° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


શિકસ્ત (પ્રકરણ ૪)

04 August, 2022 08:22 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘બધા પુરાવા ઊભા થયા એટલે તમને એવું લાગ્યું બાકી...’ આરતીએ વાત અધૂરી છોડી મમ્મી સામે જોયું, ‘મમ્મી, સાહેબ પાસેથી લીધા હતા એ પાંચ હજાર કયાં મૂક્યા છે?’

શિકસ્ત વાર્તા-સપ્તાહ

શિકસ્ત

એક વાત તો નક્કી છે કે દીવાનને સપનાની હત્યાથી ફાયદો હોય કે નહીં હોય, પણ દીવાનને સપનાની હત્યામાં સંડોવીને અનેક લોકો પોતાનો લાભ કરી લેવા માટે તત્પર છે. 
ઍડવોકેટ અશોક સમ્રાટને પોતાની વાતાનુકૂલિત ચેમ્બરમાં પણ ગભરામણ થતી હતી. 
- હલકું લોહી હવાલદારનું. 
આ કહેવત દીવાન ફિરદૌસને અક્ષરશ: લાગુ પડતી હતી. 
દીવાન એક તબક્કે મવાલીગીરી કરતો હતો. મકાન ખાલી કરાવવાથી માંડીને હપ્તા ઉઘરાવવા સુધીનાં બધાં કામો તેણે કર્યાં હતાં અને તેના આ ભૂતકાળનો લાભ જો કોઈએ બહુ સરળતાથી લીધો હોય તો એ જુહુ પોલીસ હતી. સપનાની હત્યા પછી જુહુ પોલીસને જેવી ખબર પડી કે સપના અને દીવાનને અંગત સંબંધો હતા અને દીવાન સપનાને ત્યાં જ પડ્યોપાથર્યો રહેતો હતો કે તરત જુહુ પોલીસે દીવાનને શકમંદ તરીકે પકડી લીધો. પોલીસે જેવો દીવાનને પકડ્યો કે તરત મરિયમે દીવાન પર ઘા કર્યો. તેણે પોલીસને નિવેદન આપ્યું કે ઘટનાની રાતે દીવાન અને સપના વચ્ચે ઝઘડો થયો હતો. 
પોલીસે મરિયમના નિવેદનની કોઈ તપાસ કરી નહોતી અને દીવાનનો ટ્રૅકરેકૉર્ડ જોતાં કોઈ તપાસની જરૂરિયાત પણ એને લાગતી નહોતી, પણ દીવાનના કહેવા મુજબ તે બનાવની રાતે, એટલે કે રવિવારે સપનાને 
મળ્યો જ નહોતો. 
દીવાનની વાત સાચી હતી. તેણે જે કોઈ પુરાવા આપ્યા હતા એ બધા પુરાવાની તપાસ પછી ઍડવોકેટ અશોક પણ સ્વીકારતા હતા કે દીવાન અને સપના રવિવારે મળ્યાં જ નહોતાં. મરિયમ પાસે ખોટું બોલવાનાં અઢળક કારણો હતાં. દીવાને કહ્યું હતું એમ મરિયમ અને સપનાના કઝિન અતુલ મજીઠિયા વચ્ચે સારા સંબંધો હતા અને સપનાએ પોતાની પ્રૉપર્ટીમાંથી અતુલને કશું નહોતું આપ્યું. મરિયમને પણ સપનાએ કોઈ સીધો લાભ નહોતો કરાવ્યો, પણ સપનાની ગેરહાજરીમાં પણ મરિયમે નોકરી ચાલુ રાખી હોય એમ દર મહિને એક ફિક્સ રકમ તેને મળવાની હતી. શક્ય છે કે મરિયમને પણ વાતનો ગુસ્સો હોય. જેને તમે જિંદગીભર જતનની જેમ સાચવો એ જ વ્યક્તિ સમય આવ્યે કોઈ અજાણ્યાને પોતાનો કરી લે તો દુખ થાય એ સ્વાભાવિક છે.
ઍડવોકેટ અશોક સમ્રાટની આંખ સામે હવે આખો ઘટનાક્રમ ગોઠવાતો જતો હતો.
દીવાન જો સપનાની હત્યાના કેસમાં આરોપી પુરવાર થાય તો અતુલ મજીઠિયા કોર્ટમાંથી ઑર્ડર લાવી દીવાનના ભાગમાં આવેલી પ્રૉપર્ટીનો સીધો વારસદાર બની જાય. 
સામા પક્ષે દીવાનની પત્નીએ પણ દીવાનની ગેરહાજરીનો લાભ લેવાનું નક્કી કરી લીધું હતું. આરતી દીવાન ફિરદૌસના ગણિત મુજબ જો દીવાન જેલમાં જાય તો દીવાનના ભાગમાં આવેલી મિલકતના વહીવટનો હક આરતીને મળે. આ હક ઉપરાંત આરતીને આઝાદી પણ સરળતાથી મળી જાય. આરતીએ આ બન્ને લાભ ધ્યાનમાં રાખીને દીવાનની તરફેણમાં હોવાનો દેખાવ કરતાં-કરતાં જ તેને ફસાવવાની તક ઊભી કરી. આરતીએ દેખાવ એવો કર્યો કે તેનો પતિ નિર્દોષ છે, પણ એ દેખાવ કરવાની સાથોસાથ તેણે એવું પણ સાબિત કરવાની કોશિશ કરી કે દીવાન બધું ખોટું બોલે છે. જોકે આરતીએ ઊભી કરેલી આ સ્ટોરીમાં તે એક જગ્યાએ થાપ ખાઈ ગઈ. આરતીએ ઍડવોકેટ અશોક સમ્રાટને એવું કહ્યું હતું કે બનાવની રાતે તે ટીવી જોતી હતી ત્યારે, એટલે કે રાતે સાડાનવે નહીં, પણ સાડાદસે દીવાન ઘરે 
આવ્યો હતો.
આરતી એક વાત ભૂલી ગઈ હતી કે બનાવ રવિવારની રાતે બન્યો હતો અને રવિવારે રાતે પ્રાઇમ ટાઇમમાં કોઈ ડેઇલી સોપ આવતી નથી.
ઍડવોકેટ અશોક સમ્રાટે ડાયરી બંધ કરીને આંખો ઢાળી. 
બંધ આંખોમાં તેમને દેખાયું કે દીવાનની ચારેબાજુએ અનેક લોકો તલવાર લઈને ઊભા છે અને દીવાનની આંખોમાં ભય છે. 
ઍડવોકેટ અશોકે આંખો 
ખોલી નાખી. 
ના, દીવાનને કશું નહીં થાય. કશું નહીં થવા દઉં, દીવાનને. ઍડવોકેટ અશોક સમ્રાટ માટે દરેક કેસમાં એક વાત મહત્ત્વની હોય, કોઈ નિર્દોષને સજા ન થાય. આ વખતે તો બધાં અનાયાસે ભેગાં થયાં હતાં અને બધાંની એક જ મકસદ હતી. 
દીવાન ફિરદૌસને સપનાની હત્યા માટે સજા. 
- ના, કોઈ કાળે નહીં. 
ઍડવોકેટ અશોક પોતાની જાતને સંભળાવવા માટે જ બોલ્યા અને પછી તેમણે બેલ વગાડી પ્યુનને બોલાવ્યો. 
‘બેટા, એક કપ સ્ટ્રૉન્ગ...’ 
ઍડવોકેટ અશોકે ખુલાસો કરવાની જરૂર નહોતી કે તે કૉફી માગી રહ્યા છે. વર્ષોથી અશોક સમ્રાટની ઑફિસમાં કામ કરતા પ્યુનને પણ એ સમજાઈ ગયું હતું.
પ્યુન બહાર ગયો કે તરત ઍડવોકેટ અશોકે પોતાની કામગીરી આરંભી. તેમણે આખા કેસને ક્રમબદ્ધ મુદાઓમાં વહેંચી નાખ્યો. 
એ મુદાઓ જે દીવાનને નિર્દોષ પુરવાર કરવા માટે કાફી હતા. 
lll
ભરચક કોર્ટ વચ્ચે દીવાન નિર્દોષ છૂટ્યો. કેસ શરૂ થયાને સાત મહિના થઈ ગયા હતા. કેસ મૅજિસ્ટ્રેટના ટેબલ પર ગયો ત્યારે ઍડવોકેટ અશોક સમ્રાટે દીવાનને કહ્યું હતું કે તારા કેસને નવ મહિના નહીં થવા દઉં. 
‘નવ મહિને નવો અવતાર થાય અને તારે કયાં નવો અવતાર લેવાનો છે.’ ઍડવોકેટ અશોકના શબ્દો દીવાનને હજુય યાદ હતા, ‘તારે તો માત્ર નિર્દોષ પુરવાર થવાનું છે. 
જે તું છે જ.’ 
‘સાહેબ, આ કામ તમારા સિવાય બીજું કોઈ કરી ન શક્યું હોત.’ 
‘ના દીવાન. તું નિર્દોષ હોવાને કારણે જ છૂટ્યો છે.’ 
ઍડવોકેટ અશોક સમ્રાટ વાત દીવાન સાથે કરતા હતા, પણ તેમની આંખો આરતીના ચહેરા પર હતી. આરતીના ચહેરા પર કોઈ અકળ ભાવ હતા. ઍડવોકેટ સમ્રાટને લાગ્યું કે આરતી મહામહેનતે પોતાના હાવભાવ પરિસ્થિતિને અનુસાર કેળવી રહી છે.
‘કેમ, આરતીબહેન, હવે ફીનું પૂછવાનું યાદ નથી આવતું?’ ઍડવોકેટ અશોકને આરતી ફિરદૌસ પર ભારોભાર ખુન્નસ ચડતું હતું.
‘આમ તો તમારી ફીનું કોઈ મૂલ્ય ન આંકી શકાય. તમે તો મારા દીવાનને પાછો લાવી દીધો.’ આરતી ફિરદૌસના શબ્દોમાં કોઈ ભાવ નહોતો, ‘બાકી, તમે કહો તે ફી મારે આપવાની જ છેને. બોલો, કયારે ફી પહોંચાડી જાઉં.’ 
‘મારી ફી હું જ આવીને
 લઈ જઈશ.’ 
‘જેવી તમારી મરજી.’ 
આરતીએ ચહેરો લૂછ્યો. ચહેરા પર કોઈ પ્રસ્વેદ બિંદુ ન હોવા છતાં. 
lll
‘આવો...’ 
આરતીએ ફલૅટનો દરવાજો 
ખોલ્યો. સામે ઍડવોકેટ અશોક સમ્રાટ ઊભા હતા. 
‘બહુ ઉતાવળ હતી, ફીની.’ 
આરતીના અવાજમાં સહેજ પણ અંતરાશ નહોતી. 
‘કેમ, તમારી ઇચ્છા નહોતી?’ અશોક સમ્રાટે ફ્લૅટમાં દાખલ થતાંવેંત તીર છોડ્યું, ‘કે પછી કેસનું પરિણામ તમારી ધારણા મુજબનું નથી આવ્યું?’ 
‘ના રે. હું તો મારા પતિને બહાર લાવવા માગતી હતી.’ આરતી 
પાણીનો ગ્લાસ લાવી, ‘દીવાન 
બહાર આવી ગયો એટલે મારું 
ધાર્યું જ થયું કહેવાયને.’ 
ઍડવોકેટ અશોકે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો, પણ તેમની નજર રૂમમાં ફરતી હતી. 
બે બેડરૂમનો આ ફ્લૅટ હતો. અલબત, બેઠકખંડમાં ખૂલતા દરવાજાને જોઈને ઍડવોકેટ અશોકે આ અનુમાન માંડ્યું હતું. બેઠકખંડને બે બાલ્કની હતી અને એક બાલ્કની સીધી રસ્તા પર ખૂલતી. અપર મિડલ ક્લાસને પોસાય એવા ફલૅટમાં દીવાન રહેતો હતો. 
બેઠકખંડના અગ્નિ ખૂણામાં કિચન હતું. ઉત્તરના ભાગમાં બેડરૂમ હતો અને એ રૂમની બરાબર સામે એટલે કે દક્ષિણમાં એક બેડરૂમ હતો. પૂર્વમાં ફલૅટનો મેઇન ડોર હતો અને એની બાજુમાં ગૅલરી હતી. ઈશાન ખૂણાની એ બાલ્કની અપાર્ટમેન્ટના પાર્કિંગમાં ખૂલતી હશે એવું ઍડવોકેટે ધારી 
લીધું હતું અને તેમની એ ધારણા 
ખોટી પણ નહોતી. 
‘બોલો, સાહેબ, તમને શું ફાવશે?’ આરતીએ કિચનના દરવાજે આવીને પૂછ્યું ‘દીવાનને આવતાં હજુ કલાકેક નીકળી જશે.’ 
‘ના, કશું નહીં.’ 
‘એમ ન ચાલે...’ આરતીના આગ્રહમાં કોઈ ફૉર્માલિટી નહોતી, ‘તમે પહેલી વાર અમારા ઘરે 
આવ્યા છો...’
‘પહેલી ને છેલ્લી વાર...’ 
ઍડવોકેટ અશોકે દાંત ભીંસીને આરતીની વાત સુધારી. 
‘કેમ છેલ્લી વાર?’ આરતીની આંખો જરૂર કરતાં વધારે મોટી થઈ. ‘હજુ કાલે જ અમે નક્કી કર્યું કે આપણે ઘરે એક પાર્ટી રાખવી ને તમે...’ 
‘આરતી, તારો તો પ્લાન બગડી ગયો ને તોય પાર્ટી???!!!’
‘હું સમજી નહીં, સાહેબ...’ 
આરતીના ચહેરાના ભાવ ત્વરિતપણે બદલાયા એ ઍડવોકેટ અશોકની નજરમાંથી બહાર નહોતું. 
‘તારી આ ચિઠ્ઠી વાંચીને તો 
કોઈ પણ સમજી જાય કે તારો પ્લાન બગડી ગયો.’ 
ઍડવોકેટ અશોકે ખિસ્સામાંથી એક કવર કાઢ્યું. 
‘શું છે એમાં?’ 
આરતી અશોક સમ્રાટ તરફ જરા આગળ વધી. 
‘કેમ તને નથી ખબર, શું છે 
આ ચિઠ્ઠીમાં.’ 
ઍડવોકેટ અશોકે આરતીને 
સવાલ પૂછયો, પણ તે કવર ખોલવામાં વ્યસ્ત હતા. 
‘ના, મને નથી ખબર.’ 
આરતી અને ઍડવોકેટ અશોક વચ્ચે હવે માંડ એકાદ ફુટનું અંતર હતું. 
ઍડવોકેટ અશોક સમ્રાટે કવરની ચિઠ્ઠી બહાર કાઢી, પણ તે આરતી સામે એ ચિઠ્ઠી વાંચે અને ખુલાસે કરે એ પહેલાં જ ઉત્તર દિશામાં પર આવેલા બેડરૂમનું બારણું ખૂલ્યું. 
એકાએક બારણું ખૂલવાથી આરતી ફિરદૌસ અને ઍડવોકેટ અશોક બન્નેનું ધ્યાન એ દિશામાં ખેંચાયું. રૂમમાંથી એક ઔરત બહાર આવી. 
લગભગ પચાસેક વરસની. માંદગીના બિછાનેથી હમણાં જ ઊભું થયું હોય એવું કૃષ શરીર, વિખરાયેલા વાળ અને કરચલી પડેલાં કપડાં. પહેલી નજરે જેની નજીક જવાનું મન ન થાય તેવો તેનો દીદાર હતો. 
‘રંજના, તું...’ 
ઍડવોકેટ અશોકનો અવાજ 
તરડાઈ ગયો. 
‘અરે હા, હવે યાદ આવ્યું કે તમે કઈ ચિઠ્ઠીની વાત કરો છો.’ આરતીના ચહેરા પર કોઈ પ્રતિભાવ નહોતો, ‘પેલી સતીશ કુંડલિયાને મેં લખી હતી એ ચિઠ્ઠીને...’
ઍડવોકેટ અશોકે આરતીની 
સામે જોયું.
‘એ તો સાહેબ, દીવાનને બચાવવા મારે જ નાટક કરવું પડ્યું હતું.’ 
‘પણ શું કામ?’ ઍડવોકેટ સમ્રાટની આંખ સામેથી બધી ઘટનાઓ પસાર થઈ ગઈ.
‘સાહેબ, દીવાનને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડાવવાનો હતો.’ 
‘તો પછી આ બાઈ...’ 
‘તે મારી મમ્મી છે.’ આરતી રંજનાની નજીક આવી, ‘માલતીબહેન, રંજના નહીં.’ 
‘આરતી, દીવાન માટે આવું કરવાની કંઈ જરૂર નહોતી.’ અશોક સમ્રાટે સામે ટિપાઈ પર પડેલો પાણીનો ગ્લાસ મોઢે માંડયો, ‘દીવાન નિર્દોષ જ હતો.’ 
‘એવું કોણ કહે છે?’ 
‘કેમ, પુરાવા કહે છે.’ 
‘બધા પુરાવા ઊભા થયા એટલે તમને એવું લાગ્યું બાકી...’ આરતીએ વાત અધૂરી છોડી મમ્મી સામે જોયું, ‘મમ્મી, સાહેબ પાસેથી લીધા હતા એ પાંચ હજાર કયાં મૂક્યા છે?’ 
‘બાકી, એટલે?’ 
ઍડવોકેટ અશોક સમ્રાટને આરતીના પેલા અધૂરા વાકયમાં રસ હતો. 
‘બાકી તમને શું એવું લાગે છે કે પાંચ-પચ્ચીસ વાર સાથે સૂઈને સપના પોતાની અડધી પ્રૉપર્ટી આપી દે.’ 
‘તો...’ 
ઍડવોકેટ સમ્રાટ અશોકના મોટા થયેલા અવાજથી અંદાજ આવતો હતો કે હવે તેમની ધીરજ ખૂટી રહી છે. 
‘સપનાના ઘરમાંથી તેનો એક અક્ષર પણ ન મળે એવું ગોઠવવામાં તો આટલી બધી વાર લાગી.’ 
આરતીએ રૂમમાં જવા માટે પગ ઉપાડ્યો. મમ્મીએ ઍડવોકેટ અશોક પાસેથી લીધેલા પાંચ હજાર આપવાના બાકી હતાને...

સંપૂર્ણ

04 August, 2022 08:22 AM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૪)

મુંબઈના સંવેદનહીન ચહેરાઓ વચ્ચે એક વ્યક્તિ તમને એવી મળી જેણે તમારી સંવેદનશીલતાને પારખી હતી. ચહેરો જોયા વિના, માત્ર અવાજના આરોહ-અવરોહ થકી.

06 October, 2022 12:13 IST | Mumbai | Rashmin Shah

રામ પથને તમે કેટલો નજીકથી જોયો છે?

અમીષ ત્રિપાઠીએ ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ શરૂ કરતાં પહેલાં ઑલમોસ્ટ ચાર વર્ષ રિસર્ચ કર્યું અને આ રિસર્ચમાં તેણે એ આખા પથ પર ટ્રાવેલ પણ કર્યું જે રાહ પર ભગવાન રામ વનવાસ દરમ્યાન આગળ વધ્યા હતા

05 October, 2022 01:46 IST | Mumbai | Rashmin Shah

યોગથી સત્ત્વ જગાડો અને આંતરશત્રુઓને હરાવો

વિજયાદશમીના દિવસે આટલું જો સમજાઈ જાય તો યોગ તમને તન, મન અને ધનથી દરેક ક્ષેત્રમાં વિજય અપાવવા માટે સક્ષમ છે જ

05 October, 2022 12:01 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK