વ અવશ્ય હતો. એમાંય ગઈ કાલે તે રજા લઈ અચાનક ઘરે આવી ચડ્યો એનો આનંદ હોય જ, એમ કુતૂહલ પણ હતું : હજી યુદ્ધમાં વિરામ થયો છે એવું કહેવાય છે, એ જોતાં તને છુટ્ટી મળી કેમની!
‘ગમે ત્યારે ફરજ પર હાજર થવાની તાકીદ સાથે મારી રજા મંજૂર થઈ છે... અને હું છુટ્ટીઓમાં ઘરે નથી રહેવાનો. અઠવાડિયાની ફૉરેન ટૂર પર જવાનો છું.’
આનંદની વિદાય બાદ અવકાશે પહેલી વાર ક્યાંક ફરવા જવાની વાત ઉચ્ચારી! ચાલો, દીકરો જીવનમાં આગળ વધે એ રૂડું જ છે.
અત્યારે પણ એ સંભારી સુમિત્રાબહેને રણકો ઊપસાવ્યો, ‘તારી યાત્રા વિશે હવે તો કંઈક કહે. ક્યાં જવાનો? ક્યારની ફ્લાઇટ છે? તને ભાવતાં થેપલાં, ગોળપાપડીનું ભાથું બાંધી દઉં છું...’
અવકાશ ગંભીર બન્યો. સામા ઘરે નજર ટેકવી બોલી ગયો, ‘મા, મારું ફરવા જવું પણ મિશન સિંદૂર છે. લશ્કરે વિધવા થયેલી બહેનોનો બદલો લીધો, મારે પોતાના હાથે પોતાનું સિંદૂર મિટાવનારી સોહાગણ સામે વેર લેવાનું છે.’
દીકરાના બોલમાં સુમિત્રાબહેનને ભેદ લાગ્યો.
‘આ સફરમાં હું એકલો નથી, મા...’ અવકાશના ચહેરા પર સુમિત્રાબહેનને પહેલી વાર મુગ્ધાવસ્થાની આછેરી લજ્જા ઊપસતી દેખાઈ. તે અવકાશને ટાંપી રહ્યાં.
lll
‘જાણીતી યુટ્યુબર પાકિસ્તાનની બાતમીદાર નીકળી!’
અખબારનો હેવાલ તે રસપૂર્વક વાંચી ગયો. ટ્રાવેલ-બ્લૉગર તરીકે પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવતી નંદિની કામદાર દેશદેશાવર ફરી છે અને તેની ચૅનલના કરોડ જેટલા તો સબસ્ક્રાઇબર્સ છે. મૅડમ ચાર-છ વાર પાકિસ્તાન પણ ફરી આવ્યાં છે. તાજેતરની વૉર પછીની આપણી જાસૂસી સંસ્થાની સ્ક્રૂટિનીમાં ભેદ ખૂલ્યો કે ઇન્ફ્લુએન્સર તરીકે મિલિટરીમાં પોતાનું સર્કલ જમાવી મહોદયા ખુફિયા બાતમી પાકિસ્તાનને પહોંચાડે છે ને બદલામાં લખલૂટ દામ કમાયાના પાકા પુરાવા મળતાં હાલ તો તેની ધરપકડ થઈ છે...
‘લો બોલો, પૈસા ખાતર લોકો દેશને વેચતાં પણ શરમાતા નથી!’
રાજશેખરના બબડાટે પત્નીનું ધ્યાન ખેંચાયું. તેના હોઠ વંકાયા : પૈસા ખાતર યુટ્યુબરે દેશ વેચ્યો તો તમે અને મેં શું કર્યું એનો હિસાબ માંડવાની હિંમત છે તમારામાં?
પણ આવું કહેવું વ્યર્થ હતું. તે ઊલટું હસીને, મને ભીંસીને વાત વાળી લેશે ને હું રાબેતા મુજબ તેના ચાર્મમાં તણાતી જઈશ...
ઘડીક તેને પોતાના પર જ ગુસ્સો આવ્યો : આ માણસે શ્રીમંત, આબરૂદાર હોવાનો દેખાવ કરી મને ભ્રમિત કરી ને હું મૂરખની જેમ તેના મોહમાં પરવશ બની ન કરવાનું કરી બેઠી.
‘ક્યા હુઆ મેરી જાન!’
અચાનક જ પેપર પડતું મૂકી રાજશેખર લગોલગ આવી ગયો. તેના શ્વાસની ગરમી મને કેવી દહેકાવી રહી છે! હમણાં તે પ્રણયચેષ્ટા આરંભશે, તેનો સ્પર્શ મને ઘેલી કરી મૂકશે. વસ્ત્રોનાં આવરણ મને કનડવા લાગશે અને પછી...
તેનાથી સિસકારો થઈ ગયો : ઉફ્ફ! શેખુના સહવાસની કલ્પના માત્રથી મારો ખુદ પર કાબૂ સરી જાય છે! લગ્નનાં પાંચ વર્ષે પણ પતિમાં પત્નીને પરવશ કરવાની હોંશ રહી હોય એ પત્ની માટે લાભની જ વાત ગણાય, પણ એની પાછળ પતિનો લોભ હોય તો એ ચેતવા જેવું નથી?
લોભ. પત્નીના પહેલા પતિ તરફથી મળેલી મબલક દોલતનો લોભ!
તેણે હોઠ કરડ્યો.
‘શું થયું?’ શેખરે ગરદન પર ઝૂકતાં પૂછ્યું.
‘લી..વ મી.’ યત્નપૂર્વક તે અળગી થઈ. રાજશેખરના ચહેરા પર અચરજ ફેલાયું, પણ તેના ઉત્સાહમાં ઓટ ન આવી, ‘તને રાજી કરવાનો આઇડિયા મારી પાસે છે!’
ચપટી વગાડી તે ઊભો થયો, બેડરૂમમાંથી એન્વેલપ લઈ આવ્યો, ‘લુક ઍટ ધિસ!’
આ વળી શું? ધડકતા હૈયે તેણે પતિના હાથમાંથી કવર લઈ ખોલ્યું એવી જ વાદળી રંગની બે ચળકતી ટિકિટ સરકી આવી.
મુંબઈથી હૉન્ગકૉન્ગના અઠવાડિક દરિયાઈ પ્રવાસની એ ટિકિટ હતી!
નેવી ક્રૂઝની દરિયાઈ ટૂર વખણાય છે. વૈભવી જહાજની સાગરસફરનો લહાવો ચૂકવા જેવો નથી. તરતા નગર જેવી શિપમાં ફરવાનું મારું ડ્રીમ રહ્યું છે, આજે એની પૂર્તિ થઈ રહી હોવાનો ઉમંગ કેમ મારામાં જાગતો નથી? પતિની સરપ્રાઇઝ મને ઓળઘોળ કેમ કરી મૂકતી નથી?
કેમ કે આ સરપ્રાઇઝ છેવટે તો મારા જ પૈસે-મારા પહેલા પતિના પૈસે, મોર પ્રિસાઇસલી - મને જ અપાઈ રહી છે! આખરે મારા હાલના વર પાસે કોઈ નોકરીધંધો જ ક્યાં છે?
તેની ભીતર જાણે જ્વાળામુખી આકાર લેતો હતો, ક્યારેક એ લાવા બહાર ધસી આવ્યો તો...
‘હેય, તું ખુશ નથી? જો, રૉયલ ક્લાસની મોંઘી ટિકિટ લીધી છે. આપણી બારીમાંથી દરિયો ઘૂઘવતો દેખાશે.’
રૉયલ ક્લાસની ટિકિટ. હાસ્તો, તમારે ક્યા ગાંઠના ખરચવાના છે!
‘આવતી કાલે શુક્રની સાંજે અઢી હજાર જેટલા પ્રવાસીઓને લઈ જહાજ ઊપડશે. સાતમા દિવસે આપણે હૉન્ગકૉન્ગ ઊતરીશું, ચાર દિવસ ત્યાં રહી પ્લેનમાં પરત. ડિસ્કાઉન્ટનો ફાયદો થાય એટલે તો ઍડવાન્સમાં ટૂર બુક કરી રાખેલી.’
રાજશેખર હજીયે ઉમંગથી બોલી રહ્યો હતો એ જોઈ પત્નીને ઠપકાનું બહાનું મળી ગયું ઃ ઍડ્વાન્સ ટૂરની જાણ મને નીકળવાના આગલે દિવસે કરો છો! મારે કેટલી તૈયારી કરવાની. કપડાં પૅક કરવાનાં...’
એવો જ શેખર લપક્યો: કપડાંની ચિંતા શું કામ કરે છે! આપણે કૅબિનમાં બર્થ-ડે સૂટમાં જ રહેવાનું છે.
બસ, તેની એક હરકત ને પત્નીની ભીતરનો જ્વાળામુખી ઠરી ગયો ને જુદી જ આગ ભભૂકી ઊઠી, એમાં પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદને સ્થાન નહોતું.
lll
અને નીકળવાના સમયે ઘરનો ફોન રણક્યો. રિસીવર ઊંચકી તેણે પોતાનું નામ આપતાં જ સામેથી ઘોઘરા સ્વરમાં કહેવાયું ઃ: આને વૉર્નિંગ કૉલ સમજજો. તમારો જીવ જોખમમાં છે. તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાંથી જીવતાં પાછાં ન ફરો એનો પાકો બંદોબસ્ત થઈ ચૂક્યો છે.
‘વૉટ નૉનસેન્સ! આવો બકવાસ આદરનારા તમે છો કોણ?’
‘તમારો શુભચિંતક. જેણે પણ આ ટૂર પ્લાન કરી છે તેની અસલી મકસદ તમારી હત્યાની છે.’
‘ઇનફ. ટૂર મારા પતિ રાજશેખરે પ્લાન કરી છે. તે મારી હત્યા શું કામ કરાવે?’ તે હાંફતા શ્વાસે બોલી ગઈ.
સામે પળવારની ચુપકી રહી. પછી એ જ ઘોઘરો સ્વર પડઘાયો : કેમ, તમારાથી વધુ રૂપાળી, વધુ શ્રીમંત સ્ત્રી તેમના જીવનમાં આવી હોય તો એ એક કારણ જ પૂરતું નથી?’
બીજી સ્ત્રી!
કૉલ કટ થયો, પણ કહેવાતા શુભચિંતકે જતાવેલા તર્કે મોહિનીને થીજવી દીધી.
(ક્રમશઃ)

