મોનાએ વીસેક મિનિટ મેલિસ્કાના અવાજમાં મારી સાથે વાત કરી, પછી તે અનકૉન્શ્યસ થઈ ગઈ
ઇલસ્ટ્રેશન
‘ગાંવકર, એવું લાગે તો હવે બહુ ઇન્ક્વાયરી આગળ વધારવાની જરૂર નથી...’ પોલીસ-કમિશનરે ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘જે પ્રેશર હતું એ અત્યારે નથી અને બદનામી થવાની હતી એ થઈ પણ ગઈ... બીજા કેસ પર ધ્યાન આપો. મેલિસ્કા મર્ડરકેસની એક સમરી બનાવીને ફાઇલ સાઇડ પર કરો...’
‘જી સર...’
ADVERTISEMENT
ટાઇટ સૅલ્યુટ કરીને ઇન્સ્પેક્ટર ગાંવકર ચેમ્બરની બહાર નીકળ્યા.
જોકે મેલિસ્કા વિશેના વિચારો
હજી પણ તેમના મનમાંથી બહાર
નહોતા નીકળ્યા.
મેલિસ્કા મર્ડરકેસને ઑલમોસ્ટ છ મહિના પસાર થઈ ગયા હતા અને ઇન્ક્વાયરી દરમ્યાન કોઈ એક
ચોક્કસ તારણ પર પહોંચી નહોતું શકાયું. હા, એવું ચોક્કસ બન્યું હતું કે કેસના શંકાસ્પદ અનેક હતા, પણ ઇન્ક્વાયરી અને પુરાવાને આધાર બનાવીને જો જોવામાં આવે તો એ શંકાસ્પદ પણ શકના સર્કલમાંથી
બહાર થઈ જતા હતા.
ગાંવકરે કુલ ૧૪ શકમંદની આકરી પૂછપરછ કરી. પૂછપરછ દરમ્યાન એ સૌના મનની વિકૃતિઓ પણ બહાર આવી, પણ માનસિક વિકૃતિને આધીન થઈને કોઈએ મર્ડર સુધી પહોંચવાનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો એ પણ હકીકત હતી.
મેલિસ્કા મર્ડરકેસને ધીમેકથી શાંત પાડવા સિવાય હવે કોઈ છૂટકો નહોતો. અફકોર્સ, કોઈ કેસ ક્યારેય બંધ નથી થતો હોતો. હા, એની પાછળ વાપરવામાં આવતી ઇન્ક્વાયરી ફોર્સને બીજી દિશામાં વાળી દેવામાં આવે એ પણ એક પ્રકારે તો કેસ બંધ કર્યા જેવો જ ઘાટ સર્જતો હોય છે.
lll
લોકસભા ઇલેક્શનના દિવસો શરૂ થયા અને આચારસંહિતા અમલી બને એ પહેલાં ઇન્સ્પેક્ટર ગાંવકરની ટ્રાન્સફર બોરીવલી કરવામાં આવી. ગાંવકર કામ પર પણ લાગી ગયા અને ધીમે-ધીમે મેલિસ્કા ફર્નાન્ડિસે તેના મન પરથી કબજો હળવો કરવાનું શરૂ કરી દીધું. અલબત્ત, ગાંવકરને ખબર નહોતી કે કઈ ઘડીએ આ મેલિસ્કા મૅડમ જાગવાનાં છે.
lll
‘યસ સ્પીકિંગ...’
રાતે દોઢ વાગ્યે આવેલો ફોન રિસીવ કરતાં ગાંવકરને નામ સાથે સંબોધવામાં આવ્યા એટલે તેમણે ઊંઘરેટિયા અવાજમાં જવાબ આપ્યો.
સામેથી તરત ઓળખ
આપવામાં આવી.
‘આઇ ઍમ ડૉ. સુધીર મહેતા...’ ડૉક્ટરે કહ્યું, ‘છેલ્લા એક વીકથી મારી વાઇફને સતત ધમકીના ફોન આવે છે. ધમકી આપનારો કહે છે કે જો એ
ફ્લૅટ ખાલી નહીં કરે તો તેનું મર્ડર કરવામાં આવશે.’
‘હં... તમારો એરિયા...’
‘પાર્લા...’
‘મારી ત્યાંથી ટ્રાન્સફર થઈ ગઈ છે... તમે હેલ્પલાઇન કે પાર્લા
પોલીસ-સ્ટેશનનો કૉન્ટૅક્ટ કરો.’
‘હા સર, પણ જો તમને યાદ
હોય તો મેં તમારાં વાઇફની ટ્રીટમેન્ટ કરી છે... જો શક્ય હોય તો તમે
હેલ્પ કરોને.’
‘આ ટાઇમે તમને કેવી હેલ્પ જોઈએ છે?’ કયા ડૉક્ટરે વાઇફની ટ્રીટમેન્ટ કરી છે એ યાદ કરવા મથતાં ઇન્સ્પેક્ટર ગાંવકરે પૂછી લીધું, ‘એવું હોય તો કાલે સવારે તમને રૂબરૂ મળવા આવી જઉં...’
‘પ્લીઝ, શક્ય હોય તો રાતે આવોને... હું તમને મારા ઘરનું લોકેશન સેન્ડ કરું છું...’
‘મોકલો... સવારે
વાત કરીશું.’
ગાંવકરે ફોન મૂકી દીધો અને સવાર પડતાં સુધીમાં તેને ડૉ. સુધીર મહેતા યાદ પણ આવી ગયા. એક સમયે વાઇફને બ્રેસ્ટ-કૅન્સરનો ડાઉટ હતો એ સમયે ડૉ. મહેતાનું કન્સલ્ટેશન લેવામાં આવ્યું હતું. થૅન્ક ગૉડ, જે ટ્યુમર હતું એ કૅન્સરનું નહીં પણ ફાઇબ્રૉસિસનું નીકળ્યું હતું.
ડૉ. મહેતાએ એક્ઝામિનેશન દરમ્યાન જ કહી દીધું હતું એટલે ગાંવકરને તેમના માટે થોડું માન પણ થયું હતું. શરૂઆતમાં તે તેમના કૉન્ટૅક્ટમાં રહ્યા હતા, પણ આજની ફાસ્ટ લાઇફ અને એ હાડમારીમાં ઉમેરો કરતું તેમનું પ્રોફેશન.
lll
‘જી સર... ફરમાવો, શું હતું?’
રાતે ડૉ. મહેતાની ઘરે પહોંચી ગયેલા ગાંવકરે પાંચેક મિનિટની
ફૉર્મલ વાતો પછી સવાલ કર્યો અને
ડૉ. મહેતાનો જવાબ સાંભળીને તે હેબતાઈ ગયા.
‘ઍક્ચ્યુઅલી, તમને કહ્યું એવી કોઈ હેલ્પની જરૂર નથી, પણ મારે એક કેસ વિશે વધારે જાણવું છે.’
‘કયા કેસ વિશે?’
‘મેલિસ્કા ફર્નાન્ડિસ
મર્ડરકેસ વિશે...’
‘સર, એ કેસ તો બંધ થઈ ગયો... ક્લિયર થતું જ નથી કે મર્ડરર
કોણ છે.’
‘બને કે તમને હું હેલ્પ કરી શકું...’ ડૉ. મહેતાએ કહ્યું, ‘તમને યાદ હોય તો મારી વાઇફ પણ ઑન્કોલૉજિસ્ટ છે... આપણે પહેલી વાર તેમના થ્રૂ જ મળ્યા હતા. તમારી ઇચ્છા નહોતી કે તમે ટ્રસ્ટની હૉસ્પિટલમાં ચેકઅપ કરાવો...’
‘રાઇટ... રાઇટ...’ ગાંવકરને
યાદ આવી ગયું, ‘હું નામ ભૂલી
ગયો તેમનું...’
‘ડૉક્ટર મોના મહેતા...’
‘રાઇટ...’ ગાંવકરે આજુબાજુમાં જોયું, ‘મૅડમ નથી દેખાતાં...’
‘તેની આજે નાઇટ-શિફ્ટ છે...’ ડૉ. મહેતા બાર પાસે પહોંચ્યા, ‘શું ફાવશે તમને? વૉડકા કે વ્હિસ્કી?’
‘વૉડકા... વિધાઉટ સૉફ્ટ ડ્રિન્ક...’
‘મોના ઘરે નહોતી એટલે જ તમને મળવા બોલાવ્યા છે...’
પેગ બનાવતાં ડૉ. મહેતાએ કહ્યું, ‘મારે તમને કેટલીક એવી વાત કરવી છે જે સાંભળીને તમને મારા પર હસવું આવશે...’
‘અરે, જરા પણ નહીં. તમારા જેવી વ્યક્તિ એવી વાત થોડી કરે...’
‘મને પણ એ જ વિચાર આવ્યો હતો...’ ઇન્સ્પેક્ટર ગાંવકરને પેગ
ધરતાં ડૉક્ટરે તેમની સામે જોયું,
‘મિસ્ટર ગાંવકર, મારી વાઇફમાં મેલિસ્કા આવે છે...’
પેગ માર્યા વિના જ ડૉક્ટરને નશો ચડવો શરૂ થઈ ગયો હોય એવું ગાંવકરને લાગ્યું. તેની વાત સાચી હતી. ગાંવકરને હસવું આવતું હતું, પણ તેણે કન્ટ્રોલ કર્યો હતો.
‘તમને કેવી રીતે એવું લાગે છે...’
‘જરા લાંબી વાત છે, ડીટેલમાં કહીશ તો તમને વધારે સારી રીતે સમજાશે.’
‘શ્યૉર...’ ગાંવકરે છૂટ લીધી, ‘આમ પણ ઘણા વખતથી કોઈ સારી હૉરર ફિલ્મ જોઈ નથી એટલે વાતો સાંભળવાની પણ
મજા આવશે...’
‘મને પણ એવું જ હતું...’
ડૉક્ટરે પહેલું સિપ મોઢામાં ભર્યું, બન્ને ગલોફાં સાથે દારૂ અફળાવ્યો અને પછી એ ઘૂંટ ગળા નીચે ઉતાર્યો.
‘બે મહિના પહેલાંની વાત છે...’
lll
‘મને આજે હૉરિબલ હેડેક છે...’ ડૉ. મોના મહેતાએ ઘરમાં આવતાંની સાથે જ પર્સનો કોચ પર ઘા કર્યો, ‘મારે ફૂડ પણ નથી લેવું, હું સૂઈ જઉં છું.’
હસબન્ડ મહેતા કંઈ કહે કે પૂછે એ પહેલાં તો મોના રૂમમાં ચાલી ગઈ.
મહેતાએ ધાર્યું હતું કે કપડાં ચેન્જ કરીને મોના બહાર આવશે. તેમણે વાઇફ બહાર આવે એની રાહ જોઈ, પણ દસ મિનિટ સુધી મોના બહાર આવી નહીં એટલે તે ઊભા થઈને રૂમમાં ગયા. રૂમનું દૃશ્ય જોઈને ડૉ. મહેતા હેબતાઈ ગયા.
lll
‘મોના... માય વાઇફ...’ અત્યારે પણ એ દૃશ્યનું વર્ણન કરતાં સુધીર મહેતાને ખચકાટ થતો હતો, ‘વૉઝ ટોટલી ન્યુડ... અને તે બેડ પર સૂતી હતી. તેનું આખું શરીર જકડાઈ ગયું હતું અને તેને ફિટ આવતી હોય એવું લાગતું હતું. હું તેની પાસે ગયો. મેં તેની પલ્સ ચેક કરી, જે નૉર્મલ હતી. મેં તેની આંખો જોઈ. એ ફાટી ગઈ હતી. મેં મોનાના ગાલને થપથપાવ્યા...’
ડૉ. સુધીર મહેતાના કપાળ પર બાઝી ગયેલાં પ્રસ્વેદબિંદુઓ ઘટનાની તીવ્રતાની ગવાહી પૂરતાં હતાં.
lll
‘મોના... મોના...’
‘મેલિસ્કા... મેલિસ્કા હિયર સર...’
‘કોણ મેલિસ્કા... મોના, એ મોના...’ સુધીર મહેતાએ ફરીથી મોનાના ગાલ થપથપાવ્યા, ‘આમ જો... મારી સામે જો...’
‘શી ઇઝ નૉટ હિયર... આઇ ઍમ હિયર... મેલિસ્કા...’
lll
‘એ સમયે મોનાનો અવાજ બદલાઈ ગયો હતો. મોના અને હું નૉર્મલ અંગ્રેજીમાં જ વાતો કરતાં હોઈએ છીએ એટલે તેનું ટોનેશન અને પ્રોનન્સિએશન પણ મને ખબર છે... પણ એ દિવસે મોનાનું ટોનેશન પણ ચેન્જ હતું અને એ ટિપિકલ અમેરિકન ઇંગ્લિશ બોલતી હતી, જે મારા માટે નવી વાત હતી.’
‘હં... પછી?’
‘એ રાતે મેલિસ્કા ઘણું બોલી, પણ ઑનેસ્ટલી મને કંઈ સમજાતું નહોતું...’ ડૉ. મહેતાએ કહ્યું, ‘અમે સાયન્સના લોકો... અમને આવી બધી વાતો કેવી રીતે મનમાં પણ આવે? લગભગ
વીસેક મિનિટ સુધી મેલિસ્કાના અવાજમાં મોનાએ મારી સાથે વાત કરી. એ પછી તે અનકૉન્શ્યસ થઈ ગઈ અને પાંચેક મિનિટમાં જ જાગી ગઈ.
તે જાગી એ પહેલાં મેં તેને બ્લૅન્કેટ ઓઢાડી દીધી હતી...’
lll
‘સુધીર, હું આમ...’ બ્લૅન્કેટની
નીચે નિર્વસ્ત્ર અવસ્થામાં સૂતેલાં
ડૉ. મોનાને પોતાને પણ આ અવસ્થાની શરમ આવતી હતી, ‘જસ્ટ ઇમેજિન, હું આટલી થાકી ગઈ હોઈશ...’
‘હં...’ ડૉ. મહેતાએ પૂછ્યું, ‘નાઓ, હાઉ આર યુ ફીલિંગ?’
‘ફાર... ફાર... બેટર...’ મોનાએ પોતાના નાઇટ ડ્રેસ તરફ હાથ કરતાં કહ્યું, ‘મને ગાઉન આપ અને તું
બહાર જા...’
lll
‘મેં એ રાતે મોનાની પાસે મેલિસ્કાનું નામ પણ ઉચ્ચાર્યું નહીં અને તે પણ કશું બોલી નહીં, પણ મારા મનમાં મેલિસ્કા ઘર કરી ગઈ. બીજા દિવસે ઑફિસ જઈને મેં મેલિસ્કા વિશે નેટ પર સર્ચ કર્યું તો મને તેના મર્ડરની ખબર પડી.’ મહેતાએ બીજો પેગ બનાવતાં કહ્યું, ‘નૅચરલી, સાયન્સ સાથે જોડાયેલો છું એટલે મેં વધારે ઇન્ક્વાયરી ન કરી અને અનુમાન લગાવી લીધું કે આ છોકરી વિશે મોના બહુ વિચારતી હશે એટલે મે બી ટ્રૉમા વચ્ચે તેને સ્પ્લિટ પર્સનાલિટીની અસર થઈ હશે... મેં નક્કી કર્યું કે મોનાને થોડા દિવસ વેકેશન લેવડાવી લેવું. મોનાએ વેકેશન લઈ લીધું અને મેં પણ... અમે આખો દિવસ સાથે રહેતાં, પણ તે ક્યારેય મેલિસ્કા કે તેના મર્ડરકેસ વિશે કોઈ વાત કરતી નહીં જે મારા માટે તાજુબની વાત હતી.’
ઑન-ધ-રૉક્સ જ બીજો પેગ પેટમાં ઠાલવી દીધા પછી ડૉ. મહેતાએ વાત આગળ વધારી.
‘પહેલી વાર બન્યાના પંદરેક દિવસ પછી ફરીથી એવું જ બન્યું અને એ પણ ડે-ટાઇમે... એ દિવસે અમે લોકો અમારા લોનાવલાના બંગલા પર હતા. ઘરમાં સર્વન્ટ સ્ટાફ પણ હતો અને મોના એ જ અવસ્થામાં રૂમમાં સૂઈ ગઈ જે અવસ્થામાં તે અહીં સૂતી હતી... વિધાઉટ ક્લોથ્સ.’ ડૉ. મહેતાએ કહ્યું, ‘મને હવે ખબર હતી કે મેલિસ્કાનું
ડેડ-બૉડી એ રીતે મળ્યું હતું એટલે કદાચ એની સાઇકોલૉજિકલ અસર... પણ એ સમયે પહેલી વાર મોનાએ એક નવી વાત કરી...’
lll
‘મોના... એ મોના... કમ
ઑન મોના...’
‘મેલિસ્કા... આઇ ઍમ મેલિસ્કા સર...’ મોનામાં પ્રવેશેલી મેલિસ્કાને સુધીર મહેતાના સ્પર્શમાં કોઈ વિકૃતિ દેખાતી નહોતી, ‘યુ આર જેમ ઑફ અ પર્સન સર...’
‘ઓકે... ઓકે...’ ડૉ. મહેતાએ મોનાના ગાલ થપથપાવ્યા, ‘હવે
સૂઈ જા...’
‘ના, ટીવી... ટીવી રિપેર કરવા આવશે હમણાં...’
lll
‘ફિશ...’
ગાંવકરની આંખો પહોળી થઈ. તેની આંખ સામે ઘટનાસ્થળેથી મળેલા પેલા નટ આવી ગયા જે કોઈ ઇલેક્ટ્રિક આઇટમના હોય એવું તેને પહેલી નજરે જ લાગ્યું હતું.
‘ડૉક્ટર મહેતા, આ... આ... ખોટું નથી, સાચું છે અને આ વાત મારા સિવાય કોઈને ખબર નથી...’ ગાંવકરનો બધો નશો ઊતરી ગયો હતો, ‘મારું પોતાનું ધ્યાન ટીવી તરફ ગયું નથી...’
ઇન્સ્પેક્ટર ગાંવકરે મસ્તક ધુણાવ્યું.
‘ઇટ્સ ઓકે... પછી શું થયું?’
(ક્રમશ:)

