મોહિનીએ છાતી કૂટી, ‘લગ્નના વરસમાં મારો ચૂડો નંદવાયો અવકાશ, હું વિ...ધ...વા થઈ ગઈ!’
ઇલસ્ટ્રેશન
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. દેવગઢના ઘરમાં સવાર આમ જ ઊગતી... વર્ષોથી. ઘરમંદિરમાં ચાંદીની ઘંટડીના રણકારમાં ભળી જતો મીઠી સૂરાવલીનો સાદ નીંદરનું ઘેન ઉતારી દે.
‘અને પછી ઠૂમકતી ચાલે તું મને ખોળતો મંદિરમાં આવીને મારા ખોળામાં લપાઈ જાય...’ મા કહેતી એ સંભારણું અત્યારે પણ ઘરની અગાસીમાં ઊભા અવકાશને મલકાવી ગયું.
ADVERTISEMENT
‘ત્યાં સુધીમાં જો આનંદ આવી ચડ્યો તો તું પ્રસાદના લડ્ડુનો લોભ પણ જતો કરીને બહાર દોડી જાય... જાણે પાછલા ભવનો કોઈ ઋણાનુબંધ હોય એવી તમારી દોસ્તી હતી.’ મા ગર્વભેર ઉમેરતી એ સાંભરીને અવકાશની મુસ્કાનમાં દર્દની છાંટ ભળી. નજર સામેના બંધ ઘરમાં પડતાં ઉદાસી ઘૂંટાઈ.
દોસ્તી હતી. ભૂતકાળનું ક્રિયાપદ ખટક્યું. નહીં, કેટલાક સંબંધ કાળથી પર હોય છે. સંબંધમાં જોડાયેલા માણસ રહે કે ન રહે, તેમના સગપણની સુવાસ તેમના ગયા પછી પણ મહેકતી રહે છે.
ઊંડો શ્વાસ લઈને અવકાશે દોસ્તીનો અહેસાસ ભર્યો. વળી એ જ મધુરતા તેના સ્મિતમાં પ્રસરી ગઈ.
‘તમારા આનંદે તો મારા દીકરા પર જાદુ કર્યો છે...’
નાનપણમાં મા આનંદની માતાને મીઠી ફરિયાદ કરતી. અવકાશ વાગોળી રહ્યો:
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના દેવગઢ ગામની વસ્તી ઝાઝી નહીં. છૂટાંછવાયાં ઘરોમાં જગ્યાની મોકળાશ. ગામમાં નાનકડી પોસ્ટ-ઑફિસ હતી. એના પડખે સરકારી બૅન્કનું મકાન. બૅન્ક-મૅનેજર તરીકે ગામમાં આવેલા ગર્ભશ્રીમંત શ્રીધરભાઈને ગામના જ વતની એવા પોસ્ટમાસ્ટર દિવાકરભાઈ જોડે બહુ જલદી ગોઠી ગયું. ગામડામાં કેમ ફાવશેની આશંકા બહુ જલદી ઓસરી ગઈ. બલ્કે દિવાકરભાઈની સામેનું જ મકાન ખરીદીને તે પત્ની સાથે દેવગઢમાં જ સ્થાયી થઈ ગયા. બન્ને ઘરે સંતાનની પધરામણી પણ સાથે જ થઈ. શ્રીધરભાઈની પત્નીએ આનંદને જન્મ આપ્યો એના થોડા કલાકમાં દિવાકરભાઈને ત્યાં અવકાશનાં પગલાં પડ્યાં.
‘તમને બન્નેને પહેલી વાર આજુબાજુમાં મૂક્યા ત્યારે એકમેકને જોઈને એટલું ખિલખિલ હસ્યા’તા તમે...’ અવકાશનાં સુમિત્રામા ઘણી વાર કહેતાં.
સરખી વયના બેઉ છોકરાઓ વચ્ચે અદ્ભુત દોસ્તીની ધરી રચાતી ગઈ. એકબીજા વગર કોઈને ગોઠે નહીં. બેઉમાં જોકે સ્વભાવભેદ ખરો. આનંદ ઠરેલ-ઠાવકો, જ્યારે અવકાશ એક નંબરનો તોફાની. કેટલીયે વાર એવું થતું કે સ્કૂલમાં અવકાશની ધમાલનો જિમ્મો આનંદ લઈ લે. ટીચર આનંદને પનિશમેન્ટ આપે એ અવકાશને બિલકુલ ગમે નહીં. બે-ચાર દિવસ તે ધીરગંભીર રહે એ પાછું આનંદને જ રુચે નહીં એટલે તે જ અવકાશને મસ્તી કરવા ઉશ્કેરે અને અવકાશ અસલ મિજાજમાં આવી જાય! એટલે તો સુમિત્રામા નયનામાને કહેતાં કે અવકાશ પર આનંદનો જાદુ ચાલે છે! શેરીક્રિકેટ હોય કે ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા દરિયામાં ધુબાકા મારવાના હોય, આનંદ-અવકાશ સાથે જ હોય.
‘બેમાંથી કોઈ એક છોકરી હોત તો કેટલું સારું થાત... આપણને વહુ શોધવાની ઝંઝટ જ ન રહેત!’ માતાઓ હસતી.
બેઉ એકલા પડતા કે અવકાશ તોફાને ચડતો : બોલ, તું છોકરી બને છે કે હું બનું?
આનંદ એવો તો લાલ-લાલ થઈ જતો.
બન્ને હવે નાના-નાદાન રહ્યા નહોતા. તેમનાં સમણાં પણ જુદાં હતાં. આનંદે ડૉક્ટર થઈને સેવાનો આદર્શ નિભાવવો હતો, જ્યારે અવકાશને પ્લેન ઉડાવવાની લગની હતી. એકના સમણામાં બીજાની સાહેદી હોય જ. સોળ-સત્તર વરસની વયે વાન ઊઘડ્યો હતો, કાયાનું હણહણતું જોમ હતું. અંગે યૌવનના આગમનને બેઉએ સાથે અનુભવ્યું હતું, માણ્યું પણ હતું. જિગરજાન મૈત્રીમાં કોઈ પડદાને અવકાશ નહોતો એમ વિકારને તાબે થવાનું તો તેમનું બંધારણ જ ક્યાં હતું?
અવકાશ શરમથી લાલ થતા આનંદનો ગાલ ચૂમી લેતો : મારા માટે બસ આટલું જ. બાકી તને પરણનારી ખરેખર વિશ્વની સૌથી ખુશનસીબ હશે એ મારાથી વધુ તો કોણ જાણે!
આનંદની પરણેતર.
- અત્યારે ગતખંડ વાગોળતા અવકાશનાં જડબાં સહેજ તંગ થયાં. હોઠ કરડીને તેણે ભૂતકાળની કડી સાંધી:
‘મરતાં પહેલાં મારે આનંદને પરણાવી દેવો છે.’
નયનામાને કૅન્સર નીકળ્યું. સાવ અચાનક આવરદાનું સાવ જ નાકું આવી ગયું. તેમની એક જ ઇચ્છા હતી : આનંદને પરણાવું પછી ભલે મને હરિનું તેડું આવતું!
એ માટે તેમણે અવકાશને જ સાધ્યો : મેં તેના માટે કન્યા પણ ગોતી રાખી છે. આનંદ લગ્નની ના કહે છે, તું જ તેને મનાવી શકશે...
અવકાશની હાલત કફોડી બની.
હાઈ સ્કૂલ પછી બન્નેના માર્ગ કરીઅરને અનુલક્ષી ફંટાયા હતા. આનંદ દાક્તરીનું ભણ્યો, જ્યારે અવકાશ ઍરફોર્સમાં જોડાયો. હવે છુટ્ટીઓની અનિયમિતતાને કારણે મળાતું ઓછું, પણ એકમેકને યાદ કર્યા વિના ન તેમની સવાર ઊગે, ન સાંજ આથમે. આનંદનું પહેલું ડિસેક્શન હોય કે અવકાશની ઉડાન, બીજાની પરોક્ષ હાજરી એમાં હોવાની જ.
બેઉની હૈયાપાટી કોરી હતી. બને તો સાથે પરણવાનું તેમણે વિચારી રાખેલું, પણ નયનામાની અણધારી માંદગીએ ભવિષ્ય જ બદલી નાખ્યું...
તેમની બીમારીના ખબર મળતાં જ અવકાશ ગામમાં દોડી આવ્યો. નયનામાએ તેને પણ આનંદ જેટલું જ વહાલ આપ્યું હતું. તેમની આખરી ઇચ્છા આનંદનાં લગ્નની હોય તો એ પૂરી થવી જ જોઈએ.
‘અવકાશ, તું પણ?’
અવકાશે માની જેમ લગ્નની હઠ પકડતાં આનંદ અકળાયેલો : હજી ગયા વરસે તો MBBS થઈને મેં કચ્છના સરહદી ગામના સરકારી દવાખાનાનો ચાર્જ લીધો છે. માને ગમેલી કન્યા અંતરિયાળ, સુવિધા વિનાના ગામમાં સેટ થઈ શકશે કે નહીં એ તો વિચાર.
આનંદની નોકરી તેના ધ્યેયને અનુરૂપ હતી. તે ધારત તો આગળ ભણીને પોતાની હૉસ્પિટલ ખોલી શકે એટલી તેનામાં આવડત હતી; પણ પોતાના જ્ઞાનનો લાભ અભણ, ગરીબ જનતાને આપવાના ઉચ્ચ આદર્શને વરીને તેણે નોકરી સ્વીકારેલી. અવકાશને અણસાર હતો કે આનંદની જીવનસંગિનીમાં ઉચ્ચ આદર્શોને નિભાવવાની ક્ષમતા હોવી ઘટે. રામ સાથે સીતાથી ઊતરતી તો કોઈ કેમ ચાલે? નયનામાને પસંદ પડેલી મોહિનીમાં એવા ગુણ નહીં હોય?
‘કોને ખબર. એ માટે તેને મળવું પડે, તેની મરજી જાણવી ઘટે; પણ આ હાલતમાં માને છોડીને મારે ક્યાંય નથી જવું.’
‘તું ભલે ન જા, હું છોકરીને અહીં બોલાવું છું અને તને ગમે તો તારે હા જ પાડવાની છે.’
- અને છોકરી આનંદને ગમી પણ ખરી...
ઊંડો શ્વાસ લઈને અવકાશે વાગોળ્યું:
મોહિની તેના માવતર સાથે દેવગઢ આવી હતી. અમદાવાદમાં ઊછરેલી કન્યા મૉડર્ન હતી, ગ્રૅજ્યુએટ હતી અને નખશિખ રૂપાળી, આનંદ સાથે શોભી ઊઠે એવી. નયનામાના પિયરમાં તેમની કશીક દૂરની સગાઈ પણ હતી. મતલબ ઘર-કુટુંબમાં કહેવાપણું નહોતું. પ્રાઇવેટ ફર્મમાં કારકુની કરતા તેના પિતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી, પણ એકની એક દીકરીને તેમણે લાડકોડથી ઉછેરી હોય એમ તેના મોંઘા પહેરવેશ અને ઇમ્પોર્ટેડ મેક-અપ પરથી લાગ્યું. નયનામાના ખબર તેણે બહુ કાળજીથી પૂછ્યા. અવકાશ-આનંદની મૈત્રી વિશે જાણીને હરખ જતાવ્યો : જીવનને જીવંત બનાવનારો એક મિત્ર તો જીવનમાં હોવો જ જોઈએ... રિમોટ વિલેજમાં રહેવા માટે પણ તે ઉત્સાહી હતી : ખીચોખીચ અમદાવાદમાં રહીને હું કંટાળી છું, મને તો ત્યાં સ્વર્ગ જેવું લાગશે!
એકંદરે ઇનકારનું કોઈ કારણ રહેતું નહોતું. મોહિનીની તો મરજી હતી જ, આનંદનો પણ હકાર થતાં ઘડિયા લગ્ન લેવાયાં.
‘મારો મિત્ર હું તને સોંપું છું મોહિની. બદલામાં તેની આંખ ક્યારેય ભીની ન થાય એટલું જ માગું છું.’ બેઉનો હસ્તમેળાપ કરાવતી વેળા અવકાશની પાંપણ છલકાઈ ગયેલી.
‘નિશ્ચિંત રહેજો અવકાશ, હું તમને ફરિયાદનો મોકો નહીં આપું.’
બહુ રણકાભેર મોહિનીએ કહેલું. અરે, તેણે તો હનીમૂન પર જવાનોય ઇનકાર કરેલો : માની આવી હાલતમાં અમારે તેમની પાસે રહેવાનું હોય...
તેની સમજે આનંદ જિતાઈ ગયેલો, અવકાશ નિશ્ચિંત બનેલો.
નયનામા ઝાઝું જીવ્યા નહીં. દીકરાને પરણાવીને અઠવાડિયામાં તેમણે પિછોડી તાણી. તેમનાં ક્રિયાપાણી પત્યા પછી ખરા અર્થમાં આનંદ-મોહિનીનું સંસારજીવન શરૂ થયું. અવકાશનું પોસ્ટિંગ ત્યારે કાશ્મીરના ઍરબેઝ પર હતું. આનંદ-મોહિની થોડા દિવસ માટે કાશ્મીર ફરવા આવ્યાં એ સમય મોસ્ટ મેમોરેબલ બની રહ્યો.
આનંદ ખુશ છે, સુખી છે એટલું અવકાશને મન પૂરતું હતું. જોતજોતામાં વરસ વીતી ગયું. હવે તો સુમિત્રામા ભેગી મોહિની પણ અવકાશને લગ્ન માટે મનાવાની કોશિશ કરતી : તમે પરણો તો આપણે સાથે ફરવા જઈએ - તમારું પહેલું ને અમારું સેકન્ડ હનીમૂન!
- એ જોકે ક્યાં બન્યું!
- અત્યારે પણ અવકાશથી નિસાસો નખાઈ ગયો : મને તો કોઈ છોકરી ત્યારે ગમી નહીં, પણ આનંદ-મોહિની તેમની ફર્સ્ટ ઍનિવર્સરીએ જરૂર નૈનીતાલ ફરવા ગયાં...
‘મોહિનીએ જ બધું ગોઠવ્યું છે...’ આનંદે ફોન પર કહેલું : તેને ફરવાનો શોખ છે. ક્યારેક તો લાગે કે તેને કચ્છમાં ગમતું કેમ હશે! પણ તે કદી ફરિયાદ નથી કરતી... એટલે તેના શોખને હું પણ પોંખી લઉં છું. તેની ઇચ્છા હોય ને મને ફાવે એમ ન હોય તો આગ્રહ કરીને તેને સોલો ટ્રિપ પર પણ મોકલી આપું.
આને જ સ્નેહજીવનની સમજદારી કહેતા હશેને!
અવકાશને આની ખુશી હતી. તે ત્યારે લદ્દાખની ડ્યુટીએ હતો. ઇચ્છા તો ખૂબ હતી કે પોતે પણ રજા લઈને અચાનક નૈનીતાલ પહોંચીને બેઉને સરપ્રાઇઝ આપે...
- એને બદલે તેને જ શૉક મળ્યો! આનંદ-મોહિની નૈનીતાલ પહોંચ્યાના ત્રીજા દિવસે તે રજા લઈને લદ્દાખથી નીકળવાનો હતો ત્યાં નૈનીતાલથી મેસેજ આવ્યો : યૉર ફ્રેન્ડ મેટ વિથ અ ફેટલ ઍક્સિડન્ટ, કમ સૂન!
નૈનીતાલની હોટેલના મૅનેજરના તારની ભાષા જેવો ટૂંકો સંદેશ મળ્યાની એ ઘડીની યાદ અવકાશને અત્યારે પણ ધ્રુજાવી ગઈ. તે સ્વગત બોલ્યો... મારા જીવનમાં એ ઘડી આવી જ કેમ! આનંદના છેલ્લા શ્વાસ સાથે મારો શ્વાસ કેમ થંભી ન ગયો? કદાચ કોઈએ મારી સાથે મજાક કરી...
આછીપાતળી આશાએ ઊચકજીવે તે નૈનીતાલની હોટેલ પહોંચ્યો, પણ...
અવકાશે સાંભર્યું:
લાઉન્જમાં જ મોહિનીને બેહાલ જોઈને અવકાશ બેભાન થઈ ગયેલો. શું બન્યું હતું એ તો હોશમાં આવ્યા પછી જાણ્યું:
‘તમે કદાચ જાણતા હો અવકાશ તો અહીંની વૅલીનું પૅરાગ્લાઇડિંગ મશહૂર છે. સમરનું વાતાવરણ પણ ખુશનુમા હતું. અહીં ફરવા માટે અમે બાઇક ભાડે રાખી હતી. પૅરાગ્લાઇડિંગ માટે અમારે ચડાણ પર જવાનું હતું. કમનસીબે રસ્તામાં બાઇક બગડી. મેં ઘણું કહ્યું કે શાર્પ વળાંકવાળો રસ્તો છે, બાજુમાં સીધી ખીણ છે જેનાં બૅરિકેડ્સ પણ તૂટેલાં છે, બાઇક સાઇડ પર મૂકીને આપણે આવતાં-જતાં વાહનોમાંથી કોઈની લિફ્ટ લઈ લઈએ, હોટેલવાળા મેકૅનિક મોકલીને બાઇક મગાવી લેશે...’
વીતક કહેતી મોહિનીની આંખો છલકાતી હતી, ‘પણ કાળે મતિ ભુલાવી અવકાશ... આનંદ મને હસ્યા : હું ભલે ડૉક્ટર હોઉં, બંધ પડેલી બાઇકને ચાલુ કરવા જેટલી મેકૅનિક આવડત તો મને છે... કહીને તે બાઇક સાથે દોડીને એને ચાલુ કરવા ગયા એમાં અચાનક જ બાઇક ચાલુ થતાં આનંદથી કન્ટ્રોલ ન થયો. ભૂલથી તેમણે ઍક્સેલરેટર ફેરવતાં ભયાનક સ્પીડ સાથે બાઇકે જમ્પ માર્યો ને બીજી પળે તો મેં બાઇક સાથે આનંદને ઊછળીને ખીણમાં ફંગો...ળા...તા જો...યા...’
મોહિનીએ છાતી કૂટી, ‘લગ્નના વરસમાં મારો ચૂડો નંદવાયો અવકાશ, હું વિ...ધ...વા થઈ ગઈ!’
આઘાત જ એવો હતો કે કોણ કોને આશ્વાસન આપે? મૉર્ગમાં આનંદની લાશને છાતીએ વળગાડીને હૈયાફાટ રડ્યો હતો અવકાશ.
ત્યારે ક્યાં જાણ હતી કે આ અકસ્માત નહીં, મર્ડર હતું! પોતાના પ્રેમી સાથે મળીને પત્નીએ પતિનો કાંટો કાઢી નાખ્યો હતો!
ઘટનાનાં પાંચ વરસે એ ભેદ અનાયાસ ખૂલ્યો અને આશંકાની એ દિશા ચીંધવામાં નિમિત્ત બન્યું ઑપરેશન સિંદૂર!
ઊંડો શ્વાસ લઈને અવકાશ સાંભરી રહ્યો.
(ક્રમશ:)

