° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


શનિવાર NIGHT (પ્રકરણ ૬૬)

02 July, 2022 08:07 AM IST | Mumbai
Soham

‘સુમન, આર યુ મૅડ?’ અમિત તરત જ ફરી મરાઠી પર આવી ગયો, ‘જો શહનાઝ એવું કરવા માગતી હશે તો એણે બહાર આવવું પડશે અને જો એ બહાર આવશે તો...’

શનિવાર NIGHT ધારાવાહિક નવલકથા

શનિવાર NIGHT

‘ઠીક છે, ચાલો સાથે.’ અમિતે ઘરમાં પડેલી બિલાડી સામે જોયું, ‘આપણે આને ફેંકતાં આવીએ.’
વાત ફેંકવાની કરી પણ અમિતે એવું કર્યું નહીં. સુમનના ઘરથી નીકળીને મૉલ રોડ તરફ જવાને બદલે અમિત ખીણના ભાગ તરફ આગળ વધ્યો. સુમન તેની પાછળ પૂતળાની જેમ ચાલતી હતી, તેને હવે બીક લાગવા માંડી હતી અને એ બીકના કારણે જ તેણે અમિતની વાત માની હતી.
એક અવાવરુ જગ્યાએ જઈને અમિતે ચારે તરફ જોયું. કોઈ દેખાતું નહોતું કે કોઈ તેમને જોતું નહોતું એટલે અમિતે જમીન પર પડેલા ધારદાર પથ્થરની મદદથી એક ફુટ ઊંડો ખાડો ખોદી બિલાડી એમાં પધરાવી અને પછી ફરી ખાડો બંધ કરી બે હાથ જોડ્યા.
અમિતે કઈ પ્રાર્થના કરી અને એ પ્રાર્થના કોના માટે હતી એ તો સુમનને સમજાયું નહીં પણ અમિતની સહાનુભૂતિ તેને સ્પર્શી ચોક્કસ  ગઈ.
lll
ડૉ. સંધ્યાને પણ અત્યારે સમજાતું હતું કે જ્યારે પણ શહનાઝની વાત આવતી ત્યારે તેને બિલાડી શું કામ દેખાતી હતી. બિલાડી શહનાઝનો પહેલો એવો શિકાર હતો જેને તેણે કોઈ કારણ વિના, માત્ર સુમન પરના ગુસ્સાને લીધે મારી હતી.
‘દરેક મોત શહનાઝને વધુ પાવરફુલ બનાવે છે... દરેક મોત.’ સંધ્યાનો અવાજ છેક નાભિમાંથી આવતો હતો, ‘તેમ્બેને મારીને એની તાકાત ફરીથી વધી ગઈ છે.’
‘હા પણ આનો અંત શું હવે?’ 
મધુએ પૂછ્યું સંધ્યાને પણ તેની આંખો રાજ પર મંડાયેલી હતી. રાજની આંખો રસ્તા પર હતી અને તે દૂર ઊભેલી કિયારાને જોતો હતો.
‘અમિત... અમિત શહનાઝને કાબૂ કરી શકે.’ સંધ્યાનો ચહેરો લાલ થવા માંડ્યો હતો, ‘પણ શહનાઝ ઇચ્છે છે કે અમિતની બધી વાત બધાને ખબર પડે.’
સુમન સમજી ગઈ. સંધ્યાની ટકોર વિના જ તેણે વાતનો તંતુ પકડી લીધો.
‘એ પછી અમે ઘરે પાછા આવ્યા પણ મને ઘરમાં દાખલ થતાં પણ ડર લાગતો હતો. મેં અમિતને કહ્યું કે આપણે બહાર જ રહીએ, જોકે એ પછી મને સમજાયું કે વાત સાંભળીને અમિત રવાના થઈ જશે તો મારે એકલીએ જ ઘરમાં રહેવું પડશે એટલે મેં અમિત પાસેથી પ્રૉમિસ લીધું કે શહનાઝને તે વશમાં રાખે અને મને એ કંઈ ન કરે.’
lll
‘સુમન, તું સમજ...’ અમિતે પ્રેમથી કહ્યું, ‘શહનાઝને તારાથી કોઈ પ્રૉબ્લેમ નથી. કોઈ એટલે કોઈ તકલીફ તમે લોકોએ એને આપી નથી અને એની મને ખબર છે. એ માત્ર એવું ઇચ્છે છે કે તમે, તું અને મધુ... મને બધી વાત કરો, જે કંઈ શહનાઝ સાથે બન્યું છે એ બધી વાત, જેથી હું શહનાઝને ન્યાય મળે એ માટે મહેનત કરી શકું.’
‘પણ તમે, તમે મધુને કેમ નથી પૂછતા?’
અમિતે ઊંડો શ્વાસ લીધો.
‘મધુ ક્યાંય મળતો નથી. હું પાંચેક વખત એના ઘરે જઈ આવ્યો પણ તેની વાઇફને પણ ખબર નથી કે મધુ ક્યાં છે...’ અમિત સુમનનો હાથ પકડીને સુમનના જ ઘરમાં દાખલ થયો, ‘તું માત્ર કડી છો, તારે ફક્ત વાત કરવાની છે અને બસ, એક જ રિક્વેસ્ટ છે. સાચી વાત કરજે, આખી વાત કરજે.’
lll
‘એ રાતે મેં અમિતને બધેબધી વાત કરી દીધી. કોઈ જાતના ક્ષોભ કે સંકોચ વિના મેં તેના પપ્પાએ જે શહનાઝ સાથે કર્યું હતું એ પણ કહી દીધું અને સુરેશનાં કરતૂત પણ મેં અમિતને કહી દીધાં...’ સુમનની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, ‘અમિતના પપ્પા તો હયાત રહ્યા નહોતા એટલે અમિત એમાં તો કંઈ કરી શકે એમ નહોતો પણ સુરેશને સજા દેવા માટે એ તૈયાર થઈ ગયો. મેં મહામહેનતે એને રોક્યો હતો.’
‘કેમ, રોકવો શું કામ પડ્યો અમિતને તમારે?’ તોડકરમાં રહેલો પોલીસકર્મી જાગી ગયો, ‘સુરેશ સામે પગલાં લેવાયાં હોત તો કદાચ અત્યારે જે બને છે એ બધું બનતું ન હોત... કદાચ શહનાઝનો જીવ સદ્ગતિએ ગયો હોત અને આ રીતે...’
‘શહનાઝ જ નહોતી ઇચ્છતી...’
lll
‘સુમન, મને સમજાતું નથી કે હું સુરેશ સામે પગલાં લેવાની તૈયારી કરું છું ત્યારે દર વખતે હું બીજી વાતમાં અટવાઈ જાઉં છું...’ 
અમિત એ દિવસે સુમનને મળવા ઘરે આવ્યો હતો. સુરેશ ઘરે હાજર રહેતો નહીં એ તો અમિતને હવે ખબર પડી ગઈ હતી. ઘરે આવીને તેણે તરત જ સુમનને કહ્યું હતું,
‘પોલીસ સ્ટેશનમાં સુરેશ સામેની કમ્પ્લેઇન્ટ ગુમ થઈ જાય છે. હું સુરેશને મારવા જાઉં છું તો મારો ઍક્સિડન્ટ થાય છે. બીજા કોઈને સુરેશને મારવા મોકલું છું તો એ દિવસે કોઈ ને કોઈ ઘટના એવી બને છે કે સુરેશનો વાળ પણ વાંકો થતો નથી. સુમન, આ છે શું? શું કામ આવું...’
‘શહનાઝ શું કહે છે?’ સુમને પૂછ્યું, ‘એની પાસે જવાબ માગને...’
‘આ એક જ વાત એવી છે કે જેનો એ જવાબ આપવા રાજી નથી...’ અમિત બરાબરનો અકળાયો હતો.
‘એ જ એનો જવાબ છે...’ પહેલી વાર સુમને પોતાના જવાબમાં દ્રઢતા વાપરી હતી, ‘તું આ બધામાં પડે નહીં...’
‘સુમન, આર યુ મૅડ?’ અમિત તરત જ ફરી મરાઠી પર આવી ગયો, ‘જો શહનાઝ એવું કરવા માગતી હશે તો એણે બહાર આવવું પડશે અને જો એ બહાર આવશે તો...’
આગળના શબ્દોમાં રહેલો ભય પારખીને અમિત એ ગળી ગયો પણ એ ભય ફાઇનલી સાચો પડ્યો અને એવું જ બન્યું જેનો ડર અમિત મનમાં સેવતો હતો.
lll
‘એ પછી તો બધેબધું તમને લોકોને ખબર છે...’ વાતનું સમાપન કરતાં સુમને કહ્યું, ‘એ પછી મેં ક્યારેય અમિતે જોયો નથી. હા, એને શોધવાની બહુ કોશિશ કરી પણ અમિત જાણે કે હવામાં જ ઓગળી ગયો હોય એમ ક્યારેય એ સામે આવ્યો નહીં.’
‘હંમ...’ સંધ્યાએ પહેલી વાર લીંબુ પરથી નજર હટાવી મધુ સામે જોયું, ‘મધુ, તું ક્યારેય અમિતને મળ્યો છો?’
‘એક વાર...’ 
મધુએ સુમનથી નજર ચોરી, તેને ખબર હતી કે આ વાત સાંભળીને સુમનની આંખો ચોક્કસ મોટી થશે. આ જ સવાલ સુમને મધુને પૂછ્યો હતો અને મધુએ જવાબ નકારમાં આપ્યો હતો જ્યારે અત્યારે સંધ્યાએ પૂછ્યું ત્યારે તેણે અમિતને મળ્યાની કબૂલાત આપી હતી. માત્ર એ કબૂલાત જ નહીં, મધુ પાસેથી જે વાત જાણવા મળવાની હતી એ સુમન સહિત સૌકોઈને ગભરાવી મૂકે એવી હતી. 
‘એક વાર...’ નજર નીચી રાખીને જ મધુ બોલ્યો, ‘એને મારી મદદ જોઈતી હતી એટલે...’
‘શાની હેલ્પ?’
‘શહનાઝના છુટકારાની...’ મધુએ સંધ્યા સામે જોયું, ‘એ ઇચ્છતો હતો કે આપણે કોઈ વિધિ કરીએ જેથી શહનાઝનો છુટકારો થાય...’
‘આખી વાત કરને મૅડમને...’
તોડકરના અવાજમાં સહેજ તોછડાઈ ઝળકતી હતી.
‘એ દિવસે... ના, એ રાતે...’ મધુએ તરત સુધારો કર્યો, ‘મારા ઘરનું બારણું ખખડ્યું. બહાર બહુ વરસાદ હતો, એવો વરસાદ કે માણસ પાંચ મિનિટ પણ બહાર રહી શકે નહીં. એક હાથ દૂરનું પણ દૃશ્ય દેખાતું નહોતું અને એવામાં દરવાજો ખખડ્યો એટલે હું બારણું ખોલવા ગયો, પણ બહાર કોઈ નહોતું.’
lll
‘કોણ છે?’
બહાર કોઈ દેખાયું નહીં એટલે મધુએ દરવાજો બંધ કર્યો પણ જેવો દરવાજો બંધ કર્યો કે ફરી ખખડ્યો અને તેણે ફરી વખત ખોલ્યો. ફરી એ જ પરિસ્થિતિ. બહાર કોઈ નહીં એટલે મધુએ આજુબાજુમાં નજર કરીને રાડ પાડી.
‘શું કામ છે?’
કોઈ જવાબ મળ્યો નહીં એટલે મધુએ થોડી ક્ષણો રાહ જોઈ અને પછી ફરીથી દરવાજો બંધ કર્યો. આ વખતે દરવાજાને તેણે સ્ટૉપર પણ હજી મારી નહોતી ત્યાં જ ફરીથી દરવાજો ખખડ્યો.
ઠક... ઠક... ઠક...
મધુ એમ જ ઊભો રહ્યો અને તેણે અવાજ ચકાસ્યો.
માણસ મારે એવા જ ટકોરા એ હતા, પણ એમ છતાં મધુ ત્યાં જ ઊભો રહ્યો અને ફરી ટકોરાની રાહ જોઈ. દરવાજે ટકોરા પડ્યા નહીં એટલે મધુએ પગ ઉપાડ્યો પણ જેવો એ પલંગ પર બેસવા ગયો કે તરત જ દરવાજે ફરી ટકોરા પડ્યા.
મધુ ત્વરા સાથે ઊભો થયો અને એકઝાટકે તેણે દરવાજો ખોલી નાખ્યો.
‘કૌન?!’
આ વખતે મધુનો અવાજ મોટો હતો અને એમાં ઉગ્રતા પણ હતી.
પહેલાં ડાબે અને પછી જમણે નજર કર્યા પછી પણ મધુને કોઈ દેખાયું નહીં એટલે મધુએ દરવાજો બંધ કરવા માટે બન્ને બારણાંઓ અંદરની તરફ ખેંચ્યાં અને એ જ સમયે તેનું ધ્યાન તેના ઘરની એક્ઝૅક્ટ સામે છત્રી લઈને ઊભેલા માણસ તરફ ગઈ. ઘરનાં બારણાં અને એ વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું પચાસ ફીટનું અંતર હતું અને વરસાદનું જોર એવું હતું કે એ વ્યક્તિની આકૃતિ સિવાય બીજું કશું દેખાતું નહોતું. એ આકૃતિ પણ ધૂંધળી અને આછી હતી.
મધુ એમ જ ઊભો રહ્યો અને તેણે તેને જોવાનું ચાલુ કર્યું. એ વ્યક્તિનું ધ્યાન રસ્તા પર હતું. તેણે દરવાજે ટકોરા માર્યા હોય અને એ પછી દોડીને તે સામેની બાજુએ ઊભો રહી ગયો હોય એવી સંભાવનામાં છોકરમત સિવાય કશું હતું નહીં એટલે મધુએ વધુ એક વાર ઘરની ડાબી અને જમણી બાજુએ જોયું પણ કોઈ દેખાયું નહીં. જિજ્ઞાસા સાથે મધુએ દરવાજો બંધ કરવાની તૈયારી કરી પણ એ જ સમયે બહારની સાઇડથી એવી રીતે બન્ને બારણાં પકડાયેલાં રહ્યાં જાણે કે બહારથી કોઈએ એને અટકાવી રાખ્યાં હોય.
મધુએ જોર લગાવ્યું પણ સામેથી આવતા જોરના કારણે બારણાં બંધ થયાં નહીં. મધુએ પ્રયાસ છોડી દીધો અને બન્ને બારણાં ખોલી નાખ્યાં. મધુને અણસાર આવ્યો કે કોઈ તો એવું છે જે અત્યારે તેને સંદેશો આપવા માગે છે.
મધુએ દરવાજા ખુલ્લા રાખીને બહાર નજર પાથરી રાખી.
રસ્તાની સામેની સાઇડ ઊભેલી વ્યક્તિની નજર મધુના ઘર તરફ હતી પણ નહીં. એ વ્યક્તિ રસ્તા પરથી પસાર થતાં વાહનોને લિફ્ટ માટે ઇશારા કરતી હતી પણ લિફ્ટ માટે કોઈ ગાડી ઊભી નહોતી રહેતી. ઑલમોસ્ટ દસ મિનિટ સુધી મધુ એ વ્યક્તિને જોતો રહ્યો પણ એ વ્યક્તિએ આ ઘર તરફ ધ્યાન પણ આપ્યું નહીં અને એ સમય દરમ્યાન કોઈ વ્યક્તિ ઘરની આસપાસ પણ દેખાયું નહીં.
વરસાદ જોર ઘટાડવાનું નામ નહોતો લેતો, એનું જોર લગભગ એ જ રહ્યું જે કલાક પહેલાં હતું. રસ્તા પર પાણી ભરાવા માંડ્યાં હતાં. મધુનું ઘર જમીન કરતાં એક ફુટ ઊંચું હોવાથી ઘરમાં પાણી આવ્યું નહોતું પણ જો વરસાદ આમ જ ચાલુ રહે તો આવનારા અડધા કલાકમાં પાણી ઘરમાં ઘૂસે એવી પૂરી સંભાવના હતી.
મધુના મનમાં અચાનક જ દયા આવી. તેણે ત્યાં જ ઊભા રહીને પેલા માણસને રાડ પાડી. જોકે વરસાદનું જોર એવું હતું કે મધુનો અવાજ એ વ્યક્તિ સુધી પહોંચ્યો નહીં. એ વ્યક્તિના હાવભાવમાં કોઈ ચેન્જ આવ્યો નહીં એટલે મધુએ બીજી વાર રાડ પાડી.
નિરર્થક.
એ માણસ રસ્તાની ડાબી અને જમણે બાજુએ જોતો એમ જ ઊભો રહ્યો.
મધુનું ઘર માથેરાન તરફ જતાં રસ્તામાં આવતા કર્જત ગામમાં પ્રવેશ કરતા રસ્તા પર પડતું હતું જે રસ્તેથી સામાન્ય રીતે વાહન ઓછાં પસાર થતાં. 
મધુના મનમાં અચાનક જ દયા જન્મી અને મધુએ તરત જ વિચાર કરી ઘરમાં પાછા આવીને છત્રી લીધી. છત્રી ખોલી મધુ ઘરની બહાર નીકળ્યો. બહાર જેટલું વરસાદનું જોર હતું એના કરતાં દસગણું જોર પવનનું હતું. પવન વચ્ચે છત્રીને સાચવવાનું કામ લગભગ અસંભવ હતું, મધુએ મહામહેનતે છત્રી પર કાબૂ જાળવ્યો. છત્રી પણ આડાઈ કરવાના પૂરેપૂરા મૂડમાં હોય એમ કાગડો બનવાની તૈયારીમાં લાગી. 
મધુએ એકાદ વાર છત્રીને સાચવવાની કોશિશ કરી પણ એ પછી પણ એ સચવાતી હોય એવું નહીં લાગતાં મધુએ છત્રી પડતી મૂકી. મનોમન નક્કી કર્યું કે દોડીને જ રસ્તાની સામેની સાઇડ ઊભેલી પેલી વ્યક્તિ પાસે જવું.
મધુએ છત્રી પડતી મૂકી અને ઊંડો શ્વાસ લઈ તેણે સાંબેલાધાર વરસતા વરસાદ વચ્ચે દોટ મૂકી. વરસાદની ઝાપટ તેને લાગતી હતી પણ મધુના મનમાં એક જ વાત હતી કે કોઈ પણ હિસાબે રસ્તાની સામેની સાઇડ પર રહેલી વ્યક્તિ સુધી પહોંચવું.
પહોંચ્યો પણ ખરો મધુ.
‘ભાઈ, સામે મારા ઘરે આવી જાઓ...’
વરસાદમાં પોતાની જાતનું છત્રીથી રક્ષણ કરતાં એ ભાઈએ મધુ સામે જોયું અને મધુની આંખો ફાટી ગઈ.
એ અમિત હતો.

વધુ આવતા શનિવારે

02 July, 2022 08:07 AM IST | Mumbai | Soham

અન્ય લેખો

મનોમન નક્કી કર્યું છે કે નિવૃત્તિ પછી બીજું કંઈ કરું કે નહીં, કુકિંગ જરૂર કરીશ

અઢળક સિરિયલોના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આતિશ કાપડિયાએ બનાવેલું ભોજન એક વાર ચાખો પછી બીજી વાર ન માગો તો જ નવાઈ. ભલભલા શેફ પણ જેમની રસોઈ સામે ઝાંખા પડી જાય એવા આતિશભાઈની કુકિંગની ટિપ્સ તમને સોએ સો ટકા કામ લાગશે

08 August, 2022 03:22 IST | Mumbai | Rashmin Shah

શિવજીને ચડાવાતાં બીલીપત્ર તાવ ઉતારવામાં અકસીર છે

શ્રાવણમાં શિવલિંગની પૂજામાં ત્રિદળ બીલીપત્ર વાપરવામાં આવે છે. આ પાન આમ તો બારે માસ ઔષધની ગરજ સારે એવાં છે. વાઇરલ ફીવરથી લઈને ડાયાબિટીઝ કે કૉલેસ્ટરોલ જેવાં લાઇફસ્ટાઇલ ડિસીઝમાં પણ એના ઔષધીય પ્રયોગો થઈ શકે છે

08 August, 2022 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બિલ્લીબાઈ તો પુરુષોને પણ લાગે વહાલી

દુનિયામાં કેટલાક એવા વિરલાઓ પણ હોય છે જેઓ ફક્ત વિકલ્પ જ નથી હોતા, પરંતુ ઉદાહરણરૂપ પણ હોય છે. ફાલ્ગુની જડિયા ભટ્ટ મળ્યાં કેટલાક એવા પુરુષોને જેઓ બિલાડીઓની મદદ કરવા કોઈ પણ હદ પાર કરવા હંમેશાં તૈયાર રહે છે

08 August, 2022 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK