ઇન્સ્પેક્ટર રાઠોડે પૂછ્યું, ‘તમને લાગે છે કે આ કામ મુથ્થુએ જ કર્યું હોય, તેના સિવાય બીજા કોઈએ નહીં?’
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
કેસ સૉલ્વ થઈ ગયાનું તમને લાગતું જ હોય, નરી આંખે દેખાતું હોય કે આવતા કલાકોમાં આરોપી હાથમાં આવી જશે અને એ પછી પણ આરોપી હાથમાં આવવાને બદલે સત્તર-સત્તર વર્ષ સુધી ફરાર રહે અને કેસ બંધ કરવાનો વારો આવી જાય એ કેવું કહેવાય?
સુબોધ મહેતાની વાઇફ છાયા મહેતાના મર્ડરકેસમાં એવું જ થયું હતું.
ADVERTISEMENT
મર્ડરની રાતથી ચંદ્ર મુથ્થુ ગાયબ થયો અને એ પછી તે ક્યારેય મળ્યો નહીં. આવું કેવી રીતે શક્ય બને?
રાતે અઢી વાગી ગયા હતા અને ઇન્સ્પેક્ટર પાલેકરની આંખોમાં ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. સ્વાભાવિક રીતે તેઓ સમજી શકતા હતા કે આ સત્તર વર્ષ દરમ્યાન સુબોધ મહેતા પર શું વીત્યું હશે અને તેમણે આ સમય કેવી રીતે પસાર કર્યો હશે?
ચંદ્ર મુથ્થુ કેમ હાથમાં ન આવ્યો એ જાણવા માટે ફાઇલનાં આગળનાં પેપર્સ વાંચવાં જરૂરી હતાં તો સાથોસાથ એ પણ જરૂરી હતું કે અત્યારે એ વાંચવાનું પડતું મૂકીને બીજી સવારે સમયસર ઑફિસ પહોંચે, પણ એવું કરવાને બદલે પાલેકરે નવેસરની સ્ફૂર્તિ માટે સિગારેટ સળગાવી અને ફાઇલનાં પાનાં ઉથલાવવાનું શરૂ કર્યું.
ચંદ્ર મુથ્થુના નામનું વૉરન્ટ ઇશ્યુ થઈ ગયું એ જોયા પછી ઇન્સ્પેક્ટર પાલેકરને એ સમયના ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર રાઠોડનું સ્ટેટમેન્ટ વાંચવું હતું, કારણ કે સૌથી પહેલાં આ કેસ રાઠોડે જ બંધ કર્યો હતો.
ચાર-પાંચ પેજ પછી રાઠોડનું સ્ટેટમેન્ટ આવ્યું. એ સ્ટેટમેન્ટમાં કહેવાયેલી વાતો એ સમયનો તબક્કો આંખ સામે ખડો કરવાનું કામ કરતું હતું.
lll
‘ચંદ્ર મુથ્થુ... મુથ્થુ...’
હાથના ઇશારાથી સામે ઊભેલી મહિલાને રાઠોડે સવાલ કર્યો અને એ મહિલાએ મલયાલી લૅન્ગ્વેજમાં જવાબ આપ્યો, જે રાઠોડને બિલકુલ સમજાયો નહોતો. ભલું થજો સિનિયર ઑફિસરોનું જેમણે કેરલાના અંતરિયાળ એવા ગામનું ઍડ્રેસ જોઈને રાઠોડને સલાહ આપી હતી કે લોકલ દુભાષિયાને સાથે રાખવો હિતાવહ છે.
‘બહેન કહે છે કે તેને ચંદ્ર મુથ્થુ સાથે કોઈ સંબંધ નથી. બન્ને હવે સાથે નથી રહેતાં.’
‘બન્નેએ ડિવૉર્સ લઈ લીધા છે?’
સવાલનું મલયાલી લૅન્ગ્વેજમાં રૂપાંતર કરવામાં આવ્યું અને જવાબનું હિન્દીમાં.
‘ના, ડિવૉર્સ નથી થયા, પણ હવે બન્ને સાથે નથી રહેવાનાં. ચંદ્રએ તેની વાઇફને ચારેક વર્ષ પહેલાં છોડી દીધી છે.’
‘છોડવાનું કારણ?’
એ જ પ્રક્રિયા.
હિન્દીનું મલયાલી અને મલયાલીનું હિન્દી.
‘ચંદ્રનું કૅરૅક્ટર લૂઝ હતું...’
‘મને ચંદ્રના ફોટોગ્રાફ્સ જોવા છે...’
મીડિયેટરે પેલી મહિલાને સંદેશો આપ્યો કે પેલી તરત ઘરમાં ગઈ અને આલબમ લાવીને ઇન્સ્પેક્ટર રાઠોડ સામે ધરી દીધું.
લગ્ન સમયનું એ આલબમ હતું.
આલબમમાં લગ્નની તારીખ લખી હતી એટલે વધારે કાંઈ પૂછવાની જરૂર ન પડી, પણ ફોટોગ્રાફ્સ જોતાં-જોતાં ઇન્સ્પેક્ટર રાઠોડના મનમાં કેસની એક નવી ત્રિરાશિ મંડાવી શરૂ થઈ અને તેમણે મુંબઈ પાછા આવીને એ થિયરી પર કામ કરવાનું શરૂ કર્યું.
lll
‘તમે ચંદ્રને શું કામ માર્યો હતો?’
‘બહુ લાંબી વાત છે...’
‘હું બિલકુલ ફ્રી છું... વાત કરો, શું થયું હતું?’
‘એ માણસ ચરસી હતો...’
lll
‘એય ક્યા કરતા હૈ?’
મોડી સાંજે અંધારામાં કોઈને ઘરના ગાર્ડનમાં બેસીને સિગારેટ પીતો જોઈને સુબોધ મહેતાએ રાડ પાડી. જો બીજો કોઈ સમય હોત તો સુબોધ મહેતાએ સીધા તેની પાસે પહોંચવાની હિંમત ન કરી હોત, પણ ઘરમાં મહેમાનો હતા, જેમાંથી બે પુરુષો પણ સુબોધ મહેતા સાથે હતા એટલે તેઓ સીધા એ માણસ પાસે પહોંચ્યા. જોકે તેઓ પહોંચે એ પહેલાં તો પેલો માણસ દીવાલ ટપીને ભાગવાની તૈયારી કરવા માંડ્યો, પણ તેના કમનસીબ કે સાડાત્રણ ફુટની દીવાલ ચડે એ પહેલાં તેનો ડાબો પગ સુબોધના હાથમાં આવી ગયો.
‘નીચે ઊતર...’
‘સૉરી સર... મૈં તો બસ યહાં સિગરેટ પીને બૈઠા થા.’
‘કૌન હો તુમ...’
પેલા માણસે સામે બનતા હાઇરાઇઝ તરફ ઇશારો કર્યો.
‘અહીં કામ કરું છું. નાઇટ ડ્યુટી છે એટલે આ બાજુ સિગરેટ પીવા આવી ગયો, પણ શેઠ આવી ગયા એટલે સંતાઈને અહીં સિગરેટ પીવા લાગ્યો.’
સુબોધ મહેતાએ ઝડપથી બેત્રણ ઊંડા શ્વાસ છાતીમાં ભર્યા કે તરત તેમના નસકોરામાં ધુમાડાની તીવ્ર પણ અજાણી વાસ ઘૂસી ગઈ.
‘ગાંજા પીતા થાના?’
પેલાએ નકારમાં માથું ધુણાવ્યું, પણ ચહેરા પર પ્રસરી ગયેલો ભાવ જુદો જવાબ આપતો હતો અને સુબોધ મહેતાએ હાથ ઉપાડી લીધો.
સટાક...
lll
‘ત્યાર પછી તમે ક્યારેય તેને મળ્યા?’
‘ક્યારેય નહીં...’ સુબોધ મહેતાએ ચોખવટ કરી, ‘તેને મેં આ બાજુ જોયો પણ નથી, પણ મને ખબર નહીં કે તેના મનમાં આ વાતનું ખુન્નસ રહી ગયું હશે અને તે મારી વાઇફને આ રીતે...’
સુબોધ મહેતાની આંખો ભીની થઈ ગઈ, પણ પોલીસ-ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા લોકોને આ પ્રકારની ભીની આંખો વચ્ચે પણ કામ કરવાની આદત પડી જાય છે.
‘મહેતાજી...’ ઇન્સ્પેક્ટર રાઠોડે પૂછ્યું, ‘તમને લાગે છે કે આ કામ મુથ્થુએ જ કર્યું હોય, તેના સિવાય બીજા કોઈએ નહીં?’
‘હા, હવે મને લાગે છે. ભૂલ મારી જ કે મેં એ દિવસે પરચો દેખાડવાની ભૂલ કરી ને મને આખી જિંદગી યાદ રહી જાય એવો પરચો તેણે દેખાડી દીધો.’
આંખમાં આંસુ સાથે વાત કરતા સુબોધ મહેતાને સહેજ પણ અફસોસ નહોતો કે તેમણે ઘટનાનો ઉત્તરાર્ધ ઇન્સ્પેક્ટર રાઠોડને કહ્યો નહોતો.
lll
ઇન્સ્પેક્ટર રાઠોડે એ પછી મીડિયા અને ઇન્ડિયામાં તરોતાઝા જન્મેલા સોશ્યલ મીડિયાનો સપોર્ટ લઈને ચંદ્ર મુથ્થુને શોધવાના બહુ પ્રયાસ કર્યા પણ ચંદ્રને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ તે હવામાં ઓગળી ગયો.
આઠેક મહિના સુધી ચંદ્ર મુથ્થુને શોધવામાં આવ્યો પણ ચંદ્ર ક્યાંય મળ્યો નહીં એટલે પહેલા કેસ પર ધૂળ ચડવાની શરૂ થઈ અને એ પછી ફાઇલ બંધ કરવાની તૈયારીઓ થઈ ગઈ. ઘટના ઘટ્યાના એક્ઝૅક્ટ ૧૫ મહિના પછી છાયા મહેતા મર્ડરકેસને બંધ કરવામાં આવ્યો. કારણ હતું, આરોપીનો પત્તો મળતો નથી.
ફાઇલ બંધ કરતાં પહેલાં ચંદ્ર મુથ્થુનાં આધાર કાર્ડ અને પૅન કાર્ડ રદ કરવામાં આવ્યાં, પણ ઇન્સ્પેક્ટર રાઠોડે કેસ બંધ કરતી વખતે છેલ્લું અનુમાન મૂક્યું હતું કે ચંદ્ર મુથ્થુ હવે કદાચ પોતાની નવી ઓળખ સાથે જીવતો હોઈ શકે છે.
lll
કેસ બંધ થયાના આઠેક મહિના પછી સુબોધ મહેતાએ કેસ રીઓપન કરાવવા માટે સોસાયટીના લોકો સાથે મૌન રૅલી કાઢી અને મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રાલયમાં જઈને આવેદનપત્ર પણ આપ્યું. ન્યુઝપેપરે પણ આ આખી ઘટનાની નોંધ લીધી અને રૅલીના એક મહિના પછી ગૃહમંત્રાલયે આ કેસ ફરીથી ઓપન કર્યો. આ વખતે કેસની ઇન્ક્વાયરી નવા ઑફિસરને સોંપવામાં આવી હતી.
ઇન્સ્પેક્ટર તેમ્બેએ ઇન્ક્વાયરી શરૂ કર્યાના પહેલા જ દિવસે ચંદ્ર મુથ્થુની માહિતી આપનારને ૫૧,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. આ ઉપરાંત હોમ મિનિસ્ટ્રીમાંથી પરમિશન લઈને ચંદ્ર મુથ્થુના કેરલામાં રહેતા બે ભાઈઓની પણ અટકાયત કરી. જોકે એ બધા પછી પણ પરિણામ ઝીરો આવ્યું.
કોઈ પાસે ચંદ્રની માહિતી નહોતી અને ચંદ્રને શોધવાનું કામ વધુ એક વખત નિષ્ફળ ગયું. ચંદ્ર મુથ્થુને શોધવાની જહેમત એકાદ વર્ષ ચાલી અને એ પછી કેસ ફરીથી બંધ કરવામાં આવ્યો. આ વખતે ચંદ્ર માટેનું કારણ આપવામાં આવ્યું કે તેનું મોત થઈ શક્યું હોય. મોતની સંભાવના પણ ઇન્સ્પેક્ટર તેમ્બેએ પોતાના સ્ટેટમેન્ટમાં મૂકી.
છાયા મહેતાના મર્ડર પછી મુથ્થુએ આત્મહત્યા કરી હોવાની સંભાવના છે.
lll
આવું અનુમાન મૂકવાનું કારણ શું હોઈ શકે?
ઇન્સ્પેક્ટર પાલેકરે ઇન્ટરનેટ પર થોડી શોધખોળ કરી તો તેમને ઇન્સ્પેક્ટર તેમ્બેનો એક ઇન્ટરવ્યુ મળ્યો, જેમાં અનાયાસ ઇન્સ્પેક્ટર તેમ્બેએ છાયા મહેતાના કેસનો સંદર્ભ આપીને વાત કરતાં કહ્યું હતું કે ‘જેનો ક્રિમિનલ ટ્રૅક રેકૉર્ડ નથી હોતો એ વ્યક્તિ ક્રાઇમ કરીને વધારે સમય રહી નથી શકતી. ભલે તે કાયદાથી બચી જાય, પણ તે પોતાના આત્માના અવાજથી દૂર ભાગી નથી શકતો. મેં મારી ડ્યુટી પરનાં વર્ષો દરમ્યાન જોયું છે કે આ પ્રકારના ક્રિમિનલ્સ કાં તો સુસાઇડ કરતા હોય છે અને કાં તો જાતે જ પોલીસમાં સરેન્ડર થઈ જતા હોય છે.’
ઇન્સ્પેક્ટર તેમ્બેની વાતમાં તથ્ય હતું એવું ખુદ પાલેકરને પણ લાગ્યું. જોકે એવું સુબોધ મહેતાને નહોતું લાગ્યું.
lll
જો આરોપીએ સુસાઇડ કરીને જીવન ટૂંકાવ્યું હોય તો પોલીસ એ પુરાવા શોધી લાવે કે આરોપી અત્યારે હયાત નથી અને જો તેની ગેરહયાતીના કોઈ પુરાવા પોલીસ શોધી ન શકે તો સ્વીકાર કરે કે તે મારી વાઇફ છાયા મહેતાનો કેસ સૉલ્વ કરવામાં નિષ્ફળ નીવડી છે અને જો એવું હોય તો મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ આ કેસ CIDને સોંપે.
lll
છાયા મહેતાના પતિ સુબોધ મહેતાએ કરેલી આ અરજીએ દેકારો બોલાવી દીધો હતો. છાયા મહેતાના મર્ડરરને શોધવા માટે તેના પતિ કેટલાં વર્ષથી મહેનત કરે છે એ સંદર્ભના આર્ટિકલ છપાયા તો સાથોસાથ ન્યુઝ-ચૅનલમાં ડિબેટ પણ શરૂ થઈ ગઈ હતી. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટની આ નામોશીનો લાભ લેવા માગતા હોય એમ સેન્ટ્રલ ગવર્નમેન્ટે પણ કેસમાં હસ્તક્ષેપ કર્યો અને ઑર્ડર કર્યો કે જો એક વીકમાં મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ કેસ CIDને નહીં સોંપે તો છાયા મહેતા મર્ડરકેસને સેન્ટ્રલ ગવર્નમેન્ટ CBIને સોંપશે.
સ્વાભાવિક રીતે બદનામી અટકાવવા અને હારને છુપાવવા માટે ૪૮ કલાકમાં જ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે કેસ CIDને સોંપ્યો.
lll
ઇન્સ્પેક્ટર પાલેકરની આંખોમાંથી ઊંઘે વિદાય લઈ લીધી હતી.
એક વાત તેમને સતત નડતર લાગતી હતી, પણ આખી ફાઇલ ચેક કર્યા વિના એ દિશામાં આગળ વિચારવું ગેરવાજબી લાગતું હોવાથી તેમણે વધુ એક સિગારેટ સળગાવીને છાતીમાં ધુમાડા ભરી, હવામાં પ્રસરેલી ઠંડકને દૂર કરી અને ફરીથી ફાઇલનાં પેપર્સ ફેરવવાનું શરૂ કર્યું.
lll
CIDએ કામ શરૂ કર્યું.
નવેસરથી સ્ટેટમેન્ટ લેવાયાં અને એ પછી તમામ સ્ટેટમેન્ટનું તારણ આપતાં ગૃહમંત્રાલયને જવાબ લખ્યો કે ઘટનાને વર્ષો વીતી ગયાં છે, સ્ટેટમેન્ટ આપનારા ઘણાખરા લોકો હવે હયાત નથી તો મુખ્ય શકમંદ એવા ચંદ્ર મુથ્થુનો કોઈ પત્તો નથી, આ કેસમાં હવે સ્પષ્ટ તારણ પર પહોંચવું સરળ નથી, આ કેસની ઇન્ક્વાયરી પહેલેથી કરવામાં આવે તો પણ હવે એમાં કોઈ નવો પ્રકાશ પાથરી શકાય નહીં; પણ હા, શકમંદની હયાતી કે ગેરહયાતી વિશે કોઈ જાતના પુરાવા ન હોવાને લીધે આ કેસને બંધ કરવાને બદલે ચંદ્ર મુથ્થુની તપાસ ચાલુ રાખવી જોઈએ.
CBI માનતી હતી કે કોઈ ને કોઈ દિવસ તો ચંદ્ર મુથ્થુ મળી શકે છે માટે એ આશા છોડવી ન જોઈએ. CBIની એક ટીમ ઑલરેડી કેરલા પણ જઈ આવી હતી. ચંદ્રની વાઇફ હજી પણ ત્યાં જ રહેતી હતી અને ચંદ્ર એ ઘરે ક્યારેય પાછો ગયો નહોતો. સીધી વાત હતી કે ચંદ્ર ન મળે ત્યાં સુધી કેસ આગળ વધવાનો નહોતો.
lll
ચંદ્ર મુથ્થુ મળતો નથી અને સુબોધ મહેતા તપાસની રટ મૂકતા નથી.
‘આ ચાલી શું રહ્યું છે?’
ઇન્સ્પેક્ટર પાલેકરને એક વાત સતત અકળાવતી હતી, પણ મનની એ અકળામણ પહેલાં હજી તેમણે ૪૦ પાનાં પર નજર કરવાની હતી. બને કે તેમના ધ્યાનમાં જે વાત આવી હતી એ જ વાત અન્ય કોઈના ધ્યાનમાં પણ આવી ગઈ હોય અને તેમણે પણ કમિશનરે આપેલી સૂચના મુજબ આ કેસ બંધ કરવા માટે જ કોર્ટમાં અરજી કરવી પડે.
કઈ હતી એ વાત, જેણે પાલેકરની ઊંઘ હરામ કરી નાખી હતી?
(ક્રમશઃ)